છો કરાવાળાએ કહેવડાવ્યું : અમારી તરફથી 'હા' છે.
છોકરીવાળાઓએ કહ્યું : અમારી તરફથી 'હમ્મ્મ્' છે !
એક જમાનાનો સુપવાઇરલ સ્વદેશી ફની મેસેજ હતો. સ્વદેશી એટલે કે આ છોકરાવાળા-છોકરીવાળા એવું બધું આપણે ત્યાં ચાલ્યા કરતું હોય ને 'જોઇ'ને પછી હા-ના કરવાનું ! પણ આ મેસેજમાં 'એચએમએમઅમ' (હંઅઅઅનું જાણીતું અંગ્રેજી રૂપ)નું જે રૂપ છે, એના પર કોઈ ભાષાવિદનું આસ્વાદ કરાવવા માટે ધ્યાન નથી ગયું.
આ હમ્મમ્મ એક ભેદી રાજકારણી શબ્દ છે. ન હા, ન ના. જસ્ટ થિકિંગ એન્ડ થિંકિંગ તપાસ ચાલુ છે, વિચારણામાં લેવાશે ટાઈપ. બડા અજીબોગરીબ કોનોટેશન્સ છે એના. મોબાઈલ ચેટિંગમાં રિસ્પોન્સ આપવા છતાં ન આપવાનું હાથવગું હથિયાર. વર્લ્ડ ફેમસ. સરખી રીતે ઉપયોગ કરો તો સામેવાળાનું થોડીવારમાં ભેજું ચકરાવે ચડી જાય ને એ ન બોલવાની વાતો ચપોચપ બોલવા લાગે ! લખવામાં એના ટોન દર્શાવી ન શકાય. બાકી એના હોંકારામાં ય ઇન્ટરવ્યૂઝ કે લોંગ ફોનમાં ઉપયોગ થાય. કોઈ બોલે એવાત કાપવી ન હોય, કે સાંભળનારને વિક્ષેપ ન પડે એમ આપણે ધ્યાન આપી રહ્યા છીએ, એ બતાવવું હોય ત્યારે નેચરલ રિસ્પોન્સ સમજદાર લોકો હમ્ હમ્, હંઅ, હંઅ એમ પડઘા પાડયા કરે. એમાં સોફ્ટ ટોનમાં હંમ્ હંમ્ આવે. દેશી ડોશીમા હોય તો ભાર મૂકીને 'હંકન્ અ!' એમ પણ કહે. છણકા સાથે 'હંઅઉઉ' એવા અવાજો ય નીકળે !
ને ફિમેલ સ્પેશ્યલ પણ ખરો. લેડીઝનું બીજું નામ મૂડ્સ હોય. ઘણીવાર કન્ફ્યુઝડ હોય. મન કળાવા દેવા આડે દીવાલ બાંધતા બરાબર આવડતી હોય. પેલા 'ફ્રેન્ડઝોન' જેવું. ન ભૈયા, ન સૈંયા, પણ ક્લીઅર ફૂટાડી નહિ દેવાના. લટકાવી દેવાના ! યુ આર વેરી ગુડ ફ્રેન્ડ, બટ મૈં તુમ્હેં કભી ઉસ નજર સે નહીં દેખતી કહી ને ! પાછું વળતા જવાબમાં 'તો દેખો ના !' કહેવામાં ભલભલા મરદોના પગે પાણી ઉતરી જાય ને રિસ્પેક્ટ પકડીને બેઠા રહે આજીવન !
પણ આ હમ્મમ્મ હોંકારો આવ્યો ક્યાંથી ? આપણા વ્યાકરણમાં તત્સમ તદ્ભવ સુધીના સાઉન્ડસની સંસ્કૃતમય શાસ્ત્રીય ચર્ચા છે, જેમાં અમુક હવે કમ્પોઝમાં એ ટાઈપ જ ન થાય એટલે 'યંગ' એમ લખવા પડે એ પ્રત્યયો, વર્ણો, અક્ષરો નીકળી ગયા, જેનું મહત્વ એ સાંભળવામાં યાને ધ્વનિમાં હતું. પણ હવે મોટો 'ઊ' જેમ ઊર્જાથી ઊંટ સુધી કોઈ બોલતું નથી, એમ આ જ્ઞાાન આંત્રપુચ્છ ઉર્ફે એપેન્ડિક્સ થઇ ગયું. પણ જેમ બીજી ભાષામાંથી આવતા શબ્દો અંગે કામ થયું, દરેક ભાષામાં શબ્દકોશની બહાર ઠેકડો મારીને ઉમેરાઇ જતા આવા ફોનેટિક યાને ધ્વન્યાત્મક શબ્દો પર સાયન્ટિફિક કે રિસર્ચ કે ઐતિહાસિક ધારાનું કામ નથી થયું. છતાં તમામ પ્રકારના પરિવર્તનોના પવન સામે એ ટટ્ટાર ટકી ગયા !
