- શ્રી મણિચંદ્રજી મહારાજની સમતા અનન્ય હતી. તેઓ સારંગપુર તળિયાની પોળના ઉપાશ્રયમાં બિરાજમાન હતા.
વૈજ્ઞાાનિકોને વિચારવું પડે એવું પણ ક્યારેક બને. ૧૮મી સદીના અંતમાં સ્વયં ઇન્દ્રમહારાજા અમદાવાદમાં પધારેલા અને એક જૈન મુનિ સાથે વાર્તાલાપ થયેલો તે આજનું વિજ્ઞાાન માનશે ? ક્યારેક સાંભળવા મળે છે કે આપણી કલ્પનાથી પણ ઉપર કોઇક અલૌકિક તત્વ આ વિશ્વમાં છે તે વાત સમજવી જોઈએ.
અમદાવાદના આંગણે સદાય જૈનમુનિઓ વિહાર કરતા પધારે અને સૌને સન્માર્ગે જીવવાની પ્રેરણા કરે.
વિ.સં. ૧૮૯૦થી ૧૮૯૯ના વર્ષોમાં એક જૈન મુનિ અમદાવાદની સારંગપુર તળિયાની પોળના ઉપાશ્રયમાં પધાર્યા. એમનું નામ મણિચંદ્રજી મહારાજ. એમને રક્તપિતનો રોગ થયેલો. પણ સમતા કેવી કે કારમી પીડામાં પણ મોંમાથી હરફ પણ ન નીકળે.
તળિયાની પોળમાં એ સમયે જૈનોના સેંકડો ઘર. શ્રીમંત અને પાછા ધાર્મિક. મુનિ મહારાજને જૂએ એટલે ભક્તિથી છલકાય. તે સમયે તળિયાની પોળના શ્રાવકોએ જાણ્યું કે આ મુનિ મહારાજ મહાજ્ઞાાની છે પરંતુ શારીરિક પીડાથી અહીં પધાર્યા છે. એટલે તમામ જૈનો એકઠા થઈને વિનંતી કરવા માંડયા કે આપ અહીં જ રહો. આપના રોગની દવા કરાવીએ, આપ સાજા થઈ જાઓ, અહીંથી ક્યાંય ન જશો.
શ્રી મણિચંદ્રજી મહારાજ ત્યાં રોકાયા. સારંગપુર તળિયાની પોળમાં એક શ્રાવિકા રહે. તેણે આ મુનિ મહારાજની ખૂબ સેવા કરી. તે સમયે સૌ તેમને 'પંડિતા મા' તરીકે ઓળખાવા માંડ્યા. શ્રી મણિચંદ્રજી મહારાજ જ્ઞાાની સાધુ હતા. જૈનતત્ત્વના અભ્યાસી હતા. તેમનું વચન શાસ્ત્રવચન બની રહેતું. રક્તપિત જેવા ભયંકર રોગની વચમાં તેઓ સમતા રાખીને સતત સ્વાધ્યાય કરતા, પુસ્તકો વાંચતા. આશ્ચર્યની વાત એ છે કે તેમની મેઘા એટલી તીવ્ર હતી કે જે વાંચતા તે અક્ષુણ્ણ યાદ રહેતું. શ્રી મણિચંદ્રજી મહારાજે સતત અભ્યાસ હૃદયમાં વાગોળ્યો અને પછી તે સૌને ઉપયોગી બને તે હેતુથી તત્ત્વનું મહત્વ પ્રગટ કરતી અનેક સજ્ઝાયો તેમણે રચી. આ સજ્ઝાયો આજે પણ મળે છે અને તેમાં રહેલું અધ્યાત્મ જે પામે છે તે ભાવવિભોર બની જાય છે.
એક સૈકા પૂર્વે થયેલા યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમત્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે આ સજ્ઝાયોનો અભ્યાસ કરીને વિ.સં. ૧૯૮૦માં તલસ્પર્શી વિવેચન કર્યું છે. 'આત્મદર્શન'ના નામે તે ગ્રંથ પ્રગટ થયો છે. તે ગ્રંથમાં શ્રીમત્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે શ્રી મણિચંદ્રજી મહારાજનો અજાણ જીવનપ્રસંગ આલેખ્યો છે. તે વાંચીએ છીએ ત્યારે પૂર્વે કેવા મહાન મુનિઓ થયા તે વિચાર થાય છે.
