આ ઈપીએલની ફ્રેન્ચાઈસી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વરસની દીકરી ઝિવાને તાજેતરમાં બળાત્કાર (રેપ)ની ધમકીઓ મળતા સોશ્યલ મિડીયાના ભયંકર દુષણે સૌને એક મોટો આઘાત આપ્યો હતો. ઝિવાને આવી અધમ પ્રકારની ધમકીઓ શા માટે મલી હતી? ફક્ત એટલા માટે કે એના પિતા એક ક્રિકેટ મેચમાં સારુ નહોતા રમી શક્યા. સૌ જાણે છે કે દુબઈ, અબુધાબી અને શારજાહમાં હાલ રમાઈ રહેલી આઈપીએલ - ૨૦૨૦માં ધોની અને એની ટીમ સીએસકેનો દેખાવ વખાણવા લાયક નથી રહ્યો. ફક્ત આવા ક્ષુલ્લક કારણસર માહીની માસુમ દીકરીને રેપની ધમકીઓ આપવાની! પોતાના પરિવારથી દૂર યુએઈમાં આઈપીએલ રમતા ધોની પર આ બધુ સાંભળીને એક પિતા તરીકે શું વીત્યું હશે? વિકૃત માનસિકતા ધરાવતા લોકોને એ બધુ વિચારવાની ક્યાં ફુરસદ છે? વધુ શરમજનક હકીકત એ છે કે ઝિવા ધોનીને આવી હીન ધમકીઓ આપનાર ૧૬ વર્ષનો ગુજરાતનો એક ટીનેજર છે. પોલીસે એને અટકમાં લીધો છે.
આ બનાવના સંદર્ભમાં નેટીઝનોમાં આક્રોશ ફેલાયો છે અને સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મિડીયામાં પોતાના નારાજગી દર્શાવવામાં પાછળ નથી રહ્યા. ૨ વર્ષની પુત્રીનો પિતા એક્ટર શ્રેયસ તળપદે કહે છે, 'આ ખરેખર એક શરમજનક બીના છે. એક ક્રિટે મેચને લઈને, આટલી નીચી પાયરી પર ઉતરીજવાનું?' આવી ધમકી મેળવનાર ઝિવા એકલી નથી.
બોલીવુડના ટોચના નિર્માતા દિગ્દર્શક કરણ જોહરના ત્રણ વર્ષના જોડિયા બાળકો - રુહી અને યશને પણ ભૂતકાળમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં કમોત પછી બોલીવુડમાં પ્રવૃર્તતા સગાવાદ અને જુથબંધીના દુષણોની ડિબેટ શરૂ થતા એમાં કરણનું પણ નામ ઉછળ્યું હતું. એ વખતે એના સંતાનોને ધમકીઓ અપાઈ હોવાનું કહેવાય છે.
આજે પોતાના માસુમ ચહેરાને લીધે મિડીયા સહિત સૌનો લાડકો બની ગયેલો કરીન કપૂર અને સૈફ અલી ખાનનો ક્યુટ પુત્ર તૈમુર તો જન્મ પછી થોડા જ દિવસોમાં વિવાદનું કેન્દ્ર બની ગયો હતો. સોળમી સદીની અમુક સડી ગયેલી ખોપડીઓને એ વાતનો વાંધો હતો કે સૈફ અને કરીનાએ પોતાના દીકરા માટે એક મોગલ શાસકનું નામ શા માટે પસંદ કર્યું? ઘણી બધા ધમાચકડી થઈ પણ સૈફ-કરીના પોતાના નિર્ણય પર અડગ રહ્યા. એમણે કહ્યું કે મા-બાપ તરીકે અમારા પુત્રનું નામ પાડવાનો અમને પુરે પુરો હક્ક છે. એ અધિકાર અમારી પાસેથી કોઈ છીનવી ન શકે.
ખાન દંપતિની મક્કમતા સામે સ્થાપિત હિતોએ આખરે નમતું ઝોકવું પડયું અને આજે તૈમુરના નામ સામે કોઈને કોઈ વિરોધ નથી. સવાલ એ છે કે સેલિબ્રિટિઝની અંગત બાબતોમાં માથુ મારવાનો અધિકાર માનસિક રીતે બિમાર લોકોને કોણે આપ્યો? શું સેલિબ્રિટીઝને પોતાનું અંગત જીવન પોતાની મરજી મુજબ જીવવાનો કોઈ અધિકાર નથી?
ઝિવા ધોની પ્રકરણમાં ઝંપલાવતા ૩ વર્ષની દીકરીની માતા અભિનેત્રી માહિ ગીલ કહે છે, 'આવા લોકોને કોઈ કામ ધંધો હોતો નથી. આવા મનોરુગ્ણ લોકો વિરુદ્ધ સત્તાવાળાઓએ કડક પગલા લેવા જોઈએ, જેથી એક દાખલો બેસે.' ક્રિકેટર હરભજન સિંહની પત્ની અને એક્ટર ગીતા બસરાએ આવા બનાવોને બિમાર માનસિકતાનું પરિણામ ગણાવતા ઉમેર્યું હતું કે પાંચ વર્ષની ઝિવા ધોનીને ધમકીઓ આપનાર ૧૬ વર્ષનો ટીનેજર છે અને ૧૬ વર્ષના છોકરામાં એટલી સમજ તો આવી જ ગઈ હોય છે કે પોતે શું લખ્યું છે અને એના પ્રત્યાઘાતો અને પરિણામ શું આવશે? એને કઠોર શિક્ષા થવી જોઈએ. ટુંકમાં, કોઈ વાંકગુના વગર જાણીતી હસ્તીઓના બાળકોને વિવાદમાં છસડી અધમ પ્રકારની ધમકીઓ અપાઈ રહી છે. આવા મનોરુગ્ણ લોકો માટે સોશ્યલ મિડીયા એક હાથવગુ હથિયાર બની ગયું છે. આ દુષણને ડામવાનો સમય આવી ગયો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34FFtt5
ConversionConversion EmoticonEmoticon