ગર્ભવતી અમૃતા રાવને પતિ આર જે અનમોલ દરરોજ ગીતા સંભળાવે છે


તાજેતરમાં અમૃતા રાવ ગર્ભવતી હોવાની વાત જાહેર થઈ ત્યારબાદ સોશ્યલ મીડિયા પર તેની ખાસ્સી ચર્ચાઓ ચાલી અને છ- સાત મહિનાથી  અમૃતાએ લોકોથી જે વાત સંતાડી રાખી હતી તેના વિશે તેણે ખુલીને વાત કરી હતી. 

અભિનેત્રીએ કહ્યું હતું કે મને એવું લાગતું હતું જાણે હું મારું બાળપણ ફરીથી જીવી રહી છું.

અમૃતાએ વધુમા ંકહ્યું હતું કે મને હજી સુધી જાણે કે માનવામાં જ નથી આવતું કે મારી કૂખેથી આ પૃથ્વી પર નવો જીવ અવતરવાનો છે. કદાચ એવું બન ેકે મારું શિશુ મારા હાથમાં આવે ત્યારે મને કુદરતનો આ કરિશ્મા સાચો લાગે.

અભિનેત્રી પોતાની ગર્ભાવસ્થા વિશે કહે છે કે મારા પતિ આરજે અનમોલે મારો ગર્ભવતી હોવાનો રિપોર્ટ પહેલાં જોયો હતો અને તરત જ મને તેના વિશે જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતા રાવ અને આરજે અનમોલે સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી વર્ષ ૨૦૧૬ના મે મહિનામાં વિવાહ કર્યાં હતાં. અમૃતા અને અનમોલે પોતાનું કુટુંબ આગળ વધારવા કોઈ નિયોજન નહોતું કર્યું. અભિનેત્રીએ કહ્યું હતું કે આ કરિશ્મા આપોઆપ થઈ જાય.તેનું નિયોજન ન કરાય.

અમૃતાને ગર્ભ રહ્યો ત્યારબાદ તરત જ કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ તેથી અભિનેત્રી તેના સ્વાસ્થ્ય બાબતે એકદમ સચેત થઈ ગઈ હતી. તે કહે છે કે મારું શારીરિક- માનસિક આરોગ્ય મારી પ્રાથમિકતા હતા. મઝાની વાત એ છે કે જાણે મારા ગર્ભસ્થ શિશુને પણ આ મહામારીની જાણ થઈ ગઈ હોય તેમ તેણે કોઈ ખાસ વસ્તુઓ ખાવાની ઈચ્છા નહોતી દર્શાવી. મને ક્યારેયકોઈ ખાસ વાનગી ખાવાની તલબ નથી થઈ. બસ, મને જે ઈચ્છા થાય તે હું ખાઈ લઉં છું. અલબત્ત, અનમોલ મને બહુ લાડ લડાવે છે.

ગર્ભાવસ્થાના આ તબક્કાને અમૃતા હિન્દી ગીત 'જીવન કી બગીયા મહેકેગી, ખુશીયોં કી કલિયાં ખિલેગી, થોડા હમારા, થોડા તુમ્હારા, આયેગા ફિર સે બચપન હમારા....' સાથે સાંકળે છે.

હમણાં અનમોલનું વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હોવાથી બંનેને સાથે ગાળવા માટે માતબર સમય મળી રહ્યો છે. અમૃતા કહે છે કે અનમોલ રોજ રાત્રે મને અને મારા ગર્ભસ્થ શિશુને ભગવદ્ગીતા વાંચી સંભળાવે છે.

આશ્ચર્યની વાત એ છે કે લોકડાઉનના આરંભમાં અમૃતા અને અનમોલે એક નવજાત બાળકીનું નામકરણ કરતું લાઈવ સેશન ઈન્સ્ટાગ્રામ પર કર્યું હતું. આ બાબતે તે કહે છે કે અમારા એક પ્રસંસકે અમને તેની નવજાત પુત્રીનું નામકરણ કરવાની વિનંતી કરી હતી અને અમે તેનું નામ દેવિકા રાખ્યું હતું. અમારો આ સૌપ્રથમ લાઈવ વિડિયો હતો. કદાચ બ્રહ્માંડમાંથી અમને એવો સંકેત મળ્યો હતો કે હવે અમારું કુટુંબ પણ વિસ્તરવાનું છે. જોકે તેણે તરત જ ઉમેર્યું હતું કે અમે અમારા શિશુ માટે હજુ સુધી કોઈ નામ સુનિશ્ચિત નથી કર્યું.

અમૃતાએ લોકડાઉનના સમયમાં જ બે પ્રોજેક્ટ માટે હા પાડી છે. અભિનેત્રીએ કહ્યું હતું કે હવે આ પ્રોજેક્ટ વિલંબમાં પડયાં છે અને હવે જ્યારે મેળ પડશે ત્યારે આગળ વધશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Cp3Sh
Previous
Next Post »