વિજયા દશમીનો ચિંતન પ્રસાદ


'વિ જયા દશમી''ના ગૌરવપ્રદ સ્પંદનો અનુભવવા પ્રથમ 'વેદોક્ત રાષ્ટ્રગીત'ની કેટલીક પંક્તિઓ યાદ કરીએ.

હે પરબ્રહ્મ ! અમારા રાષ્ટ્ર વિશે

એક બાણ વીંધે રિપુને

ક્ષત્રિય વીરો, ધનુર્ધારીઓ હો,

વહે ભાર, સુવેગી અશ્વો હો,

વિજયી નરવીર મહારથી હો,

યોદ્ધા બળવાન પ્રતાપી હો.

વહેક્ષેમ સુયોગ સુરાષ્ટ્ર વિશે

સત્તા સ્વાધીન અમારે હો.

હિંદુધર્મ સંસ્કૃતિની પ્રાચીન પરંપરાઓના ભાગરૂપે પર્વો ઉજવી ગૌરવાનંદ મેળવીએ છીએ. સદાવંદનીય ઋષિવરોએ પવિત્ર, તપોમય, જ્ઞાાનમય, યોગમય, જીવન જીવી, ચિંતન મનન કરી ઉત્કૃષ્ટ જીવનશૈલી આપણને ભેટ આપી છે. આ ભેટ ઉર્જસ્વી છે.

ભારતીય સંસ્કૃતિ, વીરતા, શૌર્ય, શક્તિની પૂજક છે.... ઉપાસક છે. ગીતાજી કહે છે, 'કાયરતા છોડ', ધર્મ સંસ્કૃતિનાં દેવ-દેવીઓના હાથમાંના શસ્ત્રો આપણને શક્તિવાન બનવા કહે છે. આપણા પ્રાચીન પુરાણોમાં પ્રાચીન ઇતિહાસના વિજયવંતા પ્રસંગોના સ્મરણો, શક્તિ મેળવી, તેજસ્વી પરાક્રમથી વિજય પ્રાપ્તિ કરવા પ્રોત્સાહિત કરે છે.

વિજયાદશમી સ્મરણ કરાવે છે ભગવાન રામચંદ્રજીનું દસ માથાવાળા રાવણને તેમણે હણ્યો. દસ માથાવાળો હણાયો તેથી 'દશેરા' કહેવાય છે. મા દુર્ગાએ પ્રચંડ શક્તિથી દૈત્યનો નાશ કર્યો. છત્રપતિ વીર શિવાજી ! જેમણે ઔરંગઝેબને હરાવવા પ્રસ્થાન કર્યું. આસુરી શક્તિઓને હણવામાં આવી ગુપ્તવાસ પૂરો થતાં પાંડવોએ 'સમી' વૃક્ષમાં છૂપાયેલા શસ્ત્રોને શોધી ફરીથી ધારણ કર્યા ને, અસત બળો સામે લડવા કટિબદ્ધ થયા. વ્યાસજીએ પાંડવોને કહેલું કે જો સતધર્મના મૂળ ટકાવવા હોય તમારે શક્તિ બળની ઉપાસના કરવી પડશે.

વિજયી બનવા પ્રેરતા પર્વો આપણને બળ, બુદ્ધિ, ઓજસનો, ધાર્મિક, રાષ્ટ્રીય નૈતિક મૂલ્યોનો, હિંમત- વીરતા- ધીરતાનો- શૌર્ય- શીલ- સંસ્કારનો ત્રિવેણી સંગમ બની 'રક્ષાધર્મી' બનવા કહે છે. ભારતીય ધર્મસંસ્કૃતિ 'ઇશકૃપા' અને 'માનવ પ્રયત્ન' - આ બંનેનો સુયોગ સાધી, મહાશક્તિ, વીરત્વથી 'વિજય' પ્રાપ્ત થાય તેમાં માને છે. વિજયાદશમી આપણને રાષ્ટ્ર- ધર્મ- સંસ્કૃતિ પ્રત્યે પુરી શક્તિથી ફરજો બજાવવાનું પણ કહે છે. 'વિજય' ઉન્માદ માટે નહિ,  'ઉન્મિીલિત'  (વધુ વિકસવા) માટે હોય છે. 'વિજય'ને જે પચાવી શકે તે જ ખરો વીર !

પર્વની પ્રાચીન પરંપરાનું સન્માન કરીએ. એની સાથે ચિંતન- મનન કરી અર્વાચીન પ્રેરણાદાયી બાબતોને પણ વણી લેવામાં આવે તો નવી પેઢીને પણ લાભદાયી થઈ પડે.

આળસ, અતિશય ભોગવાદ, લઘુતા ગ્રંથિ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, રાષ્ટ્રદ્રોહ, છળકપટ જેવા રાવણોને જીતવા માટે સમયે પડકાર તો ફેંકેલો જ છે. માણસને છાજે એવું યુદ્ધ એક જ. આ જગે, એણે જાતને જીતવી.''

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ આપણે જે વિવિધ ક્ષેત્રોમાં જે 'વિજય' પ્રાપ્ત કરેલો છે તેને પણ આવા પર્વ સાથે જોડી શકાય પણ તેને માટે એક લક્ષ્મણરેખા રાખવાની કે આવા કાર્યક્રમોમાં પક્ષાપક્ષીરહિત, સ્વાર્થરહિત, પોતાના અર્થહીન ગુણગાન રહિત, સ્વપ્રચારલક્ષી રહિત બનવા જોઈએ રાષ્ટ્રસંસ્કૃતિની વાત આવતી હોય ત્યારે ભેદભાવ, રાગ-દ્વેષ, પક્ષાપક્ષી, વેરઝેર, કોમવાદ છોડી, કેવળ રાષ્ટ્ર- ધર્મ- સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ આદર એકતાથી વ્યક્ત કરવો જોઈએ.

''આજે જરૂર છે ગીતા રૂપી સિંહનાદ કરતા શ્રીકૃષ્ણની, ધનુષબાણ ધારી શ્રી રામચંદ્રજીની, મહાવીર હનુમાનજીની, અને મહાકાલીની ઉપાસનાની'' એવું વિવેકાનંદજીએ કહેલું, એવું જો થાય તો આપણામાં શૌર્ય-શીલ- સંસ્કાર પ્રબળ બને ને 'જીવનવીર' બની શકાય.

હે પ્રભુ !

''વીરત્વ જીવને પૂરી આપજે, શક્તિ દક્ષતા

અસૂરો જીતવાના છે હજી યે કેટકેટલા.''

- લાભુભાઈ ર. પંડયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34jiILx
Previous
Next Post »