બદમાશોને તાબે થવામાં પણ ત્રાસ, સામનો કરવામાં પણ ત્રાસ ! શું કરવું ?


- ઈન્દ્રકાંત ત્રિપાઠી

- મણીલાલ પાટીદાર

ગુ નાખોરીની વાતો વાંચવાનો શોખ હોય તો અખબારમાં ઉત્તરપ્રદેશના બે કે ત્રણ સમાચાર રોજ મળે છે. ગુંડો, ચોર, બળાત્કારી કે હત્યારો જ્યારે અપરાધ કરે ત્યારે મદદ માટે પ્રજા પોલીસની સામે આશાભરી નજરે તાકી રહે છે. અસામાજિક તત્વો પ્રજાને રંજાડે નહીં એની પ્રાથમિક જવાબદારી પોલીસ તંત્રની છે. ઉત્તરપ્રદેશની તાજેતરની ઘટના અત્યારે ચર્ચાસ્પદ બની છે અને એમાં ધરપકડથી બચવા માટે જે આરોપી ભાગતો ફરે છે એને શોધવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસ તો ચાલુ જ છે.

એ ઉપરાંત, આખા રાજ્યની પોલીસને સાવધ કરવામાં આવી છે. આ આરોપી કોઈ હાલીમવાલી નથી, આઈ.પી.એસ. અધિકારી છે. એમનું નામ મણીલાલ પાટીદાર. ૨૦૧૪ બેચના આ સાહેબ ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ છે! (હાલ સસ્પેન્ડ)

ઘટના સમજવા મહોબા જિલ્લાના કબરઈ ગામનો પરિચય જરૂરી છે. મહોબા અને બાંદાની વચ્ચે આવેલા કબરઈ ગામની વસ્તી આશરે ત્રીસેક હજારની. ગામની અર્થવ્યવસ્થા માઈનિંગ સાથે જોડાયેલી છે. કબરઈ ગામ પથ્થરોના નગર તરીકે ઓળખાય છે અને ગામની આસપાસ આશરે સાડા ત્રણસો જેટલી ક્વૉરીમાં રાત-દિવસ પથ્થરોનું ખોદકામ ચાલે છે.

ગ્રેનાઈટથી માંડીને જાતજાતના પથ્થરોનો ત્યાં ભંડાર છે. ડ્રિલથી પથ્થરોમાં કાણાં પાડીને એમાં ઠાંસી ઠાંસીને વિસ્ફોટકો ભરવામાં આવે અને પછી દૂરથી જામગરી પેટાવવામાં આવે. પ્રચંડ ધડાકા સાથે ખડક તૂટે અને એ પછી એ ટૂકડાઓ ક્રશરમાં ઓરાય. સાડા ત્રણસો ક્રશરોની ધણધણાટી અને પથ્થરોની રજથી આખા કબરઈની હવા ઝેરીલી બની ચૂકી છે.

પર્યાવરણના મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે થોડા વર્ષો અગાઉ ચેકિંગ કરેલું. એક સાથે એકસો સત્તાવન ક્રશર સીલ કરી દેવાયેલા અને બોંતેર ક્રશરમાલિકોને નોટિસ આપવામાં આવેલી. એના થોડા સમય પછી બધુંય રાબેતા મુજબ ચાલુ થઈ ગયું. પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડના અધિકારીઓની આંખે પૈસાના પાટા બંધાઈ ગયા.

આઈ.પી.એસ. અધિકારી મણીલાલ પાટીદારને મહોબા જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિમણૂંક મળી એ પછી એની લાલચુ આંખોએ કબરઈના સમગ્ર ખાણવિસ્તારનો તાગ મેળવી લીધો. ક્રાઈમ બ્રાન્ચના અમુક માણસો પાસેથી કબરઈના સ્થાનિક ગુંડાઓમાંથી કટકી ના કરે એવા વિશ્વાસુ માણસોની જાણકારી મેળવી લીધી.

