સૂતરફેણીની કુલ્ફી
સામગ્રી :
૧ લીટર દૂધ, ૪ કાજુ, ૪ બદામ, ૨ એલચી, ૧ વાટકી સૂતરફેણીના ટુકડા, ૧ ચમચો રૂહઅફ્ઝા શરબત. સજાવટ માટે : બરફનો ભૂકો, રૂહઅફ્ઝા, મેવો.
રીત :
દૂધને તે ચોથા ભાગનું રહે એટલું ઉકાળો. તેમાં ૧/૨ કપ સૂતરફેણી, ખાંડ, કાજુ અને બદામ ઉકાળતી વખતે જ નાખી દો. ઠંડુ થાય એટલે એલચી નાખી કુલ્ફી મોલ્ડમાં ભરી જામવા મૂકી દો. કુલ્ફી જામી જાય ત્યારે તેના પર વધેલી સૂતરફેણી, બરફનો ભૂકો અને રૂહઅફ્ઝા નાખી, સમારેલા મેવાથી સજાવી, સ્વાદ માણો.
પાઈનેપલ સોસ સાથે ફેણી
સામગ્રી :
૨ મધ્યમ કદની ફેણી, ૧ કપ ખાંડ, ૧ કપ પાઈનેપલનો તાજો રસ, ૧૫૦ ગ્રામ માવો, ૧/૪ ચમચી પાઈનેપલનું એસન્સ, સહેજ પીળો રંગ, ૧ કપ તાજું મીઠું ક્રીમ.
સજાવટ માટે : ૮-૧૦ ટુકડા પાઈનેપલના, ૮-૧૦ લાલ ચેરી, ૮-૧૦ લીલી ચેરી, ૪ મોટાં ગોળ પતીકાં પાઈનેપલનાં.
ખાંડ અને પાઈનેપલના રસને ઉકાળો. એક ઊભરો આવે એટલે તેમાં માવો ભેળવો. મિશ્રણ સહેજ ઘટ્ટ થાય ત્યાં સુધી આંચ પર રહેવા દો. તેમાં રંગ નાખો અને ઠંડુ થયા પછી તેમાં એસન્સ નાખો. આ સોસને અગાઉથી જ તૈયાર કરી રાખો. આ સોસમાં ક્રીમ ભેળવી દો.
એક પ્લેટમાં ફેણી મૂકો. તેના પર ધીમે ધીમે ક્રીમ સોસ રેડો. ફેણીમાંથી સોસ સહેજ અંદર ઊતરે, એટલે વધારે સોસ રેડો. પાઈનેપલના ટુકડા અને ચેરીથી સજાવો અને તરત જ મહેમાનોને પીરસો.
ખીર મીષ્ઠી
સામગ્રી :
૫૦૦ ગ્રામ કઠણ નાસપતી, ૧૦૦ ગ્રામ પૌંઆ, ૩ ચમચા ખાંડ, ૧ લીટર દૂધ, ૬ નાની એલચી, ૨ ટીપાં કેવડાનું એસન્સ, ૧ ચમચો બૂરું ખાંડ, ૬ બદામ, ૬ કિશમિશ.
સજાવટ માટે : ચાંદીનો વરખ, એલચીનો પાઉડર, સમારેલો સૂકો મેવો.
રીત :
નાસપતીને છોલીને છીણી નાખો. તેમાં બૂરું ખાંડ ભેળવી એક કલાક રાખી મૂકો. ત્યાર પછી કડાઈમાં બે જ મિનિટ માટે ધીમી આંચે ખાંડ સાથે જ સાંતળી નાખો. દૂધ ઉકળવા મૂકો. થોડું ઘટ્ટ થાય એટલે તેમાં પૌંઆ ધોેઈને નાખી હલાવતાં રહો. જ્યારે દૂધ અને પૌંઆ ભળી જાય,ત્યારે ખાંડ, એલચીના દાણા અને તૈયાર કરેલા નાસપતીના છીણને ખીરમાં ભેળવો. આંચ પરથી તેને તરત નીચે ઉતારી લો. પીરસતા પહેલાં તેમાં કેવડાનું એસન્સ ભેળવો.
ઠંડી થાય એટલે મોટા બાઉલમાં કાઢી તેના પર એલચીનો પાઉડર ભભરાવી, ચાંદીના વરખ અને સમારેલા મેવાથી સજાવટ કરી, ઠંડી જ પીરસો.
ફણગાવેલા ચોળાની ટિકડી
સામગ્રી :
૧ કપ બાફેલા ફણગાવેલા અડદ, ૨ કપ બાફેલા ફણગાવેલા ચોેળા, ૩ સ્લાઈસ બ્રેડ, ૩-૪ બારીક સમારેલાં લીલાં મરચાં, ૧/૨ ચમચી વાટેલો ગરમ મસાલો, ૧ ચમચી આદુંનો રસ, ૧ ચમચો બારીક સમારેલી કોથમીર, ૧ચમચી ચાટમસાલો, ૨-૩ ચમચા તેલ, ટામેટાં કેચઅપ, ખાટી ચટણી.
