અ તિતના સંભારણા વાગોળતા શશિકલા કહે છે 'છ સંતાનોમાં હું જ મારા પિતાની સૌથી લાડકી હતી. મારા પિતા અનંતરાવ જાવળકર કાપડના વેપારી હતા. અમારા ધનવાન, સુશિક્ષિત અને ગૌરવશાળી પરિવારને લોકો ઇજ્જતની નજરે જોતા. નાનપણમાં મહારાષ્ટ્ર મેળા અને ગણેશોત્સવમાં હું ભાગ લેતી નાટિકાઓમાં અભિનય કરીને દર વખતે બાળ કલાકારનો એવોર્ડ જીતી જતી પરંતુ વ્યવસાય તરીકે અભિનયને ગંભીરતાપૂર્વક સ્વીકારવાનો કોઇને વિચાર જ નહોતો ઉદ્ભવ્યો. એક દિવસ પરિવારની આજીવિકાની જવાબદારી મારે ઉપાડવી પડી શશિકલાના નાના ભાઈને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યો. આશા હતી કે પરિવારની દેખભાળ એ કરશે. અફસોસ, એ તો પાછો આવ્યો જ નહિ. પરિવારને કારમી ગરીબીમાં સબડતો રાખીને એ પરદેશમાં જ ઠરીઠામ થઇ ગયો.
એમની આપવીતી હિંદી ફિલ્મની વાર્તા જેવી કરુણ બનતી ગઈ... ફરક એટલો જ હતો કે સત્યઘટનાત્મક હતી. 'એ' દિવસો દોઝખ જેવાં જ હતા. દિવસો સુધી ખાધા વિના રહેવું પડતું. ક્યારેક પિતાના મિત્રો સહપરિવાર ભોજન માટે બોલાવતા. ક્યારેક માત્ર પાણીથી પેટ ભરીને સૂવાનો વારો આવતો. આવી હાલાકીમાંથી માર્ગ કાઢવા પિતાના એક મિત્રે મને ફિલ્મોમાં નસીબ અજમાવવાનું કહ્યું. હું અને મારા પિતા સ્ટુડિયોની રઝળપાટ કરતા. એકવાર નૂરજહાંએ મને જોઈ. મને ઝીનત માટે પસંદ કરી. એ જ મારી પ્રથમ ફિલ્મ હતી.'
મને મારો પ્રથમ શોટ બરાબર યાદ છે. કવ્વાલીનો સીન હતો. આહે ન ભરી શિકવે ન કિયે ત્યારે કવ્વાલી માત્ર મરદો જ ગાતા. પહેલી જ વાર ઝોહરા બેગમ, નૂરજહાં, શમશાદ બેગમ, સમસારા બેગમ અને મેં ભેગા મળીને કવ્વાલી ગઈ. હું નર્વસ નહોતી. વાસ્તવમાં સેટ પર હું જ તોફાન કરતી. પડદા પરની પેલી કવ્વાલી જોઈને ખૂબસુરત છોકરીને હું ભૂલી ન શકી. હું રૂપાળી, નાજુક અને સરસ દેખાતી હતી. આજે પણ દર્પણમાં જોઈને અંતરના સૌદર્યની હું પ્રશંસા કરું છું' તેઓ હસી પડે છે.
તેઓ પ્રતિભાશાળી અને સુંદર હોવા છતાં હિરોઇનલક્ષી ભૂમિકાઓ બહુ મળી જ નથી. સંઘર્ષ ચાલુ જ હતો તેથી એમણે ચરિત્ર પ્રધાન ભૂમિકાઓ લેવા માંડી. 'હિરોઇન તરીકેની મારી બધી જ ફિલ્મો ટિકિટબારીએ નિષ્ફળ જતી. અફસોસ તો એ જ છે કે આજેય એજ નિયમ લાગુ પડે છે. મુંબઈમાં એક હિટ થાય એટલે સમાજમાં મોભો વધી જાય. પછી તમે સારા અભિનેત્રી હો કે નહીં એ મહત્ત્વનું નથી.' શશિકલાના સ્વરમાં અફસોસ વર્તાતો હતો.