કબરઈ પોલીસ સ્ટેશનનો ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર શુક્લ, વહીવટદાર કોન્સ્ટેબલ અરૂણ યાદવ, ક્રાઈમ બ્રાન્ચનો વિરેન્દ્ર અને સ્થાનિક માથાભારે આશુ ભદૌરિયા- આ આખી ટીમને-સોરી, આને ટીમ નહીં પણ ગેંગ કહેવાય. આ ગેંગને મણીલાલ પાટીદારે માસિક ટાર્ગેટ આપી દીધો. સાડા ત્રણસો ક્રશરમાલિકોએ દર મહિને આ ગેંગને ફરજિયાતપણે નક્કી કરેલી રકમ ચૂકવી આપવાની.

એમાં આનાકાની કરનાર ક્રશરમાલિકને એની હેસિયત મુજબની સજા તાબડતોબ મળી જતી. રેંજીપેંજી હોય તો આશુ ભદોરિયા હાથ-પગ તોડી નાખવાની ધમકી આપે- અમલ પણ કરે.માઈનિંગના ધંધામાં પથ્થર તોડવા માટે વિસ્ફોટક તરીકે મુખ્યત્વે ડિટોનેટર સ્ટીક વપરાય. એના ઉપયોગ અને સંરક્ષણ માટેના નિયમો એટલા આંટીઘૂંટીવાળા અને કડક છે કે એનું પૂરેપૂરું પાલન કરવાનું ક્રશરમાલિક માટે ખૂબ અઘરું છે.

આ કાયદાની ધાક બતાવીને આખા પરિવારને અંદર કરી દેવાની ધમકી રાજાસાહેબ તરફથી મળે ત્યારે હપતો આપવા સિવાય ક્રશરમાલિક પાસે કોઈ વિકલ્પ ના હોય. આદેશ આપવા માટે આ ગેંગ મણીલાલનો ઉલ્લેખ રાજાસાહેબ તરીકે કરતી. મણીલાલની ગેંગથી બધા પરેશાન હતા પણ અવાજ ઉઠાવવાની કોઈનામાં હિંમત નહોતી.

લોકડાઉનમાં પણ ગેંગની ઉઘરાણી ચાલુ હતી એને લીધે બધા ત્રાસી ગયા હતા. ચુંમાળીસ વર્ષના ઈન્દ્રકાંત ત્રિપાઠી ક્રશરના માલિક હતા. એ ઉપરાંત એમનો ડિટોનેટર સ્ટીકના વેચાણનો પણ કારોબાર હતો. અગાઉ આ ગેંગ એમની પાસેથી દર મહિને ચાર લાખ રૂપિયાનો હપતો વસૂલ કરતી હતી.

જુલાઈ, ૨૦૨૦માં એમને રાજાસાહેબના નામે આદેશ મળ્યો કે હવે દર મહિને રોકડા છ લાખ આપવા પડશે! મંદીના સમયમાં આટલી મોટી રકમ આપવાનું કોઈ પણ રીતે પરવડે એવું નહોતું એટલે ઓગસ્ટના અંતમાં હિંમત કરીને ઈન્દ્રકાંત ત્રિપાઠી મણીલાલ પાટીદારને મળવા ગયા. પોતાની આથક અવદશાની વાત કરીને કરગર્યા. 'સાહેબ, દર મહિને છ લાખ રૂપિયા તો બહુ જુલમ કહેવાય. હપતાની રકમ ઘટાડો.'

આઈ.પી.એસ. અધિકારી મણીલાલે વિચાર્યું કે આ માણસ જબરો છે! આ રીતે સીધો પોતાની પાસે આવીને રકમ ઘટાડવાની વાત કરે છે. જો એને સહેજ પણ ભાવ આપીશ તો બાકીના ત્રણસો ઓગણપચાસ પણ આવીને કરગરશે. એણે સખ્તાઈથી ધમકી આપી. 'ઈન્દ્રકાંત ત્રિપાઠી, છ લાખ એટલે છ લાખ. ચૂપચાપ આપી દેવાના. ડિટોનેટર સ્ટીકના ગફલામાં મારા માણસો તને પકડીને પૂરી દેશે તો તને બહાર કાઢવાની કોઈનીયે તાકાત નથી. અંદર રિમાન્ડમાં હાડકાં ભાંગશે, એ નફામાં. તારા આખા ફેમિલીને અંદર કરી દેવાની મારામાં તાકાત છે. તને બચાવવાની કોઈના બાપની તાકાત નથી. અન્ડરસ્ટેન્ડ?'

