વાર્તા વિશ્વ : વિશ્વના શ્રેષ્ઠ સર્જકોની વાર્તાનો વૈભવ...

- એક મહિના પછી હું પાછો આવ્યો અને મોર્નિંગ પોસ્ટ અખબારમાં પહેલા સમાચાર એ વાંચ્યા કે લેડી એલરોયનું મૃત્યુ થયું છે

- 'દરેકે હમેશા પ્રેમમાં તો હોવું જ જોઈએ. એ જ કારણ છે કે કોઈએ ક્યારેય પણ લગ્ન ન કરવા જોઈએ.' -ઓસ્કાર વાઇલ્ડ


ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...

(વહી ગયેલી વાર્તા: લંડનમાં સાથે ભણેલાં બે મિત્રો અચાનક પેરિસમાં મળી જાય છે. એ પૈકી એક છે જીરાલ્ડ ઉર્ફે લોર્ડ મચસન. એ ચિંતિત હોય, દુઃખી હોય તેવું લાગે છે. મામલો એક યુવતી બાબતનો હોય છે. લંડનમાં પીળા રંગની બંધ ઘોડાગાડીમાં એક દિવસ એ એને જુએ છે અને ઇન્સ્ટન્ટ પ્રેમમાં પડી જાય છે. એને એ શોધે છે પણ મળતી નથી.

પણ એક દિવસ અચાનક એ મેડમ રાસટેઈલને ત્યાં ડીનરમાં મળી જાય છે. એની વર્તણુંક રહસ્યમય છે. એને ફરી મળવા માટે પૂછે છે. ઉત્તરમાં એ એકાદ પળ માટે અચકાઇ છે, આજુબાજુ નજર કરે છે એ જોવા કે કોઈ બીજું કોઈ તેઓની નજીક તો નથીને? અને પછી એ કહે છે, 'હા, કાલે પોણા પાંચ વાગે.' હવે આગળ..)

ઉત્તરાર્ધ 

'મેં મેડમ રાસટેઈલને ઘણી વિનવણી કરી કે એના વિષે મને કાંઇ કહો પણ હું બસ એટલું જ જાણી શક્યો કે એ એક વિધવા છે અને પાર્ક લેનમાં એક સુંદર બંગલાની માલિકણ છે. અને પછી કોઈ વૈજ્ઞાાનિક રીતે કંટાળો ઉપજાવનાર વ્યક્તિ, કોઈ સવિસ્તાર વિવરણાત્મક પ્રબંધ રજૂ કરે કે- જેમાં વિધવાઓનો દાખલો આપીને એ સ્થાપિત કરવાની કોશિશ હોય કે અહીં એ જ વ્યક્તિ ટકી શકે જે વૈવાહિક રીતે સમર્થ હોય- એવું પિષ્ટપેષણ શરૂ થાય તે પહેલાં હું ત્યાંથી નીકળી ગયો અને મારા ઘરે પાછો ફર્યો.

'બીજા દિવસે હું એક પળનો ય વિલંબ કર્યા વગર સમયસર પાર્ક લેન પહોંચી ગયો, પણ મને બટલરે કહ્યું કે લેડી એલરોય હમણાં જ બહાર પધાર્યા છે. હું ઘણી દુઃખી હાલતમાં ક્લબમાં પહોંચ્યો. કશું સમજાતંા નહોતું. આ હવે એક મૂંઝવનારો પ્રશ્ન થઈને રહી ગયો હતો, અને લાંબુ વિચાર્યા પછી મેં એને પત્ર લખીને પૂછયું કે મને પરવાનગી મળી શકશે કે કેમ, ફરી એક વાર કોઈ બપોરે એમને મળી શકવાની કોઈ તક મળશે કે કેમ? દિવસો વીતી ગયા. કોઈ જવાબ મળ્યો નહીં, પણ આખરે મને એક ચિઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું કે રવિવારે ચાર વાગે તેઓ ઘરે હશે, અને નીચે અસાધારણ તા. ક.ની નોંધમાં લખ્યું હતું: 'મને ફરીથી અહીં પત્ર લખશો નહીંત કારણ હું તમને ત્યારે સમજાવીશ જ્યારે હું તમને મળીશ.'

