નમું નમું પુનિત શ્વેત વાર્ધક્યને


'ન મું નમું પુનિત શ્વેત વાર્ધક્યને' એક અજ્ઞાાત કવિની પ્રસ્તુત કાવ્યપંક્તિમાં વૃધ્ધાવસ્થાનું કેવું ગૌરવ થયું છે ! જેમના હૃદયની સુક્ષ્મ સંપત્તિઓનું શ્રેય પરિવાર તેમજ સમાજને મળે છે, જેમની પાસે અનુભવનું ઊંડું જ્ઞાાાન છે. અને જેમની મંગલમય દ્રષ્ટિમાં સર્વનું હિત સમાયું છે એવા વૃદ્ધજનો સદા વંદનીય છે. મનમાં પ્રશ્ન થાય કે વૃદ્ધ કોને કહેવાય ? આ પ્રશ્નનો સચોટ જવાબ એ હોઈ શકે કે વૃદ્ધ એટલે ઘરડો નહિ પરંતુ જે ગુણ સત્કર્મમાં વધ્યો છે તે. આ કારણે મનુષ્યની શૈશવ, યૌવન અને વાર્ધક્ય એમ ત્રિઅંકી નાટય જિંદગીમાં વૃદ્ધાવસ્થાનું મહત્ત્વ વિશેષ છે.

કોઈ વૃદ્ધજન એમ ન માને કે પોતાનું જીવન નકામું છે. હા, તે પ્રેમ કરી શકે છે, લાગણી બતાવી શકે છે અને હૂંફ આપી શકે છે. તેમની પાસે જીવન જીવવાની એવી કળા છે કે આબાલવૃદ્ધ સૌ તેમના તરફ આકર્ષાય છે. એ કારણે તેઓ પાનખરનું આયુષ્ય પ્રસન્નચિત્ત વિતાવે છે. ઉંમર સાથે તેમનામાં હોશિયારી પણ વધતી જાય છે. તેમાં તેમનો અનુભવ પણ ઉમેરાય છે.

શરીરની શક્તિ ભલે ઘટતી જાય પણ તેમની ચાતુરી વધતી જાય છે. વય વધે એટલે સ્વાભાવિક રીતે જ ઝડપ અને શક્તિ ઘટે. પરંતુ આવડત અને કૌશલ્ય વધે છે. એટલું જ નહિ, વૃદ્ધજનો પોતાની અંદરની યાત્રામાં પણ આગળ વધે છે. જેઓ હંમેશાં કશુંક નવું શીખવા જેટલા યુવાન હોય છે જ.

અલબત્ત, આવરદા અનુસાર તેમનું શરીર ઘરડું થતું રહે છે. પરંતુ મનની કોઈ ઉંમર નથી. તેને ઘડપણમાં પણ બાળક જેવું સરળ કિશોરો જેવું ઉત્સાહી, યુવાનો જેવું કર્મઠ અને પ્રૌઢો જેવું પરિપકવ બનાવીને રહી શકાય છે.

 હસતું હસાવતું જીવન મરતાં સુધી જીવી શકાય છે. શરીર વયોવૃધ્ધ થતાં માત્ર શ્રમક્ષમતા ઘટે છે પરંતુ માનસિક દક્ષતા અને સુખદ કલ્પના કરવાના સામર્થ્યમાં કોઈ ઓટ આવતી નથી.

વૈજ્ઞાાાનિક મનીષી ડો.હેનિંગના મતાનુસાર લોકો પોતાની બૌદ્ધિક ક્ષમતા ત્યારે જાગૃત કરી શકે છે જ્યારે તેમની ઉંમર સાઠ વર્ષથી ઉપર થઇ જાય છે. એટલું જ નહિ. વધારે ઉંમરવાળા લોકો ફક્ત નવી વાતો જલદી શીખી જ લેતા નથી પણ પોતાના અનુભવને કારણે બીજા કરતાં સારી રીતે અને વધુ પ્રમાણમાં ગ્રહણ કરી લે છે.

ચીન જેવા વધુ વસતિવાળા દેશમાં ઘડપણને શાનદાર માનવામાં આવે છે. સારું કાર્ય કરવા જેવું સ્વાસ્થ્ય હોવા છતાં આપણે ત્યાં રિટાયરમેન્ટ પછી મોટા ભાગની વ્યક્તિ પોતાને વૃધ્ધ માનવા લાગે છે અને પોતાની જીવન ઉર્જાને નકામી ચિંતાઓ અને કાર્યપ્રવૃત્તિઓમાં વેડફતો રહે છે.

વૃધ્ધાવસ્થા પ્રભુનો સર્વોત્તમ ઉપહાર છે. જીવનભરના સંગ્રહીત અનુભવોની પૂંજીનો લાભ પોતાના ઉત્કર્ષમાં તો ઉઠાવી શકાય છે સાથે સાથે પરિવાર અને સમાજનું હિત સાધી શકાય છે. સફેદવાળ યશ અને સૌંદર્યનો મુકુટ બને છે. ધૈર્ય અને સહનશીલતા આ ઉંમરની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ મૂડી છે. આ ઉંમરમાં વૃદ્ધજનો પોતાના મનને સમજાવી, પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી, યથાસંભવ અધિક ઉપયોગી બને અને પ્રસન્ન રહેવાની તથા હસવા હસાવવાની ટેવ વિકસિત કરે તો સોનામાં સુગંધ ભળે.

સુજ્ઞોષુ કિમ્ બહુના ? 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kiQlT6
Previous
Next Post »