મધપૂડો : પુત્રનો શાપ:પિતાનું વરદાન


રાત હતી.

ઠંડક હતી.

ગણપતિને ફરવાનું મન થયું. પોતાના વાહન, ઊંદરને બોલાવીને કહે ચાલો 'જરા લટાર મારીએ.'

'ચૂં-ચૂં-ચૂં-ચૂં'. મુષક મામા બોલી ઉઠયા:

'ચાલો ગણપતિજી ! અમને શો વાંધો હોય ! રાત હોય કે દિવસ હોય અમે તો સદા તૈયાર.'

નાના સરખા ઊંદરજી અને ઉપર હાથીના માથાવાળા ડુંડાળા પેટવાળા, મોટી કાયા વાળા, બેસી ગયા ગણપતિજી.

દ્રશ્ય હસવું આવે એવું જ હતું.

'હી-હી-હી-હી, હસવાનો અવાજ પણ  સંભળાયો.

'એ કોણ હસ્યું ?' ગણપતિએ પૂછ્યું.

'કોઈ પણ હસે,' શબ્દો આવ્યા : 'આ તમારા ઢંગ તો જુઓ ગણપતિજી ! દેહના મોટા થયા પણ અક્કલના જરા પણ મોટા થયા નહિ હોં ! અરે ! તમારી આવડી વીસમણી કાયાનો ભાર આ બશેરના ઊંદરડા પર મૂકાય? મોટાઓએ પોતાનો ભાર નાના ઉપર મૂકી દેવાનો ? તેમને કચડી નાંખવાના ? હી-હી-હી ! તમારું આ દ્રશ્ય જોઈને કોણ ન હસે ! અરે કોઈ પણ હસે !'

એ હતો ચંદ્ર. આકાશનો ચાંદલો.

ચંદ્ર હસ્યો. તેણે ગણપતિની મશ્કરી કરી અને ગણપતિ ચિઢાઈ ગયા. તેમણે કહ્યું : 'અલ્યા ચાંદલા ! તું મારી મશ્કરી કરે છે ? મારી હાંસી ઉડાવે છે ? આજની રાતે હું શોખીન ફરવા નીકળ્યો છું અને તું મારો આનંદ બગાડે છે ? તો જા. મારો તને શાપ છે. આજની રાતે કોઈ તારૂં મોઢું નહિ જુએ. જે તારા દર્શન કરશે તેને માથે ચોરીનું આળ આવશે.'

અરરર ! ચંદ્ર તો ગભરાઈ ગયો. આ તો હસવાનું ખસવું થઈ ગયું. તેણે તો ગણપતિને આજીજી વિનંતી કરી કે ગણેશજી આ તો મજાકની વાત હતી. માત્ર મજાકમાં કહી હતી. તમે પણ એ મજાકની રીતે જ લો. ખેંલદિલીથી અને ખાનદાનીથી એને સ્વીકારો. આટલા ગંભીર ન બનો, અને માફ કરી દો. મને માફ કરી દો.'

પણ શાપ અપાઈ ચૂક્યો હતો. દરેક વખતે સામેનો માનવી કંઈ મશ્કરી સહન ન કરી શકતો નથી.

પછી તો એ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ. એ હતી ચોથ. અફવા ચારે બાજુ ફેલાઈ ગઈ કે, 'જે કોઈ ગણપતિ ફરેલા એ ચોથ એટલે કે ગણપતિ ચોથને દિવસે-ચંદ્રને જોશે તેને માથે ચોરીનું આળ આવશે.'

વાત એક વખત કૃષ્ણે સાંભળી. તે કંઈ એવી વાત માને ?

એણે ચંદ્રના દર્શનની વાત જ છેડી નહિ. એ તો મજેથી ફરવા નીકળ્યા. કહે : 'આવી મજાની ઠંડી ચોથને દિવસે તે કોઈ ઘરમાં બેસી રહેતું હશે.' કેવી રળિયામણી રાત છે.

ફરતા ફરતા તેઓ થાક્યા. ચોથની ગુલાબી ઠંડીમાં જરાક બેઠા. અને ઊંઘ આવી ગઈ.

ત્યારે જ નારદજીએ એક યુક્તિ કરી. તે તો આવી ધમાલમાં હોય જ. સ્વર્ગની રાણી ઇન્દ્રાણી રાતના અલંકારો કાઢીને સૂતી હતી. પોતાનો નવલખો હાર તેણે દાસીને સાચવવા આપ્યો હતો. ચોથની ચાંદનીમાં દાસીય ઝોકાં ખાતી હતી.

