પેટ્રોનિયસ.
રોમ ભડકે બળતું હતું ત્યારે ફીડલ નામનું વાદ્ય વગાડતો ઘેલો સમ્રાટ નીરો યાદ છે ? એના દરબારનો જ એક ઉમરાવ હતો પેટ્રોનિયસ. પ્રખર બુદ્ધિમાન, ઉમદા કલારસિક. યોદ્ધાનો તેજમિજાજ પણ યારીદોસ્તીમાં રંગીન શોખીન. પ્લુયર્કે એને 'જજ ઓફ એલીગન્સ' કહ્યો એવો એનો ઠાઠ. એ સમયે રોમનોમાં ગુલામપ્રથા તો અનિવાર્ય જેવી હતી. પણ પેટ્રોનિયસ ગુલામોને ય દોસ્તની જેમ રાખે. અપૂર્વ સુંદરી પ્રિયતમામાંથી પત્ની બની, અને અઢળક સખા-સખીઓ ય ખરા.
લેખનકાર્ય કરતો પેટ્રોનિયસ મૂળ આજના ફ્રાન્સ (ત્યારના રોમન સામ્રાજ્યનો હિસ્સો) એમાં જન્મેલો. ક્રિએટીવ બ્રેઈન. કલર્સ અને ફેશનની સૂઝબૂઝ. એટલે રાજદરબારમાં એનો ઝપાટાબંધ દબદબો વધ્યો. ને તેજસ્વીતાથી જેમની આંખો અંજાઈ જાય, એ એની પાંખો કાપવા માટે ખટપટ કરે. એની પ્રગતિથી મનોમન બળી મરેલા ઝેરીલાઓએ જૂઠો અપપ્રચાર શરૂ કર્યો. રોમન સામ્રાજયની પડતી અને ધીરે ધીરે ક્રિશ્ચાનિટીના ઉદયનો એ કાળ હતો. સમ્રાટો રાજકાજ બીજી બધી બાબતોમાં બહુ સમજ ધરાવતા હોય, એવું કાયમ નથી બનતું. એટલે પ્રતિભાવાન માણસોનો સહારો ય લેવો પડે, ને એમની પાસે વાતોની એપ્રુવલ પણ. એટલે નીરોની નજરમાંથી પેટ્રોનિયસને પાડવાના કાવતરાંમાં વિઘ્નસંતોષીઓ કામિયાબ થયા.
પેટ્રોનિયસ નજરદેક થયો, અને એને 'રાજદ્રોહ' બદલ મારવાની સજા નક્કી થઈ. પેટ્રોનિયસના ય શુભચિંતકો ને ચાહકો હતા સત્તામાં આગોતરી જાણ થઈ. એ વીરલાએ 'આપઘાતનું આયોજન' કર્યું. જી હા, સેલિબ્રેશન ઓફ સ્યુસાઈડ ! પોલેન્ડના લેખક હેનરી સિન્કેવિકઝે એમની ૧૯૦૫માં નોબેલ જીતનાર નવલકથામાં પેટ્રોનિયસની અંતિમ ક્ષણોનું આલીશાન વર્ણન કર્યું છે.
દિવસે આરામથી મોડા ઉઠીને પેટ્રોનિયસે સુગંધી સ્નાન કરી શ્રેષ્ઠ ભપકાદાર વસ્ત્રો પહેર્યા. પ્રિયા એવી જીવનસંગિની ય તૈયાર થઈ. ગમતા દોસ્તોની સાંજે પાર્ટી રાખી. ખુદ સેનેટનો સભ્ય. સરસ ઘર. જીવન આનંદ છે, જલસો છે, એવું દ્રઢપણે માને. એની બેબાક કટાક્ષમય અને ફ્રેન્ક સ્પીચને લીધે ખાસ્સો પોપ્યુલર પણ ખરો. એ સમયમાં 'ઓથોરિટી ઓફ ટેસ્ટ' ગણાતો. એ સિલેકટ કરે, એમાં લોકોને ભરોસો હોય. સૌંદર્ય અને સુખ પર શરમ વિના ખુલીને બોલે.
