દશેરા: રાવણને હરાવનારા રામનો રથ કેવો હતો?


તુ લસીદાસજીએ રામ ચરિત માનસમાં ભારતીય જીવન મૂલ્યોને બખૂબી વણી લીધા છે. રામ-રાવણના યુદ્ધ વખતે તુલસીએ રામના જે રથનું વર્ણન કર્યું છે એ અદ્વિતીય છે, રામ-રાવણના યુદ્ધની જેમ જ. રામ સામે યુદ્ધ કરવા રાવણ રથમાં બેસીને, શસ્ત્ર-સજ્જ થઈને આવે છે. બીજી તરફ રામ ખુલ્લા પગે હાથમાં ધનુષ-બાણ ધારણ કરીને રાવણનો સામનો કરવા સજ્જ થયા છે. એ દૃશ્ય જોઈને વિભીષણને મિત્ર રામની ચિંતા થાય છે. તુલસીદાસજીએ અહીં અદભૂત ચોપાઈ રચી છેઃ

રાવનુ રથી બિરથ રઘુબીરા

દેખી બિભીષન ભયઉ અધીરા

અધિક પ્રીતિ મન ભા સંદેહા

બંદિ ચરન કહ સહિત સનેહા

રાવણને રથમાં જોયા પછી વિભીષણને રથ વગર યુદ્ધે ચડેલા રામની ચિંતા થાય છે. એ ચિંતાનું કારણ આપતા તુલસીએ બીજું સરસ ઓબ્ઝર્વેશન મૂક્યું છેઃ અધિક પ્રીતિ મન ભા સંદેહા. જેના માટે બહુ પ્રેમ હોય તેના માટે હૃદયમાં ચિંતા હોય, એટલે એની ક્ષમતા અંગે ચિંતાવશ સંદેહ થવો સ્વાભાવિક છે. અત્યાર સુધીના યુદ્ધને જોઈ રહેલા વિભીષણની ધીરજ ત્યારે ખૂટી જાય છે, જ્યારે ખુદ રાવણ જેવો ખતરનાક-બળવાન યોદ્ધો યુદ્ધમેદાનમાં રામની સામે આવે છે. અત્યાર સુધીના યુદ્ધમાં રામે અદ્વિતીય શૌર્ય બતાવ્યું હોવા છતાં રાવણની તૈયારી જોઈને વિભીષણની ધીરજનો અંત આવે છે અને તેને રામ રાવણ સામે વિજયી બનશે કે નહીં એની ચિંતા થાય છે.

રામભક્ત વિવેકી વિભીષણે શ્રીરામને વંદન કરીને સ્નેહ સાથે કહ્યુંઃ હે નાથ! તમારી પાસે રથ નથી, પગમાં પહેરવા પગરખાં નથી, કવચ પણ નથી. બળવાન રાવણને કેવી રીતે પરાજિત કરશો?

કૃપાનિધાન શ્રીરામ વિભીષણની શંકાનું સમાધાન કરતા જવાબ આપે છેઃ હે મિત્ર! સાંભળ, જે રથથી રણમેદાનમાં યોદ્ધાને વિજય મળે છે એ રથ આ નથી, એ તો બીજો રથ છે.

એ રથ કેવો છે? એનું વર્ણન કરતા તુલસી ચમત્કૃતિ સર્જે છે.

સૌરજ ધીરજ તેહિ રથ ચાકા

સત્ય સીલ દૃઢ ધ્વાજા પતાકા

બલ વિવેક દમ પરહિત ઘોરે

છમા કૃપા સમતા રજુ જોરે

ભારતીય મૂલ્યોને ગૂંથીને તુલસી રામના એ અદૃશ્ય રથને શબ્દોથી મઢતા લખે છેઃ શૌર્ય અને ધૈર્ય રામના રથના બૈ પૈડા છે. સત્ય અને શીલ એટલે કે સદાચાર રથના ટકાઉ ધ્વજા અને પતાકા છે. બળ, (સામર્થ્ય, કૌવત) વિવેક, દમ (સંયમ) અને પરહિત (પરોપકાર) એ ચાર સદ્ગુણો એ રથમાં ઘોડાની ભૂમિકામાં છે. એ ચારેય ઘોડાને બાંધવા માટે તુલસીએ ક્ષમા, દયા અને સમતા નામની દોરીઓ પ્રયોજી છે.

રામે વિભીષણને રથનું બંધારણ સમજાવ્યું. તુલસીદાસજી રામના શ્રીમુખે રથનું વર્ણન આગળ ચલાવે છેઃ 

ઈસ ભજનુ સારથી સુજાના

બિરતિ ચર્મ સંતોષ કૃપાના

દાન પરસુ બુદ્ધિ સક્તિ પ્રચંડા

બર બિગ્યાન કઠિન કોદંડા

ઈશ્વરનું ભજન રથનો સારથી છે. જો હરિસ્મરણ - શ્રદ્ધા સારથી બનશે તો એ જેવો તેવો સારથી નહીં હોય, તુલસી કહે છે એ ચતુર સારથી હશે. એ રથમાં સવાર થનારા યોદ્ધા પાસે વૈરાગ્ય નામની ઢાલ અને સંતોષ રૂપી તલવાર છે. દાનના સ્વરૂપે ફરસી (કુહાડી) છે. એ યોદ્ધાની તીક્ષ્ણ બુદ્ધિ જ તેની પ્રચંડ શક્તિ છે. ઉત્તમ પ્રકારનું વિજ્ઞાાન મજબૂત ધનુષનું કામ કરે છે.

