લક્ષ્મણ ! ભરત તરફથી આટલો ભય શા માટે ?


વ નથી આચ્છાદિત હરિયાળા પાવન ચિત્રકૂટ પર્વત પર પર્ણકુટિ બાંધીને વસતા રામ, સીતા અને લક્ષ્મણને ભીલોએ જ્યારે કહ્યું કે અયોધ્યાના રાજકુમાર ભરત અને શત્રુધ્ન એમની ચતુરંગિણી સેના સાથે આવી રહ્યા છે, ત્યારે લક્ષ્મણનો સાહજિક રોષ આપોઆપ પ્રગટ થઈ ગયો. એ વિચારે છે કે ભરતનો વૈરાગ્ય એ માત્ર દંભ- આડંબર હતો.

એણે તો પોતાની જન્મદાત્રી કૈકેયી સાથે પહેલેથી જ પ્રપંચ રચ્યો હતો. એનું કારણ એ કે એ સમયે ભરત મામાને ત્યાં ચાલ્યો ગયો હતો અને માતાને પિતા દશરથ પાસેથી આ બે વચનો માગવાનો પાઠ બરાબર શીખવી ગયો હતો. આવી તો કેટલીય ધારણાઓ કરીને લક્ષ્મણે ભરત પર ક્રોધ કર્યો અને એના ક્રોધના દાવાગ્નિમાં ભરત, શત્રુઘ્ન અને એની આખી સેનાને ભસ્મીભૂત કરવાનો નિર્ણય કર્યો.

આવે સમયે દેવવાણી થતાં લક્ષ્મણને પોતાની અધીરાઈ અને રોષ માટે અફસોસ થાય છે અને અવિવેકી વચનો માટે એની આંખમાંથી અશ્રુ વહે છે. એક તો એ કે વનવાસ માટે વિદાય લેતી વખતે માતા સુમિત્રાને વચન આપ્યું હતું કે એ રામની અખંડ સેવા કરશે અને કદી ક્રોધ કે દ્વેષ કરશે નહીં. ભીતરમાં ભરત પ્રત્યે દ્વેષ અને આવો પ્રચંડ ક્રોધ જાગવા માટે લક્ષ્મણને પસ્તાવો થાય છે.

એમાં પણ પોતે રામની સેવા કરવાને બદલે આવેશમાં એવાં વચનો બોલી ગયાં કે જેનાથી એમના હૃદયને આઘાત લાગ્યો હશે. મારું કાર્ય તો રામના ચિત્તને પ્રસન્ન રાખવાનું હતું, પણ હું એમના હૃદયને પીડાકારી બન્યો. વળી મારા રામ તો એવા છે કે જે સ્વયં મારા કૃત્યને કારણે મનોમન દુઃખી થશે, પરંતુ મને સહેજે ઠપકો નહીં આપે. હકીકતમાં રામ લક્ષ્મણને ઉપાલંભ આપવાને બદલે કહે છે,

' હે પ્રિય લક્ષ્મણ, પિતાના વચનનું પાલન કરીને આપણે વનવાસની પ્રતિજ્ઞાા કરી છે. હવે એ પ્રતિજ્ઞાા ભૂલીને યુદ્ધમાં ભરતને હણીને આપણે શું પામીશું ? યુદ્ધમાં ભરતનો પરાજય થાય, તો પણ વચનપાલક એવા આપણે અયોધ્યાના રાજ્યને શું કરીશું ? એ રાજ્યને કઈ રીતે સ્વીકારી શકીએ ? વળી સત્ય અને આયુધના સોગન લઈને કહું છું કે ધર્મ, અર્થ, કામ અને આખી પૃથ્વી એ સઘળું હું માત્ર સર્વ ભાઈઓને અર્થે ઇચ્છું છું. સર્વના પરિપાલન  અને સર્વના સુખ માટે છે. હવે તું જ કહે કે તારા વિના, ભરત વિના કે શત્રુધ્ન વિના હું જે કોઈ સુખ ભોગવું, તે સુખ તો મારા હૃદયને ભડભડ સળગતાં અગ્નિની પેઠે સતત બાળતું જ રહેશે, આથી આપણે માટે આ રાજ્યપ્રાપ્તિની કશી કિંમત નથી.'

લક્ષ્મણ નતમસ્તકે રામનાં વચનો સાંભળતો રહ્યો અને એમની ભ્રાતૃભાવના અનુભવતો રહ્યો. એ પછી લક્ષ્મણને સમજાવતા રામે કહ્યું, 'સંસારમાં  જે રચ્યોપચ્યો મળે, તો અહમ્ જાગે. કિંતુ જેણે સંતોના સાન્નિધ્યમાં રહીને અને સત્સંગનું સેવન કરીને જીવન ગાળ્યું હોય, તેને કદી સત્તાની લાલસા જાગે નહીં. સત્તાથી એમનામાં મદ આવે નહીં. તેથી હે લક્ષ્મણ ! ભરત જેવા ઉત્તમ પુરુષને આવો અહંકાર સ્પર્શી શકે નહીં અને રાજલોભ કનડી શકે નહીં.