'જી..જી..' હતાશ ઈન્દ્રકાંત પરાજિત યોધ્ધાની જેમ ધીમા પગલે મણીલાલની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો. 

સપ્ટેમ્બર,૨૦૨૦નો હપતો લેવા પહેલી તારીખે જ કોન્સ્ટેબલ અરૂણ યાદવની સાથે આશુ ભદૌરિયા આવ્યો. ભદૌરિયાએ વ્યંગમાં કહ્યું. 'ઈન્દ્રકાંત, સૌથી પહેલા તારે ત્યાં આવવાની રાજાસાહેબે ખાસ સૂચના આપી છે.'

બંનેની સામે હાથ જોડીને છ લાખ આપતી વખતે ઈન્દ્રકાંતે કહ્યું. 'યાદવસાહેબ અને આશુભાઈ, છ લાખ આપું તો છું, પણ ખરેખર તકલીફ છે. રાજાસાહેબને પણ કરગરેલો કે દર મહિને છ લાખ ચૂકવવાની મારી કેપેસિટિ નથી, પણ એ માન્યા નહીં.'

'અમે બેઠા છીએ. તારા ધંધામાં કોઈ તને કશુંય પૂછશે નહીં. ગમે તે તિકડમ કરીને કમાઈ લેજે.' અરૂણ યાદવે સુફિયાણી સલાહ આપી.

ઈન્દ્રકાંત ત્રિપાઠીની ઑફિસમાંથી બહાર નીકળીને એ બંને બીજે ઉઘરાણું કરવા ગયા. ટેબલના ખાનામાં મૂકેલા મોબાઈલમાં આજના સંવાદોનું રેકોડગ સ્પષ્ટ સંભળાતું હતું.

હવે? આ ત્રાસ ક્યાં સુધી વેઠવાનો? આ ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી સામે કોઈકે તો મોઢું ખોલવું જ પડશે. ધંધાની હરીફાઈમાં વિસ્ફોટકના બીજા બે વેપારીઓ મણીલાલની સાથે ભળી ગયા છે. મને ખતમ કરી નાખવા માટેનું કાવતરું કરીને એ લોકોએ જ મણીલાલને ચાવી ચડાવીને છ લાખની રકમ નક્કી કરાવી હશે. ઈન્દ્રકાંત ત્રિપાઠીના લમણાંની નસો ફૂલી ગઈ હતી. એકલા હાથે જિલ્લાના પોલીસ વડા સાથે ટક્કર કઈ રીતે લેવી?

ચોથી સપ્ટેમ્બર સુધી આકરા મનોમંથનમાં અટવાયા પછી ઈન્દ્રકાંતે નક્કી કર્યું કે હવે તો આ પાર યા પેલે પાર!

પાંચમી સપ્ટેમ્બર,૨૦૨૦ના દિવસે આખા મહોબા જિલ્લામાં ખળભળાટ મચી ગયો. મણીલાલની ગેંગ દર મહિને બધા ક્રશરવાલા પાસેથી કઈ રીતે હપતા ઉઘરાવે છે એની બધાના નામ સાથે જાણ કરતો ઈન્દ્રકાંત ત્રિપાઠીનો વીડિયો વાઈરલ થયો. એમાં એમણે ચોખ્ખા શબ્દોમાં કહેલું કે આ વીડિયો વાઈરલ થયા પછી એ લોકો મને મારી નાખશે. જો મારા પર હુમલો થાય અથવા મને કંઈ થાય તો એના માટે મણીલાલ પાટીદારને જ જવાબદાર માનજો.