અમલ અચલ મન ત્રોન સમાના

સમ જમ નિયમ સિલીમુખ નાના

કવચ અભેદ વિપ્ર ગુર પૂજા

એહિ સમ વિજય ઉપાય ન દૂજા

નિર્મળ અને સ્થિર મન રૂપી ભાથામાં શમ (મન વશમાં રાખવું), યમ (યોગ અથવા ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી) અને નિયમ જેવા બાણો છે. ગુરુજનોનું પૂજન અને આશીર્વાદ અભેદ કવચ છે. આના જેવો વિજયનો બીજો કોઈ ઉપાય નથી. આટલું હોય એટલે યોદ્ધાનો વિજય નક્કી હોય છે.

રામ વિભીષણના મનનું સમાધાન કરતા કહે છેઃ સખા ધર્મમય અસ રથ જાકેં, જીતન કહઁ ન કતહૂઁ રિપૂ તાકે. હે મિત્ર! આવો ધર્મનો રથ જેની પાસે હોય તેને કોઈ શત્રુ હરાવી શકતો નથી. અથવા તો આવો ધર્મનો રથ લઈને લડવા નીકળનારા યોદ્ધાને કોઈ શત્રુ જ નથી હોતો. તુલસીદાસજી આ રથની વાતને જીવન-મરણ અને સંસાર સાથે જોડતાં લખે છેઃ

મહા અજય સંસાર રિપૂ જીતિ સકઈ સો બીર

જાકેં અસ રથ હોઈ દૃઢ સુનહુ સખા મતિધીર

રામ અહીં વિભીષણને ધીરબુદ્ધિ કહે છે. તુલસીની શબ્દોની પંસદગી જુઓ! વિભીષણને જ્યારે રામના વિજય બાબતે શંકા થઈ ત્યારે એનામાં અધીરતા હતી. એણે ધીરજ ગુમાવી દીધી હતી, પણ શ્રીરામે જેવી ધર્મરથની સમજ આપવાનું શરૂ કર્યું કે એની શંકાનું સમાધાન થવા માંડયું હતું. વિભીષણને સમજાઈ ગયું હતું કે રાવણ તેના શક્તિશાળી લાગતા આસુરી રથથી રામના ધર્મરથનો સામનો કરી શકે તેમ નથી. એ સમજાતાં જ વિભીષણમાં ધીરજ પાછી આવી. રામે એ નોંધ્યું એટલે છેલ્લે વિભીષણને 'ધીરબુદ્ધિ' કહીને વાત પૂરી કરી. વિભીષણની 'અધીરાઈ'થી ધર્મરથનું વર્ણન શરૂ થયું હતું 'ધીરજ'થી પૂરું થયું.

રામ-રાવણનું યુદ્ધ બે યોદ્ધાઓ વચ્ચેનું કે બે રાજાઓ વચ્ચેનું યુદ્ધ ન હતું, એ માનવીય મૂલ્યો સામે આસુરીવૃત્તિનું યુદ્ધ હતું. ભૌતિકશક્તિ અને નૈતિકશક્તિ વચ્ચેનું એ યુદ્ધ હતું. એમાં રામ પાસે પહેલી નજરે એવાં કોઈ અસ્ત્ર-શસ્ત્ર ન હતા. રાવણનો મુકાબલો કરી શકાય એવો રથ કે કુશળ સારથી ન હતો, પરંતુ રામના જે સદ્ગુણો હતા તેનો મુકાબલો રાવણથી થઈ શકે તેમ ન હતો.

તુલસીએ રામના ધર્મરથના માધ્યમથી માનવમૂલ્યોનું ઝીણવટથી દર્શન કરાવ્યું છે. એ ધર્મરથ માત્ર રામનો રથ ન હતો. એના માધ્યમથી તુલસી માનવજાતને સંદેશો આપે છે. એ સદ્ગુણો કોઈ પણ માણસ પાસે હોય તો જીવનમાં આવતા દરેક પ્રકારના રાવણને હરાવી શકાય છે. કોઈ પણ સ્થિતિને કાબૂમાં લઈ શકાય છે.

મોટામાં મોટા પડકારને ઝીલી શકાય છે, સફળતા મેળવી શકાય છે. જીવનમાં અલગ અલગ ઉંમરે આ ધર્મરથ નવી દૃષ્ટિથી આપણને માર્ગદર્શન કરી શકે તેમ છે. વિદ્યાર્થીને ય કામ લાગે ને ધંધાર્થીને ય પાઠ ભણાવે, સંસારીને પણ સંદેશો આપે અને સાધકને પણ માર્ગ બતાવે એવા અર્થઘટનો આ ધર્મરથમાંથી તારવી શકાય એમ છે.

