જેમ સૂર્યનો પ્રકાશ અંધકારને મીટાવી દે છે તેમ ધર્મનો પ્રકાશ પાપોને મીટાવી દે છે


જૈ ન શ્રમણ-શ્રમણી ભગવંતોની નિત્ય આરાધનાની વિધિનું એક સૂત્ર છે ' સંથારાપોરિસી.' એ સૂત્રપાઠ વિના એક પણ સાધુ-સાધ્વીજી રાત્રિશયન ન કરે. એમાં એક મજાનો પાઠ છે 'ચત્તારિ મંગલ' નો. આત્મકલ્યાણનાં ચાર ઉત્તમ સાધનોનો એમાં સરસ નિર્દેશ છે. એ ચાર પૈકી એક સાધન દર્શાવાયું છે ધર્મ.

એમ માની લેવાની જરા ય જરૂર નથી કે જૈનપરંપરાનું એ સૂત્ર હોવાથી, આત્મકલ્યાણની સાધનરૂપ ધર્મ તરીકે એ જૈન ધર્મને જ પ્રસ્થાપિત કરી દેવા ચાહે છે. વસ્તુત: જૈન પરંપરાના દાર્શનિક તત્વચિંતકોનો અભિગમ એટલો ઉદાર અને યુક્તિસંગત છે કે તેઓ ' અમારો જ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે' આવું પ્રતિપાદન કરે છે. જેમ કે 'યોગસાર' નામે ગ્રન્થમાં આ પદાર્થ બહુ સ્પષ્ટપણે પ્રસ્તુત કરાયો છે કે:-

સ્વસ્વદર્શનરાગેણ, વિવધ્નતે મિથો જના ;

સર્વથૈવાત્મનો ધર્મ, મન્યન્તે ન પરસ્ય તુ.

યત્ર સામ્યં સ તત્રૈવ, કિમાત્મપરચિન્તયા ?

જાનીત તદ્વિના હંહ, નાત્મનો ન પરસ્ય ચ.

ભાવાર્થ કે 'પોતપોતાના ધર્મ પ્રત્યેના રાગથી મૂઢ લોકો પરસ્પર વિખવાદ કરે છે અને પોતાના જ ધર્મને એક માત્ર સાચો માની બીજાના ધર્મને ધર્મ જ નથી માનતા. પરંતુ હકીકત એ છે કે જ્યાં રાગ-દ્વેષના ઉપશમ કે ક્ષયરૂપ સમતા છે ત્યાં જ સાચો ધર્મ છે. પછી ત્યાં પોતાનો ધર્મ કે અન્યોનો ધર્મ એવા વિચાર-ચિંતા કરવાની જરૂર નથી. જો સમતા નથી તો પોતાનો યા અન્યોનો કોઈ ધર્મ વાસ્તવમાં ધર્મ નથી.' જૈન દર્શનના તત્ત્વચિંતકોનું ઉદાર દૃષ્ટિબિંદુ આ નિરૂપણમાં કેવું અદ્ભુત પ્રતિબિંબિત થાય છે ?

આવો ઉદાર-ઉમદા અભિગમ ધરાવતા જૈન તત્ત્વચિંતકોએ આત્મકલ્યાણનાં ચાર પૈકી એક સાધનરૂપે 'ધર્મ'ને જ્યાં સ્થાન આપ્યું છે ત્યાં એક રમણીય વાક્યપ્રયોગ કર્ય છે કે 'ધમ્મં સરણં પવજ્જામિ'. મતલબ કે હું મારાં આત્મકલ્યાણ માટે ધર્મનું શરણ સ્વીકારું છું. એ ધર્મ પ્રવૃત્તિનાં સ્તરે વિવિધ વ્રત-તપ- જપ- આરાધનાદિરૂપે હોય અને વૃત્તિનાં સ્તરે રાગ-દ્વેષનાં શમનરૂપે હોય.

