આ સો સુદ પૂનમની નિશામાં ચંદ્ર તો અમૃતનાં કિરણો વરસાવતો લાગે છે. એટલે તો તે 'સુધાંશુ' કે 'સુધાકર' કહેવાયો છે ને ! સંધ્યા પછી સુધાંશુ ! અને જેમ જેમ શરદપૂર્ણિમા નો ચંદ્ર નર્ભેમાં ઉંચો ચડતો જાય તેમ તેમ તેનું સૌન્દર્ય ખીલતું જાય છે. જાણે આકાશમાંથી રૂપેરી ચાંદનીનાં કિરણો ધરતી પર નૃત્ય કરવા ઉતરી પડયા હોય !
બ્રહ્માંડ માંનાં ચંદ્ર-સૂર્ય તો દૈવી પ્રકાશપૂંજ છે, તેમાંય ચંદ્ર- નક્ષત્રોનું તાલ-લય-બ્રધ્ધ નિરંતર ભ્રમણ ચાલ્યા કરે છે. 'શરદપૂર્ણિમા'ની નિરભ-નીરવ શાંતિમાં નિસર્ગનું આ મધુર સંગીત ધ્યાન દઈને સાંભળીએ તો એમાં આપણને 'બ્રહ્મનાદ'ની અપૂર્વ અનુભૂતિ થાય તો કૌમુદી એટલે કે ચાંદની અમીરસથી ભરેલા પૂર્ણચંદ્રમાં તો પૂર્ણ બ્રહ્મનાં દર્શન થાય.
શરદ-પૂર્ણિમાની રૂડી- રઢિયાળી રાત્રીમાં ચંદ્રમાં સોળેય કળાઓનાં કામણ પાથરતો હોય છે. તે શીળીચાંદની ધરતી પર રેલાવીને અનેક ખંડોને અજવાળે છે. ચંદ્રની સોળકળાઓ એટલે કે સોળપ્રકારની કિરણ શક્તિઓ જેવી કે ચંદ્રિકા, જ્યોત્સના, કાન્તિ, શ્રી અમૃતા વગેરે. આવી ચંદ્ર-કિરણ શક્તિઓ માનવીઓને શીતળતા, ચૈતન્ય અને આરોગ્યપ્રદાન કરે છે. આવી ચાંદીની માં નહાઈને પ્રકૃતિ પ્રફ્ફુલ્લિત થઈ જાય છે, જાણે કૌમુદી મહોત્સવ રચાયો હોય, આવી આસોપૂનમની મધરાત્રિએ સૌન્દર્ય અને કલાથી મઢેલી કુદરતની તો રસભરી કવિતા રચાઈ જાય છે. સરોવરોમાં પંકજ ખીલી ઉઠે છે. સૌન્દર્ય- સમૃધ્ધિનું રાજ્ય સર્વત્ર ફેલાઈ જાય છે. ચંદ્રનાં ચાંદરાણાની માનવ-હૃદય પર થતા સ્પર્ષથી તેનું સમગ્ર ચૈતન્ય સ્પંદિત થતાં શ્વેત-ચાંદનીનું રજત-પર્વ ઉજવાય છે.
એક પ્રમાણિત માન્યતા અનુસાર શરદ્પૂનમનાં ચંદ્રનાં સીધાકિરણોનાં સેવન પાનથી તો શરીરની અનેક વ્યાધિઓ શમી જતી હોય છે. તેનાં પ્રભાવથી વૃક્ષ- વનસ્પતિમાં ઔષધીય ગુણો પ્રગટે છે. તેથી આજે પણ વૈદ્યરાજો પોતાની વિશેષ ઔષધિઓને વધુ અસરકારક બનાવવા તેના પર પૂર્ણ ચાંદનીનાં કિરણો પડવા દે છે. તેથી મનાય છે કે ચાંદનીના સીંચનથી તે ઔષધિઓ માનવશરીર માટે સંજીવની સમાને બની જાય છે. માટે જ ચંદ્ર તો ઔષધિઓનો સ્વામી કહેવાયો છે.
ભગવાન શિવજી પણ ચંદ્રનાં પ્રકાશનાં પ્રભાવની મહત્તા સમજ્યા છે, તેથી જ ચંદ્રને પોતાનાં મસ્તકે સ્થાન આપ્યું. અને તેઓ 'ચંદ્રમૌલીશ્વર' અને 'સોમનાથ'નાં ઉપનામથી પૂજાયા. મધરાત્રિ સુધી પૂનમની શીળીચાંદનીમાં મૂકેલા દૂધપૌંવા પણ ગુણકારી બની જતા હોય છે.
શરદપૂનમનાં ઠાકોરજીના વૈષ્ણવ-તીર્થોમાં શ્રીનાથજીનો મુક્ટોત્ત્સવ કરાય છે. તો આ પૂર્ણિમાની રાત્રે, એવું મનાય છે કે સમુદ્રમાંની છીપલામાંનું જળ પૂનમનાં ચંદ્રના કિરણોનાં તેજસ્પર્શથી મોતી બની જાય છે. તેથી આ પૂર્ણિમા 'માણેકઠારી' તરીકે પણ ઓળખાયી છે. આ પરથી એક ચલચિત્ર બનેલું 'બુંદજો બન ગઈ મોતી.'
આજે ઠાકોરજીની હવેલીઓમાં દૂધ-પૌંવાનો નૈવેદ્ય ધરાય છે. આ પૂનમના દિવસે સ્ત્રીઓ કોજાગરીનું વ્રત રાખે છે. આ દિવસે તેઓ ઉપવાસ કરીને રાત્રે ચંદ્રમાંનાં દર્શન કરી તેમનું લક્ષ્મી પૂજન કરે છે. એ રાત્રે તેઓ જાગરણ પણ કરે છે.
શરદપૂર્ણિમાની મદ-મસ્ત રાત્રીએ શ્રીકૃષ્ણે વૃંદાવનના યમુના તટે વાંસળીના સૂર છોડી રાસ રચ્યો. આ સાંભળી ગોપીઓ પોતાના બધા કામો છોડી દોડી આવી. વ્રજની ગોપીઓને મન શ્રીકૃષ્ણતો તેમની આંખોના તારા છે. તેઓ તેની સાથે રાચ રચવા આતુર છે.
આજેય પણ આપણી સંસ્કૃતિમાં 'શતં જીવ શરદઃ એટલે કે આપણા સંતાનો સો શરદઋતુ જુએ, એવા આશીર્વાદ આપવામાં આવે છે.
શરદપૂનમનાં ખીલેલો ચાંદનીનો આનંદ આપણે ત્યારે લઈ શકીએ. જ્યારે તેની મધરાત્રે નીરવ શાંતિમાં આપણે અને આપણી સામેએ પૂનમનાં ખીલેલું રૂપ હોય. આવા રૂમાની વાતાવરણમાં કવિ હૃદયતો ગાઈ ઉઠે છે,
ચંદા રે ચંદા રે.. ધરતી પર તું આવ,
આપણે સાથે બેસીને પ્રેમની ગોઠડી માંડીએ.' તો અધ્યાત્મિક જીવ કહે છે, 'મૃત્યોમાં અમૃતં ગમય.' હે ચંદ્ર દેવ, અમને મૃત્યુમાંથી અમૃત ભણી દોરી જાવ.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kGCJ4c
ConversionConversion EmoticonEmoticon