એટલે મહેફીલ મજેદાર બની. રાજદરબારનું ફરમાન હજુ પહોંચ્યું નહોતું. પેટ્રોનિયસ તો શાર્પ બ્રેઈન ધરાવતો ઈન્ટેલીજન્ટ હતો. ભાવિ ભાખી લીધેલું. પોતાને પ્રિય એવી વાનગીઓ તૈયાર કરાવી. શ્રેષ્ઠ રૂપસુંદરી નર્તકીઓનો નાચ અને મધુર ગાયનવાદનની સાંજ સજાવી. ટેસથી સ્વાદિષ્ટ ભાવતાં ભોજન જમ્યો. નિક્ટ દોસ્તો સાથે મૃત્યુને એવી ફિલોસોફીની નહિ, પ્રકૃતિની કવિતા અને હાસ્યના ટૂચકાઓની વાતો કરી. ત્યાં 'સ્કેમ ૧૯૯૨' સિરિયલમાં હર્ષદ મહેતાની ઘેર ત્રાટકેલ સીબીઆઈની અદામાં સમ્રાટના દૂતો એની ધરપકડ (અને સંભવિત શિરચ્છેદ કેસના નાટક પછી) માટેનો આદેશ લઈ પ્રવેશ્યા. પેટ્રોનિયસ હસ્યો. ઈશારાથી એમને રોકાવા કહ્યું. વટ એવો કે ઝટ રોકી ન શકાય. પોતાના ચાકરોને બોલાવી એણે એમને ભેટસોંગાદો આપી.
એણે મદિરાનો જામ ઉઠાવ્યો. પોતાની પ્રિયતમા પત્નીને એના ખોળામાં બેસી એ પીવડાવવા કહ્યું. પીતાં પીતાં પેલા દૂતોને કહ્યું ''સમ્રાટને કહેજો પેટ્રોનિયસ એમના હુકમનો - ગુલામ નથી. આ જામમાં ઝેર ભેળવેલું છે. મેં મનગમતું જમીને, મનગમતા દ્રશ્યો જોતાં સાંભળતા, મનગમતી વાતો સાહિત્યની અને કલાની કરતા, મારા જ ઘરના બગીચામાં મને સૌથી વહાલી એવી અપ્સરા જેવી સુંદર સંગિનીના હાથે હું મારી મરજીથી જીવન સમાપ્ત કરું છું. નીરો ભલે સમ્રાટ રહ્યો, પણ મરવાનું તો એણે ય છે. બધાએ છે. પણ એના નસીબમાં આવું ભવ્ય મોત નહિ હોય. જીવ્યો તો મારી જ મરજીથી. મરું છું ય મારી મોજથી.''
કહેવાય છે કે આટલું કહીને પેટ્રોનિયસે એના ખોળામાં બેઠેલી પત્નીને આલિંગન આપી પ્રગાઢ ચુંબન કર્યું, અને એ પૂર્ણ પરિતૃપ્ત અવસ્થામાં જ દુનિયા છોડી ! એક જ શબ્દમાં કહેવું હોય તો... આનું નામ: ભાયડો ! મરદ કચુંબલ રંગ ચડે નો ખુમાર અકબંધ રાખીને જીવી ગયો. જેની કથા જો અત્યારે ય યાદ કરવી પડે.
ગુલાબી તબિયતના મિર્ઝા ગાલિબ યાદ આવી જાય ! હુઈ મુદ્દત કિ ગાલિબ મર ગયા, પર યાદ આતા હૈ... વો હર ઈક બાત પર કહેના કિ યૂં હોતા તો ક્યા હોતા ! અને એમના આગવા અંદાઝે બયાંમાં એની પહેલાના જ શે'રમાં એમણે લખેલું: ન હોતા ગર જુદા તન સે, તો જાનૂ પર ધરા હોતા. એ કોન્ટેકરટમાં કે જાનૂ (એટલે ઘૂંટણ) પર માથું રાખી ઝૂકવું, એના કરતા તો ટટ્ટાર ઉભા રહીને પણ મસ્તક કપાવી નાખવું સારું ! આ છે સરફરોશી. એવા જ તડકભડક જવાબોના શહેનશાહ ઓસ્કાર વાઈલ્ડને અમેરિકામાં કસ્ટમે પૂછ્યું કે તમારે કશું (કીમતી) ડિકલેર કરવાનું છે ? ને વાઈલ્ડે એના તલવાર જેવા ધારદાર તોફાની અંદાજમાં કહેલું: યસ, માય જીનિયસ. (સૌથી કીમતી તો મારું ભેજું છે મારી પાસે !) એ જ ખુદ્દારી સાથે એમના પ્રેમમય સદ્ભાવ અને શૃંગારમય રાસની ગેરસમજમાં ગુસ્સે ભરાયેલા સમાજને ખુલાસા કરવા જવાને બદલે ખુદ્દારીથી નરસિંહ મહેતાએ કહેલું: એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે ! (આ એ જમાનાનું 'હુ કેર્સ ?' હતું યુ નો !)
