- કંગના રનૌત જેટલા બેફામ પણ ન બનીએ અને શશી થરૂર જેટલા બેજવાબદાર પણ નહીં
- 'ડીવાઈડ એન્ડ રુલ' હવે ભારત પૂરતું જ સીમિત નથી રહ્યું વિશ્વભરમાં વર્ગભેદ અને જાતિભેદનો વાયરસ આંગળીના ટેરવાથી ફેલાવાય છે
કં ગના રનૌત ફિલ્મ ઉદ્યોગથી આગળ વધીને હવે કોઈ કોમ્યુનીટીની ઉદ્ધારક હોય તેમ સોશિયલ મીડિયા પર જે સ્તરની લગાતાર પોસ્ટ મૂકતી રહી છે તે જોઇને હવે એવું લાગવા માંડયું છે કે તેની ફિલ્મો જોવા કોઈ બોક્ષ ઓફિસથી ટીકીટ ફાડે તેના કરતા તે પોતે સંસદમાં જવાની ટીકીટ ફાડવાનો એજેન્ડા ધરાવે છે.
કોર્ટની પ્રક્રિયાને પણ 'પપેટ 'કહેવાની હિંમત હોય કે તે જેલમાં જવા પણ તૈયાર છે તેવી ટવીટ કરવા અગાઉ તે કાયદાનાં નિષ્ણાતોની અગાઉથી સલાહ લેતી જ હશે કે 'મારા નિવેદનથી વધુમાં વધુ કેટલી સજા થાય અથવા તો થોડી મુશ્કેલી ભોગવી લાંબા ગાળાનો શું ફાયદો થાય.' કંગના નહીં બધા જ નેતાઓ અને એજેન્ડા ધારકો આ રીતે માર્ગદર્શકોની ટીમ રાખીને જ જાહેર તુમાખી બતાવે છે.
જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલાહ પણ એવી કોમેન્ટ કરી શકે છે કે ૩૭૦મી કલમ હટાવવા અમને ચીન મદદ કરશે અને મુફ્તી મહબૂબાને ભારતનો રાષ્ટ્ર ધ્વજ જ સ્વીકાર્ય નથી તેમ કહે. શશી થરુરે તો હદ કરી દીધી. પાકિસ્તાન સ્થિત લાહોર લિટરેચર ફેસ્ટીવલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ભારતમાં લઘુમતી જોડે સમાન વ્યવહાર નથી રખાતો તેમજ કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે ભારત કરતા પાકિસ્તાનનો પ્રયાસ વધુ સરાહનીય છે મને તમારા બધાની ઈર્ષા આવે છે કે તમે કેવા ખુશહાલ વાતાવરણમાં રહો છો.
અમારે ત્યાં અમારા નેતા રાહુલ ગાંધીએ છેક ગત ફેબુ્રઆરીમાં મોદી સરકારને ચેતવણી આપી હતી કે કોરોના હવે ભારતમાં સંક્રમણ ફેલાવશે પણ મોદીને ટ્રમ્પનો કાર્યક્રમ યોજવો હતો. થરૂરે એમ પણ કહ્યું કે ભાજપ સરકાર હિંદુ મતોની બેંક ટકાવી રાખવા બે કોમો વચ્ચે વૈમનસ્ય ઉભું કરે છે અને કોરોનાને ફેલાવવા એક કોમને જવાબદાર શુદ્ધા ઠેરવે છે.
સોશિયલ મીડિયાથી સંસ્કાર, સત્સંગ પ્રેરક અને વૈશ્વિક માહિતી અને વિચારોની સર્જનાત્મક અભિવ્યક્તિનું પ્રત્યેક વ્યક્તિને પ્લેટફોર્મ પ્રાપ્ત થયું છે તે ક્રાંતિ કહી શકાય પણ એક એવી માનસિકતાને જન્મ પણ આપ્યો છે કે લોકોની નજરમાંથી ભુલાઈ ન જવાય તે માટે કે પછી પૂર્વઆધારિત યોજનાને પાર પાડવા રોજ સવારે ઉઠતા સાથે કોઈને કોઈ ટવીટ કે ફેસબુક પોસ્ટ કરવાની.આ માટે ક્રિએટીવ ટીમ પણ રાખવામાં આવે છે.