'રવિવારે એણે મને આવકારો આપ્યો અને એ એકદમ મોહક દેખાતી હતીત પણ જ્યારે હું વિદાય લેતો હતો ત્યારે તેણે વિનવણી કરતાં કહ્યું કે હવે પછીથી જો મારે પત્ર લખવાનો પ્રસંગ ઊભો થાય તો મારે 'મિસિસ નોક્સ, કેર ઓફ વ્હિટેકર્સ લાયબ્રેરી, ગ્રીન સ્ટ્રીટ' નાં સરનામે લખવો. 'કોઈ કારણો છે,' એણે કહ્યું, 'હું મારા પોતાના ઘરનાં સરનામે પત્રો સ્વીકારી શકતી નથી.'

'પછી આખી મોસમ હું એની સાથે ઘણી વાર હળતો રહ્યો, મળતો રહ્યો પણ એક રહસ્યનું વાતાવરણ જે એની ચોગરદમ હતું, એ ક્યારેય બદલાયું નહીં. ક્યારેક મને એવું લાગ્યું કે એ કોઈ પુરુષનાં નિયંત્રણમાં છે પણ... એ યુવતી તો કોઇની પણ પહોંચ બહારનું વ્યક્તિત્વ હતું અને એટલે એ કોઈ પુરુષનાં નિયંત્રણમાં હોય એવી વાત હું માની શક્યો નહોતો. મારા માટે એ ખરેખર અઘરું હતું, કોઈ પણ નિષ્કર્ષ ઉપર પહોંચવાનું કારણ કે પેલા મ્યુઝિયમમાં હોય એવા વિચિત્ર સ્ફટિક જેવી હતી એ... એક પળે તો એકદમ સ્પષ્ટ હોય અને બીજી પળે ધૂંધળી.  

'આખરે મેં નક્કી કર્યું કે મારે એને પૂછી લેવું કે તું મારી પત્ની બનીશ? હું કંટાળી ગયો હતો. એ મારી દરેક મુલાકાત અથવા તો એ થોડા પત્રો જે મેં એને લખ્યા હતા એની આસપાસ  એક અગૂઢ ગુપ્તતા ઠોકી બેસાડીને બેઠી હતી. રખેને કોઈને જાણ થઈ જાય. સઘળું ચોરીછૂપી કરવું, બધુ જ ખાનગી રાખવુંત હું ખરેખર થાકી ગયો હતો.

'મેં એના લાયબ્રેરીનાં સરનામે પત્ર લખીને પૂછયું કે એ આવતા સોમવારે છ વાગે એને મળી શકાશે કે કેમ? અને એણે જવાબ આપ્યો: હા. અને હું ખુશીથી ઝૂમતો સાતમા આસમાને પહોંચી ગયો. હું એનાથી મોહિત હતો, આસક્ત હતોત એની એ રહસ્યભરી ગૂઢ વર્તણુંક હોવા છતાં. હું એ રીતે વિચારતો હતો અને એના આધારે હું એને આજે જોઈ રહ્યો છું. ના, હું એ સ્ત્રીનાં વ્યક્તિત્વને ખરેખર પ્રેમ કરતો હતો. અને એની પાછળ ગૂંથાતું જતું એ રહસ્ય મને વધારે ગૂંચવતું જતું હતું, મને પાગલ કરી મૂકનારું હતું. શા માટે, શા માટે મારા નસીબે મને એ રસ્તે મૂકી દીધો હતો?'

'તો પછી તેં એ શોધી કાઢયું?' મેં મોટેથી પૂછયું.

'મને ડર લાગે છે કે હા, મેં એ શોધી કાઢયું.' એણે જવાબ દીધો.  'તું સાંભળ અને મને નક્કી કરીને કહે કે આ શું છે.'