વી ફોર વેન્ડેટાનો ડાયલોગ યાદ છે ને ? વિપ્લવી મિજાજનો વિસ્ફોટ: એ સમાજ જે બધા જ સાહસો (વાંચો મોજ)ને ખતમ કરે છે, એ સમાજ (વાંચો બંધન)ને ખતમ કરવો એ જ મોટું સાહસ છે !
વિજયાદશમીએ કંઈ હવે બધા શસ્ત્રો લઈને ધીંગાણા કરવા નથી જતા. પણ આ ય એક વિજય છે. ટિપિકલ જમાનાથી 'ઉફરાં' (ડિફરન્ટ) ચાલીને ખુદની શરતોએ જીવવું એય જયોત્સવ છે. અઘરું છે, એટલે જ તો એમાં વિક્ટરી ફીલિંગ છે ! જેની સૌથી મોટી અહાલેક બધા જ પ્રેડિકટેબલ બોક્સની બહાર છલાંગ મારીને નીકળી જતા મહાવિજેતા શ્રીકૃષ્ણે લગાવી છે ! સખીઓ સાથે ખટ્ટીમીઠી નોંકઝોંક ને શિશુપાલે સુદર્શન પ્રહાર. યુદ્ધના મેદાનમાં ગીતાજ્ઞાાન અને ઈન્દ્રની જોહુકમી સામે ગોવર્ધનસંગઠ્ઠન. મોરપીંછ જેટલા રંગબેરંગી મૂડ હોવા એ ય હરિકૃપા !
આપણી શિક્ષણ પદ્ધતિ તો બંધિયાર બોક્સનો સમાજ બનાવે છે. ને કથિત ધાર્મિકતા ભીરૂ ભયભીત સમાજ. એટલે નાદાનો મોટે ભાગે જે 'આવું તે કેમ ચલાવી લેવાય ?'ના લાગણીદુભાઉ ગુસ્સામાં હોય છે, એ મૂળ તો એમના ફીઅર એન્ડ ફસ્ટ્રેશન બતાવે છે. એમને નથી મળ્યું, નથી સમજાતું કે નથી ગમતું એટલે કંઈ કોઈ ખોટું નથી થઈ જતું. એ પોતાના ટૂંકા માપે ઉંચા કદને માપવાની કોશિશમાં નિષ્ફળ જાય છે. માપવામાં કાચા પડે, એટલે કાપવામાં ઉતાવળા થાય ! પોતાની ફ્રેમમાં ફિટ ન થાય એવી ટેલન્ટથી મૂળ તો અંદરખાનેથી રહસ્યમય અંધકારમાં ગેબી ગુફામાં જતાં ડર લાગે, એવો જ ભય લાગતો હોય ! અકળ ચીજો બીવડાવે. એટલે અજવાળામાં શાંતિ થાય કે બધું ચોખ્ખું દેખાઈ જાય !
