રોપવે: પ્રવાસીઓને પાંખો આપતી સુવિધાની શોધ કોણે કરી?

- ફાઉસ્ટોએ ચારસો વર્ષ પહેલા ડિઝાઈન કરેલો પ્રથમ રોપવે (પ્રથમ તસવીર) તથા શરૂઆતી યુગના અન્ય રોપવેની ચિત્રકથા


રો પ-વેની શરૂઆત ક્યારે થઈ તેનું કોઈ વર્ષ કે તારીખ-વાર આપી શકાય એમ નથી. રોપવેની શોધ કોણ કરી એ અંગે પણ એકથી વધારે નામો ઈતિહાસમાં નોંધાયા છે. પરંતુ રોપવેનો વિકાસ ક્રમશઃ થયો છે. તેની મુદ્દાસર કથા...

 બેએક હજાર વર્ષથી દોરડા વડે આ પારથી પેલે પાર જવાની પદ્ધતિ વપરાતી આવી છે. પરંતુ આ ટેકનિક સૌથી પહેલા વપરાતી હતી એવા જે ૩ દેશોના નામ આવે છે, એમાં ભારત, ચીન અને જાપાનનો સમાવેશ થાય છે. બે-સવા બે હજાર વર્ષ જૂની એ પદ્ધતિમાં દોરડા પર લટકીને કોઈ વ્યક્તિ આ પારથી સામે પાર જતો હતો. આજની તારીખે એવું સાહસ સરકસના ખેલમાં ગણાઈ જાય. તો પણ ભારતના અમુક પહાડી વિસ્તારોમાં લોકો નદી પાર કરવા હાથે બનાવેલા રોપવે વાપરે છે. ભલે તેમાં લટકતા નથી, પરંતુ જે કામચલાઉ ટ્રોલી બનાવી હોય એ તો જોખમી જ હોય છે. 

 સમય જતાં થોડી સુવિધા ઉમેરાઈ અને બાસ્કેટ-ટ્રોલી-કાવડની શરૂઆત થઈ. જેમાં કોઈ વ્યક્તિ કે સામાન સમાઈ શકતો હતો. એ સામાન એક દોરડા પર લટકતો રહે, બીજા દોરડા વડે ખેંચવામાં આવે. જ્યારે ઊંચણાવાળા ભાગેથી નીચાણવાળા વિસ્તારમાં આવવું હોય ત્યારે આ પદ્ધતિ સરળ પડતી હતી.

 કોઈ વ્યક્તિ દોરડેથી લસરીને ઉપરથી નીચે આવે તો હાથ હતા-ન હતા થઈ જાય. એટલે પછી દોરડામાં વાંસનો પોલો ટુકડો પરોવી દેવાતો. મુસાફરે વાંસના ટુકડાને પકડી રાખવાનો, જે તેને સડસડાટ નીચે ઉતારી દે.

 રોપવેનો ઉપયોગ મનુષ્યો સાથે પ્રાણીઓની હેરાફેરી માટે થવા લાગ્યો. ક્યાંક ક્યાંક વળી ભારે સામાન આમથી તેમ લઈ જવાનો હોય એવા કિસ્સામાં રોપવેનું દોરડું ખેંચવા બળદ-ગધેડા-યાક જેવા ભારવાહક પ્રાણીના શરીર સાથે દોરડું બાંધીને ખેંચવામાં આવતો હતું. 

 ૧૪મી સદીમાં જાપાનના એક શહેનશાહે દુશ્મનોથી ઘેરાઈ ગયા પછી રોપવે વડે ભાગવું પડયું હતું. ૧૫મી સદીના આરંભે યુરોપમાં પણ રોપવેનો વપરાશ થવા લાગ્યો હતો. મધ્યયુગમાં યુરોપમાં પાણી ઉલેચતાં કદાવર પૈડા (વોટરમિલ) વપરાતા થયા એટલે તેનો જ ઉપયોગ કરી જરા ઊંચા સ્થળેથી કોઈ સામાન નીચે લાવવાની શરૂઆત થઈ. ૧૫૩૬માં અમેરિકામા સોનાની ખાણમાં પણ ઊંચે બંધાયેલા દોરડા દ્વારા હેરાફેરી થવા લાગી હતી.

