કેન્યાની માઈલસ્ટોન દોડવીર વિરાંગના પેરેઝની હાફ મેરેથોનમાં વિશ્વવિક્રમી સફળતા


ધા રેલા લક્ષ્યની પ્રાપ્તિને સફળતાની તૃપ્તિ સાથેનું પૂર્ણવિરામ માની લેવું એ પછીની મહાન સંભાવનાઓની મર્યાદિત ઓળખના સ્વીકાર જેવું છે. જિંદગી ક્યારેય કોઈ સફળતાના બિંદુ પર અટકી જતી નથી. મન ચોક્કસ સુખાળવા પ્રદેશમાં થોડું વધુ રહી જવાની જીદ કરતું હોય છે, પણ જિંદગીની દરેક સફળતાને લાંબી મુસાફરીનો એક પડાવ માત્ર માનીને આગળ વધનારા વ્યક્તિઓ જ ભવિષ્ય માટે સીમાચિહ્ન બની રહે છે.

મુશ્કેલીઓ અને પડકારો તો જિંદગીના હીરા પર પાસા પાડનારી કઠોર કૃપા જેવા છે. જેની આકરી કસોટીમાં વારંવાર ઘસારાનો અનુભવ જ હીરાને તેની ખરી ચમક અપાવે છે અને તે ચમકને દુનિયા મુગ્ધ થઈને જોઈ રહે છે. આવી જ ચમકદાર વિશ્વવિક્રમી સિદ્ધિઓ કેન્યાની ૨૭ વર્ષની મહિલા એથ્લીટ પેરેઝ જેપ્ચિચરે હાંસલ કરી લીધી છે.

આમ તો આફ્રિકન મૂળના લોકો ગજબનું શરીર સૌષ્ઠવ ધરાવે છે. એમાંય કેન્યાના એથ્લીટ્સ તો દુનિયાભરની લાંબા અંતરની દોડ સ્પર્ધાઓમાં છવાયેલા રહે છે અને આ જ પરંપરાને પેરેઝે આગળ ધપાવતા હાફ મેરેથોન સ્પર્ધામાં પોતાનો જ વિશ્વવિક્રમ તોડી નાંખતાં વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો તાજ પાછો મેળવી લીધો છે.

આંતરરાષ્ટ્રીય રમત જગતમાં હાલ માતા બન્યા બાદ પુનરાગમન કરનારી મહિલા એથ્લીટ્સની બોલબાલા છે અને તેમાં પેરેઝ વધુ એક ઉદાહરણરૂપ એથ્લીટ તરીકે ઉભરી છે. માતા બન્યા બાદ રેસિંગની દુનિયામાં પુનરાગમન કરનારી પેરેઝને માટે છેલ્લા બે મહિના સ્વપ્નમયી સફળતાના રહ્યા છે, જેમાં તેણે બે વખત વિશ્વવિક્રમ સર્જતાં રેકોર્ડબુક્માં અમર સ્થાન મેળવ્યું છે. 

લાંબા અંતરની દોડમાં મેરેથોન વિખ્યાત છે, જેમાં ૪૨.૨ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. જ્યારે છેલ્લા બે-ત્રણ દાયકામાં લોકપ્રિય બનેલી હાફ મેરેથોનમાં એથ્લીટ્સને ૨૧ કિલોમીટરની દોડ લગાવવાની હોય છે. મહિલાઓની હાફ મેરેથોનમાં છેલ્લા ચાર વર્ષમાં ચાર વખત વર્લ્ડ રેકોર્ડ તૂટયા છે, જેમાંથી ત્રણ વખત પેરેઝે આ સિદ્ધિ આંચકી લીધેલી છે.

પોલેન્ડના જીડાયનિયામાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ હાફ મેરેથોન ચેમ્પિયનશિપમાં પોતાના જ વિશ્વવિક્રમમાં ૧૮ સેકન્ડનો સુધારો કરતાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે આ રેસ એક કલાક, પાંચ મિનિટ અને ૧૬ સેકન્ડમાં પૂરી કરી હતી. પેરેસના નામે આ બીજું વર્લ્ડ ટાઈટલ અને ત્રીજો વિશ્વવિક્રમ નોંધાયો છે, જે તેને હાફ મેરેથોનના ઈતિહાસની મહાન એથ્લીટ્સનો તાજ આપવા માટે પૂરતાં છે.