પબ્લિકને આજકાલ બહુ પાગલપન ચડયું હોય છે, - બીજાએ કેમ જીવવું એના જજ-મેન્ટલ કાજી થવાનું. કાઠિયાવાડી મિજાજમાં કહેવાતું આવા વાયડાવેદિયા બબૂચકવિવેચકોને: ''તમારા બાપનો બાજરો નથી ખાતા કે ગોલાપા કરીએ !'' પબ્લિક ફિગરને પબ્લિક પ્રોપર્ટી સમજી સલાહો દેવા ચોંટી જનાર ઈમોશનલ બ્લેકમેઇલ કરે કે ''અમે તમારા ચાહક કે વોટએવર મટી જઈશું તો પછી તમારી હસ્તી જ નહિ રહે !'' એરે ઉજડે ચમન ચંબૂચંપૂ, અહીં એક દહાડે આ કાયા જ પસ્તી થઈ જવાની છે, ત્યારે તારાં ત્રાંગાથી અમારી મસ્તી રોકી દઈએ ? તાળીઓ કોઈ કટોરો લઈ ભીખમાં ઉઘરાવી છે ? પૂરી નિષ્ઠાથી, મહેનતથી, સચ્ચાઈથી, ઈમાનથી નસો તોડી તોડીને આંખો ફાડી ફાડીને કામ કરીને એકધારું પીરસ્યું છે. પ્રેમ મળે ત્યાં આદર આપવા ચરણસ્પર્શ કરી લઈએ. પણ કરોડરજ્જૂ કોઈ પાણી પીતાં જીરાફનું રમકડું નથી કે પગ પકડી લઈએ. વ્હાલ કરશો તો કાળજાના કટકા આપીશું, પણ ધમાલ કરશો તો બટકાં ય ભરી લઈશું.
જેને નાકના શેડાં લૂંછવાની ભાન ન પડતી હોય એ તમારે શું ખાવુંપીવું એની પંચાત કરવા આવે, જેને શેરીમાં ઉંદરડા સૂંઘતા ન હોય એ તમારે કેમ જીવવું એના નિયમ ઠોકવા આવે. કારણ કે આઝાદમિજાજની ખુદ-ખુશી સહન નથી થતી. પોતે નકલ મારતા હોય, જાતે તો કટાક્ષ પણ ન કરી શકે એટલે મિમિક્રી મારતા ફરે એમાં બીજાને ય એમના જેવા માની લે. પોતે ચાપલૂસી, સેટિંગ ને જૂથવાદ જમાવતા હોય એટલે સહજસરળ કોઈ સાચા સાફદિલ રહી જીવી શકે, એ એમને ગળે જ ન ઉતરે ! સમજાય જ નહિ ! બુદ્ધિબુઠ્ઠાઓને ધરતી પર ધક્કો થયો હોય છે, એટલે સરસ જીવનાર દરેક એમને દુશ્મન લાગે છે. અભણ કોઈને દરેક બુદ્ધિશાળી વિરોધી લાગે છે.
આવાઓને ઈગ્નોર કરવાના ને છતાં ય દોડયા આવે તમારી સ્પેસ કે લાઈફમાં દખલ કરવા તો છડેચોક શબ્દોથી સોલારીને તોડી જ પાડવાના હોય. નહિ તો તમારે કેમ રહેવું, તમારા છોકરાંઓએ ક્યાં ફરવું, તમારે ઘેરબેઠાં ય શું જોવું, તમારે કેમ વ્યક્ત થવું, તમારે કેવા રંગો પહેરવા એ તમામ રિમોટ કન્ટ્રોલ એ ઝંડૂર ઝોમ્બીઓના ટોળાં - એમના હાથમાં લઈ લેશે. આ પણ એક રણસંગ્રામ છે. જેમાં ય લડવું પડે, ખુલ્લી છાતીએ લોગ ક્યા કહેંગેની ડોશીચર્ચા વિના કૂથલી તરફ કવચ ચડાવી લઈને.
