શરદપૂનમનું હૃદયસ્પંદિત દર્શન


જેનું દર્શન કરીને આનંદથી છલકાતા હૃદયે કહેવાઈ જાય કે ઃ-

- આ  સૃષ્ટિ તો, સભર છલકાતી તુજ વડે,

- ચિતિ-દ્યુતિમયી કેવલ બની રહે,

- અત્ર-તત્ર-સર્વત્ર, શ્વેતપ્રકાશપૂંજ,

- પ્રભુ તણા સ્પંદનોમાં વહેવાની મોકળાશ મળે, એ છે, "શરદપૂનમ"

સર્વને શ્વેતપ્રકાશ-ચાંદનીથી 'અમૃતપાન' કરાવતી  'શરદપૂનમ' છે.

શરદપૂનમ

આ છ અક્ષરોને ક્રમમાં લેતા જઈ પૂનમનો પરિચય કરવો છે.. ચાલો એક પછી એક અક્ષર લઈ વિચારીએ...

શ... એટલે...

- શશિ સ્વરૂપે (ચંદ્ર રૂપે) છે.

- શબનમ એટલે ઝાકળની ઠંડક ભરી છે.

- શમ- શાંતિ આપનાર  છે. 'શમસુખ' છે.

- શર્વ (શંકર)ની માફક કલ્યાણકારી છે.

- શર્વાણિ (પાર્વતી)ની માફક તપથી ઝળહળે છે.

ર... એટલે...

- રજત (રૂપાજેવું) ધવલ રઢિયાળું તેજ છે.

- રત(લીન છે.)કૃષ્ણની રાસલીલામાં

- રટણા છે સૌને ઠારવાની

- રમણાનું (સ્ત્રીનું) સૌભાગ્ય-પતિવ્રતા તેજથી ભર્યું મુખ

- રસોલ્લાસથી ભરપુર છે.

- રસા (પૃથ્વી)નો રસવંતો ચહેરો છે.

દ... એટલે..

- દમકે (ચમકે) છે સ્વપવિત્ર તેજથી

દર્શનીય સ્વરૂપ છે.

પૂ... એટલે...

- પૂર્ણત્વ પામવા પ્રેરણા આપે છે તે પૂર્ણ બની છે તેથી.

- પૂજાય છે.. એના પવિત્ર.. નિર્મળ-શાંતિદાયી તેજ માટે

- પૂર્ણત્વ પામેલાનું પ્રભાવક તેજોમય 'મુખ' છે (દા.ત. સદ્ગુરુ, જ્ઞાાની, તપસ્વી, ભક્ત, યોગીનું...)

- પૂષા - પૂર્ણા-ચંદ્રની સોળકળામાંની એક કળા છે.

- રસાત્મા : ઈશ્વરનું રસસ્વરૂપ છે.

- રળિયાત છે (ખુશ છે) સૌ જીવ ઉપર

- રસાવિર્ભાવ - રસ પ્રગટાવે છે.

ન.. એટલે..

- નમઃ... નમન હો.. વંદન હો..

- નમ્રતાભરી છે.

- નવનીત (માખણ) જેવો મુલાયમ પ્રકાશ છે.

- નર્મ (આનંદ) આપે છે.

- નક્ષત્રોનો નાથ છે.

મ.. એટલે...

- મધમધે છે.. રાતરાણીથી

- મધ જેવી મીઠાશ છે. એના કિરણોમાં

- મધુર વાતાવરણ સર્જે છે.

- મલક મલક.. હસે છે.

- મહોત્સવ છે... શીતળ, પવિત્ર, નિર્મળ પ્રકાશનો.

"અહો ! શરદપૂનમ ! તવ શુભ દર્શનમ્

પ્રેમ-હેમ ભરપુર ક્ષેમથી વહેતું કરજે..

ભંડારો ભરપુર તાહરા ખુલ્લા કરજે.."

- લાભુભાઈ ર. પંડયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jDoITI
Previous
Next Post »