કવિ દલપતરામનો આર્થિક રાષ્ટ્રવાદ...


આ લેખનો હેતુ ઇતિહાસને વર્તમાન સમસ્યાઓ સાથે જોડવાનો છે. ગુજરાત સમાચારનાં ૧૮ ઓક્ટોબર ૨૦૨૦નાં (રવિવાર) અંકમાં પહેલાં પાન પર મોટા અક્ષરે છપાયેલ શિર્ષક 'ગ્લોબલ હંગર ઇન્ડેક્સ ૨૦૨૦ જાહેર: ભૂખમરામાં ન્યુ ઇન્ડિયાની પરિસ્થિતિ શરમજનક' તમે વાંચ્યો હશે. તે ચિંતાજનક છે. ગુજરાત સમાચારમાં આ અહેવાલની સમીક્ષા પણ થઇ છે.

તે મુજબ ભારતની આર્થિક હાલત પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ વધારે ભૂંડી છે. બન્ને દેશો કરતાં ભારતમાં ભૂખમરો વધારે છે. બીજી તરફ ચીને 'રૂરલ ટેકનોનેશનાલીઝમ' દ્વારા ગરીબી અને ભૂખમરાને નાબૂદ કર્યા છે અને હવે તો તે ભારતની ભૂમિ પણ હડપ કરી રહ્યું છે. ગુજરાત સમાચારની સમીક્ષા મુજબ: 'મોદી સરકારનો દેશમાં જોરદાર આર્થિક પ્રગતિનાં દાવાઓ વચ્ચે ગ્લોબલ હંગર ઇન્ડેક્સે મોદી સરકારની આબરૂનાં ધજાગરા કરી દીધા છે.' સવાલ આ છે: 'ભારત અને ચીન એકી સાથે સ્વતંત્ર થયા હોવા છતાં ચીન આગળ કેમ વધી ગયું ?!'

નરેન્દ્ર મોદીએ 'મેઇક ઇન ઇન્ડિયા' સ્લોગન જાહેર કર્યું તે પહેલાં પતંગ, દોરી, બોલપેન, સાઇકલ, રમકડાં, ચીનાઈ માટીનાં વાસણો, દવાઓ, કમ્પ્યુટર્સ, મોબાઈલ, એપ્સ અને હજામતનો સામાન સુધ્ધાં ચીનથી ભારતમાં ઠલવાતો હતો. આજે પણ ઘણાંને હિંદમાં તૈયાર થયેલા માલની સૂગ છે. મોદી ગમે તેટલું જોરથી 'મેઇક ઇન ઇન્ડિયા' બોલે પણ જ્યાં 'મેઇડ ઇન ઇંગ્લેન્ડ, યુ.એસ., જાપાન, ચાયના અને કોરીયા'ની બોલબાલા હોય ત્યાં બીજું શું થઇ શકે.

ડેમોક્રસીમાં તો 'જેવી પ્રજા તેવો રાજા ?' મોરારજી દેસાઈ જ્યારે ૧૯૫૦માં મુંબઇનાં મુખ્ય પ્રધાન હતા ત્યારે દેશમાં બનતી 'ભારત બ્લેડ'નો પ્રચાર કર્યો હતો. પણ 'સેવન-ઓ-ક્લોક' અને 'જીલેટ' બ્લેડ વાપરતા લોકોએ મોરારજી અને 'ભારત બ્લેડ'ને 'દેશી' કહીને વગોવી નાખ્યા હતા. જ્યારે ચીનમાં ચીની માલ જ વપરાતો હતો. મુદ્દો એ છે કે ભારતની ગરીબી અને ભૂખમરો આજનો નથી.

ગાંધીએ આઝાદીનાં આંદોલન દરમિયાન ગ્રામ સ્વરાજ, ગ્રામીણ રાષ્ટ્રવાદ અને શ્રમ-આધારિત નવાચારી રૂરલ ટેકનોલોજીની વાત કરી પણ આઝાદી બાદ કાંઈ જૂદું જ થયુ !! બાકી તમે જો પ્રજાબંધુ અને ગુજરાત સમાચારનાં જુનાં અંકો જુઓ તો જણાશે કે સ્વદેશી આંદોલન (૧૯૦૪-૧૯૦૮), અસહકાર, સવિનય કાનૂન ભંગ અને હિંદ છોડોનાં આંદોલન વખતે આ 'અખબારોએ જનતાને રોજગારી મળે તેવી નવાચારી ખેતી અને ગૃહઉદ્યોગની હીમાયત કરી હતી.'

