રોહિણી નામની એક કન્યા.
એક અંધારી રાતે તે ભૂલી પડી. ગભરાઈને તે બૂમ પાડવા લાગી : 'મને કોઈ માર્ગ બતાવો છો ?'
રાતના બીજું કોણ હોય ? ચંદ્રદેવે આ અવાજ સાંભળ્યો, તેઓ બહાર નીકળી આવ્યા કહે : 'ચાલો માર્ગ બતાવું.'
તેણે તો માર્ગ બતાવ્યો, પણ જ્યારે રોહિણીનું નિવાસસ્થાન આવ્યું, ત્યારે તે બોલી ઉઠી : 'હવે મારે ઘેર નહિ જાઉં, તમે મને માર્ગ બતાવ્યો છે. ભૂલી પડેલી ને રસ્તે ચઢાવી છે માટે તમે જ મારા સ્વામી.'
રોહિણી રૂપાળી હતી, ચંદ્રદેવ તેને પોતાની સ્ત્રી તરીકે સ્વીકારવા તૈયાર થયા.
હવે આ રોહીણી હતી મહારાજા દક્ષની પુત્રી. તેણે તો જઈને રાજા દક્ષને કહ્યું :'પિતાજી પિતાજી ! જુઓ હું શું લાવી છું ? કોને લાવી છું ?'
રાજા દક્ષ જુએ તો ચંદ્રદેવ.
પણ દક્ષને માત્ર એક જ કન્યા ન હતી. રોહિણી ઉપરાંત બીજી છવ્વીસ કન્યાઓ હતી.
રોહિણી તો ખુશ હતી જ. ચંદ્રદેવના રૂપ ઉપર એ બધી પણ વારી ગઈ. કહેવા લાગી : 'અમે પરણીએ તો ચંદ્રદેવને જ, નહિ તો કુંવારી રહીએ.'
ચંદ્રદેવ તો આફતમાં પડયા.
તેમને સત્તાવીસે સત્તાવીસ કન્યા સાથે લગ્ન કરવા પડયા.
પણ તેમને ગમે માત્ર રોહિણી.
તેઓ તો રોહિણી સાથે જ હરે ફરે અને વિનોદ કરે. તેની બહેનો સાથે વાત પણ કરે નહિ.
બહેનોએ જઈ પિતાને ફરિયાદ કરી. કલ્પાંત કરીને કહ્યું : 'અમારૂં જીવન દુ:ખમય બન્યું છે. અમારા પતિ અમારાથી દૂર ભાગે છે.'
રાજા દક્ષ આથી નારાજ થયા, કોપે ભરાઈને કહે : 'ભાગીને જશે ક્યાં ? તમે એનો પીછો કરો.'
ચંદ્ર હવે તો સાચે જ ભાગવા લાગ્યો.
ભાગતો ભાગતો તે ધીરે ધીરે ઓછો થતો ગયો. ચૌદ રાત તે દોડયો પંદરમી રાતે તે બિલકુલ અદૃશ્ય થઈ ગયો. દેખાયો જ નહિ.
દક્ષ પુત્રીઓ પતિને અદૃશ્ય થયેલા જોઈ રડવા લાગી : 'કહે પિતાજી ! હવે અમારૂં શું થશે ?'
દક્ષે કપાળ પર કરચલી પાડીને કહ્યું : 'ચંદ્ર ! જ્યાં હોય ત્યાંથી બહાર આવ, નહિ તો હું એવા શાપ આપીશ કે કદી તું બહાર આવી જ શકશે નહિ, જ્યાં છે ત્યાં જ રહેશે.'
શાપથી ડરીને ચંદ્રદેવ બહાર તો આવ્યા પણ બહાર આવતા બીજા ચૌદ દિવસ થયા.
દક્ષની ધીરજ રહી નહિ. તેણે શાપ આપી જ દીધા, અને ચંદ્રને માથે જિંદગીભરની ભાગદોડ ચોંટી ગઈ. હવે ચૌદ દિવસ તે નાનો થતો રહે છે. બીજા ચૌદ દિવસે તેને બહાર આવતાં જાય છે. અમાસને દિવસે તે બિલકુલ અદૃશ્ય થઈ જાય અને પૂનમને દિવસ તે એકદમ બહાર આવી જાય છે ત્યારે બધી બહેનો આનંદમાં આવી જાય છે.
ચંદ્રને મળેલી કળાની આવી કથા છે.
પણ કહે છે કે ચંદ્રની એ દોડ વખતે પણ રોહિણી તો સાથે ને સાથે જ રહે છે. ચંદ્રની નજીક એક ઝળહળતો તારો હંમેશા હોય છે, એ જ રોહિણી છે. એમ સહુ માને છે.
ચન્દ્રની આ સત્તાવીસ પત્નીઓને જ આપણે રોહિણી, કૃતિકા, આદ્રા, ફાલ્ગુની, ભાદ્રપદા, અષાઢ, વગેરે વગેરે નક્ષત્રોના નામે ઓળખીએ છીએ. ચન્દ્ર વરસ દરમિયાન થોડા થોડા દિવસે આ સત્તાવીશ નક્ષત્રોમાં ફરે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34JHZyy
ConversionConversion EmoticonEmoticon