'હું જ આજીવિકા ચલાવતી અને પૈસાની ખૂબ જરૂર હતી તેથી જે રોલ મળે એ સ્વીકારી લેતી. તારાચંદ બડજાત્યાની આરતી સાથે જ વેમ્પનું બિરુદ વળગી ગયું. એ ફિલ્મ મરાઠી નાટક પર આધારિત હતી. મને કાવતરાંખોર ભાભી અથવા અશોકકુમાર સાથે નાનકડો રોલ ઓફર થયો. મારા પરિવારે મને વેમ્પનો રોલ કરવાનો દુરાગ્રહ કર્યો. એ રોલના પૈસા ઓછા મળવાના હતા છતાં મેં સ્વીકારી લીધો. ફિલ્મની રજૂઆત પછી મારી ખૂબ પ્રશંસા થઇ અને શાબાશી મળી.'
આમ શશિકલાએ પરદા પર હાજરી નોંઘાવી. પછી એમને પુષ્કળ ઓફરો અને એવોર્ડ્ઝ મળવા માંડયા. 'આટલા વર્ષોમાં બેંગાલ જર્નાલિસ્ટ્સ તરફથી પાંચ અને બે લોકપ્રિય એવોર્ડ્ઝ મળ્યા. જોકે લોકપ્રિય એવોર્ડ્ઝનો અનુભવ ખરાબ હતો. એકવાર ફૂલ ઔર પથ્થર અને અનુપમા માટે નોમિનેશન મળ્યું. મને ખાતરી હતી કે બેમાંથી એક માટે તો મને એવોર્ડ મળશે જ, પરંતુ સંયોજકોએ કહ્યું. તમને એક એવોર્ડ તો અગાઉ મળ્યો જ છે તો આ વખતે નામ કેમ પાછું નથી ખેંચી લેતા. મને ખૂબ જ આઘાત લાગ્યો. મને લાગ્યું કે પરીક્ષામાં બેસવા છતાં લાયકાત પ્રમાણે માર્ક્સ ન મળ્યા. તેથી મેં સદાને માટે મારું નામ ખેંચી લીધું.
'હવે આર્થિક દ્રષ્ટિએ સધ્ધર થયા પછી ભાઈ બહેનોના જીવન સુખમય વીતે એ મેં નક્કી કર્યું. મારા માતાપિતા પણ નિરાંતે જીવતા. મારે માટે યોગ્ય મૂરતિયો ગોતવાની વાત આવી ત્યારે ઊંડા સાગરમાનાં છીપલામાંથી મોતી શોધવા જેટલું કપરું કામ હતું. કોઇ મને પરણવા તૈયાર નહોતું. કારણ હું ફિલ્મોમાં વેમ્પ તરીકે કામ કરતી હતી. લોકોએ માની લીધું કે હું માત્ર ફ્લર્ટિંગ, ડ્રિન્કિંગ, સ્મોકિંગ જ કરી શકતી હતી. પરદાની ઇમેજને એમણે સાચી માની લીધી.
વાસ્તવમાં હું સાવ જુદી જ વ્યક્તિ હતી. મારી પાડોશમાં રહેતા ઓમ પ્રકાશ સાયગલ જ મને સમજી શક્યા. એમણે મારા પિતા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આજે અમારી પુત્રીઓ અમારા પુણ્યના ફળ સમાન છે.
