જાતને સુધારવાની તક : વિજયાદશમી


દિ વસે દિવસે એક એક દિવસ એક એક વર્ષ આપણા જીવનમાંથી ઘઢી રહ્યા છે. હેપ્પીબર્થ ડે ના દિવસે ખ્યાલ પણ નથી રહેતો કે આપણે એક વર્ષ નાના થયા. આનું કારણએ કે આપણે સૌ ઉત્સવઘેલા છીએ. હર્ષ-ઉમંગ- આનંદ આપણા લોહીમાં ભળી ગયા છે. તહેવારના દિવસે આપણે હસતી આંખે જાગીએ છીએ.

આમ છતાં ઉત્સવના હાર્દને પારખવામાં અને મૂલવવામાં આપણે હજુ પણ કાચા પડીએ છીએ. તહેવાર એટલે આપણે મન માત્ર ખાવું-પીવું- ઓઢવું, કર્મકાંડ, ટીલા-ટપકાં અને દેખાડા તથા ભપકા. આનાથી વિશેષ કશું નથી. આપણી ઉંમર અને અનુભવને હોંશિયામાં ધકેલી દઈએ છીએ. 'દશેરા' આવો જ એક તહેવાર છે જે જાત ઉપર વિજય પ્રાપ્ત કરવાનો અવસર છે. પોપટીયું પઠણ કે રટણ કરવાથી જાત નથી જીતાતી.

મા દુર્ગાએ ભગવાન શ્રીરામે આસુરી શક્તિને પરાસ્ત કરી પ્રજાજનોને ત્રાસમુક્ત-ભયમુક્ત કર્યા હતા એની ખુશીમાં પરંપરાથી આપણે આ ઉત્સવ માણતા આવ્યા છીએ. વર્ષોથી એની સાથે જોડાયેલી કથા-વારતાને મમળાવતા આવ્યા છીએ. પણ, હજુ સુધી આપણે આપણી  જાતને આપણા ત્રાસમાંથી મુક્ત નથી કરી શક્યા. કોક બીજા કરતાં આપણે આપણી જાતને વધારે સતાવીએ છીએ. યાદ રાખો જીવવું એકલા છે ધંધો નથી.!

રામ અને રાવણ બંને આપણામાં બિરાજમાન છે. આપણે સૌ રામનો દેખાડો કરીએ છીએ ને રાવણને છૂપાવીએ છીએ, પંપાળીએ છીએ. ગંદકી ફક્ત ઉકરડે જ થાય એવું નથી. માણસ પણ તનમનની ગંદકીથી ખદબદતો હોય છે. લોભ, લાલચ, વાસના, સ્વાર્થ, ઇર્ષા, અદેખાઈ, દંભ-આડંબર, ભ્રષ્ટાચાર આ અને આવા અનેક રાવણ જેવા દુર્ગુણો પ્રત્યે ઢાંકપીછાડો કરી સાચા-ખોટા મહોંરા પહેરવામાંથી ઊંચો ન આવતો. માણસ પોતાના 'આતમરામ'ને ઓળખી જ શક્તો નથી, યા તો એના માંહયલાના અવાજને દાબી દે છે.

છતે પતિએ કેટલીય પત્નિઓ ગંગાસ્વરૂપ જોવા મળે છે. જે પુરૂષમાં રામ જ ન હોય તે કશા કામના નથી હોતા. દેખાતા ના હોય એવા ય બળાત્કારો થતા હોય છે સમાજમાં !!!  પ્રેમ અને આત્મીયતા વગરનો સેક્સ તનમનને દુઃખ પહોંચાડે છે.

એટલે આ દશેરાનો ડંકાર છે કે તમે તમારી જાતને જીતો. જાતને ટોકો-રોકો, જાતને ઠપકારો, જાતને મઠારો, જાતને પડકારો, તમારી ભીતર છૂપાયેલી આસુરી વૃત્તિઓ (જેની માત્ર તમને જ ખબર છે) પ્રત્યે લાલ આંખ કરો. રામને જગાડો, રાવણને ભગાડો. તમારી જાતને 'ફાફલા ફો' કરવાનું બંધ કરો. આ બધુ મુશ્કેલ છે પણ અશક્ય નથી.

શક્તિ પાસે એવી ભક્તિ માંગીએ કે હે મા દુર્ગા... મને મારી સામે લડવાની તાકાત આપ. મેલી થઈ રહેલી આ શરીર રૂપી ચાદરને સદ્ગુણોથી ધોવાની ચાલુ કરીએ. આવું કશું નહીં થાય તો આપણે જ આપણી ગંદકીથી ગંધાઈ જઈશું. બગભગત બનવાનું બંધ કરવું પડશે.

કુબુધ્ધિના રવાડે ચઢતાં પહેલાં વિવેકરૂપી હથિયારનો ઉપયોગ કરી સારા-નરસાને પારખી જીવનયોધ્ધા બની જાતને માંજીએ તો કમસેકમ આપણી અંદર તો રામરાજ્ય ચોક્કસ સ્થપાશે. હવે પછી કાળા-ધોળા, કાંઠા-કબાલાને હૃદયવટો આપીએ એમાં જ રામ રાજી થાય.

આ વિજયાદશમીએ આપણામાં અડ્ડો જમાવીને બેઠેલા આત્મછલના પ્રપંચ, કાવાદાવા જેવા માનીતા શોખને કોઠેથી આળગા કરવા પડશે. તેમજ કોરોના નામના રાવણને મીટાવવા જાતે જ રામ બનવું પડશે..

મોજ-મસ્તી અને પ્રદર્શનની ભાવનાને લીધે તહેવાર  સાથે જોડાયેલી વાસ્તવિકતાને આપણે સૌ વિસરી જઈએ છીએ. ફાફડા જલેબી ખાવા, ક્યાંક રાવણના પૂતળાનું ચિચિયારીઓ પાડી દહન કરવા માત્રથી દશેરા નથી મનાવતા. સાથોસાથ આપણી અવળચંડાઈનું પણ દહન થવું જોઈએ. દુનિયાને બતાવવા નહિ. તમારી જાતને પામવા, તમારામાં બેઠેલા રામને મળવા તમે જાતે સુધારો એ તમારા હિતમાં છે. જાતમાં સુધારા વધારા કર્યા વગર મરી જવું એ પણ અપરાધ જ છે.

અંતમાં એટલું જ સમજવાનું કે બાહ્ય કથા- વારતાના સત્સંગોના ગમે-તેટલા ધમ-પછાડા કરશો તો પણ જાતને નહીં જીતો તો હારી ગયાની લાગણી થશે. તમે જ રામ છો ને તમે જ રાવણ. પસંદગી તમારી. રામ તત્વ જેટલું વહેલું સમજાશે એટલા જલ્દી ન્યાલ થવાશે. બાકી તો ધરમનો ધક્કો !! અવિનાશ વ્યાસે સરસ કહ્યું છે.

।। રામનું સ્વાગત કરતા ઋષીઓ, જાપ જંપતા રહી ગયા ।।

।। એઠાં બોરને અમર કરીને રામ શબરીના થઈ ગયા ।।

- અંજના રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37vr8RU
Previous
Next Post »