- પાર્વતીએ બૂમ પાડીને કહ્યું : ઓ તપસ્વી !
જાગો, જાગો, જાગો !
''ફુલાઈ જાત પર હસ્યા કરે, ને કામ કરે ના કોઈ
સજા મળે જરૂર એને, ભલે ને એ ચંદ્રમા હોઈ''
ભો ળા શંભુ ભારે ભક્તિભાવવાળા.
આખો દિવસ તપ કર્યા કરે. બીજો કોઈ ધંધો નહિ.
બિચારાં પાર્વતીજી અકળાઈ ગયાં. 'બારે માસ તપ, તપ, તપ! આ તે શું કંઇ મારૂં જીવન છે ? હું તો કંટાળી ગઇ આવા માણસથી ?'
એક દિવસ તેમની નજરે કામદેવ પડયા. કામદેવ નૃત્યમાં તલ્લિન હતા.
પાર્વતી કહે : 'મારા પતિનું તપ ભંગ કરો ત્યારે ખરા. એમને ભક્તિમાંથી જીવનનો મોહ લગાડો, ત્યારે તમારૂં નૃત્ય સાચું.'
કામદેવે તો આંખ મીંચીને તપ કરતાં શિવજી સામે નૃત્ય શરૂ કર્યું. અને એવું નૃત્ય કર્યું કે શિવજી ખળભળી ઉઠયા. તેમના તપમાં ભંગાણ પડયું. ગુસ્સે થતાં જ તેમણે તેમની ત્રીજી આંખ ઉઘાડી.
એ આંખમાંથી અગ્નિ પ્રગટયો. તપ ભંગ કરાવનાર કામદેવ ઉભા ને ઉભા સળગી મર્યા.
કામદેવ આ રીતે અંગ સળગી જતાં અનંગ બન્યા.
દોડયા એ તો બ્રહ્મા પાસે. કહે : 'હું તો ખલાસ થઇ ગયો. આપણા માટે હવે જીવન જેવું કંઇ રહ્યું જ નહિ.'
બ્રહ્મા કહે : 'હું તને એક સાથીદાર શોધી આપીશ.'
બ્રહ્મા તો અનંગ માટે એક રૂપસુંદરી શોધવા લાગ્યા. પણ તેને લાયક કોઈ કન્યા સાંપડી નહિ.
અંતમાં એ કામ બ્રહ્માએ ચંદ્રને સોંપ્યું. તેમણે કહ્યું : 'ચંદ્ર તું વિશ્વભરનો પ્રવાસ કરે છે, તો કોઈ સુંદર કન્યા પર તારી નજર પડે તો મારું ધ્યાન ખેંચજે.'
દિવસો ગયા પણ ચંદ્રે એ કામ કર્યું નહિ. તે પોતાના રૂપથી જ ઊંચો આવે નહિ. પછી બીજા રૂપ ક્યાં જુએ ?
જ્યારે બ્રહ્માએ ચંદ્રની આ વાત જાણી ત્યારે તેઓ જાતે ચંદ્ર પર નારાજ થઇ ગયા : 'માથે લીધેલું કામ તું પાર પાડી શક્તો નથી ? અને આખો દિવસ તારા જ રૂપ પર ફુલાઈને હસ્યા કરે છે ! તો લે.'
એમ કહી બ્રહ્માએ તેના જ રૂપમાં ગાબડું પાડયું. તેનું જ હાસ્ય, તેની જ ચાંદનીની જ શિતળતા, તેની જ મોહકતા લઇ, એક કન્યા તૈયાર કરી. એ કન્યાનું નામ રાખ્યું અનંગી અને તેને પરણાવી દીધી અનંગ સાથે.
કહે છે કે આજે ચંદ્રમાં જે ડાઘ દેખાય છે એ બ્રહ્માએ પાડેલા ખાડાઓ જ છે. ચંદ્રએ કહેલું કામ પાર પાડયું નહિ અને પોતાના રૂપ પર ફુલાતો રહ્યો એટલે તેને આ કલંક મળ્યા.
આજે આપણે જાણીએ છીએ કે ચંદ્ર એક પૃથ્વી જેવો જ છે અને એ બધાં ડાઘ તો પર્વતો નદીઓ વગેરેનાં ચિન્હોના છે.
ત્યારે લોકો કેવી કેવી કલ્પના કરતા હતા ! જોયું ?
- હરીશ નાયક
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mBAG23
ConversionConversion EmoticonEmoticon