બહુવચન એટલે કે હમ્મ્મ્મ્ એક જ સાઉન્ડ નથી ટાઇપિંગમાં વર્ડ સુધી પહોંચેલો. જોરદાર તસતસતું કહેવાય એવા ચુંબન વખતના બચકારા (એટલે બચી ભરવી એવું કહેવાયું હશે આપણે ત્યાં ?)નો સાઉન્ડ 'મુઆઆઆહા' પણ અંગ્રેજીમાં એટલો જ ફેમસ છે, ઓળઘોળ થઇ જવાની 'ઓવરવ્હેલ્મિંગ ફીલિંગ' સાબિત કરવા. જે સાદા સુપર્બ કે ગ્રેટથી ઉપરની પ્રશંસાનુભૂતિ કરાવે છે ! બચકારાથી યાદ આવ્યું, આપણા ખેડૂતના ડચકારા. પશુઓ પાસે ભાષા નથી. એટલે ગળાના સાઉન્ડના જોરે એમની સાથે કોમ્યુનિકેટ થાય. સિસોટી ઓર વ્હીસલિંગથી પંખીઓ સાથે. બળદિયા હાંકતી વખતે કે ઘોડા પલાણતી વખતે જીભને તાળવે ચોંટાડી થતા અવાજો એ ડચકારા ! 'હ' ગળાની હવાતણી ઘરઘરાટીનો અક્ષરદેહ છે. એટલે એ તો અહીં પણ હાજર. હીઇઇઇ હડેહડે હટ. જોવાનું એ કે ગાયભેંસકૂતરા આ સમજી આઘા ખસે. પણ ડિજીટલ ડેવિલ્સ જેવા કોમેન્ટકકળાટિયાને આવું કહો ખસવાને બદલે ભસવા લાગે ! હીહીહી.
આ હીહીહી, હાહાહા, હોહોહો, હૂહૂહૂ સાથે એક ગુજરાતી ઈન્વેન્શન પણ (ઓરકુટયુગથી બંદાએ શરૂ કરેલું. જે સર્વત્ર ફેલાઇ ગયું : ખીખીરી. એમાં મોં પર હાથ દાબી છૂપું છૂપું હસવાનું બતાવવું હોય તો ખૂખૂખૂ. અને જેના મેસેજીઝ વિશ્વ માતૃભાષા દિને કબાટમાંથી કાઢીને ધૂળ ખંખેરી અચૂક ફેલાવવામાં આવે એ ગુજરાતી ઓળખની ફરફરતી ધજા : હેં ? 'ઘનચક્કર' જેવી કોમેડી બનાવતા કાચી ખીચડી બનેલી ફિલ્મમાં તો આખું એક ગીત 'હેં' પર હતું. અનેક પાર્ડન, એક્સ્યુઝમી, પ્લીઝનો બાપુજી એટલે 'સંભળાયું / સમજાવ્યું નથી'નો ચિત્કારપોકાર 'હેંએએએ' !
આમાં નક્કર શબ્દો નથી. એનું કામ સાઉન્ડ્સ પાસેથી લેવાય છે. કહો કે અક્ષરો થકી અવાજો ઊભા કરવાની કોશિશ થાય છે. ઉપર ફરફરતી ધજા લખ્યું એમ ફળફળતી પુરી હોય યાને ગરમાગરમ. એમાં તાળવાના વરાળની અનુભૂતિ થાય. તમરાં ત્રમ્ ત્રમ્ બોલે રાતના. કોઇ પગ પછાડી ધબધબ ચાલે. કોઇ રૂમઝુમ તૈયાર થઇ લટકમટક ચાલે. કોઇ ચાની 'ચૂસ્કી' લે તો કોઇ દાળનો 'સબડકો' ભરે.