પોતાની શરતોએ જીવનારાઓની ય એક દુનિયા છે. એક પેરેલલ યુનિવર્સ છે. એ તકલીફ હશે તો ય તક માંગશે. હારતા હશે તો ય હક માંગશે. સ્માર્ટ હશે તો ટાઇમિંગ ચેક કરશે, પણ કળાના કવરમાં છુપાવીને ય સત્ય કહેતા ખચકાશે નહિ. વિવેકથી વંદન ને વખાણ કરશે, પણ કોઈના ઈશારે જીવતા પપેટપોપટા
નહિ બને. તમારે ક્યારે કઈ બાબતે હસવું એ ય જો બીજાને પૂછીને નક્કી કરવું પડે, તો યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુઉલ્લુ ? ક્લીન્ટ ઈસ્ટવૂડની અફલાતૂન 'ઈનવિકટીયસ' ફિલ્મ સત્યઘટના પર બની છે. એમાં ગાંધી શિષ્ય નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના લાંબા જેલવાસ બાદ પ્રમુખ થઈ, કટ્ટરવાદમાં ફાટીને ધુમાડે ગયેલા એમની જ સંસ્કૃતિના સમર્થકોને ઘઘલાવવા જાય છે. જે એમના જ ચાહકો છે. સેક્રેટરી કહે છે: સર, એમને આ ગમશે નહિ. મંડેલા કહે છે. ''જો હું નેતા છું, તો મારા જ લોકો જ્યાં ખોટા હોય ત્યાં એમને ટોકવા-રોકવા એ ય એમની ચાહના બદલ નિભાવવા જેવી મારી ફરજ છે ! સેક્રેટરી કહે છે: તમારાથી લોકો નારાજ થશે. તમે તમારી કારકિર્દી - જોખમમાં મુકો છો મંડેલાનો જવાબ: ધ ડે આઈ એમ - અફ્રેઈડ ટુ ડુ ધેટ, ઈઝ ધ ડે આઈ એમ નો લોંગર ફિટ ટુ લીડ. મારા હોય એટલે જો હું એમને એમની મર્યાદાનું ભાન કરી એમના હિત ખાતર સત્ય કે પ્રેમના પાઠ ન ભણાવું, તો હું એમનો લીડર (વાંચો, પોપ્યુલર સ્ટાર સેલિબ્રિટી) થવાને લાયક જ નથી !''
ડિટ્ટો લાઇક લિંકન, ગાંધી, ઓશો. ભરતીમાં નાવડી ટેકવીને તો કોઈપણ મંઝિલે પહોંચે. કસોટી તો સામા પૂરે તરવામાં છે. એ મસ્તમૌલા એટીટયુડ માટે જોઈએ કલેજું. જીગર. બીજા હજાર ગુણોના ઉપદેશ કરી લો, પણ કલેજું હશે તો જ કોઈ પણ સારા લક્ષણને લાંબો સમય ટકાવી શકશો. ડરી ડરીને મરી મરીને, વાતેવાતમાં જગતની એપ્રુવલ લઈને, પોતાના પૈસે પોતાની પસંદથી બિન્દાસ જીવવા માટે ય જો માફીઓ માંગવી પડે કે ગભરાઈને બદલાવું પડે તો આઝાદી શું કામની ? એ ઈન્ડિપેન્ડન્સ કેવી જેમાં 'ફ્રીડમ ટુ બી' જ ન હોય ? ખુદની ઓરિજીનાલિટીને એક્સપ્રેસ કરવાને બદલે પરંપરા, મર્યાદા, નિયમોની જડ ચંગૂલમાં સપ્રેસ કરવા પડે.
સમજણમાં સંવેદનામાં, શિસ્તમાં જંગલીઓથી ય પછાત હોય એવા લોકોને ચસકો હોય છે, બીજાને ય પરાણે પોતાની જેવા ઠૂંઠા બનાવી દેવાનો, જેમા નવી વસંત, નવા ફૂલો હોય જ નહિ. આજકાલ ધર્મના નામે આગળને બદલે પાછળ જવાનો ટેરર ટ્રેન્ડ આખી દુનિયામાં છે. રેડિકલ ઇસ્લામની ટીકા કરતાં કરતાં બીજાઓ એની જ કોપી કરીને ગાંડિયાધમાલિયા થઇ રહ્યા છે.
માંડ માંડ સુધારકોએ માનવજાતને થોડીઘણી લિબરલ, મોડર્ન, હ્યુમન કરી ત્યાં તો બધી આધુનિકતાનો ભૂક્કો કરી ઉત્ક્રાંતિના ફોરવર્ડ ગીઅરને બદલે ઉધારીના રિવર્સ ગીઅર મારવાવાળા અકોણા અહંકારી ટચીટોળાઓ વધતા જાય છે. જેમને ધખારો ખુદ ઇશ્વરઅલ્લાહગોડ વોટનોટ બની બીજાઓનો ન્યાય તોળવાનો છે. એમના કાદવકીચડમાં ધરાર બીજાને ઘસડવાનો છે.
