જ્યાં સર્વત્ર પ્રેમનું આકાશ છવાયેલું હોય, ત્યાં ક્રોધની વીજળી કેટલી ક્ષણ ટકે ? જ્યાં સ્નેહની અસ્ખલિત સરિતા વહેતી હોય, ત્યાં ગુસ્સો કે અવિનય તો નાના કાંકરા સમાન ગણાય, આથી રાજપુત્ર ભરતને સેના સાથે આવતો જોઈને વીર લક્ષ્મણના ચિત્તમાં કેટકેટલીય કુશંકાઓ જાગે છે, પરંતુ પ્રેમના પ્રખર તાપમાં એ ઝાકળબિંદુની જેમ ક્ષણમાં અદૃશ્ય થઈ જાય છે, હૃદયનો સ્નેહ દેહમાં નથી વસતો, પણ આત્મામાં વસે છે. એકવાર આત્મા સ્નેહનું શ્રદ્ધાસ્થાન બને, ત્યારે કોઈપણ અણધારી અશ્રદ્ધાની ઘટના દીર્ઘકાળપર્યત ટકતી નથી, આથી જ લક્ષ્મણના રોષની સામે ભરત પ્રત્યેનો રામનો સ્નેહ અને સીતાની શ્રદ્ધા સ્થિર તેજે શોભી ઊઠે છે.
ભરતને આવતો જોઈને સીતાને એક ક્ષણ પણ વિપરિત વિચાર આવતો નથી. સંસારમાં જ્યાં સ્નેહનું સામ્રજ્ય હોય, ત્યાં દુર્ભાવ અલ્પજીવી હોય છે અને એથી જ લક્ષ્મણની રોષ પણ એના ચિત્તમાં વિવેક જાગૃત થતાં શાંત થઈ જાય છે. જ્યાં હૃદયમાં પ્રેમ હોય, આંખમાં શ્રદ્ધા હોય અને ચિત્તમાં સદ્ભાવ હોય, ત્યાં રામ વસે છે, આથી જ જાણે પવનની એક લહરી આવીને થોડીક ક્ષણોમાં પસાર થઈ જાય, તે રીતે વીર લક્ષ્મણનો રોષ એના ચિત્તમાંથી વિલિન થઈ જાય છે.
એ પછી ચિત્રકૂટ પર્વતના એક ઊંચા સ્થાન પર જઈને રામ ભરતને જોવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમની દૃષ્ટિ શું ખોળે છે ? ચિત્રકૂટની તળેટીમાં આવેલી અયોધ્યાની સેના પર દૃષ્ટિપાત કરતા રામની બંધુપ્રીતિ કરતાં પિતૃભક્તિ સાહજિક રીતે પ્રગટ થાય છે, પહેલું સ્થાન પિતાનું અને એ પછી બંધુઓનું. પરિવારનું પુનિત છાયામાં ઊછર્યા હોય, તેને સદૈવ સર્વપ્રથમ પિતાનું સ્મરણ થાય છે. સાથોસાથ એના ચિત્તમાં પિતાની પ્રેરક છબી ઉપસી આવે છે. દરેક વ્યક્તિ પાસે પોતાના પિતાની આગવી ને અંગત છબી હોય છે. પિતા બેફિકર હોય તો એ બેફિકરાઈની છબી હોય છે. પિતા ખમીરવંતા હોય તો એમના ખમીરની છબી હોય છે. પિતાનો એ મુખ્ય ગુણ પુત્રની હૃદયછબીમાં અંકાયેલો હોય છે.
વચનપાલક પિતૃભક્ત રામના ચિત્તમાં અસુરોને હરાવવા માટે ઈન્દ્રને સહાય કરનાર પિતાના શૌર્યની છબી છે. યુદ્ધમાં રાવણને પરાજિત કરનાર પિતા દશરથની છબી છે. આથી જ રામની દૃષ્ટિ સર્વપ્રથમ યુદ્ધોમાં વિજયને વરનારા પિતાના વેગીલા અશ્વો પર પડે છે અને સાથે એમની સેનાને મોખરે ચાલતો વિશાળ કાયાધારી 'શત્રુંજય' નામનો દુશ્મનોને પરાસ્ત કરનારા હાથીને ડોલતો જુએ છે.
