કુમકુમ મંદિરના સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો 100મા વર્ષમાં મંગલ પ્રવેશ

- શાસ્ત્રો અને અનેક સાધનાઓમાં ભૂલા પડેલા માનવીઓને સાચો માર્ગ ચીંધી આત્યંતિક મોક્ષની વાટ બતાવી શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે.


વે દકાળથી આરંભીને ભારતને એક રાખનાર, ઉન્નતિના માર્ગે પ્રેરિત કરનાર સંત- સંગતનો નાદ સર્વત્ર વ્યાપ્યો હતો. સૌને સત્સંગ-સદાચાર-કથાનું પ્રેરક બોધવચનોનું વ્યસન હતું. ઘરોઘર વેદો, ઉપનિષદોના પાઠ કરવાનું ગૌરવ હતું. અનેક સ્ત્રોત્રો કે વિભિન્ન શ્લોકાષ્ટકોથી ભારત વર્ષની ભક્તિભરી સવાર ઉગતી, કે પછી પવિત્ર બનેલી સંધ્યા ઢળી જતી હતી.

જ્યારે આજે આપણે પરિવર્તના કેવા વળાંક પર આવીને ઉભા છીએ ? જ્યાં પૂર્વનું સોનું વીસરાતું જાય છે, અને પશ્ચિમથી આવતી રેતની ડમરીઓએ આપણી  આંખો ઢાંકી દીધી છે.

ત્યારે આજના માનવને જરૂર છે સવળા વિચારોની. ઉમંગના ઓક્સિજનની. ઉત્સાહના ટોનિકની અને સદ્પ્રેરણાના ઊજણની ! આ બધું જ કોણ પૂરું પાડી શકે છે ? તેનો એક જ જવાબ છે. ભગવાનના સાક્ષાત્કારવાળા સંત.

અવનિ ઉપરના અંધારા ઉલેચે તેને સૂર્ય કહેવાય છે. તો ઉરના અંધારા ઉલેચે તેને સંત કહેવાય છે. અનેકના ઉરના અંધારા ઉલેચનાર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્યારા અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ સંત તરીકેની જેમને દીક્ષા અર્પી છે તેવા સંત એટલે સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી. જેઓ હાલ શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર- અમદાવાદના મહંત પદે રહીને જનસમાજની વિધ-વિધ પ્રકારે સેવા કરી રહ્યા છે.

જેમણે પોતાનું સો વર્ષનું આયખું સદાચારનાં, ધર્મના, ભક્તિનાં વૈરાગ્યનાં, જ્ઞાાનનાં બી વાવવાં ગામડે- ગામડે- ખેતરે-ખેતરે - ઝૂંપડે- ઝૂંપડે ઘૂમીને વિતાવ્યું છે.

ભારતીય સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારને પ્રસારનું કાર્ય કરવામાં માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સાથે સંવત ૧૯૪૮ આફ્રિકા પધારી સેવા અર્પી છે. ભારતમાં ઠેર-ઠેર સંસ્કૃતિના આધાર સ્તંભો સમા મંદિરોના પાયા નાંખવા માટે કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને જમ્યા છે અને ઉઘાડા પગે ધોમધખતા તાપમાં માથે પોટલા ઉપાડીને ઘૂમ્યાં છે અને સત્સંગની અહેલક વગાડી છે. 

શાસ્ત્રો અને અનેક સાધનાઓમાં ભૂલા પડેલા માનવીઓને સાચો માર્ગ ચીંધી આત્યંતિક મોક્ષની વાટ બતાવી શ્રી સ્વામિનારાયણ ભગવાનના શાશ્વત સુખમાં જોડવાના ભગીરથ કાર્યને જ જેમને પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે.

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી કચ્છના સંત જીવનપ્રાણ બાપાશ્રીના મનુષ્ય સ્વરુપના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરેલા હોય તેવા તેઓ હાલ એકમાત્ર સંત છે. જેમણે સંતની દીક્ષા ગ્રહણ કરી ત્યારે વચનામૃતના આચાર્ય સદ્.શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામી હૃદય સરસા ચાંપીને બોલ્યા હતા કે, હવે મારી છાતી ઠરી.

અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સેવા અર્પી ત્યારે તેમની સાથે રહીને મંત્રી તરીકે રહીને સમાજનું ઘડતર કરનાર સાધુ-સંતોને એક મંચ ઉપર એકત્ર કરી સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવામાં પણ તેઓ અગ્રેસર રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના ત્યાગી સંતોના જે નિયમો છે અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ રચેલ ત્યાગીના બંધારણના સિધ્ધાતો છે તેને સાચવાના માટે તેઓ વજ્રથી પણ કઠોર બન્યા છે. તેથી જ તેમને સૌ સિધ્ધાંતનિષ્ઠ સંત તરીકે ઓળખે છે. અને તે સિંધ્ધાતોને સાચવવા માટે જ તેમણે અમદાવાદના મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમની સ્થાપના કરી છે.

સાહિત્ય ક્ષેત્રે તેમણે શ્રી અબજીબાપા ચરિત્રામૃત સાગર, સત્સંગ સુધારસ, હૈયાંના હસ્તાક્ષર, શ્રી હરિની સર્વોપરીતા જેવા ગ્રંથો રચીને તેમણે માનવીના નૈતિક મૂલ્યો અને માનવ જીવનના ધ્યેય ઉપર પ્રકાશ પાથર્યો છે.

આવા વિરલ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર- અમદાવાદ ખાતે બિરાજે છે. તેમણે સંતની દિક્ષા ગ્રહણ કરી તેને ૭૯ વર્ષ થયા છે. તા.૩૧ ઓકટોમ્બરને શરદ્પૂર્ણિમાના પાવન દિવસે તેઓ ૧૦૦મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે ત્યારે આપણે સહુ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણકમળોમાં પ્રાર્થના કરીએ કે, તેઓને સ્વસ્થ દીર્ઘાયુ અર્પે જેથી જનસમાજને તેમના દર્શન અને જ્ઞાાનનો લાભ વધુને વધુ પ્રાપ્ત થતો રહે.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TB7rA1
Previous
Next Post »