શ્રી મણિચંદ્રજી મહારાજની સમતા અનન્ય હતી. તેઓ સારંગપુર તળિયાની પોળના ઉપાશ્રયમાં બિરાજમાન હતા.
મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન શ્રી સીમંધરસ્વામી ભગવાનને એક દેવે પ્રશ્ન કર્યો કે પ્રભુ, અત્યારે ભરતક્ષેત્રમાં જે મુનિઓ વિચરે છે તે મુનિઓમાં સૌથી પ્રભાવક સમતાગુણ ક્યા મુનિમાં હશે ?
કહેવાય છે કે પ્રભુએ શ્રી મણિચંદ્રજી મહારાજનું નામ આપ્યું.
કહેવાય છે કે એ દેવ આ મુનિવરની સમતાગુણની પરીક્ષા કરવા આવ્યો.
શ્રી મણિચંદ્રજીને રક્તપિતનો કારમો રોગ થયેલો. તેઓ નિરંતર તપ કરતા અને સ્વાધ્યાય કરતા. સમતાપૂર્વક સહન કરતા.
રાતનો વખત હતો.
દેવે આવીને અનેક રીતે આ મુનિ મહારાજની પરીક્ષા કરી. શ્રી મણિચંદ્રજી પોતાના ગુણોમાં ક્યાંય વિચલિત ન થયા.દેવ પ્રસન્ન થઈ ગયો.
દેવને પણ થયું કે આ કેવા મહાન મુનિ છે. અને પછી થયું કે જેની પ્રશંસા સ્વયં પ્રભુ કરે એ તો મહાન જ હોય ને ! રાતના સમયે દેવે પ્રગટ થઈને શ્રી મણિચંદ્રજી મહારાજને વંદન કર્યા. કહ્યું કે સીમંધરસ્વામી ભગવાને આપના સમતાગુણની પ્રશંસા કરી માટે આવ્યો છું. આપનો રોગ મટાડી દેવાની આજ્ઞાા આપો.
શ્રી મણિચંદ્રજી ભાવવિભોર થઈ ગયા. એમણે કહ્યું કે મારો રોગ મટાડવો નથી. મારા કર્મો મારે ભોગવી લેવા છે. પણ પ્રભુને મારા કેટલાક પ્રશ્નો છે તે પૂછી આપો અને ઉત્તર લાવી આપો તો તમારો ઉપકાર માનું.
દેવે હામી ભણી.
શ્રી મણિચંદ્રજી મહારાજના પ્રશ્નો અને પ્રભુએ આપેલા ઉત્તરો આ પ્રમાણે છે.
પ્રશ્ન: શ્રીઆનંદધનજી મહારાજ, શ્રી દેવચન્દ્રજી અને ઉપાધ્યાય યશોવિજયજી મ.ના ભવ કેટલા ? ઉત્તર: આનંદધનજી અને ઉપા. યશોવિજયજી દેવલોકમાં છે. ત્યાંથી મનુષ્યભવ પામી મોક્ષે જશે. દેવચન્દ્રજી હમણાં અહીં મહાવિદેહમાં કેવળી તરીકે વિચરે છે.
પ્રશ્ન: મારા કેટલા ભવ છે ?
ઉત્તર: મણિચન્દ્રજી, તમે પણ મહાવિદેહમાં મનુષ્યભવ પામી કેવળી બની મોક્ષે જશો.
પ્રશ્ન: રાજનગર અમદાવાદમાં શાસન દેવ છે ?
ઉત્તર: હા છે.
શ્રીમત્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે નોંધ્યું છે કે ઉપરની વાતો વડીલ સાધુઓ અને વડીલ શ્રાવકો પાસેથી મેં સાંભળી છે.
સ્વયં સીમંધરસ્વામી ભગવાને જેમની સમતાની પ્રશંસા કરી એવો આ પ્રસંગ વાંચીને આપણે પણ સમતાના પંથે ન જઈએ ?
પ્રભાવના: જીવનની શરૂઆત ખોટી ચાલે, જીવનનો અંત કદીય ખોટો ન ચાલે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IUvesD
ConversionConversion EmoticonEmoticon