ભણકારા .


''સુ ર દિવેટીઆ અહીં રહે છે'' આવનાર આગંતુકે બહારથી પુછ્યું.

''હા, હા, આ એનું જ ઘર છે.'' અંદરથી માજી જેવી મહિલાએ ચિંતિંત ચહેરે બહાર આવીને પૂછ્યું ''એનું શું કામ છે ?''

''તેના નામનો મુંબઇથી એકાવન હજારનો ચેક આવેલ છે. તેનું સિતાર વાદનનું પહેલું આલ્બમ ખુબ જ લોકપ્રિય થયું છે. તેથી નિર્માતાએ ખુશ થઇને શુકનનો ચેક મોકલાવેલ છે'' આવનારની જોડે રહેલા મેનેજર જેવા માણસે ફોડ પાડયો.

'સાહેબ, હું તેની મમ્મી શાંતાબેન છું મને આપી દો.' બહેન બોલ્યા.

'માજી, એમ અમારાથી ના અપાય. મારે તેની સહી જોઇએ. એવું હોય તો અમે કાલે આવીશું' મેનેજરે કહ્યું.

શાન્તાબેન સારૂ કહીને બારણું બંધ કર્યું. અમદાવાદના સામાન્ય ગણાતા રખિયાલની મગનલાલની ચાલીમાં રહેતા શાન્તાબેન ભુતકાળમાં સરી પડયા.

કેવો સુખી હતો એ સંસાર ! તેના ગૌરાંગ સાથે લગ્ન થયા ત્યારે પાલડીના શારદાનગરના ઘરમાં ભાડેથી રહેતા હતા. તેના વરની પ્રાઇવેટ નોકરીમાં આવક ટૂંકી હતી, પણ સંસાર સુખેથી ચાલતો હતો. સુરના જન્મ પછી બન્ને જણા કેટલા ખુશ હતા.

નાગરના દિકરા સુરને નાનપણથી સંગિતનો શોખ હતો. આખો દિવસ સિતાર વગાડયા કરે પછી ભણવામાં ધ્યાન ક્યાંથી રહે ? તો પણ માંડ માંડ બી.કોમ તો પાસ થઇ ગયો, પણ નોકરી નહીં.

ગૌરાંગભાઈને જીભના કેન્સરનું નિદાન થતાં કુટુંબ ઉપર આભ તુટી પડયું. ડોક્ટરોએ બહુ સમજાવ્યા કે ગુટકા છોડો, પણ ગૌરાંગભાઈ માને તો ને !

બે વરસ પહેલા જ બે અઠવાડીયાની બિમારીમાં કેન્સર ફેલાઈ જવાથી તેમણે કાયમી વિદાય લીધી.

ઘરનું ભાડું ન ભરવાથી અંતે તેમણે રહેવા ઓછા ભાડાની રખિયાલની ચાલીમાં જવું પડયું. ઘરવખરી વેચીને કેટલા દિવસ ઘર ચાલે ? ઘર ચલાવવા દેવું વધતું જતું હતું.

બી.કોમ થયેલો સુર આખો દિવસ સંગીત પાછળ પાગલ હતો. શાન્તાબેન ગુસ્સે થઇને ખુબ ખિજાતા ''હવે કાંઈક તો નોકરી કર.''

પણ દર વખતે સુરનો એક જ જવાબ ''મમ્મી, હું તો મોટો સંગીતકાર બનવાનો છું. મુંબઇ જઇને હાથ અજમાવીશ, તુ જો જે એક દિવસ મારૂં નામ ગાજશે.''

''બેટા, આ સિતારથી પેટ ના ભરાય. પૈસા કમાવા કંઇક તો કરવું પડે.'' શાન્તાબેન ચિડાતા.

''શું મમ્મી તું પણ મને દરરોજ ટોકે છે. હું ભારતનો મહાન સિતારવાદક બનવાનો છું.'' સુર દર વખતે આજ જવાબ આપતો.

''મારૂં માથું'' શાન્તાબેન ચિડાઈ જતા.

બે ત્રણ ભલામણથી માંડ માંડ તેને નોકરીના ઇન્ટરવ્યુનો કાગળ મળ્યો, ત્યારે શાંતાબેન ખુશ થઇ ગયા.

''મને ઇન્ટરવ્યું પહેલા તારા હાથનો ગાજરનો હલવો અને બટાકાવડાં જમાડીશને !''

સુરે લાડ લડાવતાં માંડ ઇન્ટરવ્યુ આપવા જવાની હા પાડી. એ રાતી યાદ આવતાં શાંતાબેન સહેમી ગયા. ઇન્ટરવ્યુ પહેલાની રાતે, તેનું વાંચવાને બદલે સુર તો સિતાર વગાડવામાં લીન હતો, શાન્તાબેનનો ગુસ્સો હાથથી ગયો.

''આ શું તું વાંચવાના બદલે આખો દિવસ સિતાર જ વગાડયા કરે છે.'' શાન્તાબેન બરાડયા.

