અંતરનેટ .


કોવિડ-૧૯એ આપણને સૌને જાણે કે એક જ લાકડીએ હાંકી રહ્યો છે. કોરોનાકાળમાં બધાની પાસે સમય જ સમય છે. ટાઈમપાસ કરવા ચારેકોર અબાલવૃધ્ધ સૌ ઇન્ટરનેટ સાથે જોડાવા મોબાઈલ નામના રમકડાને રમાડતા જ હોય છે.   બસ જ્યાં જુઓ તો ઇન્ટરનેટની જ વાતો થતી હોય છે. બાજુમાં કોઇ છે, એ પણ ખબર ના હોય.

  ધંધા-રોજગારને ઝડપી પતાવવા ઝડપ જરૂરી બની છે. આ માટે ઇન્ટરનેટ હાથવગુ હથિયાર થઇ ગયું છે. સાથોસાથ દુરુપયોગ પણ વધી રહ્યો છે. ભલે સારુ-ખોટું જે ભી કહો પણ સરવળે આજકાલ ઇન્ટરનેટ અનિવાર્ય થઇ ગયું છે. કેમ, ક્યારે વાપરવુ એ આપણે જોવાનું...!

ધર્મલોકના નિયમીત વાચક તરીકે આધ્યાત્મિક બની આ ઇન્ટરનેટ શબ્દમાં થોડો ફેરફાર કરી 'અંતરનેટ' વાંચીએ તો કેવું સારું...!?! આ અંતરનેટ એટલે આપણા અંદરની દુનિયા. ગુગલની જેમ માણસની ભીતર પણ અગણિત સારી-ખોટી બાબતો ક્યારનીય ડેરા નાખીને પડેલી છે. શોધો તો જડે ને...!  

અંતરનેટ એટલે જાતની પરખ. અંતરનેટ એટલે અંતર્યાત્રા. જાતમાં ડૂબકી (ઇમાનદારીથી) મારીને પોતાની અચ્છાઇઓ અને બૂરાઈઓ ખોળવી એટલે અંતરનેટ ખરેખર તો ધાર્મિક માણસ અંતરથી અંતર રાખે જ નહીં !! જેટલું બહારનું વિશ્વ છે એનાથી અનેક ગણું અંતરમાં પડેલું હોય છે જે માણસને શૂન્યનાદ સંભળાવી શકે. વિશ્વના દરેક દેશના મહાન ચિંતકોએ આંતરિક સમૃધ્ધિની અઢળક વાતો કહેલી છે. જે માણસની સચ્ચાઇની પરખ છતી કરે છે.

માણસનો અનુભવ, અવલોકન તથા કલ્પનાના સહારે જાગૃત અવસ્થામાં રહે તો નક્કર અને સાબૂત રીતો પોતાના અંતરનેટ સાથે જોડાયેલો રહી શકે છે. જગતનું અને જાતનું ઝીણું ઝીણું તમામ ઘટનાઓનું પોસ્ટમોર્ટમ કરવાથી, મતલબ અંતરનેટથી કનેક્ટ થવાથી સત્યતાથી વાકેફ થવાતું હોય છે. કોકનું બેહુદું વાણી કે વર્તન પછી પાણી જેવું લાગવા માંડતું હોય છે.

આ પૃથ્વી ઉપર માત્ર આનંદ-યાત્રા કરવા આવ્યા છીએ એવી ભાવના અંતરને ખબરઅંતર પૂછવાથી બેવડાઈ જાય છે. અંતરનેટ સાથે જોડવાથી માણસને જીવી ખાવું કે જીવી જવું એની ગતાગમ પડવા લાગે છે. અંદરથી શું શું ડીલિટ કરવું એવું એને કહેવું નથી પડતું. પખાલ આપોઆપ થવા લાગે છે.

આપણે જોઇએ છીએ સુખી-સંપન્ન જલોકો અંતરનેટના નેટવર્કના અભાવે દુઃખી-દુઃખી, અધુરા અને ઉભડક જોવા મળતા હોય છે. એક ચિંતકે એવું પણ કહેલું છે કે જેની પાસે માત્ર રૂપિયા કમાવા સિવાય બીજી કોઈ કલા નથી એ એક નંબરનો ડફોળ છે, એ ભિખારી પણ છે. એનું ફેમિલી માત્ર એના રૂપિયાને જ પ્રેમ કરે છે.

સતત ડર, અજંપો, ભય, ચિંતા, હતાશા, નિરાશા જેવી નકારાત્મક સોચ અંતરનેટના જોડાણમાં વિક્ષેપ કરે છે. જે જાત સાથે એટેચ ના થતો હોય એ બીજાના દિલને ઓળખી જ ના શકે ને...?! જે પોતાના દિલને ઓળખે એ જ બીજાના દિલ સુધી પહોંચી શકે.  

માણસ પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢી અંતરનેટ સાથે જોડાણ કરે તો એના શારીરિક-માનસિક સ્વાસ્થ્યની સ્છજી્ઈઇ દ્બીઅ (માસ્ટર કી) એને જડી શકે એમ છે. મન-બુધ્ધિ સાથે અંતરનું જોડાણ માણસની જિંદગીને નંદનવન સમુ બનાવી શકે એમ છે. ચારધામની યાત્રાઓ તો વેઠા ગણીને લોકોને કહેવા કામ લાગે છે. પણ, પોતાના રૂદિયા સાથે કનેક્ટ થવાથી ચારેય ધામ આપણામાં ધામા નાખે છે. પેલો શૂન્યવાદ શિવનાદ બનીને ગૂંજન કરે છે. એનું હૃદય પછી તીર્થધામ બની જાય છે.

બીજમાં જેમ વૃક્ષ છૂપાયેલું છે તેમ અંતરમાં અંતર્યામી બેઠેલો છે. જરૂર છે માત્ર એક ક્લિક કરવાની. કોઈ ધર્મ, પંથ, સંપ્રદાય, વાડો આ બધા પોતાની નેટ વધારતા રહેતા હોય છે, અંધશ્રધ્ધાળુઓ અને ધર્મભીરુઓને નશામાં ચૂર રાખીને. તમારી અદમ્ય ઇચ્છા જ તમારા હસવા-રડવાનું કારણ બને છે. માટે જાતના પ્રેમમાં જેટલા વહેલા પડીશું એટલી આપણી અંતરનેટની સ્પીડ વધશે.

- દિલીપ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oATBMi
Previous
Next Post »