ભક્તિ સહેલી નથી .


ભક્તિને ઘણા લોકો સહેલી માને છે પણ તે એટલી બધી સહેલી પણ નથી. આ તો 'શિર સાટે નટવર ને વરવા' ની વાત છે. પ્રભુને શિર દઈ દીધું- પછી ધડને ચલાવવાની જવાબદારી નટવરને હાથ છે. શિર-સાટાની ભક્તિમાં મરણનો ડર નથી, દુઃખનો ડર નથી. મરીને જીવે અને જીવીને મરે એ ખરો શૂરવીર છે. એ ખરો ભક્ત છે. તેની ભક્તિએ તેનું પ્રમાણ છે. મરણનું મરણ એ જ મુક્તિ છે. ભક્તિથી મનને પ્રભુમાં જોડી દીધું એટલે મનની મુક્તિ થઈ. મનની મુક્તિ થઈ એટલે જીવની પણ મુક્તિ થઈ.

માટે જ રોજ પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે- હે પ્રભુ, મારું મન તમારા સિવાય જગતના કોઈ પદાર્થમાં ના લાગે. હે નાથ, તમે મારા મનને ખેંચી લો, મારા મનને તમારામાં ભેળવી દો. આપણું મન પથ્થરના જેવું પૂર્ણ જડ નથી, પણ અર્ધ ચેતન અને અર્ધ જડ છે. જરા સંકલ્પ કરવામાં આવે તો મન હજારો માઈલ દૂર જઈ આવે છે. મનનો લય તો માત્ર ઇશ્વરમાં જ થઈ શકે છે. કારણકે સજાતીય વસ્તુ સજાતીયમાં ભળે છે. દૂધમાં ખાંડ ભળે તેમ દુઃખમાં કાંકરો ભળી શકે નહીં. જે ક્ષણે ક્ષણે સરી જાય છે તે સંસાર છે, સંસારનો પ્રત્યેક પદાર્થ નાશવંત છે, મન તેમાં ભળી શકે નહીં. મન તો માત્ર ઇશ્વરમાં જ ભળે, તેમના સિવાય બીજી કોઈ વસ્તુમાં મન ભળતું નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kfoWS2
Previous
Next Post »