 આજના રોપવેની પૂર્વજ કહી શકાય એવી પહેલી ડિઝાઈન ૧૬૧૫માં ક્રોએશિયન સંશોધક ફાઉસ્ટો વેરાન્ઝીઓએ તૈયાર કરી. એ પહેલી વ્યવસ્થિત ડિઝાઈન હતી, જેમાં બન્ને છેડે થાંભલા, વચ્ચે દોરડા, તેમાં લટકતી ટ્રોલી.. વગેરે સ્પષ્ટ દર્શાવાયા હતા. એ આજે જગતનો પ્રથમ આધુનિક રોપવે ગણાય છે. એ રોપવે દોરડા સંચાલિત હતો. ફાઉસ્ટોના દિમાગમાંથી મનુષ્ય ઉડી શકે એવી પેરાશૂટ સહિતની અનેક શોધોની ડિઝાઈનો નીકળી હતી. 

 ફાઉસ્ટે શરૂઆત કરી તો એ સુવિધાને આગળ ધક્કો નેધરલેન્ડના સંશોધક આદમ વેબીએ માર્યો. તેણે પૈડાં ફીટ કર્યા જેના કારણે લટકતી ટ્રોલી સતત પ્રવાસ કરી શકતી હતી. વધુમાં એક જ ટ્રોલીને બદલે વધારે ટ્રોલીઓ લટકાવી દઈ થોડા સયમાં વધુ સામાનની હેરાફેરી શરૂ કરી દીધી. આજના બધા રોપવેે આ રીતે જ કામ કરે છે. જર્મનીના ડન્ક્સ વિસ્તારમાં એમણે તૈયાર કરેલા રોપવેએ સામાનની હેરાફેરીમાં ભારે સફળતા મેળવી એટલે રોપવેનો વ્યાપ પણ વધ્યો. ટોચ પર કિલ્લા-મહેલાતો બાંધવામાં આ સુવિધા ત્યારના રાજવીઓને ભારે આકર્ષક લાગી હતી. 

 ૧૯મી સદી આવી ત્યાં સુધી આવી દેશી રીતો ચાલતી રહી. એ પછી મિકેનિકલ ટેકનોલોજી વિકસી એટલે મનુષ્ય કે પ્રાણીને બદલે મશીન દ્વારા સંચાલિત રોપવે આરંભાયા. ઈલેક્ટ્રિસિટીના આગમન પછી તેનો વપરાશ વધ્યો અને બીજા બધા સ્રોત કરતા વીજળી સંચાલન સરળ પડતું હોવાથી જ્યાં જ્યાં સામાનની ઊપરથી નીચેના ભાગ તરફ કે નદીની આ પારથી પેલે પાર હેરાફેરી કરવાની હોય ત્યાં રોપવે વપરાતા થયા.

 ૨૦મી સદીના આગમન સુધી રોપવેનો મુખ્ય ઉપયોગ સામાનની હેરાફેરીનો જ હતો. આજે રોપવે એટલે સામાનની હેરાફેરી એવું સમજવું મુશ્કેલ છે. કેમ કે આજે રોપવે મોટે ભાગે પહાડી પ્રવાસન સ્થળોએ મુસાફરોને 'પાંખો' આપવા માટે વપરાય છે. 

 મેદાની વિસ્તારમાં રહેતા લોકોને રોપવેની ખાસ જરૂર ન હતી. માટે રોપવેનો વિકાસ પણ યુરોપના આલ્પ્સ પર્વતમાં આવેલા દેશો ઑસ્ટ્રિયા, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ અને ઈટાલીમાં થયો. જૂનાગઢના રોપવેે પાછળની મિકેનિકલ આવડત પણ ઑસ્ટ્રિયન કંપની ડોપેલમાયેરની જ છે. કેમ કે રોપવે માટે જરૂરી ખાસ પ્રકારના દોરડા, મજબૂત થાંભલા, સુરક્ષીત ટ્રોલી.. વગેરે બનાવવાનું આસાન નથી.

 રોપવે શબ્દ સાથે હવામાં લટકતી ટ્રોલીઓ નજર સામે દેખાય. પણ રોપવેમાં જમીન પર ચાલતી કેબલકાર અને પાટા પર રહીને ઢાળ ચડતી દોરડાગાડી (ફનિક્યુલર)નો પણ સમાવેશ થાય છે. આજે ફનિક્યુલરને જોઈએ તો આપણને રોપવેને બદલે ટ્રેન-રેલવે યાદ આવે. કેમ કે દેખાવને કામગીરી તો એવી જ છે. પણ આ સુવિધાની શરૂઆત થઈ ત્યારે હજુ રેલવેનો વિકાસ થયો ન હતો. એટલેે પછી તેને પણ રોપવેનો જ ભાગ ગણી લેવાની શરૂઆત થઈ.

