ક થાનકોના હાર્દમાં જવાથી નિજી જીવનમાં સદ્બોધના સ્પંદનોની અનુભૂતિ થાય છે, આગમ ગ્રંથ જ્ઞાાતાસૂત્રમાં ધન્ય સાર્થવાહની કથાના માધ્યમથી જીવનની વિચિત્ર પરિસ્થિતિનો પાર પામી શકાય છે.
રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહ અને ભદ્રા નામની સાર્થવાહીને ત્યાં ઘણા સમય પછી દેવ દત્ત નામે પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. લાડ-પ્યારમાં ઉછરતો દેવદત્તને એકવાર દાસપુત્ર પંથકની સાથે રમવા મોકલ્યો.
દાસપુત્ર બીજા બાળકોની ક્રીડા જોવામાં દેવદત્તને ભૂલી ગયો. દેવદત્તનાં આભૂષણો પર ધ્યાન જતાં વિજય નામનો ચોર તેને ઉપાડી ગયો.
નિર્જન જગ્યામાં જઈ આભૂષણો લઈ બાળકની ક્રૂર હત્યા કરી મૃતદેહને કૂવામાં નાખી દીધો.
દાસપુત્ર પંથકે ધન્ય સાર્થવાહને કહ્યું કે, દેવદત્ત ખોવાઈ ગયો છે. માતા-પિતાને આઘાત લાગ્યો. નગરરક્ષક કોટવાલની સહાયથી અલંકાર સાથે વિજયચોરને પકડી પાડયો ને કારાગૃહમાં પૂર્યો. યોગાનું યોગ ધન્ય પણ રાજ્યના મામૂલી ગુનામાં પકડાયો. કર્મયોગે એક જ કારાગૃહમાં એક જ બેડીમાં જડાયેલા વિજયને તેણે કહ્યું, કુદરતી હાજતે જવું છે.
ભોજન ન મળવાને કારણે વિજયે ના પાડી જેથી ધન્ય સાર્થવાહ મુંઝાણો. અનિચ્છાએ તેણેે ભોજન આપવાનું સ્વીકાર્યું.
પત્ની ભદ્રાને આ વાતની જાણ થતાં તેને દુઃખ થયું. કારાગૃહમાંથી છૂટી પતિ ઘર આવતાં આ બાબતે તેણે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, મારી બનાવેલી રસોઈ જે માત્ર તમારા માટે હતી તે તમે મારા પુત્રના હત્યારાને કેમ આપી ? ત્યારે અનિચ્છાએ પણ તેણે લાચારીને ભોજન આપવું પડયું તેને વિગત-વૃત્તાંત કહ્યું, ભદ્રાની શંકાનું નિવારણ થતાં તેમના દામ્પત્યજીવનમાં સામંજસ્ય સ્થપાયું.
ધન્ય સાર્થવાહ અને ભદ્રા, મુનિ ધર્મઘોષના ઉપદેશથી સંયમ સ્વીકારી પંડિતમરણને પામીને દેવ થયા. વિજયચોર બંધનના દુઃખો ભોગવી દુર્ગતિને પામ્યો.
કથાનું ઉપનય રૂપે સદ્બોધ પ્રાપ્ત થાય છે કે, સાર્થવાહે વિજયચોરને ધર્મ સમજી આહાર-પાણી નહોતાં આપ્યાં પણ પોતાના શરીર દ્વારા જ્ઞાાન, દર્શન અને ચરિત્રની આરાધના કરવા આહાર કરે છે.
વિજયચોરે અલંકારની આસક્તિને કારણે કરેલ હત્યાના પાપને કારણે થયેલ કર્મબંધને લાંબાકાળ સુધી ભોગવવા પડે છે.
અહીં દાર્શનિક કર્મ વિજ્ઞાાનનો સિદ્ધાંત સ્પષ્ટ થાય છે.
પુત્રના ઘાતકને આહાર આપનાર પતિ તરફ રોષ હતો પરંતુ હકીકત જાણી તો રોષ ઉતરી ગયો.
અહીં અનેકાંતદૃષ્ટિનો સિદ્ધાંત અભિપ્રેત છે.
પોતાના પુત્રના હત્યારાને એક થાળીમાં જમાડવો પડે છે તે સંસારની પરિસ્થિતિ અને સંબંધોની વિચિત્રતામાં સમભાવના દર્શન કરાવે છે.
અહીં અનુપ્રેક્ષા ચિંતન દ્વારા સંસારભાવનાને સમજવાની છે.
- ગુણવંત બળવાળિયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JaW1kl
ConversionConversion EmoticonEmoticon