શૌર્ય એટલે કે સાહસ બધા જ પડકાર ઝીલવા માટે જરૂરી પ્રથમ પગથિયું છે. સાહસ વગર નવી શરૂઆત શક્ય જ નથી. યુવાવયે સાહસવૃત્તિ હોય પણ ધીરજ રાખી ન શકીએ તો હતાશા આવે છે. એકેય સિદ્ધિ રાતોરાત મળતી નથી. એના માટે ધીરજ રાખીને પ્રયાસો કરતા રહેવા પડે છે.

સફળતા આવ્યા પછી જો સત્ય અને સદાચારના ગુણો ખીલવ્યા હોય તો સિદ્ધિના ધ્વજા-પતાકા લહેરાય છે. નહીંતર સાહસ હોવા છતાં માણસ વિખ્યાત થવાને બદલે કુખ્તાત થાય છે. સારું વર્તન, સારા સ્વભાવની સાથે ઓનેસ્ટી ભળે તો માણસ પાંચમાં પૂછાય છે. જૂઠાબોલો માણસ સાહસ બતાવીને, કૌવત બતાવીને પ્રસિદ્ધિ મેળવીય લેશો તોપણ સમ્માન મળશે નહીં.

સફળતાના હણહણતા ઘોડા તોફાની બની જાય તો? સક્સેસ શિખરેથી ખીણમાં ખાબકે! એવું ન થાય એના માટે માણસે રથના ઘોડાની પસંદગીમાં ખાસ ધ્યાન આપવું પડે છે. બળ યાને કૌવતની સાથે વિવેક, સંયમ અને પરોપકારના ગુણો માણસને ડાઉન ટુ અર્થ રાખવામાં મદદ કરે છે. એમાં બધાને સમાન દૃષ્ટિએ જોવાની નજર, કરૂણા અને ક્ષમા આવી જાય તો માણસાઈ દીપી ઉઠે છે. આવી દોરીઓથી ઘોડા બંધાયા હોય તો માણસના જીવનરથના ઘોડા ક્યારેક ખોટી દિશાએ જતા નથી.

આવા ઘોડાની લગામ શ્રદ્ધારૂપી ચતુર સારથીના હાથમાં હોય તો માણસને તેના માર્ગમાંથી ફંટાવા દેતો નથી. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે બધા જ અથાક પ્રયાસો ઉપરાંત એમાં વળગી રહેવાની શ્રદ્ધા ખૂબ જરૂરી છે. પોતાના પ્રયાસોમાં આત્મવિશ્વાસ ન હોય તો કોશિશો નાકામ રહે છે, ઈશ્વરનું ભજન તો આમાં સાંકેતિક છે. ધારો કે સ્ટીવ જોબ્સ જેવા કોઈ બિઝનેસમેને એક સૂત્ર પકડીને એ જ દિશામાં સતત કામ કર્યું તો એમાં અભૂતપૂર્વ કામ થઈ શક્યું.

બધું કર્યા પછી એક યા બીજા કારણોથી ધાર્યું પરિણામ ન મળે ત્યારે નિરાશ થયેલો માણસ આત્મઘાત કરી શકે છે. એ સ્થિતિ વૈરાગ્ય અને સંતોષથી ટાળી શકાય છે. વૈરાગ્ય એટલે સન્યાસી થવાની વાત નથી. ધોનીની જેમ હાર્યા પછીય હતાશ થયા વગર એક વૈરાગીની જેમ સ્થિતિને જોવા-સમજવાની મતિ. જે મળ્યું એમાં એ ક્ષણ પૂરતો સંતોષ. આ ગુણો ઢાલનું કામ કરે છે. નિષ્ફળતાના ખતરનાક પ્રહાર વખતે આ ગુણો માણસની ઢાલ બની જાય છે.

એ પ્રહાર ચૂકવી લીધા પછી તીક્ષ્ણ બુદ્ધિ, જ્ઞાાન-વિજ્ઞાાનની કુનેહ હોય એટલે નવેસરથી લડવા માટે માણસ સજ્જ બની જાય છે અને ધનુષમાંથી છૂટેલું તીર જેમ લક્ષ્ય વીંધે છે એમ માણસ પણ પોતાની ધારેલું નિશાન પાર પાડે છે.

આ એ રથ છે, જેનાથી રામે અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ રાવણને હરાવ્યો હતો. તુલસીના આ રથની ખાસિયત એ છે કે એ આપણને સૌને ઉપયોગી થઈ શકે તેમ છે. માણસે રોજિંદા જીવનમાં ઘણાં રાવણો સામે લડવાનું હોય છે, એમાં આ અદૃશ્ય રથનો સાથ મળે તો દશેરા સિવાય પણ ઘોડો દોડવા માંડે છે!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mi8jWu
Previous
Next Post »