સવાલ એ થાય કે જીવનમાં ધર્મનું શરણ સ્વીકારવાથી- ધર્મને સ્થાન આપવાથી શા લાભો થાય ? ઉત્તરરૂપે આંતર-બાહ્ય ઘણા ઘણા લાભો ગણાવી શકાય. છતાં નજરે તરી આવે તેવા મુખ્ય ત્રણ લાભો આપણે વિચારીએ:

૧) પાપથી બચાવે. જેઓ જીવનમાં સમજપૂર્વક ધર્મને સ્થાન આપે છે તેમનું અંતઃકરણ પાપથી ભીરુ હોય. એટલે કે બનતી શક્યતાએ તે પાપ કરવાથી દૂર રહે અને અનિવાર્યપણ કોઈ પાપપ્રવૃત્તિ કરવી જ પડે ત એ વ્યક્તિનું અંતર ડંખતું હોય. પાપ કરવામાં એને આનંદ ન આવે, બલ્કે પારાવાર ખેદ-પશ્ચાત્તાપ હોય. ઉદાહરણરૂપે આપણે અહીં ટાંકીએ સમ્રાટ અકબરનો એક જીવન-પ્રસંગ. સ્વયં મુસ્લિમ એ બાદશાહ જીવનના અમૂક તબક્કા સુધી ભયાનક હિંસામાં રાચતો હતો. એટલે સુધી કે નાસ્તામાં પાંચસો-પાંચસો ચકલાની જીભમાંથી ચટણી બનાવી આરોગતો હતો. પરંતુ જગદ્ગુરુ જૈનાચાર્ય શ્રીમાન હિરવિજયસૂરીશ્વરજી મહારાજના સત્સંગથી ધર્મોપદેશ શ્રવણથી જ્યારે એને સમજાયું કે હિંસા-જીવહત્યા ભયાનક પાપ છે ત્યારે એણે પોતાનાં વિશાલ સામ્રાજ્યમાં, વર્ષમાં છ માસ સંપૂર્ણ હિંસાબંધી કરાવી.

વ્યક્તિગત જીવનમાં પણ સમ્રાટે કેવી અહિંસા અપનાવી હતી તે જગદ્ગુરુ સૂરીશ્વર અને સમ્રાટ વચ્ચેના એક વાર્તાલાપમાં નિહાળવા મળે છે. શેખ અબુલફઝલના મહેલમાં બન્ને વચ્ચે થયેલ ધર્મચર્ચા દરમ્યાન સમ્રાટ અકબરે શ્રી હીરવિજ્યસૂરીશ્વરજીમ.ને આ શબ્દ કહ્યા હતા કે: 'ગુરજી ! હું ખુલ્લા દિલથી સ્પષ્ટ કહું છું કે મેં એક વર્ષમાં છ મહિના માંસ ખાવું છોડી દીધું છે અને જેમ બનશે તેમ સર્વથા માંસાહાર છોડી દેવાને બનતા પ્રયત્નો કરતો રહીશ.' તો પ્રસિધ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મીથે એના પુસ્તકમાં નોંધ્યું છે કે: 'પાછલી જિંદગીમાં બાદશાહ જ્યારથી જૈનોના સમાગમમાં આવ્યો ત્યારથી એણે માંસભોજન સર્વથા છોડી દીધું હતું.' જીવનમાં ધર્મને જો સમજપૂર્વક સ્થાન અપાય તો એ વ્યક્તિને પાપથી કેવો બચાવે તે આ ઐતિહાસિક ઘટના પરથી સમજાય છે.

