ઇશ્વરે મનુષ્યને આપેલ જીવનમાં મૃત્યુ નિશ્ચિત છે, સાત વારમાંથી કોઈ પણ વારે તે આવે જ છે. તેને કોઈ ખાળી (અટકાવી) શક્તું નથી. પણ તેની બીકને ખાળી શકાય છે, અને તેને ટાળી પણ શકાય છે. અને તેનું (કળિયુગમાં) સાધન છે- પ્રભુનું-'નામ'- રામનામ.
મૃત્યુએ પ્રભુનો કાસદ (પટાવાળો-સેવક) છે. મનુષ્યના જન્મ સાથે જ પ્રભુનો આ કાસદ પ્રભુની ચિઠ્ઠી, (સમન) લઈને રવાના થઈ જ ગયેલો છે અને ક્યાંક છુપાઈને એ મનુષ્યના ખેલ જોયા કરે છે, અને પ્રભુનો 'સમન' બજાવવા, નિર્ધારેલી પળની રાહ જોઈ રહ્યો છે. જેવો સમય આવે એટલે મનુષ્યને બોચીમાંથી પકડીને કહે છે કે- 'બચ્ચુ હવે ચાલો'
મનુષ્યને મૃત્યુની બીક લાગે છે, કારણકે પાપ કરતી વખતે તે ડરતો નથી, પણ તે પાપની સજા ભોગવવાનો સમય આવે ત્યારે તે ડરે છે. અંતકાળે મનુષ્યને મૃત્યુની ગભરામણ થાય છે, એ ગભરામણ સાચે તો કાળ(મૃત્યુ)ની નથી, પણ તેણે કરેલા પાપની ગભરામણ છે. સામાન્ય વ્યવહારમાં નોકરીમાં લોકો ઉપરી અધિકારી કે સરકારની બીક રાખે છે. પણ એટલી પણ બીક તે ઇશ્વરની રાખતા નથી. પરિણામે તે દુઃખી થાય છે.
રામ-નામ મનુષ્યને નિર્ભય બનાવે છે. પ્રભુના નામનો આશ્રય એ મોટો આધાર છે. લોકો યાત્રામાં નીકળે અને ખિસ્સામાં થોડું નાણું હોય તો તેમને હિંમત રહે છે. તેમ, જો રામ-નામનું નાણું ખિસ્સામાં (મનમાં)હોય તો સંસારની યાત્રામાં કેટલી રાહત રહે ?
મર્યાદાદર્શન
રામજી પુરુષોત્તમ છે. અને રામાયણ એ મર્યાદા સંહિતા છે. રામજીએ પૃથ્વી પર પ્રગટ થઈને મનુષ્યોને મર્યાદાઓનું દર્શન કરાવ્યું છે. મનુષ્ય ગમે તે સંપ્રદાયમાં માનતો હોય કે, કોઈ પણ દેવ-દેવી કે ભગવાનમાં માનતો હોય, પણ રામજીના જેવી મર્યાદાનું પાલન કે, રામજીના જેવું વર્તન ના રાખે ત્યાં સુધી, ભક્તિ સફળ થતી નથી, ભક્તિનો આનંદ મળતો નથી. બાકી તો મનુષ્યને થોડી સંપત્તિ યશ, અધિકાર મળે એટલે મર્યાદા ભૂલી જાય છે. રામજીનું ચરિત્ર એવું પવિત્ર છે કે તેમના 'નામ'નું સ્મરણ કરતાં મનુષ્ય પવિત્ર થઈ જાય છે. વર્તન રાવણ જેવું નહિ પણ રામજીના જેવું રાખવામાં આવે, અને રામ-નામનો જપ કરવામાં આવે તો, તાળવામાંથી અમૃત ઝેર છે.
ઉચ્ચ આદર્શો
શ્રીરામનો અવતાર રાક્ષસોનો સંહાર માટે થયો નથી. પણ મનુષ્યોને ઉચ્ચ આદર્શો બતાવવા માટે થયો છે. રામજી સર્વ સદગુણોનો ભંડાર છે. પોતે પરમાત્મા હોવા છતાં તેઓ સામાન્ય જીવનની બધી મર્યાદાઓનું બરાબર પાલન કરે છે. એટલે જ વાલ્મીકિને શ્રીરામની સાથે સરખાવવા જેવું કંઈ જડતું નથી. તેમણે ખૂબ વિચાર કર્યો કે રામને કોની સાથે સરખાવું ? રામને શી ઉપમા આપું ? પણ કોઈ ઉપમા જડી નહિ. ત્યારે કહે છે કે- 'રામના જેવા જ રામ છે.' રામ-રાવણનું યુધ્ધ પણ મર્યાદાઓના પાલન સાથેનું એવું નીતિ-શુદ્ધ છે, કે વાલ્મીકિજી કહે છે કે- રામ-રાવણનું યુદ્ધ તો રામ-રાવણના યુદ્ધ જેવું જ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m6OqSf
ConversionConversion EmoticonEmoticon