'જ્યારે સોમવાર આવ્યો ત્યારે હું મારા અંકલને ત્યાં લંચ માટે ગયો, અને ચાર વાગ્યે હું મેરિલબોન રોડ ઉપર હતો. મારા અંકલ તું જાણે છે એમ રીજન્ટસ પાર્કમાં રહે છે. હું પિકાડેલી જવા માંગતો હતો, અને મેં વચ્ચે આવતી અનેક નાની જીર્ણશીર્ણ શેરીગલીમાંથી શોર્ટકટ લીધો. અને અચાનક મેં જોયું કે મારી આગળ લેડી એલરોય જઈ રહી છે, બુરખો પહેરીને, ઘણી ઝડપભેર ચાલી રહી હતી. શેરીનાં છેલ્લાં ઘરે પહોંચીને એ ઘરનો દાદર ચઢીને ઉપર ગઈ, એણે લેચની ચાવીથી દરવાજો ખોલ્યો અને અંદર ગઈ. 

'આહ, આ જ રહસ્ય લાગે છે,' મેં મારી જાતને કહ્યુંત હું ઝડપથી એ ઘરની બહાર પહોંચ્યો અને મેં એ ઘરનું નિરીક્ષણ કર્યું. આ એવી જગ્યા હતી, જે રહેવા માટે ભાડેથી મળતી હોય. દરવાજાનાં પગથિયાં ઉપર એનો રૂમાલ પડયો હતો, જે એનાથી જ પડી ગયો હશે. મેં એ ઉપાડી લીધો અને મારા ખિસ્સામાં મૂકી દીધો. પછી હું વિચારવા માંડયો કે હવે મારે શું કરવું. હું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો કે એની જાસૂસી કરવાનો મને કોઈ અધિકાર નથી અને ક્લબ તરફ ગાડી હંકારી ગયો. એ દિવસે નક્કી થયા મુજબ સાંજે છ વાગે હું એને મળવા માટે ગયો. કાંઈક વિચિત્ર દેખાતા ચંદ્રકાન્ત મણીનાં બંધનથી સજ્જ જાળી જેવા પોતનાં વણેલાં ઝીણાં કાપડનાં ટી-ગાઉન પહેરીને સોફા ઉપર એ આડી પડી હતી. એ ખૂબ જ સુંદર દેખાતી હતી.

'તમને જોઈને મને ખૂબ આનંદ થયો,' એણે કહ્યુંત 'હું આખો દિવસ ક્યાંય બહાર ગઈ નથી.' 

આશ્ચર્યચકિત નજરે મેં એની સામે તાકીને જોયું અને પછી મારા ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મેં એને આપ્યો.

'આજે બપોરે કમનોર સ્ટ્રીટમાં તમારાથી આ પડી ગયો હતો, લેડી એલરોય,' મેં ખૂબ શાંતિથી કહ્યું. એણે ભયભીત થઈને મારી સામે જોયું પણ રૂમાલ લેવાની કોઈ કોશિશ કરી નહીં. 'તમે ત્યાં શું કરતા હતા?' મેં પૂછયું. 

'મને સવાલ પૂછવાનો તમને શું અધિકાર છે?' એણે જવાબ આપ્યો. 

'એક પુરુષનો એ જ અધિકાર કે જે પુરુષ તમને પ્રેમ કરે છે.' મેં પ્રત્યતર આપ્યો, 'હું અહીં આવ્યો છું એ પૂછવા કે તમે મારા પત્ની બનશો?'

એણે બંને હાથથી એનો ચહેરો ઢાંકી દીધો અને એની આંખોમાં આંસુઓનું ઘોડાપૂર આવી ગયું.

'તમારે મને ઉત્તર તો દેવો જ જોઈએ,' મેં આગળ કહ્યું. 

એ ઊભી થઈ અને મારા ચહેરા સામે સીધું જોઈને બોલી, 'લોર્ડ મચસન, તમને કહેવા જેવું મારી પાસે કશું નથી.'

'તમે કોઈને મળવા ગયા હતા,' મેં ઊંચા અવાજે કહ્યું. 'આ તમારું રહસ્ય છે.'