આ બધામાં કોઇને કોઇ અવાજ પડઘાય વાંચનારને. એ વળી બ્રેઇન પ્રોસેસિંગ છે. કોગળા ગળું 'ખખડાવી' કરવાનો અવાજ અંગ્રેજીમાં 'ગાર્ગલિંગ' કહેવાય. ગળગળગળ અવાજે જ આપણો શબ્દ ગળું ઘડાયો હશે ? વાહ શબ્દ પણ એક ધ્નિ છે. હા. એનો ટોન સમજવો પડે. આહુ પીડાવાચક પણ છે, પ્રસન્નતાવાચક પણ. ઉકળતા તેલમાં અગનઝાળથી દાઝી જનારની આઆઆહ અને સમાગમમાં ચરમસીમાએ આમન્યાઓ તોડીને ય મૂઠ્ઠીમાં ચાદરો ભીંસીને આપોઆપ નીકળી જતી (અંગ્રેજીમાં 'મોન' કહેવાય) એ આઆઆઆહ લખવામાં સરખી લાગે પણ અભિવ્યક્તિ અલગ છે. વખાણની ડિગ્રી વાહથી વધારવી હોય તો ઓહોહો. અહાહાહા. બચપણમાં ઘરમાં સાંભળેલો શબ્દ - ઓહો ને માથે આંટો !
એમ જ ડિગ્રી વધારવી હોય ગમી ગયાની તો સાઉન્ડ પ્રોડયુસ કરવા પડે. સ્વાદ નહિ પણ ચટાકો. સરસ નહિ પણ ઝક્કાસ (જે અંગ્રેજી જેકએસનું બમ્બૈયા ટોપરી વર્ઝન છે.) મજા નહિ પણ જલસો, ટેસડો એવા શબ્દો જ છે ટકાટક, ટનાટન. ફેન્ટાસ્ટિક ને ગ્રાન્ડમાં ય સાઉન્ડ ઈફેક્ટ છે ન ! ફટાફટ કે ઝટપટ બોલો એમાં ઉતાવળની ચટપટી કે ઝડપભેર કામ કરવાના અવાજો નથી સંભળાતા ?
સુખ જ શા માટે ? દુ:ખ પણ. હાયવોય. અરરર. ગુસ્સો પણ ઘર્રર્રર્ર. ગર્રર્રર્ર. નસકોરાં હોય તો ખર્રર્રર્ર. ચીરાયું હોય તો ટર્રર્રર્ર. ચકલી ઉડે ફર્રર્રર્ર. હાય હાયમાં જે 'ધ્રાસ્કો' (આ છે મિસ્ડ ધ હાર્ટબીટનો કાઠિયાવાડી પર્યાય !) છે, એ એના વર્ણનમાં નથી. ઓત્તારી, ધત્ત તેરે કી, છીઈઈઈ, યક, યમ્મીઈઈઈ, નટખટ આ બધામાં અવાજો છે શબ્દોના વાઘાં ઓઢીને ફરતા. આખ્યુંના 'ઉલાળા'માં આંખ કંઇ હવામાં છૂટ્ટી આઈપીએલની સિક્સરોના દડા માફક ફંગોળાતી નથી, પણ આંખ મિચકારીમાં જાણે રંગોની પિચકારી છૂટી એમ ઘટના સમજાય જાય છે. ટ્રેપનું છટકું, સેન્ડવિચનું બટકું, કૂતરાનું બચકું. પાણીનું મટકું ને આંખનું મટકું બે ય અલગ. ને પગમાં અચાનક ખીલી ઘોંચાઇ ગઇ હોય એનો ઉંહકારો - ઉહહ ને કોઇએ બ્લુ ટિક બાદ મેસેજમાં રેડ હાર્ટ સાથે રેડ લિપ્સ કરી હોર્ની હગ કર્યું હોય એ ઉહલાલા ય અલગ.