હજુ  ગત મહિને પાંચમી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ઝેક રિપબ્લિકના પ્રાગુઈની હાફ મેરેથોનમાં પેરેઝે તેની ઈથોપિયન હરિફ નેટ્સાન્ટે ગ્યુદેતાનાના વિશ્વવિક્રમમાં ૩૭ સેકન્ડનો સુધારો કરીને સનસનાટી મચાવી હતી. હાઈટેક બનેલી રેસમાં ખેલાડીઓ પરનું દબાણ વધ્યું છે અને પડકારો વધુ આકરા બન્યા છે, ત્યારે સ્પર્ધામાં ટકી રહેવાની સજ્જતા અને માનસિકતાને કેળવવા માટે આત્મવિશ્વાસ જરૂરી હોય છે અને પેરેઝે તમામ વિઘ્નોને પાર કરીને ઈતિહાસ રચી દીધો છે.

આફ્રિકન ખેલાડીઓની સફળતા એ વાતનું પ્રમાણ છે કે, સફળતા માત્ર લાયકાતને વરે છે, નહિં કે, સંપન્નતાને ! એથ્લેટિક્સ માટે પશ્ચિમી દેશો જેવી આધુનિક માળખાગત સુવિધાઓ અને તાલીમ માટેની વ્યવસ્થા ન હોવા છતાં કેન્યન ખેલાડીઓ હાફ મેરેથોન અને મેરેથોનમાં તો મોટાભાગે અન્ય તમામ દેશોના સ્પર્ધકો કરતાં આગળ જ રહેતા હોય છે. કેન્યાનું કુદરતી વાતાવરણ અને સંઘર્ષમય જિંદગી વ્યક્તિને દોડવાની પ્રેરણા આપતી રહે છે અને ખેલાડીઓ એવી દોડ લગાવે છે કે તેઓ રોજબરોજની મુશ્કેલીઓ અને આથક સંકડામણને ક્યાંય દૂર છોડી દે છે.

કેન્યાના એક બહોળા ખેડૂત પરિવારમાં જન્મેલી પેરેઝના માથેથી બાળપણમાં જ માતાનો વ્હાલસોયો છાંયો છીનવાઈ ગયો. ખેતીમાં પરોવાયેલા પરિવારની મદદ કરવાની સાથે સાથે અભ્યાસ પર ધ્યાન આપતી પેરેઝને શાળાએ જવા માટે રોજ પાંચ કિલોમીટરની દોડ લગાવવી પડતી.

રોજબરોજની ઘટમાળમાં સતત દોડતી રહેલી આ નાનકડી કિશોરીમાં કુદરતી રીતે જ લાંબા અંતરની એથ્લીટ તરીકેની પ્રતિભાનો વિકાસ થયો. કેન્યામાં માત્ર દોડી દોડીને પોતાની જિંદગીને નવી ઊંચાઈએ પહોંચાડનારી પ્રતિભાઓની ભરમાર છે અને તેમની સફળતા અને સિદ્ધિઓ કેન્યાની નવી પેઢીની આંખોમાં ઉગતા સપનાંમાં મેઘધનુષી રંગો પૂરે છે.

નાનકડી પેરેઝ પર કેન્યાની હાફ મેરેથોન એથ્લીટ મેરી કૈસ્તાનીની સફળતાએ ઘેરી અસર છોડી હતી. મેરીએ હાફ મેરેથોનમાં વિશ્વવિક્રમ રચ્યો હતો અને આ સફળતાએ તેની જિંદગીને રાતોરાત બદલી નાંખી હતી. આ જોઈને પેરેઝ પણ ભવિષ્યના સપનામાં ખોવાઈ જતી. થોડા સમય બાદ તેની મુલાકાત મેરી કૈસ્તાની સાથે જ થઈ અને તેણે તેના ટ્રેનિંગ પાર્ટનર્સમાં પેરેઝને પણ સામેલ કરી લીધી.

કેન્યામાં વૈશ્વિક સફળતા મેળવનારા ખેલાડીઓ જુદા-જુદા વયજૂથના અન્ય ખેલાડીઓને ટ્રેનિંગ પાર્ટનર્સ તરીકે પસંદ કરે છે અને એક ટીમ બનાવીને પ્રેક્ટિસ કરતાં રહે છે, જેના કારણે નવી પ્રતિભાઓને નિખાર મળતો રહે છે.કિશોરાવસ્થાથી યુવાની સુધી પેરેઝની કારકિર્દીને ઘડવામાં મેરીની ભૂમિકા નિર્ણાયક રહી. 

પેરેઝ ધીરે ધીરે કેન્યાની રાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓમાં સ્થાન મેળવી લીધું અને આંતરરાષ્ટ્રીય રોડ રેસની ઈવેન્ટસમાં પણ તે ભાગ લેવા માંડી. આ દરમિયાન કેન્યાના એથ્લીટ્સની તાલીમ માટે કટિબદ્ધ ઈટાલીયન એથ્લેટિક્સ કોચ ગેબ્રિયેલ નિકોલાએ પેરેસની કારકિર્દીને આગળ ધપાવવામાં મદદ કરવા માંડી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈ રહેલી પેરેઝની આથક મુશ્કેલી ધીરે ધીરે દૂર થવા માંડી હતી, પણ સફળતા હજુ તેનાથી ઘણી દૂર હતી.

