સાવધાન થઈ જાઓ મહિલાઓમાં વધી રહેલા હૃદયરોગ સામે


આપણા દેશમાં એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓને ત્યાગની મૂર્તિ ગણવામાં આવે છે. પતિ- સંતાનો- પરિવાર પાછળ જાત ઘસી નાખનારી સ્ત્રીઓને પોતાની જાત માટે પળનોય સમય નથી હોતો એ વાત નવી નથી. તેમને થતી નાની મોટી શારીરિક સમસ્યાઓ પ્રત્યે તેઓ બિલકુલ ધ્યાન નથી આપતી. પરિણામે જ્યારે સમસ્યા અસહ્ય થઈ જાય ત્યારે જ પરિવારજનો પણ તેના તરફ ધ્યાન આપે છે. (જોકે તેમાંય તેમનો એવો સ્વાર્થ રહેલો હોય છે કે જો તે પથારી પકડી લેશે તો ઘર કોણ સંભાળશે). ખેર...., જ્યારે તેમની વ્યાધિ વિશે તેમને પોતાને કે તેમના કુટુંબીજનોને જાણ થાય ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હોય છે. મહિલાઓને થતાં હાર્ટ અટેકની જ વાત કરીએ તો હવે તેની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે. એક સમય એવો હતો જ્યારે સ્ત્રીઓને હૃદયરોગનો હુમલો આવે એવું કોઈ વિચારી પણ નહોતું શકતું. પરંતુ આજે એ કડવી વાસ્તવિકતા આપણી સામે ડાચું ફાડીને ઊભી છે ત્યારે તેના વિશે તેમને પૂરતી જાણકારી હોય એ અત્યંત અગત્યનું છે.

સૌથી પહેલાં તો  હાર્ટ અટેકના લક્ષણો વિશે જાણવું જરૂરી છે. નિષ્ણાતો કહે છે કે છાતીમાં દુખવા સાથે શ્વાસ લેવામાં સમસ્યા સર્જાવી, છાતીમાં ભાર લાગવો અને બેચેનીનો અનુભવ થવો હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે. તેથી તેની અવગણના કરવી જોખમી પુરવાર થઈ શકે. તેઓ વધુમાં કહે છે કે શરીરના ઉપરના ભાગમાં, એટલે કે ગરદન, વાંસા, દાંત, ખભા અને કાંધના હાડકામાં દુખાવો થવો પણ હૃદયરોગના હુમલાના લક્ષણો છે. તેથી તેને થાકમાં ખપાવી દઈને બેદરકાર ન રહેવું, બલ્કે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓને ખૂબ પરસેવો થાય છે. તેથી જો આ તબક્કામાં કોઈ સ્ત્રીને અચાનક જ વધારે પડતો પરસેવો થાય તો તે તેને હળવાશથી લઈ લે છે. પરંતુ તબીબો આ બાબતે ચેતવણી ઉચ્ચારતાં કહે છે કે જો તમને અચાનક વધારે પડતો પરસેવો આવવા લાગે તો તેને હળવાશથી ન લો. વાસ્તવમાં આ તબક્કામાં ઘણી સ્ત્રીઓને હૃદયરોગની સમસ્યા પણ થવા લાગે છે. તેથી  પછીથી પસ્તાવા કરતાં સચેત રહેવું સલાહભર્યું ગણાય.

તબીબો વધુમાં કહે છે કે ચક્કર આવવા, માથું ફરવું, ઊબકાં આવવાં, ઊલટી થવી જેવા લક્ષણો પણ હાર્ટ એટેકનો સંકેત આપે છે અને તે પુરુષોની તુલનામાં મહિલાઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. વાસ્તવમાં હૃદયમાં રક્ત વહી જતી મુખ્ય ધમનીમાં જ્યારે અડચણ પેદા થાય ત્યારે આવા લક્ષણો દેખા દે છે. પરંતુ મોટાભાગની મહિલાઓ એમ માની બેસે છે કે થાક, નબળાઈ અને કામના દબાણને કારણે આવું થઈ રહ્યું છે અને જ્યારે સ્ત્રીઓ આવા લક્ષણો સામે આંખ આડા કાન કરે ત્યારે તે ઘાતક પુરવાર થઈ શકે.