ઉહ લાલા સોંગમાં એ શબ્દો વિદ્યા બાલનના અંગઅંગ સાથે ઉલાળા લઇ ઉછળતા હતા. હિન્દી ફિલ્મોની ભાષામાં આવા શબ્દો ફિલર હોય. ફીલ કરવાનું તો આપણા શ્રોતા-દર્શકોના ભાગે. પણ સંગીતકારોએ તો એફઈઈએલ ફીલિંગ ગીતકાર ન કરો, ત્યાં સુધી ધુન બનાવવામાં એફઆઈએલએલનું 'ફિલિંગ' પૂરીને કામ ચલાવવાનું હોય. લા લા લા લા જેવા આલાપો એમાં હોય. ક્યારેક બધાને એવા ગમે કે એના ગીતો ય બની જાય ! શાસ્ત્રીય સંગીતમાં સ્વર (અ, આ, ઈ, ઓ, ઉ વગેરે) ના આલાપોની પરંપરા જુગજૂની છે. તૂતૂતૂતારા ય આવા ફિલર વર્ડસનું સોંગ. બેઠાંબેઠાં લિસ્ટ કરજો આવા કાનને ગમી ગયેલા ફિલર વર્ડસના સોંગ્સનું. ડમ ડમ ડિગા ડિગાથી અયૈયો એ ઓ આ, ટિપટિપ બરસાથી તુનક તુનક તુનના છમ્મા છમ્મા છૈયાં છૈયાં થઈ જશે !
પણ યુગોથી માનવજાતે ભાષામાં આવા ફિલર સાઉન્ડને સ્થાન આપ્યું છે. શાહબુદ્દીન રાઠોડનો કેસેટયુગનો મશહૂર જોક યાદ છે ને ? વક્તૃત્વ સ્પર્ધા (વકૃત્વ નહિ)માં છોકરો સ્ક્રિપ્ટ ગોખેલી ભૂલી ગયો અને મહાત્મા ગાંધીનું ભાતમાં માખી થઈ ગયું ! આવું થાય ત્યારે સ્ટાન્ડર્ડ - સાઉન્ડ છે : અંઅંઅં પછી સાંભળનારાઓ કંટાળીને 'ઇરિટેટ' થઈ હસવા લાગે. બહુ બધું અંઅંઅં કરે, એ કલીયર નથી, ને ગોઠવીને બોલનાર જૂઠો છે કે પછી યાદશક્તિમાં કાચો એવો બોઘો છે, એવું જ લાગે.
અંઅંઅં ડર કે અજ્ઞાાન બતાવે. જૂન ૨૦૧૬માં કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ત્યાંના દાવાનળની ઘટના બાબતે 'ઉડ્ડ સર્ટેન્લી, આઈ થિંક વી આર ઉહ ઉહ અવેર ધેટ ઉહ ઉહ...' ટાઇપનો રિસ્પોન્સ આપવા ગયા એમાં એમની ડિજીટલ ઠેકડી ઉડેલી. નાનકડી સ્પીચમાં ઉંઘમાંથી ઉઠીને બોલતા હોય એમ પૂરા પચાસ
વખત ઉહ ઉહ એમણે અટકી અટકીને કરેલું. દેખીતી રીતે વાતની સમજ પૂરી નથી અને સ્પષ્ટ સ્ટેન્ડમાં ખચકાટ બતાવે. ગુજરાતના એક સ્વર્ગસ્થ વરિષ્ઠ તંત્રી દરેક તંત્રીલેખમાં બજેટથી ખેતીના વરસાદ સુધી બધું જ એકંદરે, એકંદરે એમ જ લખે. આમ તો અર્થતંત્ર પ્રોત્સાહક છે. પણ અત્યારે મુશ્કેલીઓ ય છે, એકંદરે ચિત્ર ઠીકઠાક રહેશે એવું ! આમ તો, જેમ કે, બરાબર, પણ, અને, વેલ, લાઇક જેવા પંકચ્યુએશન્સ પોતપોતાની નેચરલ સ્ટાઇલ મુજબ સ્પીકર્સ વાપરતા હોય છે. બે વાક્યો કે વાતો વચ્ચેની કડી બનાવવા.