એમની ફેઇથ એ એમના પુરતી પર્સનલ નથી રાખતા, પણ બીજા પાસે ય પરાણે, જોરજબરદસ્તીથી પળાવવાના દાનવી દુરાગ્રહ રાખે છે. ત્યારે પોતાની મરજી અને મોજ મુજબ જીવવું એ ય જીતવા જેવું જ પરાક્રમ છે. અનાઇસ નિને કહેલું એમ 'હું જળપરી છું. મને છીછરી સપાટી પર જીવવાનો ડર લાગે છે, પણ ગહન ઉંડાણનો કોઈ ભય નથી !''
બસ, આઝાદમિજાજીથી જીવવું એ જ ચિત્કારને પોકાર છે. આપણી સીધી લીટીમાં જીવતી આડી પ્રજાને સમજાતું નથી કે બધું વ્યાખ્યાઓ મુજબ જ હોય તો જિંદગી જ એક યંત્ર બની જાય. માણસ મશીન ન હોય. એ પધ્ધતિસર ગોઠવેલું ખોખું નથી. તમારા ખાનાનું. મૂળથી ઉપર ઉઠીને ઉંચે વિસ્તરતા વૃક્ષની ડાળેથી ઉડાન ભરતું પાંખો ફફડાવતું પંખી છે.
તમારા જજમેન્ટસને સંસ્કારના રૂપાળાં નામ નીચે થોપી દીધેલા રૂઢિચુસ્ત બંધનોમાં એ રૂંધાઈ ગુંગળાઈ જશે. તમને એની કોઈ વાત ન ગમે, કે એના સ્વભાવનું કોઈ પાસું વિચિત્ર લાગે તો પરફેકશનનો તમારો આગ્રહ એ પ્રોબ્લેમ છે ! વહેતા પવનને કદી ફરિયાદ કરી કે આમ ધીમો કે ઝડપી કેમ અત્યારે ?
થોડી જીદ, થોડું પેશન, થોડી સ્વતંત્રતા, થોડા કોન્ફિડન્સ, થોડી નવીનતા, થોડી ઇમેજીનેશન... એનાથી જ તો કોઈ સર્જક જગતથી અલગ બને છે. ડાહ્યાડમરા બનાવવાના નામે આ બધું જ છીનવી લેશો, તો પછી એનું એગ્રેશન ફોર ક્રિએશન પણ જતું રહેશે. જો ટણીની અણી ન હોય તો લાંબી યાત્રા ય ન હોય કર્મની. સમજુ હોશિયાર સમાજ આવા મૂડને ગુડ ગણી સાચવી લે છે. ઝીલવાનું ઝીલે છે. તાર ખેંચી વણાટ વીંખતો નથી. અભણ ટોળાઓ પતાવી દે છે.
ભલે પોતે કશું ઘડી ન શકે, પણ તોડી શકે. પણ સો ઘર બાળવાથી, સો પુસ્તકો ફાડવાથી, સો શિલ્પો ભાંગવાથી એક બનશે નહિ, લખાશે નહિ, ઘડાશે નહિ. બંધ ઓરડામાં ખેતી ન થાય. સિકસરો અને ચુંબનોમાં ડહાપણ નહિ, ડેરિંગ હોય. એમ ભાષા કોઈ દીક્ષાની કંકોત્રી લખવા માટે ન હોય, દોઢડહાપણને જનોઇવઢ ચીરી ય નાખે શબ્દો તો
ટાગોરે કહેલું કે 'પતંગિયું મહિનાઓમાં નહિ, ક્ષણોમાં જીવે છે અને એના માટે એ પૂરતું છે.' મતલબ, રંગ-સુગંધની સંગાથે એ ભરપૂર જીવી લે છે. જોન કીટસે કહેલું એમ 'ત્રણ દિવસમાં પતંગિયા પાસે એટલો આનંદ છે, જે ઘણાને ૫૦ વર્ષની કોમન લાઇફમાં નથી.' ખુદના જેવા બનવું ને હોય એવા દેખાવું એ મોટી મથામણ છે. માણસોને બારીઓના કાચ પારદર્શક જોઇએ છે, પણ જીવન અપારદર્શક રાખવું છે. ટેલીવિઝન કલર લેવા છે, ને વિઝન બ્લેક એન્ડ વ્હાઇટ રાખવું છે. કારમાં લાઇટ રાખવી છે પણ ઘરમાં ટાઈટ રહેવું છે.