યુદ્ધમાં શૌર્ય દાખવનારા પિતાના રથ પર સદાય ચમકતું શ્વેત છત્ર જોવા માટે રામ જરા પોતાની નજર લંબાવે છે, પરંતુ ક્યાંય રણક્ષેત્રમાં વિશાળ સેનાની વચ્ચે સદાય ચમકતું એ દિવ્ય શ્વેત છત્ર ક્યાંય જોવા મળતું નથી.
પિતૃભક્ત રામના હૃદયમાં ધ્રાસ્કો પડે છે. અરે ! પિતાના પ્રિય અશ્વો દેખાય, સદાનો સાથી ગજરાજ નજરે પડે અને ક્યાં છે ચક્રવર્તી મહારાજ દશરથનું છત્ર ? રામની દૃષ્ટિ સેના પર ફરી વળે છે, પણ ક્યાંય છત્ર દેખાતું નથી પછી પિતાજીનો રથ શોધવો કઈ રીતે, કે જે રથમાં ભવ્ય પ્રતાપી ધનુષબાણથી સજ્જ એવા પિતા દૃષ્ટિગોચર થાય.
અયોધ્યાની સામર્થ્યવાન સેના હોય, ભરત અને શત્રુઘ્ન જેવા રાજપુત્રો હોય અને ચક્રવર્તી પિતા ક્યાંય નહીં ? રામ અને લક્ષ્મણના મુખારવિંદ પર ચિંતા અને આતુરતાની ભાવલીલા જોવા મળે. મૌન, સાધના અને પાલનત્વથી શોભતા ચિત્રકુટ પર્તના નિરવ શાંતિભર્યા વાતાવરણમાં કોઈ ખલેલ પડે નહીં, તેથી ભરતે સહુને ચિત્રકુટ પર્વતની તળેટીમાં થોભી જવાનું કહ્યું અને રથ, અશ્વ, હસ્તિ વગેરેને વનના શાંત વાતાવરણમાં કોઈને ખલેલ પહોંચે નહીં, તેમ સંભાળથી રાખવાનું કહ્યું.
હિંસક પ્રાણીઓથી ભરેલા આ અતિ ભયાવહ વનમાં કેવો શાંત અને પવિત્ર સમીર વાઈ રહ્યો છે. શસ્ત્રધારી પુરુષોમાં શ્રેષ્ઠ અને મહાસમર્થ એવા જયેષ્ઠબંધુના નિવાસથી આ ચિત્રકૂટ શતશત ધન્યતા પામ્યો છે. રામનું સ્મરણ થતાં જ ભરતની આંખોમાં આતુરતા છલકાઈ ઊઠે છે. જીવાત્મા પરમાત્માને મળવા માટે જે પ્રકારે તલસાટ અનુભવે, એવો તલસાટ ત્યાગી ભરતની ભીતરમાં જાગે છે.
પોતાને જેની અપ્રાપ્તિ હોય તે અન્યને પ્રાપ્ત થાય ત્યારે મનમાં એક જુદી લાગણી પેદા થાય છે. ભરત શત્રુઘ્નને કહે છે, આપણે રામના વિરહમાં ક્ષણે ક્ષણે ઝૂરીએ છીએ અને નિરંતર રામના મુખનું દર્શન કરનાર લક્ષ્મણ કેટલો કૃત્યકૃત્ય બનતો હશે ! વળી વિચારે છે કે જનકતનયા સીતા પણ કેવા ભાગ્યશાળી છે કે જેમને રામની સાથે વસવા મળ્યું અને પછી પોતાના દુર્ભાગ્ય પર અકળામણ ઠાલવતા ભરત શત્રુઘ્ન કહે છે કે 'જ્યાં સુધી હું રાજચિહ્નથી અલંકૃત એવાં રામનાં ચરણોમાં મસ્તક વડે પ્રણામ કરીશ નહીં, ત્યાં સુધી મને ક્યાંય જરાય શાંતિ મળશે નહીં.'
ભરત ચિત્રકૂટ પર્વત પર આગળ વધવા લાગ્યો, ત્યારે એના જેટલી જ ઉત્કંઠા ધરાવતા શત્રુઘ્ન અને મંત્રી સુમંત્ર એમની પાછળ ઉતાવળે ચાલતા હતા. નિષાદરાજ ગુહ પણ પર્વત પર ઝડપથી આગળ વધતા હતા. ભરતની આંખોમાં કેટલીય રાતોના ઊજાગરા હતા. તો શત્રુઘ્નની વાણી રામવિરહથી સર્વથા મૌન બની ગઈ હતી.