પ્રજાબંધુ અને ગુજરાત સમાચારનાં જુનાં અંકો જુઓ તો જણાશે કે સ્વદેશી આંદોલન (૧૯૦૪-૧૯૦૮), અસહકાર, સવિનય કાનૂન ભંગ અને હિંદ છોડોનાં આંદોલન વખતે આ 'અખબારોએ જનતાને રોજગારી મળે તેવી નવાચારી ખેતી અને ગૃહઉદ્યોગની હીમાયત કરી હતી.'

દલપતરામ આર્થિક રાષ્ટ્રવાદની ભાવનાને પ્રગટાવતા કહે છે 

'હે દેશવાસીઓ ! તમે પહેલાંનો હુન્નર સજીવન કરો'

દલપતરામે વિદેશી હુન્નરખાન અને તેનાં પ્રધાન યંત્રખાન અને ભારતનાં રાજવી 'વણરાજ' અને તેનાં બે ભાઈઓ 'અફીણ' અને 'મજીઠ'નાં પાત્રો કલ્પીને તેને રૂપક તરીકે સર્જ્યો છે

દલપતરામનાં કાવ્ય 'હુન્નરમાનની ચઢાઈ'ની સમીક્ષા કરવામાં આવી છે. દલપતરામનો જન્મ આજથી બરાબર બસો વર્ષ પહેલાં ૧૮૨૦માં થયો હતો. એ રીતે પણ એમને યાદ કરીએ.

દલપતરામ અને ફાર્બસ મિત્રો હતા. તેઓ ૧૮૫૦મા સુરત ગયા અને એ જ વર્ષે એન્ડ્રુઝ લાઇબ્રેરી તથા 'સુરત સમાચાર' અખબારની સ્થાપના કરી. આ લાયબ્રેરીમાં ૨૦૦ માણસોની મેદનીમાં જ્યારે દલપતરામે કાવ્ય સંભળાવ્યું તે સમયે હિંદમાં તમામ માલ 'મેઇડ ઇન ઇંગ્લેન્ડ'થી આવતો હતો. આજે જો સ્વતંત્ર ભારત ઉપર ચીન મિલિટરી અને આર્થિક આક્રમણો કરી રહ્યું હોય તો તે સમયે હિંદ ઉપર ઇંગ્લેન્ડનું આર્થિક આક્રમણ હતું. વિદેશી હુંડીયામણ રળી આપતા જૂનાં ગૃહ ઉદ્યોગો નષ્ટ થતાં સુથાર, લુહાર, મોચી, વણકર, રંગરેજ, છીપા, કાગદી અને ખરાદી જેવા કારીગરો બેકાર બન્યા હતા. દેશમાં દૂકાળો અને પ્લેગની બીમારીની પરંપરાઓ સર્જાઈ હતી. આવા સંજોગોમાં દલપતરામ આર્થિક રાષ્ટ્રવાદની ભાવનાને પ્રગટાવતાં કહે છે કે 'હે દેશવાસીઓ ! તમે પહેલાંનો હુન્નર સજીવન કરો. તમે સાથે નવી નવી યંત્રસામગ્રી અપનાવીને નવાનવા ઉદ્યોગો શરૂ કરીને ઇંગ્લેન્ડનાં હુન્નરખાનને હરાવો. દલપતરામે વિદેશી હુન્નરખાન, અને તેનાં પ્રધાન યંત્રખાન, અને ભારતનાં રાજવી 'વણરાજ' અને તેનાં બે ભાઈઓ 'અફીણ' અને 'મજીઠ'નાં પાત્રો કલ્પીને તેને રૂપક તરીકે સર્જ્યો છે. વિદેશી હુન્નરખાન અને હિન્દુસ્તાનનાં વણરાજ વચ્ચે યુધ્ધ થાય છે. ચીન પણ હુન્નર ખાનને તાબે હોવાથી ઇગ્લેન્ડ સાથે ચીન જોડાય છે અને હિંદ ઉપર હુમલાઓ કરે છે. 'હુન્નરખાનની ચઢાઈ' સાથે જ પરાધીન હિંદનાં આશા-અરમાનોનું ગૌરવગાન હતું. કાવ્યની શરૂઆત આ પ્રમાણે થાય છે જાણે આજે નરેન્દ્ર મોદી ભારતની પ્રજાને કહેતા ના હોય !! તેમ દેશભક્તિનાં અને 'મેઇક ઇન ઇન્ડિયા'નો પરિચય થાય છે:

