શક્તિની ઉપાસના શા માટે ?


નવરાત્રિના આ દિવસો દરમિયાન આપણે  શક્તિની ઉપાસના કરવાની છે. ગરબા કે રાસરૂપે માની આસપાસ ઘૂમીને માગવાનું છે કે - 'મા ! આ સંસારની ચમકદમકથી આકર્ષાઈને, અમર્યાદિત ભોગો ભોગવીને અમે શક્તિહીન બની ગયા છીએ. અમને તું શક્તિ આપ. અમારી અજ્ઞાાાનતા દૂર કર અમને બુધ્ધિ- શક્તિ આપ.

મ હાકવિ કાલિદાસે કહ્યું છે કે - 'ઉત્સવપ્રિયા ખલુ જનાઃ' અર્થાત્ માણસો ખરેખર ઉત્સવપ્રિય છે. આ ઉત્સવો તેમને ખૂબ ગમે છે. આપણો એક એવો ઉત્સવ એટલે નવરાત્રિ. આ ઉત્સવ માટે એક પૌરાણિક કથા ખૂબ જાણીતી છે. મહિષાસુર નામનો રાક્ષસ દેવો અને મનુષ્યોને રંજાડતો હતો. આવી સ્થિતિમાં સર્વથા નાહિંમત બનેલા દેવોએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધના કરી.

દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આદ્ય દેવો મહિષાસુર પર ખૂબ ગુસ્સે ભરાયા. અને તેમના પુણ્ય પ્રકોપમાંથી એક દૈવીશક્તિ નિર્માણ થઇ. એટલે બધા દેવોે જયજયકાર કરી, તેને વધાવી પૂજન કર્યું. આ દૈવીશક્તિએ સતત નવ દિવસ સુધી યુદ્ધ કરી મહિષાસુરને હણ્યો અને આસુરી વૃત્તિને ડામી, દૈવી સંપત્તિની પુનઃ સ્થાપના કરી દેવોને અભય પ્રદાન કર્યું. આ દૈવીશક્તિ સ્વરૂપા મા તે આપણી જગદંબા. નવરાત્રિના નવ દિવસ દીપ પ્રગટાવી, મા જગદંબાની આરાધના કરી શક્તિ સંપ્રાપ્ત કરવાના દિવસો એ જ નવરાત્રિના દિવસો.

આપણા મનમાં પ્રશ્ન થાય કે આ મહિષાસુર વળી કોણ ? લક્ષણાર્થથી વિચારીએ તો અસુરો એટલે રાક્ષસો. અર્થાત્ 'અસુષુ રમન્તે ઇતિ અસુરાઃ' સર્વદા સ્વાર્થમાં અને ભોગમાં રમમાણ છે તે અસુરો. આવા સ્વાર્થી અને ભોગવાદી માણસો બીજાનું શ્રેય કે સુખ જોઈ શક્તા નથી. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં પણ કહ્યું છે કે - દૈવી સંપત્તિ મોક્ષ માટે છે અને આસુરી વૃત્તિ બંધન માટે મનાય છે અને છેવટે તેઓ વિનાશની ગર્તામાં ધકેલાઈ પતનના માર્ગે જાય છે. આવા અસુરોથી બચવા માટે. મા જગદંબા પાસે શક્તિ સામર્થ્ય માગવાના દિવસો એટલે નવરાત્રિના દિવસો.'

આપણા વેદોમાં પણ 'બલમુપાસ્વ' કહી શક્તિની ઉપાસના કરવાનો મહિમા થયો છે. મહાભારતનું એક એક પાનું બળની ઉપાસના અને શૌર્ય-પૂજાથી મંડિત છે. મહર્ષિ વેદવ્યાસ, ભીષ્મ અને ભગવાન શ્રીકૃષ્ણનાં બધાં જ વ્યાખ્યાનો શૌર્ય અને પરાક્રમથી અંકિત થયેલાં જોવા મળે છે. માનવજીવનમાં ધર્મનાં મૂલ્યો ટકાવી રાખવા માટે શક્તિની ઉપાસના અતિ આવશ્યક છે. આજે પણ મહર્ષિ વ્યાસના અને ભગવાન શ્રીકૃષ્ણના ઉન્નત વિચારોનું સમ્યક પાલન રશિયા, જર્મની, અમેરિકા અને જાપાનમાં થતું જોવા મળે છે. ફલસ્વરૂપ તે રાષ્ટ્રો ઉત્તરોત્તર સંપન્ન અને સમૃધ્ધ બનતાં જાય છે.

નવરાત્રિના આ દિવસો દરમિયાન આપણે પણ આળસ ખંખેરી, શક્તિની ઉપાસના કરવાની છે. ગરબા કે રાસરૂપે માની આસપાસ ઘૂમીને માગવાનું છે કે - 'મા ! આ સંસારની ચમકદમકથી આકર્ષાઈને, અમર્યાદિત ભોગો ભોગવીને અમે શક્તિહીન બની ગયા છીએ. અમને તું શક્તિ આપ. હે શ્રદ્ધાસ્વરૂપિણી ! તું અમને શ્રદ્ધાનું પાથેય આપ. અમારી અજ્ઞાનતા દૂર કર અમને બુધ્ધિ- શક્તિ આપ. અને આસુરી વૃત્તિથી મુક્ત કર.' અલબત્ત, મા જગદંબા પાસે આપણી આ માગણી માત્ર નવ દિવસ પૂરતી ન રહેતાં અનવરત રહેવી જોઇએ.

પ.પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી - 'દાદા' નવરાત્રિ પર્વનો મહિમા ગાતાં કહે છે કે 'નવરાત્રિના દિવસો એટલે શક્તિ. ઉપાસનાના દિવસો માની સેવા, પૂજા અને ઉપાસનાના દિવસો. 'ખાઓ, પીઓ અને મજા કરો' એવી આસુરી વિચારશ્રેણી પર વિજય પ્રાપ્ત કરવાના દિવસો સંઘ શક્તિ અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સૂર પકડી લઇએ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઈએ.'

'યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા ।

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમઃ ।।'

- કનૈયાલાલ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m84B1B
Previous
Next Post »