'ભરતહિ કોઈ ન રાજમદુ, બિધિ હરિ હર પદ પાઈ ।

કબહું કિ કાંજી સીકરનિ છીરસિંધુ બિનસાઈ ।।૨૩૧।।'

(શ્રી રામચરિતમાનસ, અયોધ્યાકાંડ, ૨૩૧)

' (અયોધ્યાનું રાજ્ય તો શું ?) બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનું પદ પામીને ભરતને રાજમદ ન થાય. કાંજીના ટીપાંથી ક્ષીરસમુદ્ર કદી ફાટે ?'

એ પછી રામ કહે છે કે મધ્યાહ્નના સૂર્યને ગાઢ અંધકાર ગળી જાય, આખુયં આકાશ ભલે વાદળોમાં સમાઈ જાય, માત્ર ત્રણ અંજલિમાં સમુદ્રનું પાન કરનાર અગત્સ્ય કદાચ ગાયની ખરી જેટલાં પાણીના ખાડામાં ડૂબી જાય, ક્ષમાની મૂર્તિ ગણાતી ધરતી કદાચ પોતાનું ધૈર્ય ખોઈ બેસે, કોઈ મચ્છરની ફૂંકથી કદાચ મેરુ પર્વત ઊડી જાય, આ બધું અશક્ય કદાચ શક્ય બને, પણ લક્ષ્મણ, હું તમારા અને પિતા દશરથના સોગન ખાઈને કહું છું, કે ભરત સમાન પવિત્ર અને ઉત્તમ કોઈ ભાઈ નહીં મળે. માટે તું જટાધારી લક્ષ્મણ ભરતને પરાજિત કરવાની વાત ભૂલી જા. ધર્મજ્ઞા ભરત કદી વિપરીત બુદ્ધિ કરીને અહીં આવે નહીં.

'તો પછી શાને માટે આવ્યો હશે ?' લક્ષ્મણ પૂછી બેઠો.

'હું માનું છું કે કુળધર્મને અનુસરનારો ભ્રાતૃવત્સલ ભરત મોસાળથી અયોધ્યા આવ્યો હશે અને જ્યારે એને ખ્યાલ આવ્યો હશે કે આપણને ત્રણેય જટા-વલ્કલ ધારણ કરાવીને એની માતાએ વનમાં મોકલ્યા છે. ત્યારે તે આપણા પ્રત્યેના અતિ સ્નેહને કારણે વ્યાકુળ બની ગયો હશે. એણે માતા કૈકેયીને કઠોર અને અપ્રિય વચનો કહ્યાં હશે અને આપણા મહાપરાક્રમી પિતા રાજા દશરથને પ્રસન્ન કરીને આપણા દર્શન કરવા માટે એ અહીં આવ્યો હશે. એનો આશય તો એવો હશે કે આપણને આ વનવાસમાંથી અયોધ્યા પાછા લઈ જવા અને આપણો રાજ્યાભિષેક કરવો, કારણકે ધર્મજ્ઞા ભરત કદી પણ કોઈ અનર્થકારી વિચાર કરીને અહીં આવે નહીં. બરાબરને !'

એ સમયે સીતાએ લક્ષ્મણને મનાવતાં કહ્યું,' અરે લક્ષ્મણભૈયા, ક્રોધાજિત ઋષિના દર્શન કરીને આપણે અહીં આવ્યા છીએ. હજી એ પ્રસન્ન દર્શનને એક સપ્તાહ પણ થયું નથી અને તમે ક્રોધને વશ થાવ છો. એ મહાન મુનિવરની શાંતિની પ્રસાદી વાત આપણા હોઠમાં વસે છે, ત્યારે તમે એ હોઠમાંની જીભને યદ્ધા-તદ્ધા બોલતી કેમ અટકાવતા નથી ? ભરત તો તમારો પ્રિયબંધુ છે.'

લક્ષ્મણ પશ્ચાત્તાપની પાવન ગંગામાં ડૂબી ગયો. એને ધીરે ધીરે પોતે આવેશમાં કરી નાખેલી ભૂલ સમજાઈ, ત્યારે રામે કહ્યું, ' આપણા મધુર બાળપણનો વિચાર કર. ભરતના ગુણ, શીલ અને સ્વભાવનો વિચાર કર. આજ પૂર્વે કદી ભરતે આપણું કશુંય અપ્રિય કર્યું નથી, ક્યારેય મનથી પણ આપણું અહિત વિચાર્યું હોય, તેવો એ નથી. તો પછી ભરત તરફથી આટલો બધો ભય શા માટે ? આથી ભરત આવે ત્યારે એને તું એક પણ અપ્રિય શબ્દ કે કઠોર વચન કહીશ નહીં.