વીડિયો જોઈને પોલીસ પણ ભડકી. મણીલાલ તો ગુસ્સાથી પાગલ થઈ ગયો. કબરઈ પોલીસસ્ટેશનના ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર શુક્લને આદેશ આપ્યો કે તમામ પોલીસને દોડાવ. ઈન્દ્રકાંત ત્રિપાઠી જ્યાં દેખાય ત્યાંથી પકડીને અંદર કરી દે. જુગાર-સટ્ટાની કે એવી કોઈ પણ કલમ લગાવીને એને સળિયા પાછળ ધકેલી દે.

આજ્ઞાાંકિત પોલીસ ધંધે લાગી ગઈ. કોઈકે વોટસેપ પરથી મિત્રો સાથે બેસીને ઈન્દ્રકાંત ત્રિપાઠી પાનાં રમતો હોય એવો એક ફોટો પણ શોધી કાઢયો. સાહેબની આબરૂનો સવાલ હતો એટલે મહોબા જિલ્લાના તમામ પોલીસ શિકારી કૂતરાની જેમ ઈન્દ્રકાંત ત્રિપાઠીને શોધી રહ્યા હતા. 

પોતાની ઉપર ઝળૂંબી રહેલા ભયનો ઈન્દ્રકાંતને ખ્યાલ આવી ગયો હતો એટલે એ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો. ધારણા કરતા પણ જોખમ ઘણું વધારે છે એનો અણસાર આવ્યા પછી હવે શું કરી શકાય એની ચિંતા હતી. અંતે વિચાર્યું કે આરપારની આ લડાઈમાં જો મીડિયાનો ટેકો મળે તો મણીલાલ ખુલ્લો પડે.

સાતમી તારીખે ઈન્દ્રકાંતે આખા જિલ્લાના તમામ મીડિયાકર્મીઓને આમંત્રણ મોકલ્યું કે નવમી તારીખે મારી ઑફિસમાં પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે. મણીલાલ પાટીદારના ભ્રષ્ટાચારના એક પછી એક તમામ પુરાવાઓ હું આપને આપીશ.

ઈન્દ્રકાંતની આ હિંમત જોઈને મણીલાલ વિફર્યો. જિલ્લાની પોલીસ ઉપરાંત ભદૌરિયાના માણસો પણ ઈન્દ્રકાંતને શોધવા દોડધામ કરતા હતા.

આઠમી તારીખે બપોરે આશુ ભદૌરિયાએ ઈન્દ્રકાંત ત્રિપાઠીના સાળા વ્રજેશ શુક્લને ફોન કરીને પૂછયું કે તારો બનેવી ક્યાં છે? વ્રજેશે કહ્યું કે અમેય એમને શોધીએ છીએ. આશુએ ધમકી આપી કે તારા બનેવીને કહેજે કે તાત્કાલિક રાજાસાહેબને મળી જાય, નહીં તો પરિણામ સારું નહીં આવે.

આ ધમકીના બે કલાક પછી કબરઈ ગામના અર્જુનસિંહ એમના પુત્ર સત્યમની કારમાં બાંદા રોડ પર જતા હતા ત્યારે એમણે પાસેની ઝાડીમાં એક કાર જોઈ. બાપ-દીકરો એ કાર પાસે ગયા અને ચોંકી ઉઠયા. કારની અંદર લોહીથી લથબથ ઈન્દ્રકાંત ત્રિપાઠીને જોઈને એ બાપ-દીકરાએ તાત્કાલિક એમને ઉઠાવ્યા અને પોતાની કારમાં જિલ્લા હોસ્પિટલ લઈ ગયા.

