પાન ખાઇને કંડકટર બસમાં ચડયો એટલે બસ ઉપડી.
'ચાલો,ટિકિટ... કયાંની આપું?'
'એક ત્રણ દરવાજાની...' કહીને એક વૃદ્ધ મજૂરે પાંચની નોટ આપી.
ચાર રૂપિયાની ટિકીટ એને આપી કંડકટર ચાલતો થયો ત્યાં મજૂર બોલ્યો-' મારો એક રૂપિયો પાછો આપો!'
'છૂટા નથી..' કંડકટરે કરડાકીથી કહ્યું.
મજૂર કશું બોલ્યો નહીં.
બે-ત્રણ સ્ટેન્ડ પસાર થઇ ગયા. ફરીથી મજૂરે કહ્યું-'સાહેબ, મારો એક રૂપિયો બાકી છે..'
'શું રૂપિયો-રૂપિયોની રટ માંડી છે!એક રૂપિયામાં અમે કાંઇ કાંદો કાઢી લેવાના નથી. આમેય આજકાલ એક રૂપિયાની કિંમત પણ શું છે?' એમ તોછડાઈથી કહીને કંડકટર, પેસેન્જરની ભીડમાં ખોવાઇ ગયો.
વૃદ્ધ મજૂર ચૂપ થઈ ગયો.
બસ છેલ્લા સ્ટોપ પર આવીને ઉભી રહી ત્યારે હિસાબ પતાવીને કંડકટરે પૈસા ગણી જોયા.એક રૂપિયો વધ્યો. એક રૂપિયાનો ચળકતો સિક્કો હાથમાં લઇ, એને ચૂમીને પછી મનોમન રાજી થતાં, કંડકટરે પોતાના ખિસ્સામાં સેરવી દીધો.
નાટક
'સ્ત્રી સ્વાતંત્ર્ય' વિશેના એક પરિસંવાદમાંથી આવેલા રેખાબહેન થાકી ગયાં હતાં. આઠમા ધોરણમાં ભણતી તેમની દીકરી મનીષાએ ઘરનું લગભગ બધું જ કામ કરી લીધું હતું. મમ્મી આવ્યાં કે તરત જ તે પાણીનો ગ્લાસ લઈને હાજર થઇ ગઇ.
પાણી પીને રેખાબહેને કહયું- 'આજે રસોઈમાં પણ મને હાથ દેવડાવજે.'
'ભલે.' મનીષાએ હસીને કહ્યું.
રેખાબહેન છાપું હાથમાં લેતાં બોલ્યાં- 'ગામડાંના માણસો તો સાવ ઢોર જેવા જ હોય છે! ઘરની સ્ત્રીઓને ચાર દિવાલોની બહાર જવાની કોઈ તક જ નથી આપતા!'
બટાટા સુધારતાં-સુધારતાં મનીષાએ પૂછયું- 'મમ્મી, અમારી સ્કૂલમાં એક નાટક થવાનું છે, હું એમાં ભાગ લઉં? અમારા ટીચર મને મુખ્ય ભૂમિકા આપવા માગે છે !'
'ખબરદાર..! જો નાટક-ચેટકની વાત કરી છે તો! એવા ભવાડામાં છોકરીઓએ પડવું સારું નહીં, સમજી?' રેખાબહેન એકદમ ગુસ્સામાં બરાડી ઉઠયાં.
'જી,મમ્મી..' કહેતીક મનીષા, બટાટાની થાળી લઇને, ચૂપચાપ રસોડામાં ચાલી ગઇ.
દડો
તડિંગ દઇ, વેલ્ટીનેશનનો કાચ તોડી, દડો અંદર આવ્યો.
શાક સુધારતાં-સુધારતાં રસીલા દોડી આવી. કાચનાં ભૂક્કામાંથી કાળજીપૂર્વક દડો ઉપાડયો. મનમાં ખૂબ જ ગુસ્સો આવ્યો. દાંત કચકચાવીને તેણે મુઠ્ઠી વાળવાની કોશિષ કરી પણ દડાસોતી મુઠ્ઠી વળી નહીં.
બારી ખોલી, શેરીમાં રમતાં ટાબરિયાંઓને તેણે ચીડ ચડાવીને કહ્યું- 'સત્તર વખત કાચ તોડયો! હવે તો દડો નહીં જ દઉં! જાવ, ગમે તે આવશે તોય નહીં જ દઉં..!'
એમ કહેતાં-કહેતાં, ધડ્ દઇ બારી બંધ કરી રસીલાએ પીઠ ફેરવી. સામી દીવાલે ટીંગાતી એક નાનકડી છબીમાંથી જાણે કોઈ કાલું-કાલું બોલ્યું- 'મમ્મી..! હું કહું તો પણ દલો નહીં દે ?!'
- ને રસીલાએ બળપૂર્વક વાળી રાખેલી અધખૂલી મુઠ્ઠીમાંથી દડો ફર્શ પર પડી, ડબ..ડબ..ડબ... કરતો કયાંક સરકી ગયો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HzS1tc
ConversionConversion EmoticonEmoticon