'સુણજો સજ્જન સૌ તમે, એક વિવેકની વાત; અંતર આંખો ઊઘડે, જે સુણતાં સાક્ષાત

આજ આપણા દેશમાં, અફિણ, મજીઠ કપાસ;

એ ત્રણ અતિશય ઉપજે, એમાં ઉદ્યમ વાસ.

એ થકી દ્રવ્ય વિદેશનું આવે છે આ દેશ;

એ થકી આ દેશની, વધી વિખ્યાતિ વિશેષ.

પણ હુન્નર નરમાં નથી, નથી વળી -સઘળી શોધ;

કુલ ઉદ્યમ સહુકો કરે, બીજા ન ઘરે બોધ,

ચીન વિલાયતમાં વધ્યાં, હુન્નર પ્રગટ હજાર,

એઓએ આ દેશની, નિર્ધન કરી બજાર

ગીજનીવાળો લઇ ગયો, સોમેશ્વર શોભાય;

એમ હુન્નરમાં હરી ગયો, મોટી લક્ષ્મી માય.

હુન્નરખાન વણરાજનો ઉચરૂં ઝગડો આજ;

કાન ધરી પ્રીતિ કરી, સુણજો સકળ સમાજ.

ચડી ફૌજ બડી ચીનથી, બહુ ગાજ્યું બ્રહ્માંડ

કાગળ કાચ બિલોર તજ, સોમલ રેશમ ખાંડ.

ચાહ ફટકડી, સાદરી, કલાઈ આદિ અનેક;

ચડી ચાલ્યા હિંદુ તણી, તરત જોવા ટેક.

ચડી ફોજ મહાબળિ ચીન તણી

ભલી ભાતથી હિન્દુસ્તાન ભણી

ધન લૂંટી ઘરે નીજ પૂર પ્રતી

પરદેશ વિષે કરી પ્રૌઢ ગતી.'

ગુલામ ગુજરાતનો કવિ દલપત બીજું તો શું કરી શકે ?! તેથી તે સિધ્ધરાજ જયસિંહ અને શીવાજી જેવા હિંદુ રાજાઓને યાદ કરે છે. નરેન્દ્ર મોદીનાં 'હિન્દુ નેશનાલિઝમ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ'ની ભાવના આજથી ૧૭૦ વર્ષ પહેલાં દલપતરામે પ્રગટ કરી હતી:

'કોઇની જનનીએ સૂંઠ ખાધી નથી

હાલ હૈયે ધરૂં આજ ટાણે

જે હુન્નરખાનને પકડી કર જકડીને

આપણા દેશમાં તરત આણે

ક્યાં ગયા હિંદુ મહારાજ પાટણ પતી ?

જે લઢ્યા ખૂબ પરભાસ લૂંટયે

આ સમ કેમ એ તુરત આવતા નથી ?

કામમાં લક્ષ્મીનું ધામ તૂટે.

હિંદુ વટલાવતા જવન બળ ફાવતાં

આવતા સય શીવાજી બહારે,

ક્યાં ગયા ? જે હવે હિંદુને જાળવે,

દરીદ્ર નીજ જાત જોરે વધારે

કોણ હિંદુ ધણી રાખી ચીંતા ઘણી

જાતું પરદેશ ધન બંધ કરશે ?'

