'સૂર્યાસ્ત પછી અંધારુ થાય એટલે મને હમણાથી વારંવાર ઘડીયાળ તરફ જોવાની આદત પડી ગઈ છે. હકીકતમાં ક્યારે રાત પડે અને મારા બાળકો સૂઈ જાય એની હું રાહ જ જોતી હોઉં છું. ક્યારેક મને મારી જાત પર ગુસ્સો આવે છે કે હું કેવી મા છું, જે બાળકોને બને એટલા વહેલા પોઢાડી દેવા તત્પર રહે છે. હું પણ બીજી મમ્મીઓની જેમ મારા સંતાનોનો બેહદ પ્રેમ કરું છું પણ શું કરુ? સંજોગો સામે લાચાર છું. અને મને ખબર છે કે એક વર્કિંગ મધર તરીકે આવું વિચારનાર હું એકલી નથી. મારી જેમ હજારો, લાખ્ખો વર્કિંગ મધર્સ આજે આ વિટંબણામાંથી પસાર થઈ રહી છે.'
આ શબ્દો અનિતા પારેખ નામની એક માતા અને પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટંટે સોશ્યલ મિડીયા પર મુકેલી પોસ્ટમાંથી લેવાય છે. અનિતા એક થાકેલી-હારેલી મા અને પ્રોફેશનલ છે. એના શબ્દો કોરોના મહામારી અને લોકડાઉનને લીધે વર્કિંગ વીમેન પર આવી પડેલા કામના અતિશય બોજને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો દુખદ ચિતાર આપે છે.
મહીલાઓને આજે ઘરકામમાં કામવાળી બાઈઓની મદદ નથી મળતી, બાળકોના ડે કેયર બંધ છે, બાળકો ઘરમાં જ ઓનલલાઈન શિક્ષણ લે છે. અને ઉપરથી એમણે ઘરના તમામ સભ્યોની સંભાળ લેવાની સાથોસાથ એકલા હાથે રસોડુ પણ સંભાળવાનું. એ બધાની સાથોસાથ વર્ક ફ્રોમ હોમ પણ કરવાનું. ટુંકમાં, નોકરિયાત અને પ્રોફેશનલ માનુનીઓ ૨૪ કલાક ઘરે રહીને મલ્ટી-ટાસ્કિંગના બોજ તળે કચડાઈ રહી છે. તેઓ પોતાની વ્યથા કોઈ સખા સમક્ષ વ્યક્ત પણ નથી કરી શકતી કારણ કે એની સખીની પણ એ જ વ્યથા-કથા છે.
લિન્કડઈન દ્વારા જુલાઈથી સપ્ટેંબર વચ્ચે હાથ ધરાયેલા એક સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે ભારતમાં ૩૧ ટકા વર્કિંગ મધર્સ પોતાના સંતાનોની આજે ફુલટાઈમ સંભાળ લઈ રહી છે. જ્યારે બાળકોને સાચવતા પિતાઓની ટક્કાવારી માત્ર ૧૭ ટકા છે. સ્કૂલો બંધ હોવાથી બાળકો ઘરે જ રહે છે અને એને લીધે મમ્મીઓનું કામ વધી જાય છે. સર્વેમાં ૪૨ ટકા સ્ત્રીઓએ એમ કહ્યું હતું કે બાળકોને લીધે અમે અમારા ઓફિસના કામમાં પુરતું ધ્યાન નથી આપી શકતા. એને લઈએ ૪૬ ટકા સ્ત્રીઓએ રાતે મોડે સુધી જાગીને ઓફિસવર્ક પુરુ કરવું પડતું હોવાની ફરિયાદ કરી હતી.
કાંદિવલીમાં રહેતી વર્કિંગ મધર મીરા શાહ (૩૨)નો જ દાખલો લઈએ. એના પતિની ઓફિસ ચાલુ થઈ ગઈ હોવાથી એ મોટાભાગે એકલા હાથે જ ઘરનો મોરચો સંભાળે છે. એની અઢી વર્ષની દીકરી એનો ઓફિસમાંથી કોલ આવે ત્યારે વચ્ચે ડિસ્ટર્બ કરે છે. કોલ આવે ત્યારે પુત્રીને કોઈ રમતમાં વ્યસ્ત રાખવા મીરાએ જાતજાતના નુસખા વિચારવા અને અજમાવવા પડે છે. 'મારી પુત્રી શ્વેતા બપોરે સુઈ જાય ત્યારે હું ઓફિસના કોલ્સ ફટાફટ પતાવી લઉં છું. આખો દિવસ ઘર, ઓફિસ અને ફેમિલીની જવાબદારીઓથી ક્યારેક હું એટલી ત્રાસી જાવ છું કે આ બધું છોડીને ચાલ્યા જવાનું મન થાય છે થાય છે કે ઘરની બહાર નીકળી થોડી તાજી હવા લઉં,' એવો બળાપો મીરા ઠાલવે છે.