'૧૯૭૦ના દસકાનો પૂર્વાર્ધ મારા જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો. વ્યાવસાયિક તાણ અને અંગત સમસ્યાઓથી પીડિત હું ઇગતપુરી ગઈ અને પંદર વર્ષો સુધી યોગાસનોમાં વ્યસ્ત રહી. ગૌતમ બુદ્ધના બોધપાઠ પર આધારિત વિપશ્યનાએ મારામાં આધ્યાત્મિક ચેતના જાગ્રત કરી એને લીધે ઘરબાઈ રહેલી ઈમોશન થાળે પડે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. અગાઉ ફિલ્મોમાં હું જે પાત્રો ભજવતી એનો જબરદસ્ત પ્રભાવ શરીર મન પર પડતો. આજે તો હું તાબડતોબ પાત્રમાંથી બહાર નીકળી શકું છું.'
ધ્યાનવસ્થા શરૂ કર્યાં પછી તેઓ કલકત્તા ગયા અને મધર ટેરેસાની ધ મિશનરીઝ ઓફ ચેરિટીની મુલાકાત લીધી.' કમનસીબે તે વખતે મધર ટેરેસા પરદેશમાં હોવાથી હું મળી શકી નહીં. હું સિસ્ટર એગ્નિસને મળી. હું ફિલ્મસ્ટાર હતી એટલે એમને લાગ્યું કે પ્રચાર માટે હું ગઈ હતી. પરંતુ મેં એની માન્યતા ખોટી ઠેરવી એમનો અભિપ્રાય બદલવા હું ગમે તે કરવા તત્પર હતી. અમારું કામ ગંદુ અને ખૂબ સમય માગી લે છે. સિસ્ટરે મને ચેતવી દીધી. હું તો અહીં ગરીબોની સેવા માટે આવી છું. મેં જવાબ આપ્યો. ચાર દિવસો સુધી જાજરૂ સાફ કર્યા એ ચાર દિવસો દરમિયાન મારા ત્રણ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા. છઠ્ઠે દિવસે બે ઘાયલ દરદીઓની પાટાપિંડીનું કામ મને સોંપવામાં આવ્યું. પહેલી જ વાર ઉઘાડા દુઝતા ઘા હું જોઈ રહી હતી. એટલે ટેન્શન આવી ગયું. મને થયું કે હું સિસ્ટરની ધારણા મુજબ પાર નહીં ઉતરી શકું. પરંતુ મેં દરદીઓની એવી સુશ્રુષા કરી કે સિસ્ટર્સ ગદ્ગદ બની ગયા. તે વખતે મારા મનમાં એક જ ભાવ ઉદ્ભવ્યો હતો. મને તંદુરસ્ત રાખવા બદલ મેં ઇશુનો આભાર માન્યો પાછળથી હું જ્યારે મધરને મળી ત્યારે હું એમને બાઝીને બાળકની માફક રડી પડી. હું એકલવાયી છું મેં એમને કહ્યું અને મને જબરદસ્ત શાંતિનો અહેસાસ થયો. મધર ટેરેસાએ સૌમ્ય સ્વરે કહ્યું ગોડ બ્લેસ યુ. મારી યાતના શમી ગઈ અને માનસિક શાંતિ મળી.'