'નારાયણ ! નારાયણ !' નારદજીએ તો દાસી પાસેથી એ હાર ઉપાડયો. અને જાતે પરિશ્રમ લઈ સૂતેલા કૃષ્ણના ગળામાં પહેરાવી દીધો.

'નારાયણ ! નારાયણ !!'' જ્યારે ખબર પડી ત્યારે પહેલું આળ આવ્યું દાસી ઉપર, અને કૃષ્ણ તો પકડાઈ જ ગયા.'

ઈન્દ્રાણી કહે : ''કૃષ્ણ તમે માખણ ચોર હશો, દાણ ચોર હશો, ચિત્ત ચોર હશો, પણ હાર ચોર હશો એની અમને ખબર નહિ !''

બિચારા કૃષ્ણ શું બોલે ? હાર પોતાના ગળામાં ક્યાંથી આવી પહોંચ્યો છે, એ તેઓ જાણતા પણ ન હતા.

'નારાયણ ! નારાયણ !!' ત્યારે જ તેમણે વીણાના સ્વર સાંભળ્યા.

''દાસીએ અને તમે એ ચાંદ જોયો એટલે ચોરીનું કલંક ચોટયું તમારે માથે.' નારદજી કહે : એ તો ગણપતિ શાપ. ચોથનો ચાંદ જુઓ એટલે ચોરીનું આળ આવ્યા વગર રહે જ નહિ.''

કૃષ્ણ હસ્યા. હસીને કહે : 'તમારા જેવા ચાલબાજ હોય પછી આળ આવેજને! કપટભર્યા કારસ્તાન કરો પછી કપટનું સંકટ ચૌટે એમાં શી નવાઈ ? બાકી હું તો હજીયે માનવાને તૈયાર નથી. દર વર્ષે આ ચોથને દિવસે ચંદ્રના દર્શન કરતો જ રહું છું, કર તો જ રહીશ.

કૃષ્ણે તો આમ કહ્યું, પણ વાત જબરી ફેલાઈ ગઈ. ગણપતિ ચોથને દિવસે કૃષ્ણ જેવા કૃષ્ણ પર આળ આવી શકે છે, એ વાત ફેલાતાં લોકો ચોથનો ચંદ્ર જોવાનું મુલત્વી રાખવા લાગ્યા. એ રાતે ક્યાં તો તેઓ બહાર જ નીકળતા નહિ, અથવા તો ચાંદ ન દેખાય એમ ચાલતાં.

આ વાત ચંદ્રને કેમ પોષાય ? પણ એક બાજુ નારદ હતા તો બીજી બાજુ કૃષ્ણ હતા. નારદથી કંઈ કૃષ્ણ ઓછા ઉતરે તેવા ન હતા !

બીજી વારની ગણપતિ ચોથ આવી ત્યારે અગાઉથી જ કૃષ્ણે ચંદ્રને કહ્યું, ''ગણપતિ તો નાદાન છે. તું જઈને શિવજીને મળ. ગણપતિ નહિ તો એના પિતાશ્રી ભલા ભોળા છે. તરત વાત માની જશે.''

ત્યારે બીજ હતી. ચંદ્ર પહોંચ્યો શિવ પાસે. કહે : ''પ્રણામ શિવજી ! હવે મોટો થતાં ડરું છું. પરમ દિવસે ચોથ છે. ગણપતિનો શાપ છે, કોઈ મને જોશે નહિ. કોઈ મારા દર્શન કરશે નહિ.'

ભોળા શંભુએ બધી વાત સાંભળી. પછી હસીને બીજ ચંદ્રને ઉપાડીને પોતાની જટામાં જ બેસાડી દીધો. કહ્યું : ''હવે તારૂં સ્થાન મારા માથા પર બસ ! હવે કોઈ પણ તારૂં મોઢું જોયા વગર રહી શકશે નહિ.'

ચંદ્ર ખુશ થઈ ગયો.

પુત્રના શાપ એ રીતે પિતાએ દૂર કર્યો.

શાપ તો દૂર થયા, છતાં હજી આજે પણ કેટલાંક લોકો, ગણપતિ ચોથને દિવસે ચંદ્રદર્શન કરતાં નથી. તેઓ માને છે કે એથી આળ આવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eaxmrE
Previous
Next Post »