૨) સન્માર્ગમાં ટકાવે- જીવનને આત્મોન્નતિ તરફ લઈ જાય તેવો સાચો માર્ગ- સન્માર્ગ મળી જવો જેટલી મુશ્કેલ બાબત છે, એથી ય મુશ્કેલ બાબત પ્રલોભનોની લપસણી ભૂમિ પર સાવધાની દાખવી સન્માર્ગથી ચલિત ન થવું તે છે. જીવનમાં ધર્મને જ્યારે સમજપૂર્વક સ્થાન અપાય ત્યારે એનું બીજું સરસ પરિણામ આ મળે છે કે પ્રલોભન સામે લલચાયા વિના સન્માર્ગ પર ટકી શકાય. ઉદાહરણરૂપે અહીં તેઓ પરદેશ જવાના હતા ત્યારે એમની માતા એમને બાજુનાં સ્થાનમાં રહેલ જૈન ધર્મગુરુ પાસે લઈ ગઈ હતી. એટલા માટે કે પરદેશનાં મુક્ત વાતાવરણમાં દીકરો ભ્રષ્ટ ન થઈ જાય. એ જૈન શ્રમણે પાયાની કેટલીક વાતો સમજાવી ત્રણ નિયમો આપ્યા જેને ગાંધીજીએ સહર્ષ સ્વીકાર્યા. આ નિયમોએ જ પરદેશમાં કસોટીની ક્ષણોએ ગાંધીજીને અણિશુધ્ધ રાખી સન્માર્ગે ટકાવ્યા.

૩) સદ્ગતિ અપાવે: 'ધર્મ'ની સાચી લાક્ષણિકતા જ આ છે કે એ જીવોને દુર્ગતિથી બચાવીને સદ્ગતિ-સિદ્ધિગતિની પ્રાપ્તિ કરાવે. એથી જ કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચન્દ્રાચાર્યે એમના 'યોગશાસ્ત્ર' ગ્રન્થમાં 'ધર્મ' શબ્દની વ્યુત્પન્ન વ્યાખ્યા કરતા લખ્યું છે કે: 'દુર્ગતિપ્રપતત્પ્રાણિ- ધારણાદ્ ધર્મ ઉચ્ચતે.' ધારણ કરે તે ધર્મ આ છે વ્યાકરણદૃષ્ટિએ- ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ 'ધર્મ' શબ્દની વ્યાખ્યા. એને પરિષ્કૃત કરીને વાસ્તવિક સ્પર્શ આપતા હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્રની પૂર્વોક્ત પંક્તિ દ્વારા બિલકુલ વાસ્તવિક-સચોટ વ્યાખ્યા આવી કરી કે ' દુર્ગતિમાં પડી રહેલા જીવોને ધારણ કરે બચાવી લે તે છે ધર્મ. મતલબ કે ધર્મ દુર્ગતિથી જીવોને બચાવે અને સદ્ગતિ-સિદ્ધિગતિ અપાવે. આપણે આ વ્યાખ્યાનું જરા વિશ્લેષણ કરીએ:

એક વ્યક્તિ બેફામ હિંસા- બળાત્કારો- દુરાચારો- ભ્રષ્ટાચારો- હડહડતાં જુઠણાં જેવી દુષ્પ્રવૃત્તિઓ કરે તો આ ગલત પ્રવૃત્તિઓથી બંધાતા દુષ્કર્મોનાં ફળરૂપે એને દુર્ગતિ જ મળે. એ જ વ્યક્તિ જો જીવનમાં સમજપૂર્વક ધર્મને સ્થાન આપે તો એ ધર્મ એને આ બધી દુષ્પ્રવૃત્તિઓથી દૂર કરી જીવદયા- સદાચાર- નીતિમત્તા- સત્યપ્રિયતા જેવી શુભ પ્રવૃત્તિ તરફ વાળે. એનાથી બે પરિણામ મળે: દુષ્પ્રવૃત્તિઓ અટકવાથી દુર્ગતિ અટકે અને શુભ પ્રવૃત્તિઓ પ્રગટવાથી સદ્ગતિ તેમજ પરંપરાએ સિદ્ધિગતિ મળે. માટે એમ ચોક્કસ કહી શકાય કે ધર્મ સદ્ગતિ- સિદ્ધિગતિ અપાવે. આપણે આ સંદર્ભમાં યાદ કરીએ જૈન ગ્રન્થોમાં ઉપલબ્ધ ગૂર્જરેશ્વર સમ્રાટ કુમારપાલનો પૂર્વભવ.