પેરેઝ અને કોચ ગેબ્રિયેલની જોડી અસરકારક પરિણામો માટે મહેનત કરી રહી હતી, ત્યાં જ ગેબ્રિયલને તેમના વતન ઈટાલી પાછા ફરવું પડયું. આ કારણે પેરેઝની કારકિર્દીને થોડી અસર થઈ પણ આંતરરાષ્ટ્રીય સંચાર ક્રાંતિને સહારે તે નિયમિત રીતે કોચનું માર્ગદર્શન ડિજિટલ માધ્યમથી મેળવતી રહી.

૨૨ વર્ષની ઉંમરે તેણે લંડન મેરેથોનમાં ભાગ લીધો. જેમાં તે રેસ પુરી કરી શકી નહતી, પણ આ નિષ્ફળતા બાદ તેણે પોતાનું સમગ્ર ધ્યાન હાફ મેરેથોન અને તેના જેવી મેરેથોન કરતાં ઓછા અંતરની રેસ પર કેન્દ્રીત કર્યું, જે માટે જ ખરેખર તેણે એથ્લેટિક્સ પસંદ કર્યું હતુ.બાળપણનો સંઘર્ષ અને વર્લ્ડ રેકોર્ડ ધારક મેરી કૈસ્તાની સાથે કરેલી પ્રેક્ટિસ તેમજ કોચ ગેબ્રિયેલના માર્ગદર્શનના પરિણામ સ્વરૂપ પેરેઝની કારકિર્દી  હવે હાફ મેરેથોનને રસ્તે વળી અને તે હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટોચના એથ્લીટ્સની હરોળની નજીક પહોંચવા માંડી હતી. આ દરમિયાન ૨૦૧૬નું વર્ષ તેના માટે ટનગ પોઈન્ટ સમાન સાબિત થયું, તેણે ઈંગ્લેન્ડના કાર્ડિફમાં રમાયેલી હાફ મેરેથોન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટ એમ બેવડી સુવર્ણ સફળતા હાંસલ કરી. જેના કારણે વૈશ્વિક સ્તરે તેને અલગ ઓળખ મળી.

આ પછીના વર્ષે તેણે યુએઈમાં હાફ મેરેથોનનો નવો વિશ્વવિક્રમ સ્થાપિત કરતાં રેકોર્ડબૂકમાં સ્થાન મેળવી લીધું. તેની માટે આ વિશ્વવિક્રમ ભાવનાત્મક સફળતાના શિખરસ્વરૂપ એટલા માટે હતો, કારણ કે તેણે તેના આદર્શ સમી મેરી કૈસ્તાનીનો જ વિશ્વવિક્રમ તોડી નાંખ્યો હતો.

આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતા અને કારકિર્દીને આગળ ધપાવતી રહેલી પેરેઝે તેના સાથી એથ્લીટ ડેવિસ એન્જેનો સાથે પ્રભુતામાં પગલાં પાડયા. વિશ્વવિક્રમી સિદ્ધિ મેળવ્યા બાદ તેણે બ્રેક લઈ લીધો અને તે નાનકડી નાતાલીની માતા પણ બની. એક વર્ષ સુધી એથ્લેટિક્સની દૂર રહ્યા બાદ તેણે ગત વર્ષે જ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સમાં પુનરાગમન કર્યું. જોકે થોડા જ સમયમાં કોરોનાના કહેરના કારણે બધુ થંભી ગયું અને કેન્યાએ પણ સામૂહિક પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકી દીધો. જોકે આ દરમિયાન પેરેઝ તેના પતિ એન્જેલોની સાથે કેન્યાના પર્વતીય પ્રદેશોમાં પ્રેક્ટિસ કરતી.

કોરોના છતાં સાવચેતીના માહોલમાં શરૂ થયેલા એથ્લીટ્સમાં પેેરેઝ પણ ધીરે ધીરે રફ્તાર પકડવા માંડી.પ્રાગુઈમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યાના બીજા જ મહિને તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિશ્વવિક્રમ સાથે સુવર્ણ જીતીને તેની પ્રતિભાનું વધુ એક પ્રમાણ દુનિયાને દેખાડયું. પેરેઝ હવે તેની પ્રતિભાને કસોટીના એરણે ચડાવવાની તૈયારી કરી રહી છે અને હવે તેણે મેરેથોનની તૈયારી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આવતા વર્ષના ટોકિયો ઓલિમ્પિક પણ તેના દૂરોગામી લક્ષ્યોમાં સામેલ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ktDc9Q
Previous
Next Post »