'શ્રી સચ્ચિદાનંદ ઘનસ્વરુપિણે
કૃષ્ણાય ચાનન્ત સુખા ભિવર્ષિણે ।
વિશ્વોદ્બવસથાન નિરોધ હેતવે
નમો વયં ભક્તિ રસાપ્તયેડનિશમ્ ।।
સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ, વિશ્વની ઉત્પત્તિ,
સ્થિતિ અને સંહારના હેતુ (કારણ) રૂપ,
અનંત આનંદ ચોમેર, સતત અભિવર્ષણ
કરનારા (વરસાવનારા) ભગવાન શ્રીકૃષ્ણને ભક્તિ રસની સતત પ્રાપ્તિ માટે અમે નમસ્કાર કરીએ છીએ.'
શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, સ્કંદપુરાણ, વિષ્ણુખંડ નંદનંદન ભગવાન શ્રીકૃષ્ણ સદાનંદ વિગ્રહ (સ્વરૂપ) છે. તે આત્મારામ અને આપ્તકામ છે. તે પ્રેમીજનોને એટલે કે પ્રેમભક્તિ કરનારાને અનુભવથી જ્ઞાાાત થનારા છે. શ્રીકૃષ્ણ આત્મારામ છે તો તે કોનામાં રમણ કરે છે ? એમનો આત્મા કોણ છે ? તે રહસ્યનું ઉદ્ધાટન કરતાં કહેવાયું છે -
'આત્મા તું રાધિકા તસ્ય તથૈવ રમણાદસૌ ।
આત્મારામ તથા પ્રાજ્ઞાૌઃ પ્રોચ્યતે ગૂઢ વેદિભિઃ ।।
પરમાત્મા શ્રીકૃષ્ણનો આત્મા રાધિકા છે. શ્રીકૃષ્ણ શ્રીરાધા સાથે રમણ કરે છે. રાધા એમની આઈાદિની શક્તિ છે. વેદોએ પરમ તત્ત્વ પર બ્રહ્મને 'રસો વૈ સઃ તે રસરૂપ છે' તેમ કહ્યું છે. શ્રીકૃષ્ણ પર બ્રહ્મ છે એટલે તે રસરૂપ છે. યદિ હરિસ્મરણે સરસં મનઃ ... જો શ્રીહરિના સ્મરણમાં મનને સરસ (રસમય) કરવાની ઇચ્છા હોય તો જયદેવ કવિએ રચેલું 'ગીતગોવિંદ' કાવ્ય તેની પૂર્તિ કરનારું છે એમ કહેવાયું છે.'
રાસ એટલે પરમ આનંદરસનો સમૂહ. રાસ એટલે પરાકષ્ઠાનો સર્વૌત્કૃષ્ટ ચરમ સીમાનો અલૌકિક આનંદ. એટલે જ શાસ્ત્રોએ 'રસાનાં સમૂહઃ ઇતિ રાસઃ' એવી એની વ્યાખ્યા આપી છે. જો સુખ બ્રહ્માદિક ન હિ પાયો સો ગોકુલ કી ગલિન બહાયો । જે સુખ બ્રહ્મા, શિવ વગેરે આદિ દેવોને પણ અનુભવગત થયું નહોતું તેનું ભગવાન શ્રીકૃષ્ણે વ્રજભૂમિમાં પ્રગટ થઇ પૂર વહાવ્યું. વૃંદાવન ભગવાન શ્રીકૃષ્ણની 'રાસસ્થળી' છે જ્યાં સદાનંદ રૂપ શ્રીકૃષ્ણે અનન્ય ભક્તો એવી ગોપિકાઓના હૃદયમાં રાસના માધ્યમથી બ્રહ્માનંદથી પણ ઉત્કૃષ્ટ એવું અલૌકિક ચરમ આનંદની અનુભૂતિનું પરમ સુખ પ્રગટ કર્યું.
શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણે મનને હરી લેનારું વેણુગાન કર્યું. કૃષ્ણમનસ્કા ગોપીઓએ પ્રેમવૃધ્ધિ કરનારું ગીત સાંભળી ભગવાન જ્યાં વેણુ વગાડી રહ્યાહતા ત્યાં વૃંદાવનમાં સર્વ લૌકિક કાર્યોનો ત્યાગ કરી દોડી આવી. એમની અનન્ય નિષ્ઠાથી પ્રસન્ન થઇ ભગવાને લઘુ રાસ ખેલી એમને સ્વરૂપાનંદની અનુભૂત કરાવવાની શરૂ કરી. એમનામાં સૌભાગ્ય મદ (પોતે ભાગ્યશાળી છે એવું સૂક્ષ્મ અભિમાન) આવતાં ભગવાન અંતર્ધાન થઇ ગયા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા વિકારો કે દોષો હોય ત્યાં ભગવાન રહેતા નથી. ગોપીઓને પોતાનાદોષનો ખ્યાલ આવ્યો એટલે એમણે પશ્ચાત્તાપ કર્યો અને ભગવાનમાં તન્મનસ્ક બની ભગવદ લીલાનું અનુસરણ કર્યું. વિરહાતુર હૈયે, શુધ્ધ હૃદયથી ગોપીગીત તરીકે પ્રસિદ્ધ એવું ગીત ગાયું અને કૃષ્ણ દર્શનની ઉત્કટ ઇચ્છાથી હૌયાફાટ રૂદન કર્યું ત્યારે ભગવાને પુનઃ પ્રકટ થઇ એમની સાથે મહારાસ ખેલવાનો પ્રારંભ કર્યો.
રાસલીલાના આ પ્રસંગનું વર્ણન કરતાં શુકદેવજી શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધના ત્રેંત્રીસમા અધ્યાયના ૧૭મા શ્લોકમાં કહે છે ઃ રેમે રમેશો વ્રજસુંદરીભિર્યથાર્ભકઃ સ્વપ્રતિબિમ્બવિભ્રમઃ ।। જેમ કોઈ બાળક ભ્રમણાથી પોતાના પ્રતિબિંબ સાથે ખેલે એવી રીતે લક્ષ્મી પતિ ભગવાન શ્રીકૃષ્ણ વ્રજસુંદરીઓ સાથે રાસ ખેલવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણ બિંબ સ્વરૂપ છે અને બધા પ્રાણીઓ એમનાજ પ્રતિબિંબો છે એવો ધ્વન્યાર્થ એમાંથી પ્રગટ થાય છે. ગોપિકાઓ મૂળભૂત રીતે ભગવાનની જ શક્તિઓ છે જેમની સથે શ્રીકૃષ્ણે રાસ ખેલ્યો છે. આત્મારામ શ્રીકૃષ્ણનું એમના જ આત્મારૂપ રાધિકા અને શક્તિઓ રૂપ ગોપિકાઓ સાથેનું આ રસ સમાધિ લાવનારું સ્વ-ક્રીડા રૂપઆત્મ-રમણ છે. રાસ એ પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્માના સાકારરૂપ એવા શ્રીકૃષ્ણના સ્વરૂપાનંદના વિતરણ અને પ્રસ્થાપનની લીલા છે. રાસપંચાધ્યાયીના અંતમાં શ્રી શુકદેવજી કહે છે - 'વિક્રીડિતં વ્રજવધૂભિહિદં ચ વિષ્ણોઃ શ્રદ્ધાન્વિતોડનુ શ્રૂણુપાદથ વર્ણયેત્ યઃ । ભક્તિં પરો ભગવતિ પ્રતિલભ્ય કામં હૃદ્રોગમાશ્વપહિનોત્યચિરેણ ધીરઃ ।। વ્રજ ગોપીઓ સાથેની ભગવાન શ્રીકૃષ્ણની આ રાસક્રીડાનું જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા વર્ણન કરશે તેને ભગવાનમાં 'પરાભક્તિ' પ્રાપ્ત થશે અને તે ધીર પુરુષના હૃદયની રોગ રૂપ વાસનાો તત્કાળ દૂર થઇ જશે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mAj6LZ
ConversionConversion EmoticonEmoticon