એ ધોળી પૂણી જેવી થઈ ગઈ, અને બોલી, 'હું કોઈને પણ મળવા ગઈ નહોતી,'

'શું તું સાચું નહીં બોલી શકે?' હું બોલી ઊઠયો. 

'મેં બોલી દીધું છે,' એણે ઉત્તર આપ્યો.  

'હું મૂંઝવણની મુસીબતને કારણે લગભગ પાગલ થઈ ગયો હતોત અને મને ખબર નથી કે પછી હું ત્યાં શું શું બોલી ગયો, પણ એ નક્કી કે મેં એને ન કહેવા જેવા અતિશય ખરાબ શબ્દો કીધા હતા. અને હું બંગલાની બહાર આવી ગયો હતો. બીજા દિવસે એણે મને પત્ર લખ્યોત મેં એ પત્ર  ખોલ્યા વિના જ એને પાછો મોકલી દીધો. અને બીજા દિવસે એલન કોલ્વિલ સાથે હું નોર્વે જતો રહ્યો. એક મહિના પછી હું પાછો આવ્યો અને મોનગ પોસ્ટ અખબારમાં પહેલા સમાચાર એ વાંચ્યા કે લેડી એલરોયનું મૃત્યુ થયું છે. એ સંગીત નાટક સમારોહમાં ગઈ હતી અને ત્યાં ટાઢ ચઢી ગઈ અને પછી ફેફસાંનાં રોગથી પાંચ દિવસની અંદર જ એ મૃત્યુ પામી. હું જાતને સંતાડીને ઘરમાં જ પૂરાઈ રહ્યો અને કોઈને પણ મળ્યો નહીં. હું એને બેતહાશા ચાહતો હતો, હું એને પાગલની માફક પ્રેમ કરતો હતો. ઓહ ભગવાન, હું એ સ્ત્રીને કેટલો બધો પ્રેમ કરતો હતો!' 

'પછી તું પેલાં સ્ટ્રીટમાં ગયો'તો જ્યાં પેલું ઘર હતું?' મેં પૂછયું. 

'હા,' એણે જવાબ આપ્યો.  

 'એક દિવસ હું કમનોર સ્ટ્રીટમાં ગયો. હું એમ કરવા જતા મારી જાતને રોકી ન શક્યો. શંકાથી હું રિબાઈ રહ્યો હતો. મેં દરવાજા પર ટકોરા માર્યા અને એક સન્માનીય લાગતી સ્ત્રીએ દરવાજો ખોલ્યો. મેં એને પૂછયું કે એની પાસે ભાડે આપવા માટે કોઈ રૂમ છે કે કેમ?

'વેલ, સર, દીવાનખંડ અમે ભાડેથી આપીએ છીએત પણ અત્યારે જે ભાડૂઆત છે એ લેડીને મેં ત્રણ મહિનાથી જોઈ નથી, એનું ભાડૂ પણ ચઢી ગયું છે. તમે એ દીવાનખંડ ભાડે લઈ શકો છો.'

'એ લેડી આ છે?' મેં ફોટોગ્રાફ બતાવીને પૂછયું. 

'હા એ એ જ છે. ચોક્કસ એ જ.' એ બોલી ઊઠીત 'તેઓ પાછા ક્યારે આવશે, સર?'

'આ લેડી મૃત્યુ પામ્યા છે,' મેં જવાબ આપ્યો. 

'ઓહ, સર, એવું ન કહો!' એ સ્ત્રી બોલી. 'એ અમારા શ્રેષ્ઠ ભાડૂઆત છે... હતા. એ અઠવાડિયાની ત્રણ ગિની ભાડૂ આપતા હતા અને એ પણ દીવાનખંડમાં ક્યારેક ક્યારેક માત્ર બેસવા માટે.'

'એ અહીં કોઈને મળતા હતા?' મેં પૂછયું પણ એ સ્ત્રીએ મને ભારપૂર્વક કહ્યું કે એવું નહોતું અને એમ કે એ હમેશા એકલા જ આવતા અને કોઈને પણ મળતા નહોતા. 