ગુહરાજ તો ચિત્રકુટની એકેએક કેડીના જાણતો હતો. થોડો સમય પૂર્વે રામને એ અહીં સુધી લઈ આવ્યો હતો.ે સહેજ ઊંચા શાલવૃક્ષ પર ચડીને એણે જોયું અને એના મુખમાંથી અવાજ સરી પડયો, 'રાજપુત્ર ભરત, જુઓ જુઓ, ત્યાં વસે છે મારા પ્રભુ.'
આ શબ્દો સાંભળતા જ ભરત એ ઊંચા શાલવૃક્ષ પર ચડયો અને જોયું તો થોડેક દૂર પર્વતના મધ્યભાગ પર રામની પર્ણકુટીમાંથી અગ્નિનો ધુમાડો આકાશમાં ઊંચે જઈ રહ્યો હતો. 'અરે, આપણે પહેલાં દૂરથી ધુમાડો જોયો હતો. હવે એનું મૂળ સ્થાન પણ મળી ગયું.' અહીં ઋષિ વાલ્મિકી કહે છે કે ભરતને સમુદ્રને પાર કર્યો હોય તેવો અત્યંત હર્ષ થયો.
રામ પાસે જવું કઈ રીતે ? જેની અત્યાર સુધી પ્રતીક્ષા હતી, એની પ્રત્યક્ષ જવું કઈ રીતે ? ભરતના ચિત્તમાં વિચારોનો પ્રબળ ઝંઝાવાત જાગ્યો. રામદર્શનની ઈચ્છાથી અહીં દોડી આવ્યો, બંધુપ્રેમને કારણે એ સતત બેચેન રહ્યા, પણ હવે ખરેખર રામ મળશે ત્યારે શું થશે ?
બીજી બાજુ એ વનમાં ઊંચા વૃક્ષો પર માર્ગની નિશાની રૂપે બાંધેલાં વસ્ત્રના ટુકડા જુએ છે અને ભરતનું હૃદય ખંડખંડમાં વિભાજિત થઈ જાય છે. એ વિચારે છે કે મારા જન્મને તો શુ, પણ મારા આખા જીવનને ધિક્કાર છે કે જેને કારણે સર્વજનોમાં પ્રિય એવા જયેષ્ઠબંધુને આવા ઘનઘોર વનમાં ગીચ ઝાડીઓની વચ્ચે વસવું પડયું. જે અયોધ્યાના વૈભવશાળી મહેલમાં ભવ્ય સિંહાસન પર શોભતા હોય, તેમને આ ગાઢ જંગલમાં અસહય દુઃખ વેઠીને નિવાસ કરવો પડયો. મારા જેવો પાપી મહાપુણ્યના મૂર્ત સ્વરૂપ સમાન રામની સન્મુખ કઈ રીતે જઈ શકે ? અત્યાર સુધી ભરતના ચરણમાં જે બળ હતું, એ ચરણ જ એને નિર્બળ ભાસવા માંડયા.
અયોધ્યાથી નીકળ્યા બાદ નિરંતર રામસ્મરણમાં લીન રહીને ભરતે પથારીનો સ્પર્શ કર્યો નહોતો. એ રામની પર્ણકુટી પાસે આવીને ભરત થંભી ગયા. કઈ રીતે જવું રામ પાસે ? આથી પર્ણકુટીના પાછળના ભાગે જઈને ભરત શત્રુઘ્ન, સુમંત્ર અને ગુહરાજ સાથે ઊભા રહી જાય છે. અને વિચારે છે કે રામના જીવનનું સઘળું સુખ હરી લેનાર કઈ રીતે એમની સન્મુખ જઈ શકે ? એમની સમીપ રહેવાનો અધિકાર તો હું ક્યારનોય ખોઈ બેઠો છું અને આજે સન્મુખ રહેવાની યોગ્યતા પણ ગુમાવી બેઠો છું. એટલે ભરત વિચારે છે કે આ પર્ણકુટીમાંથી રામ બહાર નીકળશે ત્યારે એમના પાવન દર્શન કરી લેશે. આમ રામ નજરે પડે છે ખરા પણ ભરત કે શત્રુઘ્ન એમની સમીપ જઈ શકતા નથી.
(ક્રમશઃ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Rnsdd
ConversionConversion EmoticonEmoticon