પણ આવા અંઅંઅં, ઉફ્ફ ટાઇપ શબ્દો કેવળ અણઆવડતનો કચરો નથી. એકવીસમી સદીમાં એ બાબતે ય સાયન્ટિફિક સંશોધનો થયા છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વિદૂષી જીન ફોક્સટ્રી, નેધરલેન્ડસની રોડબડ યુનિવર્સિટીના માર્ક ડિંગેમેનાસ અને કેનેડાની કેલગરી યુનિવર્સિટીના સુઝન ગ્રેહામ જેવા સંશોધકોએ અલગ અલગ સંશોધનો કર્યા છે. એક તારણ કોમન છે. આવા ફિલર સાઉન્ડવર્ડસ એ ભાષાના સદીઓથી ચાલી રહેલા વિકાસકાર્યની જોડતી કડીઓ છે. પશુપંખીઓ પાસે કોમ્યુનિકેશન છે, પણ ભાષા કે શબ્દો નથી. માણસે બે પગે ટટ્ટાર ઉભા રહી મગજ મોટું કર્યું અને ભાષા વિકસાવી. બધા જ વર્ણ કે શબ્દ આજે વાંચીએ એમ સડસડાટ પ્રિન્ટેડ બૂક બનીને આવી ગયા નથી. ગણિતની જેમ સદીઓ સુધી પ્રત્યેક ભાષા વિકસતી રહી. એમાં આજે મળે એમ બધા જ શબ્દો સુલભ વસ્તુઓને કે ઘટનાઓને ઓળખવા ન હોય. ત્યારે તંતુ વાતનો તૂટે નહિ, એ માટે જેમ ગીતની કડી ભૂલાઈ જાય ને લાલાલાલા કર્યા કરીએ એમ અંઅંઅંની આદત આવી. પડયા પછી ય પ્રયાસ વાત કરવાનો છોડવો નથી એ જીજીવિષાના ભાગરૂપે. ગુજરાતી માણસ પરાણે અંગ્રેજી બોલે ત્યારે ય આવું થાય, મનમાં અનુવાદ કરવા ઝટ શબ્દો જડે નહિ અને વાત કરવાની હિંમત ને પ્રયત્ન છોડવો ન હોય એટલે અંઅંઅંથી એ દોરડું પકડી રાખે.
આ નેચરલ હિસ્ટ્રી. મીનિંગલેસ લાગતા શબ્દોથી ય મેમરીનું પ્રોસેસિંગ અંદરખાને અકળ રીતે થયા કરે છે. કહો કે આખી વાત સટડાઉન થાય એ પહેલા આવા ઝાટકા મારી મેમરી અપ કરવામાં આવે છે. કોમ્પ્લેક્સ લિંગ્વિસ્ટિક મેમરીનો આ ક્યારેક પબ્લિકમાં રજૂ થઈ જતો સિમ્પ્લ ડિસ્પ્લે છે. જેમ હાડકું કુદરતી રીતે સંધાતુ રહે, એમ મગજ પણ વાક્યરચનાનું બોલતી વખતે સ્પિરિંગ કરતું રહે છે. એટલે ખચકાઈને બોલે એ કાયમ જૂઠું જ બોલે, એવું નથી. ક્યારેક તૈયારી કરીને પટપટ બોલી જતા નાટકિયાઓ કરતા એ વધુ ઓનેસ્ટ હોય. સાચે જ, જેન્યુઈન યાદ કરવાની કોશિશ કરી બોલવા પ્રયત્ન કરતા હોય.
અને સારા કુશળ વક્તાઓ ક્યારેક ફિલર વર્ડસનો ઉપયોગ સરપ્રાઇઝ આપવા ય કરતા હોય. વાતને જરા મોણ નાખી મલાવીને કનેક્ટ પણ ઉભો કરે, એ લંબાવીને, ને એ ન ગમે તો એની ટીકા ય થાય. જેમ કે, એમઈએચ. 'મેહ'. ની કાઠિયાવાડી મેહ વરસાદ નહિ. આ તો શબ્દોથી નાકનું ટીચકું ચડાવવું એ જરાય ન ગમ્યું કે સમજાયું એવું ડાચું લટકાવવું એ ! એવો જ શબ્દ છે 'હૂહ' (એચયુએચ). અંગૂઠો બતાવવાનો ઠેંગા ઠેંગા ટાઇપ. ઈકવાડોરથી રશિયા સુધીની ૩૧ ભાષાઓમાં હૂહ છે. પણ એનો ય કાઠિયાવાડી પર્યાય મસ્ત છે. 'હોયો'. નાક વાઢીને હાથમાં આપી દેવાનું. ન કોઈ દલીલ, ન લફ્ફાઝી. કોઈક ઠોઠિયા ઠોબારા લાંબી લપ કરે તો ઠંડા કલેજે કહી દેવાનું 'હોયો' ! શાકાહારી શસ્ત્ર !
આવા નવતર વાતો વાળો લેખ ગમે કે ન ગમે એનો સાઉન્ડ શું કરશો ?
ઝિંગ થિંગ
''સ્પર્શ પહેલી ભાષા છે, અવાજ ને દ્રશ્યો અગાઉની. ને છેલ્લી પણ. એ કાયમ સત્ય બોલે છે !'' (માર્ગારેટ એટવૂડ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kB4GKV
ConversionConversion EmoticonEmoticon