ગંભીર ગુનાને બાદ કરતા, નેવર એપોલોજાઇઝ ફોર વોટ યુ આર. આપણને જે ગમે, આપણે જે હોઇએ એ માટે કદી દિલગીર ન થવું. મોજની ખોજમાં રહેવું. ઘૂઘવે નહિ એ દરિયો નહિ, વરસે નહિ એ વાદળ નહિ. બ્યુટી ગમે તો ગમે. વાઘના ચટાપટા હોય કે વામાના વળાંકો. નહિ તો કીકીઓ શું સેન્સેક્સના ગ્રાફ ગણવા જ આપી છે કુદરતે ? સાડા હક ઇથ્થે રખમાં ઇરશાદ કામિલે લખેલું ને - મરજી સે જીને કી ભી ક્યા તુમ સબ કો મૈં અર્જી દૂં ? મારા જીવન પર હક જતાવી ધોંસ જમાવનાર તમે છો કઇ વાડીના મૂળા ? પૂળો મૂકો તમારી અપેક્ષાઓ પર. આઈ એમ નોટ યુ.
'કલર પર્પલ'ની ખમતીધર નાયિકા કહે છે 'હું અલૌકિક ચૈતન્યની અભિવ્યક્તિ છું. જેમ કોઈ ફળ હોય, કોઈ માછલી હોય, એમ હું છું. ને મને અધિકાર છે એમ હોવાનો. એ મારી ખામી નથી કે સોરી કહું. એ કોઈ અપરાધ નથી કે મારી પ્રકૃતિ તમારે માટે બદલાવી નાખું ! મારી એવી કોઈ ઇચ્છા ય નથી.
સફળ થવાના નામે મારે 'બીજા જેવા' નથી બનવું. જેવા છીએ એવા ય ધોધમાર છીએ, અનલિમિટેડ. જે અનુભવો છે એ પોતીકા છે, અને એટલે કોઈ પાસે (સ્ટેમ્પ મારીને)ર વેલિડ કરાવવાના નથી. એ સમજાવવાની જવાબદારી અમારી નથી, સમજવાની જવાબદારી દુનિયાની છે. જો એ ઓળખ-પરખની પસંદ કરે તો !'
યસ, વધુ એક દશેરાદિને જન્મતિથિનો 'પૃથ્વીવલ્લભ' સ્ટાઈલનો સંકલ્પ જ આ. ટ્રેડિંગ સોનારૂપા ને દાળચોખાના હોય. જન્મજાત ઓરિજીનાલિટીના નહિ. ખજૂર ને ખારેકમાં સ્વાદનો ને ભાવનો ફેર. સિંહ સાપ ન થાય ને ગજ ગરૂડ ન થાય. સેલિબ્રેટ વરાયટી ઓફ લાઇફ, ડોન્ટ ચેન્જ ઇટ. બાળક જેવા બનો. મૈં જો ચાહે યે કરું, મૈં જો ચાહે વો કરું... મેરીઇઇઇ મર્ઝીઇઇઇ. ન ગમ્યું ? તો નમસ્તે, પડો રસ્તે. ખીખીખી.
ફાસ્ટ ફોરવર્ડ
જીધર જાતે હૈ સબ, જાના ઉધર અચ્છા નહીં લગતા
મુઝે પામાલ (રેગ્યુલર) રાસ્તોં કા સફર, અચ્છા નહીં લગતા
ગલત બાતોં કો ખામોશી સે સુનના, હામી ભર લેના
બહુત ફાયદે હૈ ઇસમેં, મગર અચ્છા નહીં લગતા !
(જાવેદ અખ્તર)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31CWrGC
ConversionConversion EmoticonEmoticon