સંપ ત્યાં સલામતી .


એ ક જંગલ હતું. તેમાં સિંહ, વાઘ, ચિત્તો જેવા હિંસક પ્રાણીઓ અને હરણ, હાથી, ઊંટ, સસલાં, ગાય, ભેંસ જેવા તૃણાહારી પ્રાણીઓ રહેતા હતા. હિંસક પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક મેળવતાં. તૃણાહારી પ્રાણીઓ ઘાસ, પાંદડા, ફળફળાદિ વગેરેના ખોરાકમાં ઉપયોગ કરતાં. કેટલાંક હિંસક પ્રાણીઓ જરૂર કરતાં વધારે પ્રાણીઓને મારી નાખતા. તૃણાહારી પ્રાણીઓને ચિંતા થતી કે આ પ્રાણીઓ અમારો નાશ કરી નાખશે.

બધાં પ્રાણીઓ હિંસક પ્રાણીઓની ક્રૂરતા અંગે વાતો કરતાં પણ ઉપાય શોધવા અંગેનો વિચાર કોઈને આવતો નહિ. કમલ હરણને વિચાર આવ્યો કે, બધાં પ્રાણીઓને ભેગાં થઈને આ અંગે વિચારવું જોઈએ. તેણે પોતાના મિત્રોને આ વાત કરી. બધાં મિત્રો તેની વાત અંગે સંમત થયા. બધાં ભેગા મળીને આ બાબતે શું કરવું તે અંગે વિચારવા મિંટિંગ કરી. મિંટિગમાં દિવસ નક્કી કરીને બધાંને ભેગાં કરવા અંગે દરેકને પોતાના વિસ્તારના તૃણાહારી પ્રાણીઓને આમંત્રણ આપવું તેમ નક્કી થયું. દરેક બધાંને આમંત્રણ આપ્યું.

નક્કી કરેલા દિવસે બધાં તૃણાહારી પ્રાણીઓ ભેગાં થયા. બધાંની સમંતીથી કમલ હરણે હિંસક પ્રાણીઓની ક્રૂરતા અંગે વાત કરી, હિંસા અટકાવવા શું કરવું જોઈએ તે માટેના વિચાર જણાવવા બધાંને કહ્યું. કંચન ગાયે કહ્યું કે, આપણે બધા શક્તિશાળી નથી. તેઓ પાસે ઘાતક નહોર છે. તીક્ષ્ણ દાંત છે. તેઓને જોતાં જ ડરી જવાય છે. તેઓ આપણા શરીર પર તેમનો પંજો મારે એટલે આપણે તો લોહી લુહાણ થઈને પડી જઈએ છીએ. પછી તેઓ સરળતાથી આપણને મારી નાખે છે. આપણે તેઓનો સામનો કરી શક્તા નથી. કંચન ગાયની વાત સાચી હતી એટલે બધા વિચારમાં પડી ગયા. ત્યાં જ ચિંતન હાથીએ કહ્યું, કંચન બેનની વાત સાચી, પણ મને એવું લાગે છે કે આપણે બધાં છૂટા છવાયા ફરીએ છીએ એટલે તેઓને મોકળું મેદાન મળી જાય છે. તેના બદલે આપણે એક જૂથમાં રહીએ તો સામનો કરી શકીએ. ચેતન હાથીની વાત અંગે વિચારતાં બધાંએ એક જૂથ બનાવીને રહેવાનું નક્કી થયું.

જુદી જુદી જાતના પ્રાણીઓએ અલગ-અલગ મિંટીંગ કરી, નિયમો બનાવ્યા, નાના બાળકો માટે વિચારણા કરી, હિંસક પ્રાણીઓના હુમલા વખતે બધાંએ સાથે મળીને કેવી રીતે બચાવ કરવો તે અંગે વિચારણા કરીને, એક જૂથ થઈને રહેવા લાગ્યા. બધાં સાથે હરવા ફરવા-ચરવા- રહેવા લાગ્યા. હિંસક પ્રાણીઓની ક્રૂરતા ઓછી થઈ. જંગલમાં મોટા પ્રાણીઓ, કદાવર પ્રાણીઓ, શિંગડાવાળા પ્રાણીઓ હિંસક પ્રાણીઓનો સામનો કરી, પોતાનો બચાવ સારી રીતે કરી શક્તા. પણ નાના-નાજુક-શિંગડા વગરના પ્રાણીઓ પાસે સામનો કરવા માટે વિશિષ્ટ અંગ ન હોવાથી તેઓ હિંસક પ્રાણીઓનો સામનો કરી શક્તા નહિ. આથી તેવા પ્રાણીઓની હિંસા વધુ થવા લાગી. તેમના નેતાઓએ કંચનગાય, ચિંતન હાથી, કમળ હરણને વાત કરી. એટલે ફરીથી બધાંની સભા ભરવાનું નક્કી થયું. બધાંને આમંત્રણ અપાયા.

ફરીથી બધા ભેગા થયા. કમલ હરણે નાનેરાં પ્રાણીઓની સ્થિતિ અંગે વાત કરી. ચિંતન હાથીએ કહ્યું કે, કદાવર પ્રાણીઓના જૂથ સાથે નાનેરાં પ્રાણીઓનું જૂથ રહેતો સારું. જ્યારે જરૂર પડે કદાવર પ્રાણીઓ તેઓને મદદ કરી શકે. ચિંતનની વાત બધાંને ગમી. પણ ઉજ્જવળ ઊંચે કહ્યું, 'ભાઈ ચિંતનની વાત સારી છે. પણ આપણે બધાં જ એક સાથે, એક સ્થળે ચારોચરીએ, એક જ તળાવમાં પાણી પીઓ, એક જ જગ્યાએ રહીએ તો વધારે સારું રક્ષણ થઈ શકે. બધા હળીમળીને રહીએ તો એકબીજાને મદદ કરી શકીએ. અને નબળા-દૂધાળાનું રક્ષણ કરી શકીએ. ઉજ્જવળ ઊંટની વાતને બધાંએ વધાવી લીધી.'

જંગલમાં બધાં એક સ્થળે રહેવા લાગ્યાં. દરરોજ ચારો ચરવા માટે પણ બધાં એકસાથે જવા લાગ્યા. હિંસક પ્રાણી હુમલો કરે ત્યાં જ બધાં સાથે મળીને સામનો કરવા લાગ્યા. હિંસક પ્રાણીઓને હટાવા લાગ્યા. આથી તેઓનું રક્ષણ થવા લાગ્યું. સલામતી જળવાવા લાગી. બધાં ખુશીથી રહેવા લાગ્યા. સંપથી સલામતી વધી. સંપથી સહિયારાપણું વધ્યું. સંપથી સેવાભાવના વધી. સંપથી સહુને સંતોષ મળવા લાગ્યો. સંપથી શાંતિ પ્રસરી. જંગલમાં હિંસક પ્રાણીઓની હિંસાચારી ઘટી. તેઓ પણ ઘાસ,પાંદડાં, ફળ ખાવા લાગ્યા. સૌ સારી રીતે જીવન જીવવા લાગ્યા.

- ઇશ્વર વાઘેલા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HP1H3i
Previous
Next Post »