'તો એ અહીં કરતી શું હતી?' મેં ચિલ્લાઈને પૂછયું. 

'તેઓ ફક્ત દીવાનખંડમાં બેસતા હતા, સર, પુસ્તકો વાંચતાં અને ક્યારેક ચાય પીતા હતા,' એ સ્ત્રીએ જવાબ આપ્યો. 

મને સમજાયું નહીં કે મારે શું બોલવું. એટલે મેં એને એક પાઉન્ડનો સિક્કો આપ્યો અને હું ત્યાંથી જતો રહ્યો.'

'હવે આમ કરવા પાછળ એનો હેતુ શું હોઇ શકે? તને શું લાગે છે? તું એવું તો નહીં જ માનતો હોય કે એ સ્ત્રી મને સાચું કહી રહી હતી.'

'હું માનું છું કે એ સાચું કહેતી હતી.'

'તો પછી લેડી એલરોય ત્યાં જતી જ શા માટે હતી?'

'માય ડીયર જીરાલ્ડ,' મેં જવાબ આપ્યો, 'લેડી એલરોય એક એવી સ્ત્રી હતી જેને કોઈ રહસ્યની રમત રમવાનું પાગલપન હતું. એ આ રૂમ્સમાં એટલે જતી હતી કારણે કે બુરખો પહેરીને ત્યાં જવામાં એને એક અજબ આનંદ મળતો હતો. એ પોતે કોઈ હીરોઈન છે એવી કલ્પના એ કરતી હતી. એનાં વિષેની બધી જ વાત ગુપ્ત રાખવાનું ઝનૂન એની પર સવાર હતું. પણ એ પોતે એક રહસ્ય વિહોણી સ્ફિંક્સ હતી.' 

'શું તું ખરેખર એમ માને છે?'

'મને ખાત્રી છે કે એમ જ છે.' મેં જવાબ આપ્યો. 

 એણે ચાંદીથી મઢેલું બકરાનાં ચામડામાંથી બનેલું પાઉચ હાથમાં લીધું, ખોલ્યું અને ફોટોગ્રાફ સામે ફરીથી જોયું. 

'મને નવાઈ લાગે છે.' એણે આખરે કહ્યું.                 

 (સમાપ્ત) 

સર્જકનો પરિચય

ઓસ્કાર વાઇલ્ડ

જન્મ: ૧૬ ઓક્ટોબર, ડબ્લિન, ૧૮૫૪

મૃત્યુ: ૩૦ નવેમ્બર, પેરિસ, ૧૯૦૦  

ઓસ્કાર ફિન્ગલ ઓ' ફ્લાહેર્ટી વિલ્સ વાઈલ્ડ આઈરિશ કવિ, ટૂંકી વાર્તાનાં સર્જક તેમજ નાટયલેખક હતા. સને ૧૮૮૦નાં દાયકામાં વિવિધ પ્રકારનાં સાહિત્યનું સર્જન કર્યા બાદ તેઓ સને ૧૮૯૦નાં શરૂઆતી દાયકામાં લંડનનાં સૌથી લોકપ્રિય નાટયકાર બન્યા. તેઓ એમની ચતુરોક્તિ, કવિતાઓ અને એમનાં નાટકો તેમજ નવલકથા માટે જાણીતા છે. તેઓને જેલમાં પૂરવાનાં કારણો અને સંજોગો તેમજ તેઓનું અકાળ મૃત્યુ પણ ચર્ચાસ્પદ રહ્યું. તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પેરિસની એક સસ્તી હોટલ કે જેની દીવાલો જીર્ણ થઈ ગયેલા વોલપેપરથી આચ્છાદિત હતી, તેમાં રહેતા હતા. તેઓનાં આખરી શબ્દો હતા: 'હું અને આ વોલપેપર વચ્ચે યુદ્ધ થઇ રહ્યું છે. જોઈએ કોણ પહેલું મરે છે?'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3onCi0V
Previous
Next Post »