પૂર્વજન્મમાં એ નરવીર નામે પલ્લીપતિ ડાકુ હતો. જંગલમાર્ગે પસાર થતાં અનેક સાર્થો પ્રવાસીઓ પર હુમલા કરી હિંસા- લૂંટફાટ દ્વારા એ જીવનનિર્વાહ કરતો. એક વાર એણે આ રીતે એક વ્યાપારીને લૂંટી તો લીધો. પરંતુ માથાફરેલ વ્યાપારીએ પ્રતિશોધરૂપે રાજાના સૈન્યની મદદ લઈ નરવીરની સમગ્ર પલ્લી ખતમ કરી નાંખી. જીવ બચાવવા ભાગી છૂટેલ નરવીરને માર્ગમાં યશોભદ્રસૂરિજી નામે જૈનચાર્ય મળી ગયા. એમના ઉપદેશથી એને મારધાડ- લૂંટફાટભર્યા જીવન પર તિરસ્કાર જાગ્યો. એણે તમામ અવળા ધંધા છોડીને નીતિમય જીવન જીવવાનો નિર્ધાર કર્યો.

ક્રમશ: નરવીર એકશિલાનગરના જૈન શ્રેષ્ઠી આઢરના ઘરે સેવકરૂપે રહ્યો. મહેનતનું જીવન અને પરસેવાની કમાણી પર જીવનનિર્વાહ: આ એની જીવનશૈલી બની ગઈ. શ્રેષ્ઠી એને નિત્ય પોતાની સાથે પ્રભુપૂજા સમયે જિનમંદિરે લઈ જતા. નિત્યના આ સંસ્કારોથી એને એકવાર સ્વદ્રવ્યથી પ્રભુપૂજાના મનોરથ પ્રગટયા.  એણે પોતાના પગારની પાંચ કોડીમાંથી અઢાર પુષ્પો ખરીદી ભાવથી પ્રભુપૂજા કરી.

આ ધર્મારાધનામાં એ એવા ઉત્તમ ભાવ જાગ્યા કે મૃત્યુ પછીના ભાવમાં એ ગુર્જરેશ્વર સમ્રાટ કુમારપાલ થયો અને અઢાર પુષ્પોથી કરેલ પૂજાના પુણ્યપ્રભાવે અઢારદેશનો માલિક થયો. એ ભાવમાં ય એણે એવી ઉત્તમ ધર્મસાધના કરી કે તે પછીનાં બીજા ભવે એ સિદ્ધિગતિ પામશે. ક્યાં દુર્ગતિમાં જ જવાય એવું ડાકુનું હિંસક જીવન અને ક્યાં આ સદ્ગતિ-સિદ્ધિગતિની પ્રાપ્તિ ! જીવનમાં સમજપૂર્વક અપનાવાયેલ ધર્મનાં કારણે જ આ શક્ય થયું.

પણ.. સબૂર ! એક વાત ખાસ ખ્યાલમાં લેવા જેવી છે કે ઔષધની તાકાત ચાહે તેવી પ્રબળ હોય તો ય એ જો પ્રદૂષિત-ભેળસેળયુક્ત હોય તો જેમ કામિયાબ નથી નીવડી શક્તું, તેમ ધર્મની તાકાત ઉપર દર્શાવ્યા મુજબ ચાહે તેવી પ્રબળ હોય તો ય એ જો પ્રદૂષિત- અશુદ્ધ હોય તો એની તાકાત પણ પૂરેપૂરી પામી શકાતી નથી. કઈ બાબતો ધર્મસાધનાને પ્રદૂષિત બનાવે અને કઈ બાબતો એને શ્રેષ્ઠ બનાવે. એનું સરલ વિશ્લેષણ કુલ છ બાબતો દ્વારા આગામી ત્રણ લેખમાં આપણે કરીશું. અત્યારે અહીં લેખસમાપ્તિ કરતાં આપણે એ જ કહીશું કે' જેમ સૂર્યનો પ્રકાશ અંધકાર મીટાવી દે છે તેમ ધર્મનો પ્રકાશ પાપોને મીટાવી દે છે.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35IhyIT
Previous
Next Post »