એ ચાર રસ્તા પરથી ક્યારેય કોઈ પસાર થતું નહીં. એ કારણોસર રોડની એક તરફ કાચી કેડી બની ગઈ હતી. કેમ કે બધા એના પરથી જ પસાર થઈ જતા. ગભરાયા વગર. પણ પાંચ ફૂટ દૂર ચોકડી પરથી પસાર થવાની કલ્પના માત્રથી લોકોના મોતિયા મરી જતાં. પૂનમની રાતે ચંદ્રના ધવલ પ્રકાશમાં કૂબડી ત્યાં બેઠેલી દેખાતી. ઘણાએ એને જોઈ હતી. એ કોઈ અફવા ન હતી. પણ બાકીના સમયે ભલે ને એ ત્યાં બેઠેલી દેખાતી ના હોય, બધાને ખબર જ હતી કે એ ત્યાં જ બેઠેલી છે. આ વાત જાણતા ના હોય એવા વાહન સવાર જો એ ચોકડી પરથી પસાર થાય તો કોઈ અદ્રશ્ય વસ્તુ સાથે અથડાઈને રોડથી દૂર ફેંકાઈ જતાં. અને મરી જતાં. એવા ઘણા અકસ્માતો એ ચોકડી પર થઈ ચૂક્યા હતાં.
રોડની સાઈડ પરથી પસાર થતાં કોઈને કૂબડીએ ક્યારેય નુકસાન પહોંચાડયું ન હતું. પણ ચોકડી એ એની જાગીર હતી. એના પરથી પસાર થવું નહીં એવો જાણે કે એનો વણલખ્યો કાયદો હતો. એ કેમ ત્યાં બેસી રહે છે. એનો ભૂતકાળ શું છે એ કોઈ જાણતું ન હતું. લોકોએ આપમેળે વાર્તાઓ ઘડી કાઢેલી. એમાંની એકેય સાચી ના હોવા છતાં ભારે રોમાંચ પેદા કરનારી હતી.
બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ત્યાં એક દિવસ સમાચાર આવ્યા કે આવતા મહિને મુખ્યમંત્રીનો કાફલો ત્યાંથી પસાર થવાનો છે. એટલે રોડનું કાર પેટિંગ કરવું. કોન્ટ્રાક્ટર ચોકડીને છોડીને બાકીના રોડનું કારપેટિંગ કરવા તૈયાર થયો. જોકે બધાને એ વાતની પણ ચિંતા હતી કે મુખ્યમંત્રી મરવાના થયા છે તે ચોકડી પરથી પસાર થવું છે એમને ? અને એમને ના પાડવી પણ કઈ રીતે. એ કંઈ કૂબડી વાળી વાત સાચી માને ?
વાત સરપંચ પાસેથી ટી.ડી.ઓ પાસે પહોંચી અને ત્યાંથી પહોંચી જિલ્લા કલેકટર વિકાસ સહાય પાસે વિકાસની ઉંમર ૩૪ વર્ષ. બાહોશ કલેકટર. ભારે નીડર. એ કંઈ આવી બધી વાતોમાં માને નહીં. એટલે એ જાતે ગામડે આવ્યા. આખું ગામ ભેગું કર્યું. અને બાઈક પર બેસીને ચોકડી પરથી પસાર થવા ગયા, પણ કોઈ અદ્રશ્ય તાકાત સાથે અથડાઈને ઊછળી પડયા. અને ઝાડ સાથે ભટકાઈને બેભાન થઈને પડયા. તાત્કાલિક આઈ.સી.યુ.માં દાખલ કરવા પડયા. કોમામાં જતાં રહ્યાં.
કલેકટર વિકાસ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતાં હતાં ત્યારે એમની ધર્મપત્ની સોનાલ ગામના સરપંચના સાથે ગામના સૌથી વૃદ્ધ વ્યક્તિ નથુકાકાની સામે બેઠા હતાં. એ કૂબડી વિશે જાણવા માંગતા હતાં.
નથુકાકાએ વાર્તા ચાલુ કરી, ''હું નાનો હતો ત્યારથી કૂબડીની વાત સાંભળું છું. જુવાન હતો ત્યારે મેં એક વાર પૂનમની રાતે બાર વાગે એને ચોકડી પર બેઠેલી જોયેલી. દૂરથી. નજીક જવાની તો હિંમત જ ક્યાંથી ચાલે ? એનો ચહેરો કોઈએ નથી જોયો. એના ભૂખરા લાંબા વાળથી એનો ચહેરો ઢંકાયેલો જ હોય છે. મારા દાદા કહેતાં હતાં કે વર્ષો પહેલાં આ ગામની ભાગોળથી થોડે દૂર કામિની નામે એક વેશ્યા રહેતી હતી. ગામ આખાના અને આસપાસના ગામોના પુરુષો પોતાની હવસનો ઈલાજ શોધવા એની પાસે જતાં. આખા પંથકમાં પ્રસિદ્ધ હતી.