પુરુષોને હૃદયરોગનો હુમલો આવ ેત્યારે તેમને છાતીમાં દુખાવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરંતુ મહિલાઓમાં ઘણી વખત છાતીમાં દુખાવો થયા વિના જ શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાનું નોંધાયું છે. તેથી જો કોઈ સ્ત્રીને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાય છતાં તેને છાતીમાં દુખાવો ન હોય તો એમ ન માની લેવું કે તેને હૃદયરોગનો હુમલો નહીં આવ્યો હોય. તેથી સચેત રહેવું.

જો તમારી જીભમાં લોચા વળે, એટલે કે તમને બોલવામાં તકલીફ થાય અથવા જડબાં દુખે તો તે હૃદયરોગના હુમલાનો સંકેત હોઈ શકે. જોકે  દાંતના દુખાવામાં પણ જડબું દુખતું હોવાથી બંને પ્રકારની પીડાનો ભેદ સમજવો જરૂરી છે. દાંત દુખે ત્યારે જડબામાં સતત વેદના થાય છે. પરંતુ થોડી થોડી વારે જડબાં દુખે અથવા થાકી જવાથી આ પીડા વધી જાય ત્યારે તે હાર્ટ અટેકનું લક્ષણ હોઈ શકે.

હૃદયરોગનો હુમલો આવે ત્યાર પછી જે તે વ્યક્તિએ કાયમ ડગલેને પગલે સાવધાન રહેવું પડે છે. પરંતુ પહેલેથી તકેદારી રાખવામાં આવે તો આ સમસ્યા સર્જાવાનું જોખમ ઘણું ઘટી જાય. તબીબો હૃદયરોગથી  બચવા શું કરવું અને શું ન કરવું તેની જાણકારી આપતાં કહે છે....,

જંક ફૂડ ખાવાનું ટાળો. નિયમિત રીતે યોગ, ધ્યાન, વ્યાયામ કરો, રાત્રે જલદી સુઈ જાઓ અને સવારે વહેલા ઉઠો. પૂરતી નીંદર લો. ધુમ્રપાન અને આલ્કોહોલ જેવા વ્યસનોથી દૂર રહો. નિયમિત રીતે હેલ્થ ચેકઅપ કરાવો.

હૃદયરોગથી બચવા શું ખાવું અને શું ન ખાવું તેના વિશે તેઓ કહે છે કે રોજિંદા આહારમાં તાજાં ફળો અને શાકભાજી લેવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. ગાજર, કોબી ઈત્યાદિમાં વિટામીન- સી, કેરોટેનોઈડ્સ અને એન્ટિ ઓક્સિડંટ હોય છે. સોયા પ્રોટીન અને ઓટ્સ જેવા ખાદ્ય પદાર્થોમાં પૂરતા પ્રમાણમાં રેષા હોય છે. તેવી જ રીતે મલ્ટીગ્રેન બ્રેડ, કડધાન્ય, સુકામેવા પણ સ્વાસ્થ્યવર્ધક હોવાથી રોજિંદા આહારમાં તે સામેલ કરો. આ પોષક તત્વો હૃદયરોગથી બચવામાં મદદ કરે છે.

જોકે ટ્રાન્સફેટ અને સેચ્યુરેટેડ ફેટયુક્ત આહાર, વધારે પડતું નમક, મલાઈયુક્ત ડેરી પ્રોડકટ્સથી દૂર રહેવું જ સલાહભર્યું છે.

- વૈશાલી ઠક્કર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HCqbwa
Previous
Next Post »