વર્ક ફ્રોમ હોમના ટ્રેન્ડે ઓફિસ અને ઘર વચ્ચેની સીમારેખા ભુસી નાખી છે એમ જણાવતા એક ઓનલાઈન જોબ પોર્ટલ ચલાવતા મહિલા ઉમરે છે કે વર્ક ફ્રોમ હોમમાં કામના કલાકો ફ્લેક્સિબલ હોવાથી કેટલીક સ્ત્રીઓ માટે જોબની નવી તકો ઊભી થઈ છે પરંતુ એની સાથોસાથ વર્કિંગ વીમેનની પ્રોડક્ટિવિટી (ઉત્પાદકતા) ઘટી છે અને એમણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
ઘર-પરિવારની નવેસરથી આવી પડેલી જવાબદારીઓને લીધે મહિલાઓ પહેલાની જેમ પોતાના પ્રોફેશનલ વર્કને પૂરો ન્યાય નથી આપી શકતી. બધી સ્ત્રોને નોકરી છોડવી પરવડે એમ નથી. રાઈટરના એક રિપોર્ટ મુજબ કર્ણાટકની ગાર્મેન્ટ વર્કર્સની જેમ ઘણી મહીલાઓએ પોતાના જોબ અને બાળકોના બેબીસીટિંગમાંથી કોઈ એકની પસંદગી કરવાનો વારો આવ્યો છે.
બેંગ્લોરની એક સોફ્ટવેર કંપનીમાં સિનીયર હોદ્દા પર ફરજ બજાવતી ચેતના કહે છે કે મેં હજુ સુધી મારી મોટા પે પેકેટ સાથેની જોબ છોડી નથી પણ છેલ્લાં છ મહીનામાં હું ઘણીવાર એવો વિચાર કરી ચુકી છું. બીજું કરું પણ શું? કુક અને કામવાલી બાઈની મદદ વિના હું મારા પતિ, દિયર, વૃદ્ધ સાસુ - સસરા અને ૧૦ વર્ષના પુત્ર માટે ઘર ચલાવવાના અસહ્ય પ્રેશરથી થાકી જવાય છે. મારી લાઈફ પહેલીવાર આટલી હેકટીક અને સ્ટ્રેસફુલ બની ગઈ છે.
ક્યારેક તો મને એમ થાય છે કે આટલા બધા કામ માટે મારા બે હાથ ઓછા પડે છે. ઓફિસમાં હવે તો તમે ૧૦-૧૫ મિનિટનો કોફી બ્રેક લઈ શકો પણ ઘરે હું એટલો સમય પણ કાઢી નથી શકતી. ઘરમાં ચોવીસે કલાક જાણે બધાને મારી જ જરૂર હોય છે. હું તો ખરેખર તોબા પોકારી ગઈ છું.
આમ તો કોરોનાકાળ પહેલા પણ મહીલાઓ પર જોબ ઉપરાંત ઘરકામ અને સંતાનોની સંભાળની જવાબદારી હતી જ પણ હવે નવા સંજોગોમાં એ બોજ વધુ સમય માગી છે અને વર્કિંગ મહીલાઓ પાસે સમય જ ક્યા છે? એક બીજી વાત આપણો સમાજ પુરુષ પ્રધાન છે. અહીં દરેક વાતમાં પુરુષોને પ્રાયોરિટી (અગ્રક્રમ) મળે છે.
વળી, મોટાભાગે પત્ની કરતા પતિનો પગાર વધુ હોય છે. એટલે સ્ત્રીઓના ઓફિસ વર્કને પુરુષો કરતા ઓછી પ્રાયોરિટી મલે એ સ્વાભાવિક છે. પરિણામ રાંધવાથી માંડીને બાળકોને ભણાવવા સુધીની તમામ જવાબદારીઓ સ્ત્રીઓ પર આવી પડે છે. અમુક કેસમાં તો પુરુષો ઘરની ડોરબેલ વાગે તો પણ ઊભા થઈને દરવાજો ખોલવાની તસ્દી નતી લેતા.
કોરોના કાળમાં મહીલા ટીચરોની વિટંબણા તો વદુ વસમી છે. એમણે ઓનલાઈન ક્લાસ લેવા રોજના ૧૦ થી ૧૨ કલાક લેપટોપમાં ખૂપેલા રહેવું પડે છે. મીટિંગો અને વિદ્યાર્થીઓના પેરેન્ટસનું કાઉન્સેલિંગ કરવામાં તેઓ કલાકોના કલાકો ગાળે છે પણ પોતાના બાળકો માટે ભાગ્યે જ ટાઈમ કાઢી શકે છે. એ સંજોગોમાં એક મા તરીકે શિક્ષિકાઓની મનોદશા કેવી થતી હસે એ તો તેઓ જ કહી શકે. (લેખમાં આવતા મહીલાઓના નામ બદલી નખાયા છે.)
- રમેશ દવે
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3otZCtX
ConversionConversion EmoticonEmoticon