મૂંઝવણ - અનિતા .


હું રિટાયર્ડ પ્રોફેસરની ૬૫ વર્ષની પત્ની છું, મારા એકના એક પરિણીત દીકરાની મુશ્કેલીનું સમાધાન  ઈચ્છું છું. મારો છોકરો કોલેજમાં લેક્ચરર છે. ખૂબ સુશીલ અને સુંદર છે, પરંતુ તેની પત્ની બહુ જિદ્દી, કામચોર અને સ્વચ્છંદ વિચારોની છે. શરૂઆતથી જ તે પોતાના વર્તનથી  અમને ત્રાસ આપતી રહી છે.

હવે જ્યારે લગ્નને ઘણો સમય થઈ ગયો છે, બે છોકરાની માતા બની ગઈ છે પણ તેના સ્વભાવમાં સહેજ પણ ફેરફાર નથી થયો. મને મારા દીકરા પર દયા આવે છે. શું કરું?

- એક સ્ત્રી (અમદાવાદ)

*  તમારી પૂત્રવધૂનો જે સ્વભાવ છે તેને તે સાથે જ તમારે સ્વીકારવી પડશે. વ્યક્તિનો સ્વભાવ પુખ્ત થયા પછી બદલવાનું મુશ્કેલ હોય છે. તમારા દીકરાએ પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લીધી છે તો તમે પણ સ્વીકારી લો. દીકરા પર દયા લાવવાને બદલે તેને બની શકે તેટલો સહકાર આપો. રોજબરોજના છૂટાંછવાયા કામો સિવાય બાળકોને અભ્યાસમાં  પણ મદદ કરો. આથી આડકતરી રીતે દીકરાને મદદ મળશે, સાથે તમે ટેન્શનનો અનુભવ પણ નહીં  કરો.

હું ૨૩ વર્ષની યુવતી છું,  આજકાલ હું  દ્વિધામાં છું. કશું સમજાતું નથી કે ક્યાં જાઉં?  દિયર (પતિનો પિતરાઈ ભાઈ) મને બ્લેકમેલ કરી રહ્યો છે. મારા પતિએ ધંધોવેપાર શરૂ કરવા માટે તેની પાસેથી પૈસા ઉધાર લીધા હતા, જે અમે હજુ ૩-૪ વર્ષ સુધી પાછા આપી શકીએ તેમ નથી. આના બદલામાં તે મારી સાથે  સંબંધ બાંધવા ઈચ્છે છે. કહે છે કે જો તેની વાત ના માની તો અમને બરબાદ કરી દેશે. હું આ અનૈતિક સંબંધ માટે ખુશ નથી, પરંતુ તેની ધમકીથી ડરી ગઈ છું. વિચારું છું કે મારી સાસુને બધી વાત કરી દઉં?

- એક યુવતી  (સૂરત)

*  તમારે તમારા દિયરની અયોગ્ય માગણીને ક્યારેય ના માનવી જોઈએ. બીજી વખત આવી મૂર્ખામી  કરે તો તમે મજબૂત થઈને ધમકાવો અને કહી દો કે તમે તમારા ઘરવાળાને તેની ફરિયાદ કરી દેશો. બનશે ત્યાં સુધી તો તે સીધા રસ્તા  પર આવી જશે અને જો ના સુધરે તો તમારા સાસુને બધું જ કહી દેજો.

હું બી.એ., બી.ઍડ, યુવતી છું, મારાં લગ્ન એન્જિનીયર યુવક સાથે ૬ મહિના પહેલાં થયાં. મને સાસરીમાં ન તો સાસુસસરા તરફથી કે ન તો પતિ તરફથી પ્રેમ મળ્યો છે, મારા ઘરવાળાઓએ લગ્નમાં કોઈ પણ પ્રકારની ખોટ પડવા દીધી નથી. તેમ છતાં પણ સાસરીમાં મારી સતત અવગણના થાય છે. પતિ ઓફિસથી આવીને તેના માતા-પિતાની પાસે બેસી જાય છે.  રાત્રે મોડા રૂમમાં આવે છે. જ્યારે હું ઈચ્છું છું કે તે વધારેમાં વધારે સમય મારી સાથે રહે. જો ફરિયાદ કરું તો કહે છે પત્ની કરતાં વધારે તેમને ઘરના લોકોની દરકાર છે. એટલે મારું સાસરીમાં મન લાગતું નથી અને હું પિયર જતી રહું છું. તેનો પણ પતિને કોઈ વાંધો નથી. મને તો લાગે છે કે તેમને મારી જરૂર જ નથી. શું મારું લગ્નજીવન ટકી શકશે? 

- એક યુવતી (ગોધરા)

* હજુ તમારા લગ્નને થોડા જ મહિના જ થયા છે. પતિ અને પરિવારના બીજા સભ્યો માટે હજુ તમે નવા છો. તેમને સમજતાં અને તેમનો પ્રેમ મેળવતાં તમને સમય લાગશે. તમારે તેમની વચ્ચે રહીને તમારા વ્યવહારથી બધાંના મન જીતવાનાં છે. 

તમે એવું કરવાના બદલે પિયરમાં જઈને બેસી જાવ છો, આ યોગ્ય નથી. પતિ પોતાના ઘરવાળાઓની વધુ દરકાર કરે છે અને તમને ઓછું મહત્ત્વ આપે છે તો તેના માટે કહેવાનું કે તમને જેટલો સમય પતિની સાથે મળતો હોય તને મનભરીને એન્જોય કરો. ક્વોન્ટિટી ટાઈમના બદલે ક્વોલિટી ટાઈમને મહત્ત્વ આપો.

હું ૨૨ વર્ષની યુવતી છું. એક યુવાનને છેલ્લાં ચાર વર્ષથી પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. છોકરો મારા ઘરના લોકોને ગમે છે પણ જ્યારે તેના જન્માક્ષર મારા જન્માક્ષર સાથે મેળવ્યા તો તે મળતા ના આવ્યા. બસ, આ કારણથી મારા ઘરવાળાં લગ્ન કરવાની ના પાડે છે.  છોકરો અને તેના ઘરના લોકોની સાથે હું પણ આવી જુનવાણી વાતોમાં  નથી માનતી. માતાપિતાએ કહી દીધું છે કે ભવિષ્યમાં જો કંઈક આડું અવળું થઈ જાય તો એની જવાબદારી તેમની નહીં હોય. હવે લગ્ન કરવાની મને પણ બીક લાગે છે. ખરેખર ક્યાંક કશુંક અજુગતું થઈ ગયું તો શું કરીશ?

- એક યુવતી (નડિયાદ)

*  તમે તમારા પ્રેમી અને તેમના ઘરના લોકો મુક્ત વિચારો ધરાવો છો. તમે જન્માક્ષરનાં ચક્કરમાં ના પડો અને લગ્ન કરી લો. ભવિષ્યમાં થનારા અનિષ્ટની શંકા કરવી નકામી છે. જે લોકોનાં લગ્ન જન્માક્ષર મેળવીને થાય છે તેમના જીવનમાં અનિષ્ટ નથી થતું? 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ttuz3e
Previous
Next Post »