જો તું એને કઠોરવચન કહીશ, તો માનજે કે તું મને કઠોર વચન કહે છે, કારણકે આપણો ભરત તો સૂર્યવંશ રૂપી તળાવમાં હંસરૂપ છે. હવે મંદાકિનીની આ મહાભૂમિમાં આવા વિપરીત વિચારો છોડી દે. જો તો ખરો કે આ ભરતે તો ગુણરૂપી દૂધ અને અવગુણ રૂપી પાણી જુદા પાડીને પોતાના યશથી જગતમાં અજવાળું કર્યું છે.

ગહિ ગુન પય તજિ અવગુન બારી

નિજ જસ જગત કીન્હિ ઉજિઆરી.'

(શ્રી રામચરિતમાનસ, અયોધ્યાકાંડ)

એથીય વિશેષ રામે કહ્યું,' જો હું ભરતને કહીશ કે તું લક્ષ્મણને રાજ્ય આપ, તો તને કહું છું કે એ પળના ય વિલંબ વિના અયોધ્યાનું રાજસિંહાસન સ્વીકારવા માટે તને નમ્ર નિવેદન કરશે. માટે લક્ષ્મણ ! થોડીક ધીરજ ધર. ઉતાવળો ન થા.'

જ્યેષ્ઠબંધુ રામનાં વચનો સાંભળીને લક્ષ્મણ પોતાના ક્રોધ બદલ અત્યંત ક્ષોભ પામ્યો. ભરત માટે કેવી કેવી દુર્ભાવનાઓ સેવી એનો વિચાર હૃદયને કોરી ખાવા લાગ્યો. એને લાગ્યું કે ભરતને દોષ આપીને એણે શ્રીરામને કેટલું બધું દુઃખ આપ્યું છે, એટલે વાતને બીજે પાટે ચડાવવા માટે રામને કહ્યું,

'જ્યેષ્ઠબંધુ, હું એમ માનું છું કે ભરતની સાથે આપણા મહાપરાક્રમી પિતા દશરથ પણ આપણી સુખાકારી જાણવા માટે આવ્યા હશે. ખરું ને ?'

'હા, કદાચ એ શક્ય બને. વનવાસમાં આપણી પીડાને ઓછી કરવા માટે એ ભરતની સાથે આવ્યા પણ હોય. વળી વિચારતા હોય કે વનવાસનાં અસહ્ય દુઃખોમાંથી મુક્ત કરીને આપણને અયોધ્યામાં પાછા લઈ જવા. કદાચ આપણે વનવાસનો ત્યાગ ન કરીએ, તો આપણને આપણી પ્રતિજ્ઞાાના પાલનની અનુકૂળતા આપે, પરંતુ એમને અતિ પ્રિય એવી જનક વિદેહીને તો તેઓ આ વનમાંથી અવશ્ય અયોધ્યા લઈ જશે.'

અયોધ્યાની સેનાને જોઈ શકાય તે માટે રામ ચિત્રકૂટ પર્વતના એક ઊંચા સ્થાન પર ગયા અને પછી લક્ષ્મણને કહેવા લાગ્યો કે 'હે લક્ષ્મણ, જો તો ખરો. યુદ્ધમાં વિજ્ય મેળવનારા આપણા પરાક્રમી પિતાના વેગીલા, મનોહર અને ઉચ્ચ ખાનદાનમાં જન્મેલા અશ્વો કેવા શોભી રહ્યા છે. અરે વિશાળ કાયાધારી 'શત્રુંજય' નામનો હાથી સેનાની આગળના ભાગમાં કેવો મદમસ્ત થઈને ડોલે છે. પણ હા...'

અને એકાએક રામનો અવાજ થંભી ગયો. જરા ભારે સ્વરે બોલ્યા, 'પિતાના પ્રિય અશ્વો અને હસ્તિ તો નજરે નિહાળ્યા, પરંતુ સર્વલોકમાં ખ્યાતિ પામેલું આપણા પિતાનું દિવ્ય શ્વેત છત્ર ક્યાંય દેખાતું નથી. સઘળાં રથો પર દૃષ્ટિ કરી , પરંતુ ક્યાંય એ છત્રની આભાનો અણસાર સરખો દેખાતો નથી. આથી મારા મનમાં શંકાઓ જાગે છે. અયોધ્યાની સેના હોય, અયોધ્યાના રાજપુત્રો ભરત અને શત્રુધ્ન આવતા હોય અને ક્યાંય પિતાનું એ દિવ્ય શ્વેત છત્ર નજરે ન પડે, તે કેવું ?'

બીજી બાજુ ચિત્રકૂટ પર્વતની તળેટીમાં દોઢેક યોજનના વિશાળ મંડપમાં અયોધ્યાની સેનાનો ઉતારો હતો. ભરતે આજ્ઞાા આપી હતી કે આ વનના શાંત વાતાવરણમાં સહેજે ખલેલ ન પડે તે પ્રમાણે સહુએ વર્તવું. રથ, અશ્વ વગેરેને પણ ખૂબ સંભાળથી રાખવા અને પાવન ચિત્રકૂટની પવિત્રતાનો ભીતરમાં અનુભવ કરવો. 

(ક્રમશઃ)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dKvVA7
Previous
Next Post »