બાફેલા ફણગાવેલા અડદમાં મીઠું, ચાટમસાલો, આદુ અને કોથમીર ભેળવો. બાફેલા ચોળાને મિક્સીમાં બારીક ક્રશ કરી કાઢી લો. બ્રેડની સ્લાઈસને મીઠાવાળા પાણીમાં, નીચોવીને ચોળા સાથે મિક્સ કરો. તે પછી તેમાં મીઠું આદુંનો રસ અને સમારેલાં લીલા મરચાં ભેળવો. આ મિશ્રણના ૧૦-૧૨ ગોળા વાળો. અડદના ૧૦-૧૨ ભાગ કરો.
હવે હથેળી પર સહેજ તેલ લગાવો. તેના પર એક ગોળો હળવા હાથે દબાવતાં ફેલાવો. વચમાં અડદનો એકભાગ મૂકી તેને બંધ કરો. ત્યાર પછી તેને ટિક્કીની માફક ચપટો કરી દો. આ રીતે બધી ટીક્કીઓ બનાવો. નોનસ્ટીક લોઢીને તેલવાળી કરી ટિક્કીને તેના પર બંને બાજુએ તેલ લગાવતાં કરકરી ટિક્કી શેકો અને ટામેટાં કેચઅપ સાથે પીરસો.
માવા બટાકાંની કચોરી
સામગ્રી :
૧ ૧/૪ કપ મેંદો, ૧૦૦ ગ્રામ માવો, ૧ ૧/૨ કપ ખાંડ, ૩ નાની એલચી, ૧ ચમચો શુદ્ધ ઘી, ૨ બાફેલાં બટાકાં, ૪ કાજું, ૪ બદામ, તળવા માટે ઘી અથવા તેલ.
રીત :
મેંદામાં ૧ ચમચી ઘી, ૧ ૧/૨ ચમચી ખાંડ નાખી કઠણ લોટ બાંધો. કડાઈમાં ૧ ચમચી ઘી ગરમ કરી બાફેલા બટાકાંને છૂંદીને સાંતળી નાખો. તેમાં માવો નાખી ધીમી આંચે ૮ મિનિટ સુધી શેકો અને બે ચમચી ખાંડ તથા એલચીનો પાઉડર નાખી ઠંડુ થવા દો. બાકીના ઘીને કડાઈમાં ગરમ કરેલું રાખો.મેંદાની નાની પાતળી પૂરી વણો. તેમાં માવા અને બટાકાનું મિશ્રણ ભરી બંધ કરીને કચોરી વાળો. ગરમ ઘીમાં ધીમી આંચે તળી નાખો. બાકી વધેલી ખાંડની એક તારી ચાસણી બનાવો. તે ઠંડી થાય એટલે તેમાં થોડો માવો, કાજુ-બદામના ટુકડા નાખી ઠંડી કચોરીમાં ભરી મહેમાનોને પીરસો.
શાહી શીરો
સામગ્રી :
૨૫૦ ગ્રામ શેતૂર, ૧૦૦ ગ્રામ રવો, ૫૦ ગ્રામ બ્રેડક્રમ્સ, ૧૦ દાણા કિશમિશ, ૧૦ કાજુ, ૧/૨ કપ શુદ્ધ ઘી, ૧ લીંબુ, ૧/૨ કપ ખાંડ, ૪ એલચી, ૧ ચમચો મિલ્કમેડ કન્ડેન્સ્ડ, ૫ બદામ
રીત :
શેતૂરને ધોઈ તેને ૧ ગ્લાસ પાણીમાં બાફી નાખો. સહેજ ઠંડા થાય એટલે તેમની ડાંડલીઓ તોડી અને ગર કાઢીને ૧/૪ શુદ્ધ ઘીમાં ધીમી આંચે ૧૦-૧૫ મિનિટ સાંતળીને રહેવા દો. હવે જાડા તળિયાવાળી કડાઈ લઈ તેમાં વધેલા ૧/૪ કપ ઘીમાં રવો અને બ્રેડક્રમ્સ શેકી નાખો. તેનો આછો બદામી રંગ થાય અને સોડમ આવવા લાગે, એટલે આંચ પરથી ઉતારી લો. તે પછી એક તપેલામાં ૩ ગ્લાસ પાણી ઉકાળીને તેમાં ખાંડ નાખો. એક ઉભરો આવ્યા પછી ઉતારી લઈને તેમાં એલચીનો પાઉડર તથા કન્ડેન્સ્ડ મિલ્ક મેળવો. તેને ફરી આંચ પર મૂકી હલાવતાં રહી તેમાં શેકેલો રવો થોડો થોડો નાખતાં જાવ.
મિશ્રણ જ્યારે ઘટ્ટ થઈ જાય, ત્યારે શેતૂરનો ગર અને લીંબુનો રસ નાખી હલાવી એક મિનિટ પછી નીચે ઉતારી લો.હવે એક નાના બાઉલમાં કાઢી તેને મેવા, કિશમિશ અને ચાંદીના વરખથી સજાવો.
- હિમાની
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mpOmNr
ConversionConversion EmoticonEmoticon