ફ્રાન્સના લિઓન નગરમાં ૧૮૬૨માં પ્રથમ આધુનિક કેબલકારની શરૂઆત થઈ. ત્રણ ડબ્બાની ટ્રેન પાટા પર દોરડા વડે ખેંચાઈને એક વખતમાં સવા ત્રણસો મુસાફરોને જરા ઊંચા સ્થળે પહોંચાડતી હતી. રેલવે અને કેબલકાર વચ્ચે મુખ્ય તફાવત એન્જીનનો છે. રેલવે એન્જીનથી ચાલે, કેબલકારને પોતાનું એન્જીન નથી હોતું, બહારનું એન્જીન તેનું દોરડુ ખેંચી તેને સફર કરાવે.

 જમીન પર ટ્રામની માફક સરકતી કેબલકાર અથવા કેબલ રેલવેની શરૂઆત ૧૮૬૯માં સંશોધક એન્ડ્ર્યુ સ્મિથ હેલ્ડીએ કરી હતી. એન્જિનિયરિંગ ભણેલા એન્ડ્રયુએ દોરડાનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને તેમાંથી જ તેને વિચાર આવ્યો કે દોરડા વડે ગાડી ખેંચાય તો! સાન ફ્રાન્સસિકોની ઢાળવાળી ગલીઓને તેના આ વિચારને દોડવું હતું અને ઢાળ મળ્યો! કાર અથવા ડબ્બાના દોરડા જમીનની નીચે રહેતા અને સતત ફરતા રહેતા. તેના આધારે જમીન પર ડબ્બો-ટ્રોલી આમ-તેમ ફરતો રહેતો. પ્રથમ કેબલકારની શરૂઆત તેણે જ કરી કે કેમ એ અંગે મતમતાંતર છે. પણ પ્રથમ રેલવેકારની પેટન્ટ તેમના નામે નોંધાઈ છે. માટે કેબલકારના શોધક તરીકે તેમનું નામ વધારે પ્રચલિત છે. 

 બીજી તરફ આજે પણ મેન્યુઅલી ચાલતી હોય એવી જગતની છેલ્લી કેબલકાર સાન ફ્રાન્સિસકો શહેરના નામે બોલે છે. દોઢસો વર્ષ પહેલા શરૂ થયેલી સુવિધા હવે પ્રવાસનનું સાધન બની ચૂકી છે. ટેકરી પાસે આવેલા શહેર ફ્રાન્સિસ્કોમાં ટેકરી પર ચડવા માટે મુસાફરો આ કેબલકાર વાપરે છે. ત્યાં કેબલકારનો ઈતિહાસ રજૂ કરતું સંગ્રહાલય પણ છે. 

 ૧૮૭૪માં ઑસ્ટ્રિયાના વિએના નજીકના ડુંગર પર એક રોપવેની શરૂઆત થઈ. જે સંભવતઃ પ્રવાસન માટેનો પ્રથમ રોપવે હતો. ત્યાં કોઈ સામાન લાવવા-લઈ જવાનો ન હતો. માત્ર લોકો ફરવા આવતા તેમની સુવિધા માટે રોપવે તૈયાર કરાયો હતો. એ પછી તો ૨૦મી સદીમાં યુરોપના જ વિવિધ દેશોએ પોતપોતાની રીતે નાના-મોટા રોપવે ચાલુ કરી દીધા. પ્રવાસીઓ માટે મોટી કેબિન ધરાવતો પ્રથમ રોપવે ૧૯૩૦માં જર્મનીના ફેરિનબર્ગમાં અને પછી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ માટે જાણીતા સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં ૧૯૩૩માં શરૂ થયો હતો.

 વિવિધ ભૂગોળ પ્રમાણે રોપવેના બાંધકામમાં પણ ફેરફાર થતા હતા. આજે તો મોટા ભાગના રોપવે બંધ કેબિનો ધરાવે છે. કેમ કે ઊંચાઈ પર પસાર થતા પ્રવાસીઓની સલામતી જળવવી એ મુખ્ય મુદ્દો છે. પણ ખુરશી હવામાં લટકતી હોય એવા ચેરલિફ્ટ અથવા સ્કી લિફ્ટ તરીકે ઓળખાતા ખુલ્લાં રોપવે પણ બન્યાં.

