હિન્દી ફિલ્મોની નવી પેઢીની રૂપકડી અભિનેત્રી સોનાક્ષી સિંહા કહે છે,બોલીવુડમાં હાલ ઘણાં પરિવર્તનો થઇ રહ્યાં છે. બોલીવુડના શોટગન શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષીએ તેની ફિલ્મ કારકિર્દીનાં ૧૦ વરસ પૂરાં કર્યાં છે.
સોનાક્ષી સિંહાની કારકિર્દીનો ગ્રાફ ઉપરતળે થઇ રહ્યો છે. એટલેકે સોનાક્ષીની દબંગ-૧-૨,રાઉડી રાઠોર,સન ઓફ સરદાર અને મિશન મંગળ વગેરે ફિલ્મો સફળ રહી છે જ્યારે જોકર, અકીરા, હેપ્પી ફિર ભાગ જાયેગા અને યમલા પગલા દિવાના : ફિર સે વગેરે ફિલ્મોને દર્શકો નિષ્ફળ રહી છે.
સોનાક્ષી સિંહાનું બાળપણ ફિલ્મની વાતાવરણમાં જ પસાર થયું છે. સોનાક્ષી તેનું બાળપણ યાદ કરતાં કહે છે, હું નાની બાળકી હતી ત્યારે તો મારા પિતા શત્રુઘ્ન સિંહા હિન્દી ફિલ્મ જગતના બહુ મોટા અને જાણીતા અભિનેતા બની ગયા હતા. અમારા ઘરે બોલીવુડના ંઅભિનેતા, અભિનેત્રીઓ, દિગ્દર્શકો અને નિર્માતાઓ આવતા. ફિલ્મોની કથા,પટકથા અને ગીત-સંગીત વગેરે પાસાંની ચર્ચા વિચારણા થતી. વળી,મારા પિતા ઘણી વખત અમને તેમની ફિલ્મોના શૂટિંગ પર પણ લઇ જતા હોવાથી મેં ફિલ્મ સર્જનની સમગ્ર પ્રક્રિયા બહુ નજીકથી જોઇ છે.
આમ છતાં મને બાળપણમાં રમતગમત, ચિત્રકામ,ફેશન ડિઝાઇનિંગ અને વિવિધ પ્રકારની કલા વગેરેનો જબરો શોખ હતો. મને આ બધાં ક્ષેત્રોમાં આગળ વધવાની ઇચ્છા પણ હતી.
દબંગ ફિલ્મ(૨૦૧૦)થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરનારી સોનાક્ષી સિંહા કહે છે, મારા પિતા શત્રુઘ્ન સિંહા અમે નાનાં હતાં ત્યારે તેમની ફિલ્મો કઇ રીતે બનતી, ફિલ્મોના વિષયો અને ગીત-સંગીત કેવાં હતાં, કેવી કેવી સુવિધાઓ હતી અનેકેટલી મહેનત કરવી પડતી વગેરે વાતો અને ઘટનાઓ વિશે જણાવતા હતા. જોકે સમય જતાં બોલીવુડમાં ઘણું પરિવર્તન આવી ગયું છે.
આજની એકવીસમી સદી અને નવા જમાનાની ફિલ્મોના વિષયો,સર્જન પ્રક્રિયા ગીત-સંગીતથી લઇને દર્શકો તથા તેમની પસંદગી વગેરે બાબતોમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે. એમ કહો કે બોલીવુડ હવે કોઇ મોટી વેપારી કંપનીની જેમ કામ કરી રહ્યું છે. હું આજના નવા જમાનાના આ પરિવર્તન સાથે ફિલ્મોમાં કામ કરી રહી છું.
હાલ બોલીવુડમાં નવી પેઢીની અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરી રહેલી સોનાક્ષી સિંહા મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મને ખબર છે કે બોલીવુડમાં દર શુક્રવારે કલાકારોનું ભાવિ નક્કી થાય છે.દરેક શુક્રવારે નવાં સમીકરણો પણ સર્જાય છે. એટલે કે આજે એક ફિલ્મને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હોય તો બીજા દિવસે બીજી ફિલ્મને એજ દર્શકોએ નકારી દીધી હોય તેવું બને છે. હાલ મુંબઇ સહિત આખા ભારતમાં કોરોનાની મહામારી ફેલાઇ ગઇ છે ત્યારે ડિજિટલ ફિલ્મો રજૂ થઇ રહી છે. દર્શકોએ આ નવા પરિવર્તનને પણ આવકાર્યું છે.
મારી પોતાની નવી ફિલ્મ ભૂજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા પણ ઓનલાઇન રજૂ થવાની છે. મેં મારી કારકિર્દીના શરૂઆતથી જ મારી ફિલ્મોની સફળતા ભગવાન ના હાથમાં સોંપી દીધી છે. મને બરાબર ખ્યાલ પણ છે કે આ ફિલ્મી દુનિયા બહુ જ અકળ છે. બધું તમારી પર છોડી દેવાય છે અને તેનો સામનો પણ તમારેે જ કરવાનો હોય છે. તમારી સામે જે કોઇ પરિસ્થિતિ આવે તેના પર તમારે કાબૂ મેળવવાનો હોય છે અથવા તો તેનો ત્યાગ કરી દેવાનો હોય છે.આ સમગ્ર બાબત તમારે જ નક્કી કરવાની હોય છે.
સોનાક્ષી સિંહા તેના ૧૦ વરસના અનુભવના આધારે કહે છે, મેં ક્યારેય પણ વહેતા સમય કે પ્રવાહથી વિરુદ્ધ જવાનો પ્રયાસ કર્યો નથી.વળી,જે પરિસ્થિતિ મારા કાબૂમાં કે હાથમાં નથી હોતી તેની મેં ક્યારેય ચિંતા પણ નથી કરી. ખરું કહું તો હું આ મહત્વની બાબત બહુ નાની ઉંમરે સમજી ગઇ છું. મારી આ જ સમજણે મને આ બોલીવુડમાં સરળ રીતે ટકી રહેવામાં અને મારી અંગત જિંદગી જીવવામાં બહુ મદદ કરી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HDZHLn
ConversionConversion EmoticonEmoticon