પોતીકા અનુભવો બયાન કરતા તેઓ કહે છે : 'બે મંદબુદ્ધિ બાળકોની મેં દેખભાળ કરી એક ૧૮ વર્ષનો હતો અને બીજો ૧૬ વર્ષનો બંને સાવ નિરાધાર હતા અને ક્રોધ, પ્રેમ, સહાનુભૂતિના ભાવો આંખો દ્વારા દર્શાવતા બે મહિનાઓ સુધી મેં ૩૫૦ મંદબુદ્ધિ બાળકોની દેખભાળ કરી તેઓ રડતા. ખડખડાટ હસતા તો ક્યારેક સ્મિત કરતા એ બધા દુનિયાદારીથી અજાણ નાના ફરિશ્તા સમાન હતા. એમની પથારી કરવી, ખવડાવવું અને નવડાવવું મારી ડયુટી હતી. ઘણાંખરાં ક્ષયના દરદીઓ હતા. હું સતત તેઓની શારીરિક દેખભાળ અને સંપર્કમાં રહેવા છતાં મને ચેપ ન લાગ્યો. મધરને મેં એ વાત કરી ત્યારે તેઓ બોલ્યા : માય ચાઇલ્ડ ચમત્કારો થાય છે. કામ કરતાં હું થાકતી નહોતી. પરંતુ ક્વાર્ટર્સમાંથી બહાર પગ મૂકતાવેંત થાકીને લોથપોથ થઇ જતી. નિસ્વાર્થ સેવા જે સંતોષ આપે છે એની બરોબરી કોઇ સંપત્તિ ન કરી શકે. કોઇ અપેક્ષા વિના સેવા કરવાની હોય છે, વહાં નફરત, ગુસ્સા ઔર નારાઝગી નહીં હોતી બસ પ્યાર હોતા હૈ દરદીઓ મોતની ઘડીઓ ગણતા હોય ત્યારે અમે એમની નાડી પકડીને પ્રાર્થના કરતા જેથી આત્માશાંતિથી દેહનો ત્યાગ કરી શકે. તાજેતરમાં મારી એક પુત્રી કેન્સરનો ભોગ બનીને મૃત્યુ પામી. એના મૃત્યુએ મનેવિચલિત નથી કરી, કારણ હું જાણું છું કે પરલોકમાં એ સુખી છે.'
આઠ વર્ષના અરસા પછી શશિકલાએ ફરીથી એકવાર ફિલ્મના વિશાળ અને ટીવીના ટચૂકડા પડદે પુનરાગમન કર્યું.
પુનરાગમનનો વિચાર કેવી રીતે આવ્યો?
વિનોદ દુઆ મારી ફાર્મની મુલાકાતે આવેલો ત્યારે એમણે મને ટકોર કરી. શશિકલાજી અભિનેત્રીઓ આવીને ગઈ પરંતુ તમારું સ્થાન કોઇ જ ન લઈ શકે? ઓલ ધ બેસ્ટ નાટક જોવા ગઈ ત્યાં દેવ આનંદ મને મળ્યા ત્યારે પૂછ્યું કે મેં કેમ એક્ટિંગ ત્યજી દીધી હતી. ઉપરાંત શાકભાજીવાળા, ફ્રૂટવાળા અને રિક્ષાવાળાઓ મારા પુનરાગમની પૂછપરછ કરતા જ રહેતા. આ બધાના પ્રેમથી હું પાછી ખેંચાઈ આવી છું.જુદા જુદા પાસાંવાળી ભૂમિકાઓ ભજવનાર શશિકલા આજે સંતુષ્ટ સ્ત્રી છે. 'નિરમા આહા અને જૂનૂન સિરિયલો સિવાય મેં મહારાજા, લહૂ કે દો રંગ અને સલમા પે દિલા આ ગયા જેવી ફિલ્મો પણ કરી છે. સાવનજીએ એકવાર મને કહેલું : જો આજે મીનાકુમારી હયાત હોત તો એમને જ હું આ રોલ ઓફર કરત.
તાજેતરમાં આવી શાબાશી મળવાથી હું તો ધન્ય બની ગઈ છું. અંગત રીતે હું સુખી છું અને મારા સંતાનોના સંપર્કમાં રહું છું. મધર ટેરેસાએ મને કહેલું : ડોમીટોરીમાં એકટ્રેસ અને વ્યક્તિ શશિકલાની ઉદ્ધતાઈ ક્રમશ: અદ્રશ્ય થઇ ગઈ. આજે તું એક જુદી જ વ્યક્તિ છે. તે સત્ય સ્વીકારી લીધું છે કે તું અહીં જ જન્મી છે અને અહીં જ મૃત્યુ પામવાની છે. બદલામાં કશાયની અપેક્ષા રાખ્યા વિના તારું કર્તવ્ય અદા કરતી રહેજે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HQeKBm
ConversionConversion EmoticonEmoticon