તેનો ઉપયોગ બરફ પર લસરવાની રમત (સ્કીઇંગ)ના સ્થળોએ થાય છે. બરફ પર ઊંચેથી લસરીને નીચે આવવાનું હોય. પણ એ માટે પહેલા ઊંચે તો પહોંચવુ ને! એટલે ખેલાડીઓને ખુલ્લી ચેર લિફ્ટ-સ્કી લિફ્ટમાં બેસાડીને ઉપર પહોંચાડી દેવામાં આવે છે. સ્કી લિફ્ટની શરૂઆત ૧૯૩૬માં અમેરિકન એન્જિનિયર જેમ્સ કરનને કરી હતી. 

 પહેલા વિશ્વયુદ્ધ વખતે ઈટાલી, ઑસ્ટ્રિયા, હંગેરી વગેરે દેશોએ પહાડી વિસ્તારમાં તૈનાત સૈનિકોને શસ્ત્ર-સરંજામ પહોંચાડવા માટે રોપવેનો ઉપયોગ શરૂ કર્યો હતો. સમયસર રોપવેનું મહત્ત્વ પારખીને ઈટાલીએ તો લશ્કરમાં રોપવે ડિપાર્ટમેન્ટ જ સ્થાપી દીધો હતો. 

 એ સાથે મિલિટરી રોપવેનું નવું પ્રકરણ શરૂ થયું હતું. ટોચ પર સૈનિકો ઘાયલ થાય તો તેને તુરંત નીચે લાવવામાં પણ રોપવેનો બહુ ઉપયોગી સાબિત થતો હતો.

 ભારતમાં રોપવેનું આગમન ૧૯૬૮માં થયું. લોકપ્રિય પ્રવાસન સ્થળ દાર્જીલીંગમાં ત્યારે રોપવેનો આરંભ કરાયો હતો. તેની શરૂઆત જોકે ચાના બગીચા સુધીની આવન-જાવન સરળ કરવા માટેે થઈ હતી, કેમ કે બીજો કોઈ રસ્તો ન હતો. હવે એ પ્રવાસીઓ તેનો ઉપયોગ કરે છે. 

 આજે રોપવે પ્રવાસનનો પર્યાય બની ચૂક્યા છે. પહાડી પ્રવાસન કે ધાર્મિક સ્થળોએ આવન-જાવન મુશ્કેલ થાય ત્યાં રોપવેના દોરડા લટકાવી દેવાયા છે. બીજી બાજુ દુનિયાના ઘણા અંતરિળાય ભાગોમાં રોપવે એ પ્રવાસનું નહીં વિકાસનું માધ્યમ બન્યો છે. કેમ કે રસ્તો ન બની શકે એમ હોય એવા પહાડી કે ખીણ વિસ્તારમાં રોપવેને કારણેે સુવિધાઓ પહોંચતી થઈ શકી છે. 

વર્ષોથી અટકેલા જૂનાગઢના ગિરનાર રોપવે પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ પણ મુસાફરોને રાહત આપવાનો જ છે. કેમ કે ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ત્રણેક હજાર ફીટ ઊંચા ગિરનારનું આકરું ચઢાણ બધા પ્રવાસી કરી શકતા નથી. કેટલાક પ્રવાસીઓ થોડાં પગથિયાં ચડી, આગળ ચડી ન શકવાથી પરત ફરે છે. રોપવે શરૂ થયા પછી હવે એ બધા પ્રશ્નો રહેવાના નથી. ગિરનારનો રોપવે તળેટીથી મુખ્ય મંદિર ગણાતા અંબાજી સુધી પહોંચાડશે.

અંબાજી જોકે ગિરનારમાં વધારે પ્રચલિત મંદિર છે, એટલું જ. બાકી એ ગિરનારના અનેક મંદિરો પૈકીનું એક છે. ગિરનારમાં અંબાજીથી આગળ પણ અનોખો પહાડી વૈભવ પથરાયેલો છે જ. રોપવેને કારણે એ બધાનો પ્રવાસ સરળ બની ગયો છે. સવા બે કિલોમીટરથી લંબાઈ ધરાવતો આ રોપવે એશિયામાં અત્યારે સૌથી લાંબો છે. વળી તેના થાંભલા પણ સાતથી નવ માળ જેટલા ઊંચા છે. સામાન્ય રીતે અંબાજી સુધી ચડીને જવામાં ત્રણેક કલાકનો સમય જતો હોય છે. રોપવે એ કામ આઠ-દસ મિનિટમાં કરી આપશે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Ele0Y
Previous
Next Post »