ગરદનમાં ગોળી વાગી હતી અને પુષ્કળ લોહી વહી ગયું હતું એટલે ડૉક્ટરે કહ્યું કે એમને કાનપુરની મોટી હોસ્પિટલમાં લઈ જાવ. ઈન્દ્રકાંત ત્રિપાઠીના કુટુંબીજનો સાથે પોલીસ પણ એમ્બ્યુલન્સમાં ગોઠવાઈ. કાનપુરની રિજન્સી હોસ્પિટલમાં એમની સારવાર શરૂ થઈ પરંતુ છેક સુધી બેભાન અવસ્થામાં જ રહેલા ઈન્દ્રકાંત ત્રિપાઠીનું તેરમી સપ્ટેમ્બરે અવસાન થયું!

એક અને એક બે જેવો આ ઘટનાક્રમ જોઈનેઈન્દ્રકાંત ત્રિપાઠીની હત્યા કોણે કરાવી એનો જવાબ તો સામાન્ય બુધ્ધિ ધરાવતો કોઈ પણ માણસ આપી શકે એવો આ કેસ હતો. સપ્ટેમ્બર, ૨૦૨૦ની પાંચમી તારીખે ઈન્દ્રકાંત ત્રિપાઠીએ મણીલાલ પાટીદારના ભ્રષ્ટાચાર અંગે વીડિયો વાઈરલ કરીને એમાં કહ્યું કે આ સચ્ચાઈ જણાવવા બદલ મારા જીવનું જોખમ છે. જો મને કંઈ થાય તો એ માટે મણીલાલ જ જવાબદાર હશે.

સાતમી તારીખે ઈન્દ્રકાંતે મીડિયાને આમંત્રણ મોકલીને કહ્યું કે નવમી તારીખે પ્રેસ કોન્ફરન્સમાં હું મણીલાલના ભ્રષ્ટાચારના તમામ પુરાવા આપીશ. એમની પ્રેસ કોન્ફરન્સ યોજાય એ અગાઉ આઠમી તારીખે આશુ ભદૌરિયાએ એમના સાળાને ફોન ઉપર ધમકી આપી અને એ પછી બે કલાકમાં જ ઈન્દ્રકાંત ત્રિપાઠીની ગરદનમાં બુલેટ ધરબી દેવામાં આવી અને તેરમી તારીખે એ મૃત્યુ પામ્યા!

આઠમી તારીખે ઈન્દ્રકાંતના ભાઈની ફરિયાદના આધારે એસ.પી.મણીલાલ પાટીદાર, કબરઈ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર શુક્લ, વહીવટદાર કોન્સ્ટેબલ અરૂણ યાદવ ઉપરાંત વિસ્ફોટક ડિલર સુરેશ સોની અને બ્રહ્મદત્ત તિવારી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો. એ પછી તેરમી તારીખે એમાં હત્યાની કલમ ઉમેરાઈ. સુરેશ સોની અને બ્રહ્મદત્ત તિવારીની ધરપકડ કરવામાં આવી પણ એકેય પોલીસકર્મીની ધરપકડ તો ઠીક, પૂછપરછ પણ કરવામાં ના આવી.

મહોબા જિલ્લા ઉપરાંત આખા ઉત્તરપ્રદેશમાં જનઆક્રોશને જોઈને યોગી સરકારના ઈશારે આઈ.જી. વિજયસિંહ મીણાના વડપણ હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ-સીટની રચના થઈ. સભ્ય તરીકે ડી.આઈ.જી. શલભ માથુર અને એસ.પી.અશોકકુમાર ત્રિપાઠીને લેવામાં આવ્યા.

આ કેસ હત્યાનો જ છે એ રીતે પોલીસ તપાસ કરતી હતી. સીટની રચના પછી જબરજસ્ત રાજરમત શરૂ થઈ. આઈ.પી.એસ. મણીલાલ પાટીદારની તપાસ કરનારા પણ વરિષ્ઠ આઈ.પી.એસ. અધિકારીઓ! સીટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે મરનારે પોલીસ અધિકારી ઉપર આરોપ મૂક્યા, એ પછી એ ખુદ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને અંતે કોઈ ઉપાય ના સૂઝયો એટલે એમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી!

