અજ્ઞાાતકવિ રચિત શુધ્ધ ફાગુકાવ્ય 'વસંતવિલાસ'


'ફા ગુ' - એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. ફાગુ એટલે ફાગણ માસમાં સ્ત્રી-પુરૂષોના વિહાર અને વસંતોત્સવ માટે રચાતો કાવ્યપ્રકાર. હોળીના તહેવારમાં હિલોળે ચડેલા યુવાન માનવહૈયાઓ ઉપર વસંતઋતુની પ્રકૃતિના માદકતાભર્યા વાતાવરણની કેવી અસર થાય છે તેનું આ ફાગુકાવ્યમાં અદ્ભૂત નિરૂપણ થાય છે. અહીં કવિ વિરહિણી નાયિકાને પણ વસંતઋતુની આ માદકતા કેટલી બધી વ્યથિત કરે છે. એના વર્ણન કરવાની સાથે તેના પ્રિયતમના આગમનની એંધાણી આપી, કાવ્યના અંતે આ પ્રોષિતભતૃકાનું તેના પ્રિયતમ સાથે મેળાપ કરી આપે છે. આમ, વિપ્રલંભ શૃંગારની સાથે સંભોગ શૃંગારનું પણ અહીં અદ્ભૂત વર્ણન કરવાની તક કવિ ઝડપી લે છે. વસંતઋતુનું પ્રાકૃતિક સૌંદર્ય એમાં નિરૂપાતું હોવાથી એને ઋતુકાવ્યનો એક પેટાપ્રકાર કહી શકાય તો પ્રેમીહૈયાંઓના વિપ્રલંભ અને સંભોગ શૃંગારનું પણ એમાં સુંદર નિરૂપણ થતું હોવાથી એને 'શૃંગારકાવ્ય' કે પ્રણયકાવ્યનો એક પ્રકાર પણ કહેવાય છે.

મધ્યકાલીન સમયના કોઇ અજ્ઞાાત કવિ દ્વારા રચિત 'વસંતવિલાસ' એ શુધ્ધ ફાગુકાવ્ય કે ઉત્તમ ઋતુકાવ્ય છે. કુલ ચોર્યાસી પંક્તિના આ ફાગુકાવ્યની દરેકેદરેક પંક્તિએ જીવનનો ઉલ્લાસ છલકે છે. આ રચનાના સમય કે સર્જક વિશે કોઇ ચોક્કસ માહિતી મળતી નથી. પરન્તુ, સમગ્ર કાવ્યમાં જે રીતે ફાગણ અને વસંતઋતુનું વર્ણન થયું છે. નાયિકાની એના પ્રિયતમ માટે જે રીતની વિરહવેદના દર્શાવી, અંતે તેનો સુખદ મેળાપ કરાવી, પ્રણયક્રીડાનું નિરૂપણ કર્યું છે અને એમાં જે જીવનરસનો ઉમંગ છલકે છે, તેનાથી એ વાત નક્કી છે કે એનો સર્જક કોઇ જૈન કવિ નહીં પણ જૈનેતર કવિ જ છે. કેમ કે વિશેષત: જૈન ફાગુકાવ્યનો આરંભ ભલે શૃંગારથી થતો હોય પરન્તુ એનો અંત તો હંમેશા સંયમ કે ઉપશમથી જ આવતો હોય છે. જૈન ફાગુની જેમ અંતે નાયક-નાયિકા સંયમનો માર્ગ સ્વીકારતા નથી, પરન્તુ અહીં અનેક યુગલોનો વસંતવિહાર અને પ્રણયક્રીડાઓ અસીમ વહે છે.

