મ જાય કે અંતરની સૂક્ષ્મ સંપત્તિઓની બાબતમાં પોતે સમ્રાટોનો ય સમ્રાટ છે. અને પોતાના સંસર્ગમાં આવનાર એક એક મનુષ્યને એ પરમ સુખિયા બનાવી શકે છે. હા, પ્રત્યેક મનુષ્યના અંતઃકરણમાં કેટલીક સૂક્ષ્મસંપત્તિઓ સચવાઈને પડી છે. એવી એક સંપત્તિ છે મનુષ્યની ઉદારતા.
ઉદારદિલ મનુષ્યની જાહોજલાલી સદાય અક્ષય રહે છે. દિલનો અમીર જ સાચો અમીર ગણાય. એક કવિએ ગાયું છે જેનું દિલ છે અમીર, ફકીરી લિબાસ છે.'
અહીં ધનવાન માણસો તો ઘણા છે. અને એમની જાહોજલાલી પણ અપાર હોય છે. પરંતુ એવા માણસોનાં દિલ ઉદાર હોતાં નથી. જેનું હૃદય ઉદાર, સ્નેહમય અને જીવન ત્યાગમય હોય એવા માણસો લોકહૃદયમાં ચિરંતન સ્થાન મેળવી જાય છે. માણસની મહત્તા એના હૃદયની ઉદારતામાં રહેલી છે. ઉદારતા એક ઉત્તમ સદ્ગુણ છે. મનુષ્યના હૃદયનો વૈભવ છે. મનુષ્યમાં જેમ પ્રામાણિકતાનું તેજ હોય છે તેમ ઉદારતાનું પણ તેજ હોય છે. એટલે તો એક માણસના હૃદયની ઉદારતા જોઈ બીજાના હૃદયમાં પણ ઉદારતાની ભાવના જન્મે છે. એવો એક પ્રસંગ સ્મરણમાં ઉભરે છે.
'શિશુપાલવધ' મહાકાવ્યના રચયિતા કવિ માઘ પોતાની ઉદારતા માટે જાણીતા હતા. કાળક્રમે તેઓ દીનદશાને પામ્યા છતાંય તેમની હૃદયગત ઉદારતા એની એ જ રહી. એક સાંજે તેમના ઘેર એક ગરીબ માણસ આવ્યો. એણે કવિને કહ્યું ઃ 'મહાશય ! આપની ઉદારતાનાં ખૂબ વખાણ થાય છે. એટલે આપની પાસે હું આર્થિક સહાય માટે આવ્યો છું. મારે એક દીકરી છે. એ ઉંમરલાયક થઈ છે. મારે એનાં લગ્ન લેવાં છે પરંતુ મારાથી આર્થિક સગવડ થઈ શકે એમ નથી.
આપ કંઈ મદદ કરો તો દીકરીનો એ પ્રસંગ ઉકલી જાય.' એ ગરીબ માણસની વાત સાંભળીને કવિ માઘનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે ઘરમાં આમતેમ નજર નાખી પણ એને આપવા જેવું તેમની પાસે કશું નહોતું. એકાએક તેમની નજર ઘરમાં સૂતેલી પોતાની પત્ની પર પડી. પત્નીના એક હાથે પહેરેલી સોનાની બંગડી તેમણે ધીમેથી કાઢી પેલા ગરીબને આપતાં કહ્યું ઃ ' ભાઈ ! ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ એક બંગડી તને આપું છું. તું એ લઈ જા અને દીકરીનો વિવાહ પતાવી દે.'
એવામાં કવિની પત્ની જાગી ગઈ. વસ્તુ સ્થિતિ જાણી પતિની ઉદારતામાં પોતાનો સૂર પુરાવતાં બોલી ઃ 'ભાઈ, દીકરીના વિવાહ જેવું મંગલકાર્ય મારી એક બંગડીથી નહિ થઈ શકે. લે, આ બીજી બંગડી પણ લઈ જા.' અને કવિ પત્નીએ બીજી બંગડી પણ હાથ પરથી ઉતારીને એ ગરીબને આપી દીધી.
પેલો ગરીબ માણસ કવિ માઘ અને તેમની પત્ની તરફ અહોભાવથી જોઈ રહ્યો. અને દંપતીની ઉદારતાને મનોમન વંદી રહ્યો. આ છે અંતરની ઉદારતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ogg0OQ
ConversionConversion EmoticonEmoticon