પણ કોલોનીયલ સમયમાં કવિ હિંદુ અને મુસલમાનોને એક સંપ થઇને એમનાં એકસમાન શત્રુ સામે લડવાનું કહે છે; નીચેની પંક્તિઓ ખુબ મહત્ત્વની છે:

'મુસલમાનને હિંદુ, શુણો મુજ દેશી સમસ્તો

કહીએ કાળો નાગ, ચીન વિલાયતનો રસ્તો;

તેનું કરો નેતરૂં, રવૈયો બોટ બનાવો

સાગર મંથન કરી, ફરી લક્ષ્મી ઉપજાવો

નર હિંમતવાન મુખે રહો, પુંછડે જે ડરપાય છે

લક્ષ્મી મળવાનો અસલથી, એક જ ઉપાય છે.'

છેવટે દલપત કહે છે:

'લક્ષ રાખીને ધંધે લાગો,

શીદ ભડકીને પાછા ભાગો ?

મહાપ્રભુની પૂરી મદદ માંગો.

વળી હૈયામાં હિંમત આણો

જન સઘળાંને સરખાં જાણો

શીદ તુચ્છમતીથી મત તાણો ?

પરદેશી હુન્નર પ્રગટ કરો

સંચા ને જંત્રો સિધ્ધ કરો

દલપતની વિનંતી દીસ ધરો.

તમે સંપ ના રાખ્યો કોઈ સાથે

આ વખત જુવો તમે વિચારી

નિર્ધન થઇ બેઠા નરનારી

કંઇ ધૂળ મળ્યા ધંધાદારી

તમે ચીન વિલાયત ભણી ચાલો

ઉશ્કેરીને હિંમત આણો

ઠીક સમજો વહેમ તજો ઠાલો

દલપત શીખ દીલ ધરો.'

દલપતરામ માત્ર આટલી જ વાત કહીને નથી અટકતા એનો સંદેશ એ છે કે સંપ અને કોમી એખલાસની ભાવના વગર આર્થિક પ્રગતિ નહીં થઇ શકે. આજે જેની ખાસ જરૂર છે તેવા મલ્ટી-કલ્ચરલ અને મલ્ટી-એથનીક મૂલ્યોનો મહીમા સમજાવતાં બીજા એક કાવ્યમાં દલપતરામ કહે છે:

'એક કહે તારો દેવ ખાતો નથી પીતો નથી

રાંધીને રસોઇ એની આગળ શી ધરવી ?

બીજો કહે તારો દેવ બધીર ને મુંગો છે, તે -

ઉત્તર ન આપે, એની પ્રાર્થના શી કરવી ?

અંગ્રેજો કહે ઇસુ ખ્રીસ્ત ખરો તારનાર

પ્રભુનો છે પુત્ર અમે ભાવે તેને ભજીયે

આર્મજનો કહે ખસ ઇશ્વરી અંશાવતાર

રામકૃષ્ણાદીક અમે તેને કેમ તજીયે ?

મહોમેદીયનો કહે મહંમદ એ જ ખરો

પારસીઓ કહે અમે પાવકને પૂજીયે

કોઈ કહે મહમદ સાથે  ખુદા બોલતો ને

કોઈ કહે જરથોસ્ત સાથે વાતો કરતો

કોઈ કહે ઇશુ સાથે કરતો અનેક વાતો

કોઈ કહે રામકૃષ્ણ રૂપે તે વિચરતો

કોઈ કહે અરબી લીપીમાં લખતો તે લેખ

કોઈ કહે એ તો વાણી વેદની ઉચરતો

કોઇને ન જૂઠા કહું કહે દલપતરામ

દીલ કોઇનું દુખાવવાથી હું તો પોતે ડરતો

કહે દલપતરામ જુદાં જુદાં પડયાં નામ

સર્વનો પ્રભુ એક છે, બાકી બધી ખેંચતાણ છે.'

દલપતરામનાં કાવ્યો સરળ, હૃદયંગમ અને ચાતુરીભર્યા હતા. એમની નજર ઊંડી હતી અને દ્રષ્ટિ વ્યાપક હતી. એમની વિચારસરણી સર્વગ્રાહી હતી. 'હુન્નરખાનની ચઢાઈ' અને 'સર્વનો પ્રભુ એક છે' એમ બન્ને કાવ્યો એકબીજાનાં પૂરક છે.  બન્નેનું સંસ્કૃતિ દર્શન મનનીય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37D4Ptv
Previous
Next Post »