મૂળ આશય સમાજને, નાત, જાત અને ધર્મના ફેબ્રિકસને તોડવાનો હોય છે. સામાન્ય નાગરિક પણ ઉશ્કેરાઈ જાય અને તેને પણ તેનો અભિપ્રાય આપવા માટે સામેલ કરવાનો કારસો ઘડાયો હોય છે.
મુખ્ય સુત્રધાર પછી તે રાજકારણી હોય કે સેલીબ્રીટી કે પછી બુદ્ધિજીવી અને ધાર્મિક આગેવાન તેઓના કોમનમેન હાથા બની જાય છે. વર્તમાનના સંદર્ભમાં કંગના કે થરૂરના ઉદાહરણ આપ્યા બાકી સર્વગ્રાહી નજર નાંખશો તો એક બાબત સ્પષ્ટ બની છે કે ટેકનોલોજી અને મીડિયાની આવી ક્રાંતિ પછી માનવ જગતની જીવનશૈલી, જીવનદ્રષ્ટિ અને અગાઉ જે સદભાવનાનું વાતાવરણ હતું તે વિશ્વભરમાં કથળતું જાય છે.
હવે દેશમાં વર્ગવિગ્રહ, યુદ્ધ અને એકબીજા માટેનો અવિશ્વાસ વધતો જશે તો તે માટે સોશિયલ મીડિયા જવાબદાર હશે. ઈન્ટરનેટ, બ્લોગ અને ટવીટર જોડે જીવવાથી આપણે આધુનિક કે નવી દુનિયાના બની ગયા છીએ તેવા ભ્રમમાં ન રહેવું. ઊલટું એના એ જૂના, યંત્રવત્ અને કટ્ટર વિચારો જે પહેલાં તમારા સુધી જ સીમિત રહેતા હતા તે હવે બ્લોગ અને સોશિયલર્ટ નેટવર્કિંગ સાઈટની પાંખો વડે વૈશ્વિક સ્તરે પ્રસરે છે જેને લીધે એવો સમાજ નિર્માણ પામી રહ્યો છે જે વૈમનસ્ય, કુરિવાજો અને વિકૃતિ ફેલાવે છે. ટેકનોલોજી કે આપણા પર ફળી વળતા એક પછી એક કેલેન્ડરના તારીખીયા કે અનેક વર્ષો આપણને બદલી નહીં શકે. આપણે જ જાતે બદલાવવાનું છે કે વિકસવાનું છે.
આપણે ઈન્ટરનેટના માધ્યમથી થતી ચેટ (વાતચીત), ડિસ્કશન બોર્ડ (ચર્ચા માટેનું પ્લેટફોર્મ) કે જનસમુદાયને કનેક્ટ કરતી (એકબીજા સાથે જોડી આપતી) સાઈટ પર જોઈશું તો મહદ્અંશે કોઈ પ્રશ્ન, ઘટના કે વિવાદની પ્રતિક્રિયા આપતા નેટિઝન્સ (નેટ પરના નાગરિકોનો સમુદાય) એકબીજાના પ્રદેશ, ભાષા, ધર્મની અશ્લિલ શબ્દોમાં હાંસી ઉડાડતા હોય છે.
ક્રિકેટમાં ભારતના ખરાબ દેખાવની ચર્ચા રમતના સંદર્ભમાં વિશ્લેષણ સાથે કરવાની હોય તેની જગાએ ગાડી પ્રાંતવાદ પર ચઢી જાય છે. 'નેટિજન્સ યુ તમિલીઅન્સ... લુંગી... આર લાઈક ધિસ' કહીને રજનીકાંતથી માંડી તમિલિયન્સ ભાષાના સંવાદો, નામોની મજાક ઉડાવતા હોય છે. વળતો જવાબ આપતાં તામિલિયન્સ જો આ ચેટ કરનાર કોઈ મરાઠી હોય તો તેને યુ... ઘાટી કહીને સંબોધન કરે છે. ''આઈ, ઈડલી-ઢોંસા ધેન યુ આર વડાપાઉં'' તેમ રોષ પણ ઠાલવે છે.
ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના નાગરિકો અને નેટ પર એકબીજા પર અભદ્ર ભાષા અને વિચારો સાથે બાખડી પડતા હોય છે. હવે ટવીટર પર પણ વૉર જામે છે.
તેવી જ રીતે ફિલ્મોની તંદુરસ્ત ચર્ચા માટેના માધ્યમનો આશય હોય ત્યારે ફિલ્મો પર મુસ્લિમોનું સામ્રાજ્ય અને રાજકારણ પર વાત ફંટાઈ જાય. એકબીજા ધર્મીઓ આઘાતજનક આક્ષેપોનો મારો ચલાવે છે. પ્રત્યેક વીતી રહેલા વષો સાથે સમાજે પાકટ અભિગમ કેળવવાનો હોય તેની જગાએ સોશિયલ મીડિયા દ્વારા ભારત દેશ ભાષા, પ્રાંત, જાતિ અને ધર્મથી તમામ સ્તરે તૂટેલો છે, તેવી જ પ્રતીતિ થાય છે.
આવા પ્રશ્નોની બૌદ્ધિક સ્તરે તાર્કિક ચર્ચા થાય તે હજુ ક્ષમ્ય છે પણ નેટ પરની ચેટમાં તો મિમિક્રી, જૉક અને ધિક્કારની જ ભાષા હોય છે. તમે કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમસ્યા પર ચર્ચા છેડો એટલે તેના જવાબમાં તમને ''યુ ગુજ્જુ... બેટર એન્જોય યોર ઢોકલા'' કહીને નીચે ઉતારી પડાતા હોય છે.
કેટલાક ધર્મો, સંપ્રદાયો તો સોશિયલ નેટવર્કિંગ માટે ધર્મ પરિવર્તન, પ્રભાવ પાડવા જ નિષ્ણાતોને રોકીને એક વ્યવસ્થિત તંત્ર ગોઠવે છે. બ્રેઈન વોશિંગ કરીને કોઈને આતંકવાદી નેટવર્કમાં સામેલ કરવાનું અભિયાન, અન્ય ધર્મ કે દેશ માટે ધિક્કાર જન્મે તે માટે નેટ પર ચર્ચા છેડવામાં પાવરધાઓને જ વેબસાઈટ ઊંચા પગારે રોકે છે. આ જ અભૂતપૂર્વ ટેકનોલોજી દ્વારા વિશ્વમાં શાંતિ અને સદ્ભાવના માટેની સંગીન ભૂમિકા ભજવી શકાય પણ આપણે સંકુચિતતા અને અજ્ઞાાાની દિમાગ સાથે 'સ્માર્ટ'(!) ફોનનું સાન્નિધ્ય કેળવીએ છીએ.
આશ્ચર્યની વાત એ છે કે આવા કુવિચારોનો મારો ચલાવીને વિશ્વમાં વિકૃતિનો વાયરસ ફેલાવનારાઓ ઈલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, બાયોટેકનોલોજી, રોબોટિક્સ અને જીનેટિક્સમાં અભ્યાસ કરી ચૂકેલા સ્નાતકો છે. તેઓ અમેરિકા, યુરોપ કે ભારતના બેંગ્લોર, હૈદરાબાદમાં આવેલી મલ્ટિનેશનલ કંપનીમાં કાર્યરત હોઈ શકે. વિશ્વને નવી ટેકનોલોજી સભર દુનિયામાં લઈ જવા માટે તત્પર આ નવી પેઢી વિચારો દ્વારા જ ટેકનોલોજી થકી દુનિયાને બે-ત્રણ સદી જૂના માનસમાં ધકેલવાનું કામ કરે તે કેવી વિસંગતતા કહેવાય?