મધ્યકાલીન ફાગુકાવ્યની પરંપરા મુજબ મંગલાચરણ એટલે સરસ્વતીવંદનાથી આ 'વસંતવિલાસ' કાવ્યનો આરંભ થાય છે. એના પ્રારંભે જ એક મુસાફર દોડતો-દોડતો ઉત્સુકતાથી પોતાની પ્રિયતમાને મળવા જઇ રહ્યો છે, તે ક્ષણે કવિ વસંત ઋતુનું આહ્લાદક વર્ણન કરે છે જે વર્ણન એની મિલનની ઉત્સુકતામાં ઉદ્દીપક બને છે, વસંતના વધામણારૂપે પંખીઓ કુંજી ઊઠયા છે. ભમરાઓ ફૂલોનો રસ ચૂસીને ગુંજી રહ્યા છે. કોયલના મીઠા ટહુકાર, કદલીમંડપો, લતાકુંજો, યુવાહૈયાઓને મહેંકાવતો દક્ષિણાયન પવન માનવહૈયાઓને હિલોળે ચડાવી રહ્યો છે. અગરૂ-ચંદન, કપુર, કસ્તુરી, કેસરની સુવાસ વસંતને મોહક બનાવી રહી છે. પ્રેમીયુગલોની શૃંગારલીલા કાવ્યની પંક્તિએ-પંક્તિએ લૂંટાઇ રહી છે, ત્યારે આ વાતાવરણમાં પેલા યાત્રિકની પ્રિયતમા વસંતની માદકતાની શૃંગારક્રીડાઓમાં મદમસ્ત બનેલાં હૈયાઓની વચ્ચે પોતાના પ્રિયતમના વિરહની આગમાં શેકાઇ રહી છે. નાયિકાની તીવ્ર વિરહાવસ્થા, વ્યાકુળતા, વિલાપ અને તલસાટ તથા પિયુને ભમરા દ્વારા અપાતા ઉપાલંભને કારણે કાવ્ય અદ્ભૂત ચિત્રાત્મક બન્યું છે. એવામાં અચાનક જ પેલી નાયિકાની જાંઘ ફરકે છે, કાગડો બોલે છે અને તેને પોતાના પ્રિયતમના આગમના શુભ શુકનો થવા માડે છે. થોડીકવારમાં જ એનો પ્રિયતમ આવી પહોંચતાં જ બંનેનો સુખદ મેળાપ થાય છે. કાવ્યનો સુખાંત આવતાં જ કવિ ફરીથી વનકેલિનનું શૃંગારપૂર્ણ વર્ણન કરે છે. પુષ્પ શણગારો રચાય છે. રસિકોના નૃત્ય થાય છે. યુવાહૈયાઓ શૃંગારક્રીડા રત બને છે અને મુક્તજીવનનો ઉલ્લાસ ઉભરાય છે, આમ, પ્રણયીભાવોને ભીંજવતી રસિક શૃંગારક્રીડાઓથી આખું કાવ્ય ઉલ્લાસમય બની જાય છે.

આ ફાગુકાવ્યના પ્રથમ સંપાદક શ્રી કેશવ હર્ષદ ધુ્રવે લખ્યું છે કે ''વસંતવિલાસ ચમક ચમક થતી ચાંદરણી જેવું કાવ્ય છે, કવિની બાની અત્યંત મધુર અને ભાવભરી છે, ઉજ્જવળ શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્ય અને રસનું પોષણ કરે છે, શૈલી સંસ્કારી છે, કડીએ-કડીએ જે જીવનનો ઉલ્લાસ ઉભરાઇ જાય છે તે ઉપરથી અનુમાન થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલો નહીં પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારો ભોગી પુરૂષ હશે. વસંતવિલાસનો હૃદયરાગ એનું માધુર્ય, એનું પદલાલિત્ય સર્વ કંઇ મનોહર છે.'' ચોર્યાસી કડીનું આ કાવ્ય સુંદરતાની ગંગોત્રી સમાન છે.''

કાવ્યનો દરેક શ્લોક મુક્તક જેવો ભાવપૂર્ણ છે. કાવ્યનો મુખ્ય રસ શૃંગાર રહ્યો છે. યમકસાંકળી, વર્ણસગાઇ, ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અન્યોક્તિ જેવા અલંકારોમાં કવિની ભાષા ઉપરની મજબૂત પકડ જોવા મળે છે, અને આ અલંકારોના કારણે જ સમગ્ર કાવ્ય એક મનભર અને મનહર કલાકૃતિ બની શક્યું છે, કવિની કુશળતા પણ એટલી અદ્ભૂત છે કે માત્ર થોડીક પંક્તિઓમાં પણ નિતાંત મનોહર, આહલાદક, આકર્ષક અને રમણીય કાવ્યસૃષ્ટિ કવિ ઊભી કરી શક્યા છે. મનોહર અલંકારો, વિશિષ્ટ નિરૂપણશૈલી, અને આગવી કલ્પનાસૃષ્ટિને કારણે 'વસંતવિલાસ' એ પરંપરાગત રચાતાં ચીલાચાલુ ફાગુકાવ્યો કરતાં તદ્દન જુદું પડતું નોંધપાત્ર કાવ્ય છે, એ રીતે જીવનના ઉલ્લાસથી છલકાતું આ ફાગુકાવ્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશિષ્ટ કૃતિ છે.

- ડૉ. ઋષિકેશ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TrUPv3
Previous
Next Post »