ઘરના સુશોભનમાં જીવનની સુંદર ઘટનાઓને તાજી કરતી ફોટોફ્રેમ અને તસવીરો મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકો કિંમતી ચિત્રો (પેન્ટીંગ્સ) વડે ઘરની દીવાલોની શોભામાં અભિવૃદ્ધિ કરે છે, પણ તેના બદલે જીવનના યાદગાર પ્રસંગોની રૂપરેખા દર્શાવતી ફોટોફ્રેમથી બેઠક ખંડને અનોખો ઉઠાવ મળે છે. પણ જો કંઈ જગ્યાએ કંઈ તસવીર ટાંગવી તેની સૂઝ ન હોય તો ઇન્ટિરિયર ડેકોરેશનનો દેખાવ બગડી જાય છે તે વાત યાદ રાખવી.
ઘરની દીવાલો પર ટાંગવા માટે ફોટાની પસંદગી કરતી વેળા હંમેશા એક વાત યાદ રાખો કે તમારું અંગત જીવન દર્શાવતાં ફોટા બેડરૂમમાં જ શોભે છે. બેઠકખંડના ફર્નીચર પર જો ફોટોફ્રેમ ગોઠવવી હોય કે પછી ત્યાંના કોઈ ખાસ ખૂણા તરફ સહુનું ધ્યાન ખેંચવું હોય તો જ ફેમિલી પિકચર્સ પસંદ કરવા. બેડરૂમ સિવાય દાદરા તરફ જવાનો માર્ગ, ઘરનો કોઈ ખાલી ખૂણો કે ઓછી પહોળી દીવાલ પર તસવીર લટકાવીને તે સ્થાનને સુંદર બનાવી શકાય.
એકદમ નેચરલ દેખાતી અને તમારી લાગણીઓની ઝલક દર્શાવતી તસવીરોને જ પસંદ કરવી. ચોક્કસ પ્રકારનો પોઝ આપેલા કે મેકઅપ કરીને ખાસ પડાવવામાં આવેલા ફોટા જ સારા કહેવાય એવું નથી. અત્યંત કલાત્મક અને અંગત સ્પર્શ ધરાવતી તસવીરોમાંથી ચુનંદા તસવીરોની ફ્રેમ મઢાવીને દીવાલ પર ટાંગવી. આમાં તમારામાં રહેલી અનેરી સૂઝનું પ્રતિબીંબ ઝળકશે.
ઇન્ટીરિયર ડેકોરેશનના સંદર્ભમાં ફોટોફ્રેમની પસંદગી કરતી વેળા 'સમતુલા' શબ્દ ખાસ યાદ રાખવો. નાનકડી દીવાલ પર ફોટાઓનો ઢગલો કે મોટી દીવાલ પર એકાદ-બે નાની ફ્રેમથી અસમતુલા સર્જાય છે. એક જ સાઈઝના ચાર જુદા જુદા ફોટાને બેથી ચાર ઈંચના અંતરે પતંગાકારમાં ગોઠવો. અથવા તો એક મોટી ફોટોફ્રેમની આસપાસ નાની-નાની તસવીરો ગોઠવો. પણ આ રીતે ગુ્રપમાં ફોટાફ્રેમ મૂકવા દીવાલ મોટી હોવી જરૂરી છે.
તેજ પ્રમાણ તમે પસંદ કરેલી તસવીરોની ફ્રેમ એક જ સરખી હોય તે જરૂરી નથી. વિવિધ પ્રકારની ફોટોફ્રેમની ગોઠવણી એવી રીતે કરો જેથી તે બધી જ ધ્યાનાર્ષક લાગે. ચાંદી કે લાકડા જેવા એક જ મટિરિયલની જુદી-જુદી ડિઝાઈનની ફ્રેમને પણ પસંદ કરી શકાય.
દીવાલ પર 'પિક્ચર ગેલેરી' બનાવવી હોય તો નાની-નાની ફોટોફ્રેમને આકર્ષક ઢબે ગોઠવવી. જો ટેબલ પર ફેમિલીના ફોટો ગોઠવવા હોય તો સૌથી છેલ્લે મોટી ફ્રેમ ગોઠવવાથી શરૂઆત કરવી. ત્યાર બાદ આગળ-આગળ તેનાથી નાની-નાની ફ્રેમો ગોઠવવી.
ભીંત પર તસવીરોની ગોઠવણી એવી રીતે કરો જેથી ડોક ઊંચી કરીને ન જોવું પડે. બેઠક વ્યવસ્થા જેમ કે સોફાની પાછળની દીવાલ પર તસવીરો ટીંગાડવી હોય તો તે થોડી નીચે રાખવી. ઉપરાંત સોફાની ઊંચાઈ અને તસવીરો વચ્ચે માત્ર ત્રણ કે છ ઈંચની દીવાલ જ છોડવી. તે જ પ્રમાણે લોકો ઊભા રહીને વાત કરવાના હોય તે સ્થળ ફોટોફ્રેમ થોડી ઊંચી લટકાવવી જોઈએ.
ઘરના કોઈ પણ ખૂણાને આકર્ષક બનાવવા તે જગ્યાએ બે-ચાર પેઈન્ટીંગ્સ કે ફોટાની ગોઠવણી કરવી જોઈએ. પણ આ ફોટા ટીંગાડતાં પૂર્વે તમામ ફ્રેમને ફરસ પર મૂકી કંઈ પેટર્નમાં ગોઠવણી કરવી છે તે નક્કી કરવું.
વિવિધ તસવીરોને દીવાલ પર ટાંગવી ન હોય તો નાનકડી અભેરાઈ જેવું બનાવીને પણ તેના પર ફોટોફ્રેમ મૂકી શકાય. આજકાલ બેઠક ખંડમાં લાકડાને બદલે કાચની નાની-નાની અભેરાઈ બનાવી તેના પર ફોટોફ્રેમ મૂકવાની ફેશન છે. આનાથી ડ્રોઈંગ રૂમનો લુક બદલાઈ જાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e27deo
ConversionConversion EmoticonEmoticon