આમ વીસ દિવસના સમયગાળામાં એફ.આઈ.આર.માં ત્રણ વખત આઈ.પી.સી.ની કલમ બદલાઈ. પહેલીમાં ધમકી અને હત્યાનો પ્રયાસ, એ પછી બીજીમાં હત્યા ઉમેરાઈ અને સીટના રિપોર્ટ પછી તો આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાની જ કલમ લગાડવામાં આવી. હત્યાની સજા અને દુષ્પ્રેરણાની સજામાં બહુ મોટો ફેર હોય છે.

મહોબા જિલ્લાના ડી.એસ.પી. કાલુસિંહે પણ કહ્યું કે સીટનો રિપોર્ટ અમારી તપાસમાં સામેલ કરીશું. પોલીસ તપાસમાં એક ડી.એસ.પી., જ્યારે સામે સીટમાં આઈ.જી., ડી.આઈ.જી. અને એસ.પી.!

પોલીસના આવા વર્તનથી ઈન્દ્રકાંત ત્રિપાઠીના પરિવારજનો ઉપરાંત કબરઈ ગામના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. ઘાયલ ઈન્દ્રકાંતને તાબડતોબ હોસ્પિટલ લઈ જનાર અર્જુનસિંહ અને એમના પુત્ર સત્યમને દસ દિવસમાં દસ વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. ઈન્દ્રકાંતના ભાગીદાર બાલકૃષ્ણ અને પુરુષોત્તમને તો ઈન્દ્રકાંતની સ્મશાનયાત્રામાંથી જ પકડી લીધેલા.

સામા પક્ષે, આજની તારીખમાં પણ એકેય પોલીસકર્મીની ધરપકડ કરવામાં નથી આવી. મણીલાલના વકીલે સીટને કાગળ પકડાવી દીધો કે મણીલાલ કોરોના પોઝિટિવ છે અને કોઈ અજ્ઞાાત સ્થળે ક્વોરન્ટાઈન થયેલ છે. મણીલાલનું પારિવારિક ઘર રાજસ્થાનના ઉદેપુરમાં છે. સીટની રચનામાં મણીલાલનું રાજસ્થાન કનેક્શન ફળ્યું એવી મીડિયામાં ચર્ચા છે.

મણીલાલનું સાસરું આપણા ગુજરાતમાં છે એટલે પોલીસે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત અન્ય સ્થળે પણ તપાસ કરી, છતાં, સાહેબ જડતા નથી. સાહેબ તો ઠીક, વહીવટદાર કોન્સ્ટેબલ અરૂણ યાદવનો પણ કોઈ અતોપતો પોલીસને નથી મળતો. મીડિયાના રિપોર્ટસ્ મુજબ અરૂણ દસેક લક્ઝરી કાર ઉપરાંત પાંત્રીસ જે.સી.બી.મશીનનો માલિક છે!

ચોથી ઓક્ટોબર,૨૦૨૦ ના દિવસે ઈન્દ્રકાંત ત્રિપાઠીના પત્ની રંજના, બંને બાળકો અને ઈન્દ્રકાંતના ભાઈઓ રવિકાંત અને વિજયકાંત-એ બધા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા અને ન્યાય માટે કરગર્યા. ભાઈઓએ તો એ પણ કહ્યું કે હત્યાના તમામ આરોપીઓ હજુ સુધી બહાર જ છે એટલે અમે બધા દહેશતમાં જ જીવીએ છીએ.

યોગીએ આશ્વાસન આપીને એ પરિવારને મદદનું વચન તો આપ્યું.પરંતુ આજ સુધીમાં કોઈનીયે ધરપકડ થઈ નથી. કબરઈ અને મહોબાના લોકો સચ્ચાઈ જાણે છે અને મનમાં ધૂંધવાય છે, પરંતુ ભ્રષ્ટાચાર સામે મોં ખોલવાનું પરિણામ શું આવે એ જોયા પછી બધા ખામોશ છે.અલબત્ત, ત્યાંના મીડિયામાં ચર્ચા ચાલુ છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e2by1m
Previous
Next Post »