બીજી એક માનસિકતા પાછળ પણ સંશોધન કરવા જેવું છે. સેલફોન પર વિશ્વના નાગરિકો એકબીજાને સુખ, આનંદ અને પોઝિટીવ જીવનશૈલી સાથે જીવવાની શુભેચ્છા આપતા સૂત્રો, સુવાક્યો કે જોકની આપ-લે કરે છે. ઇ-મેઇલમાં પણ શુભ ભાવના પ્રગટ થાય છે પણ નેટની ચર્ચા મંચ પર આપણું પોત જરા જુદી રીતે પ્રકાશ પામે છે.
અગાઉના વર્ષોમાં તો નિમ્ન કે હીન વિચારો અશિક્ષિત પ્રજા જ કરતી તેવી સમાજની છાપ હતી પણ હવે તો બ્લેકબેરી, બ્લ્યુ ટ્થ, પેન-ડ્રાઇવ, પીક્સલ અને ગીગાબાઇટ મેમરી અને ડિઝાઇનર ફેશન જોડે જીવતી નવી શિક્ષિત પેઢી પણ વિચારો થકી વૈમનસ્ય અને વિકૃતિ ઓકે છે. અગાઉ, અન્યાય, શોષણની પીડા અને રોષ પોતિકો જ રહેતો હતો પણ હવે નેટ થકી તમે વૈશ્વિક વાવડ ફેલાવી શકો છો, જેની પ્રથમ પ્રતિક્રિયા સામી સિસ્ટમ પરનો ધિક્કાર જ હોવાની. એમ લાગે છે કે, ઇન્ટરનેટ કે ટેકનોલોજી વગરનું અજ્ઞાાાન આશીર્વાદ સમાન હતું.
જાતજાતના ડેની ઉજવણી અને તેના સુવાક્યોની આપ લેને લીધે નેટની સિસ્ટમ જામ થઈ જાય તેવું બને પણ જીવવા લાયક દેશ કે વિશ્વ કેમ બનાવવું તેની વાતો નવી પેઢી આવી યંત્રવત્ લાગણીઓ વહેતી કર્યા બાદ છેડતી નથી. એકપણ ડેનાં જે પણ મેસેજ આપણે પાઠવીએ છીએ તેવું જીવનમાં તો અપનાવાતું નથી હોતું. ટેકનોલોજીની કંપનીઓમાં બેસીને કે લેટેસ્ટ ઉપકરણોનો ઉપયોગ કરીને છેલ્લે બંધિયાર માનસની પ્રતીતિ કરાવતું ઝેર અને વૈમનસ્ય જ ઓકવાનું હોય તો વર્ચ્યુઅલ કે રોબોટિક ટેકનોલોજી પણ દેશ અને વિશ્વને કઈ રીતે નવી દુનિયામાં લઈ જઈ શકે.
ટેકનોલોજીના સહારે લગ્ન કરનાર અને આધુનિક શિક્ષણ અને દુનિયાના પ્રતિનિધિ સમાન યુવાનો પણ સંસ્કૃતિ ટકાવી રાખવાના બહાને સદીઓ જૂના ક્ર અને અધમ શોષણખોર રિવાજોને તો અંગત સ્વાર્થ ખાતર જારી જ રાખે છે. આજે પણ તમામ સ્તરે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવી પેઢી અંતે તો જૂના માનસની અભિવ્યક્તિ જ વ્યક્ત કરે છે તેઓમાં પ્રણેતા બનવાની કે ક્રાંતિ કરવાની સહેજ પણ નૈતિક હિંમત નથી. આ બધું તેઓ લેપટોપ અને ઇન્ટરનેટ માધ્યમના સહારે કરે છે તેથી વિશેષ વિષાદ યોગ સર્જે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oycHCD
ConversionConversion EmoticonEmoticon