દ્રશ્ય પહેલું- બેંગકોકના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શાહી વિમાન ઊતરવાની તૈયારીમાં હતું. વિમાનમાં બિરાજેલા સરમખત્યારને બહારનું દ્રશ્ય જોઇને નવાઇ લાગી હતી: આટલા બધા લોકો મને આવકારવા ઊમટી પડયા છે કે શું ? પરંતુ વિમાનના દરવાજે આવીને ઊભા ત્યારે સમજાયું કે એ પોતાનો ભ્રમ હતો.
શાસક નજરે પડતાંજ ઉમટેલી મેદનીએ 'મહા મુર્દાબાદ' અને 'વી વોન્ટ ડેમોક્રસી'ના ગગનભેદી સૂત્રો પોકારવા માંડયાં. તમાચો મારીને ગાલ લાલ રાખતાં એરપોર્ટના બીજા દરવાજેથી રાજવી મહેલભેગા થઇ ગયા. દુનિયાભરનાં ઉત્તમોત્તમ પર્યટનસ્થળોમાં જેની ગણના થાય છે એ બેંગકોક થાઇલેન્ડની રાજધાની છે. અત્યારે ત્યાં અસંતોષનો દાવાનળ ભભૂકી રહ્યો છે. એનું કારણ છે ઘનચક્કર જેવો રાજવી મહા એટલે કે મહા વજીરાલોંગ્કોર્ન.
દ્રશ્ય બીજું- ૨૦૧૪-૧૫માં એણે ફતવો બહાર પાડેલો કે કોઇ પણ કામસર મારી નજીક આવવું હોય તો તમારે ચાર પગે (કૂતરાની જેમ) આવવાનું. બીજા તો ઠીક, એની ચારે રાણીઓ માટે પણ આ આદેશનું પાલન ફરજિયાત. નંબર બે, રાજપરિવાર વિશે કોઇ વ્યક્તિ ઊતરતું બોલે તો એને પંદર વર્ષની સખત મજૂરીની જેલ. ત્રીજું.
એના પાળેલા કૂતરાને થાઇલેન્ડ હવાઇ દળનો સેનાપતિ જાહેર કરેલો. હવાઇ દળનો કેાઇ સમારંભ હોય ત્યારે આ પાળેલા શ્વાન ફૂ ફૂન સેનાપતિના માન-આદર સાથે ડિનર માટે લઇ જવાનો, એકવાર તો આ ફૂ ફૂના બાઉલમાં એણે પોતાની ચોથી રાણીને જમવાની ફરજ પાડેલી. જમવાનું પણ ફૂ ફૂની જેમ ચાર પગે... આવા તો સંખ્યાબંધ ગાંડાઘેલા તુક્કા એણે જાહેર કરેલા.
આ વર્ષના લગભગ આરંભથી એ જર્મનીના બાવેરિયામાં એક ફાઇવ સ્ટાર હૉટલમાં માથે પડેલા મહેમાનની જેમ રહેતો હતો. જર્મની એને સાચવતું રહ્યું પરંતુ યુનોમાં થાઇલેન્ડની જનતાના રોષનો પડઘો પડયો ત્યારે જર્મનીએ મહાને કહેવું પડયંુ કે હવે તમે સિધાવો... એટલે મહા ફરી થાઇલેન્ડ આવ્યા. લોકો ભયંકર ગુસ્સામાં છે. લોકોના રોષનું કારણ સમજી શકાય એવું છે. ૪૧ હજાર બૌદ્ધ મઠો છે આ દેશમાં. કેટલાક બૌદ્ધ સાધુઓ વાઘ પાળીને પર્યટકોને વાઘ પર સવારી કરાવે છે, વાઘની પીઠ પર હાથ ફેરવતા હોય એવા ફોટોગ્રાફ્સ લેવા દે છે. આ ટાઇગર ટેમ્પલ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.
આ દેશમાં દર વરસે લાખો પ્રવાસીઓ આવે છે. અહીંના અર્થતંત્રની કરોડરજ્જુ પર્યટન ઉદ્યોગ છે. બૌદ્ધ મઠો ઉપરાંત હાથીઓના અભયારણ્ય, શોપિંગની સોનેરી તકો, દુનિયાભરમાં વખણાતું અહીંનું સ્ટ્રીટ ફૂડ અને બીજું ઘણું બધું. પોતાને થાઇલેન્ડનો સમ્રાટ ગણાવતો મહા તો જર્મનીમાં મોજ કરતો હતો. જર્મનીએ પાછો વાળ્યો અને સ્વદેશમાં પાછો ફર્યો ત્યારે એને ખ્યાલ આવ્યો કે લોકો એના પર કેટલા ગુસ્સે થયા છે.
મહાએ પોલીસ અને લશ્કરને દેખો ત્યાં ઠાર કરો (શૂટ એટ સાઇટ)નેા આદેશ આપ્યો પરંતુ પોલીસે કે લશ્કરે એ આદેશનંુ પાલન કર્યું નહીં. લશ્કરી વડાએ એને સાનમાં સમજાવી દીધું કે લોકો ભયંકર ગુસ્સામાં છે. કોઇ પણ અવિચારી પગલું તમનેજ ભારે પડશે. આંતરવિગ્રહ ફાટી નીકળશે. એ બળવાને ખાળી નહીં શકાય. એટલે અત્યારે મહા મનોમન ધૂંધવાય છે. પરંતુ કશું કરી શકે એવી સ્થિતિમાં નથી. અત્યંત સુંદર અને નયનરમ્ય આ દેશ અત્યારે અસ્થિરતાને આરે આવી ઊભો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ozKs6I
ConversionConversion EmoticonEmoticon