ગામની ભાગોળે શિવજીનું મંદિર છે. એ સમયે એ મંદિરના પૂજારી ભારે સતવાળા હતાં. એમની દકરી-જમાઈ અને પૌત્ર એમની જ સાથે જ રહેતા હતાં. એમનો જમાઈ જરા બદમાશ હતો. એ પણ પોતાની હવસ સંતોષવા કામિની પાસે જતો હતો. પણ પૈસા બચાવવાની લાલચમાં એણે કામિની સાથે પ્રેમનું નાટક કર્યું. કામિની તો ખરેખર એના પ્રેમમાં પડી ગઈ.
ધંધો કરીને કામિનીએ ઘણા રૂપીયા ભેગા કર્યા હતાં. પેલાને કામિનીની દોલતમાં પણ રસ હતો. એટલે એક દિવસ એ કામિનીના રૂપીયા લઈને નાસી ગયો. કામિનીએ પોતાનો ગુસ્સો એ યુવકના બૈરી-છોકરા પર ઊતાર્યો. બંનેને એ ચોકડીવાળી જગ્યાએ લાવીને મારી નાખ્યા. ત્યાં પહેલા રોડ ન હતો ફક્ત ઝાડી ઝાંખર હતાં.
દીકરી-પૌત્રની લાશ જોઈને કલ્પાંત કરતાં પૂજારીએ કામિનીને શ્રાપ દીધો કે તારો છૂટકારો નહીં થાય. જ્યાં મારી દીકરી અને પૌત્ર મર્યા, ત્યાં જ તારો આત્મા બંધાઈ રહેશે. એનો ક્યારેય છૂટકારો નહીં થાય.
શ્રાપ દઈને કલ્પાંત કરતાં કરતાં પૂજારી પણ મૃત્યુ પામ્યા. ત્યારે કામિનીને ભાન થયું કે એણે શું કરી નાખ્યું છે ! પછી તો એણે ધંધો છોડી દઈને પૂજા-પાઠમાં મન પરોવ્યું. ઘણા સાધુ-સંતોની સેવા કરી. એમની પાસે એ શ્રાપનું મારણ માંગ્યું. પણ કોઈની પાસે કંઈ ઈલાજ ન હતો. પણ એક સાધુએ એને આર્શિવાદ આપ્યો કે જો કોઈ અસલી પતિવ્રતા સ્ત્રી તારું સ્થાન લેવા તૈયાર થશે તો તને છૂટકારો મળશે.
વર્ષો વિત્યા. જ્યાં કામિનીએ પૂજારીના દીકરા અને પૌત્રને માર્યા હતાં ત્યાં રોડ બની ગયો. વાહનોથી ધમધમવા લાગ્યો. એક દિવસ કામિની પણ મરણ પામી. પણ એનો આત્મા એ ચોકડીએ જઈને બેઠો. અને ત્યારથી એ ચોકડીની દશા બેઠી. અને એનું પરિણામ તમારા પતિએ પણ ભોગવવું પડયું. તમારા પતિના જીવવાની આશા છોડી દો. એમને હવે કોઈ નહીં બચાવી શકે.''
આ કહાણી સાંભળીને દુઃખી થયેલી સોનલે ત્યાંથી વિદાય લીધી. પંદરેક દિવસ પછી કલેકટર વિકાસની તબિયતમાં એકદમ જ સુધારો આવ્યો અને એ સાજા થઈ ગયા પણ એમની પત્ની સોનલ ગાયબ હતી. ભારે શોધખોળને અંતે પણ એ ના મળી.
મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચી એટલે એમણે પણ શાનમાં સમજીને ત્યાંથી પસાર થવાનું કેન્સલ કરી દીધું. પણ સવાલ એ હતો કે સોનલ ગઈ ક્યાં ?
એ સવાલનો જવાબ પેલી ચોકડી પર હતો. આજે ફરી પૂનમની રાત હતી. એ ચોકડી પર આજે કૂબડી બેઠેલી ન હતી. ત્યાં બેઠી હતી સોનલ. પતિની જીંદગીના બદલામાં પોતાના આત્માનો સોદો કરીને એણે પતિને બચાવી લીધો હતો. પાછલી પૂનમે એ અહીં આવેલી કૂબડીની નજીક જવાની હિંમત પણ કોઈ ના કરી શકે. પણ એ તો સીધી પહોંચી જ ગઈ કૂબડી પાસે. અને પતિની જીંદગીની ભીખ માંગી. કૂબડીનો આત્મા તરસી રહ્યો હતો. મુક્તિ માટે એટલે સોનલે કૂબડીની જગ્યા લઈ લીધી અને કૂબડીએ સોનલના પતિને બચાવી લીધો.
પણ ત્યાર પછી એ ચોકડી પર અકસ્માત થવાના બંધ થઈ ગયા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jyuGFy
ConversionConversion EmoticonEmoticon