''મમ્મી મને રીયાઝ કરવા દે ને'' સુર પોતાનામાં જ મસ્ત હતો.

શાન્તાબેન ખુબ જ ગરમ થયા. તેમણે સુરના હાથમાંથી સિતાર ઝુટવી લઇ ફેંકી દીધી, તેમાં સિતારનો એક તાર તુટી ગયો.

સુરનો મગજ પણ સામે એટલો જ ગયો, અને તે ઉભો થઇ બોલ્યો. ''હું મુંબઇ જાઉં છું, અને સફળ થઇ રૂપિયા લઇને જ આવીશ'' કહીને નિકળી ગયો.

શાન્તાબેનને એમ કે આજુબાજુ રખડીને, ગુસ્સો શાંત થતાં આપમેળે પરત આવશે. પણ હાય રે નસીબ ! સુર ગયો, તે ગયો, પરત આવ્યો જ નહીં.

શાન્તાબેન રાહ જોઈને પસ્તાઈ રહ્યાં હતાં. ''મે ઉતાવળ કરી, ધીમેથી સમજાવ્યો હોત તો સારૂ હતું.''

દિવસ પછી અઠવાડીયાને પછી મહિનો પસાર થઇ ગયા. શાન્તાબેન હવે રડી રડીને થાકી ગયા હતા. ''અરર ! એકના એક દિકરાને સમજવામાં ભુલ થઇ ગઇ.'' મેં જ પૈસાની બુમો પાડી. પણ જો મુંબઇ જઇને સંગીતમાં જ મારો દિકરો કેટલું કમાયો લાગે છે. મારો સુર મને કહીને ગયો છે, એટલે જરૂરથી પરત આવશે.

હવે તો શાન્તાબેનને જ્યાં ને ત્યાં સુર જ દેખાતો હતો. તેનું મગજ હવે જાણે દિકરાને શોધવામાં પાગલ બની રહ્યું હતું. મારો દિકરો જરૂર પાછો આવશે, તેની આશામાં માજી કોઈ પણ યુવકમાં સુરનો ચહેરો શોધ્યા કરતાં. સુરના આગમનના ભણકારા તેમને દિવસ રાત ચેનથી સુવા પણ દેતા ન હતા.

ત્રણ મહિનાનું ભાડું ચડી ગયું હતું. કરિયાણાવાળાએ હવે વધારે ઉધાર આપવાની ના પાડી દીધી હતી. ખાવા પીવાના સાંસાં પડી ગયા હતા. છેલ્લી ઘરવખરી વેચાઈ જવાથી હવે શું કરવું તેની લાયમાં શાન્તાબેન ચિતભ્રમ થઇ ગયા.

આજે અચાનક સુરના સમાચાર અને એકાવન હજારની વાત સાંભળી શાન્તાબેનના જીવમાં જીવ આવી ગયો. વિચારમાં ને વિચારમાં રાત ક્યારે પડી ને ઉંઘ ક્યારે આવી, તે ખબર જ ના પડી.

મોડી રાત્રે બારણે ટકોરા પાડતાં માજી ધીમેથી ઉઠયા ''આવી ગયો, હવે હું તને ક્યારેય નહીં. લડું હો, બેટા'' કહેતાં સુરને અંદર લઇ ગયા.

''મમ્મી, મેં કહ્યું હતું ને કે હું સંગિતમાં જ નામ કમાઇને ઢગલો રૂપિયા કમાઈશ.'' સુરે કહ્યું.

''હા, બેટા તારે માટે મેં મારા હાથે ગાજરનો હલવો ને બટકાવડા બનાવ્યા છે, લે ખાઈ લે'',

 થોડીવાર પછી ઊંઘમાં ને ઊંઘમા તેમણે સુરને તુટેલા ખાટલા પર સુવડાવી ચાદર ઓઢાડી.

સવારે આઠ વાગે દરવાજે ટકોરા પડતાં શાંતાબેન ચમકી ઉઠયા, બહાર બે પોલીસમેન ઉભા હતા. ''સુર અહીં જ રહે છે.''

''શિશ, શાંતિ રાખો, મારો સુર સુંદર જમીને સુઈ ગયો છે,'' માજી બોલ્યા.

બન્ને પોલીસમેનને માજીનું ખસી ગયેલું લાગ્યું. 'માજી, અમને મુંબઇની લોકલ ટ્રેનની અડફેટે મરેલ યુવાનના ખિસ્સાના પાકીટમાંથી ખબર પડી કે તે સુર દિવેટીયા છે. તમારે લાશની ઓળખ માટે મુંબઇ આવવું પડશે.'

તુટી ગયેલા ચશ્મા અને ફાટી ગયેલી થીગડાવાળી સાડી સાથે ડગુમગુ થતાં માજી બન્ને ને ઘરમાં ખાટલા પાસે લઇ આવ્યા. ''જો મારો દિકરો તો સુતો છે.''

જમાદારે ચાદર ખસેડતાં નીચેથી બે ઓશિકા નિકળી પડયા. આ પાગલ માજીને મુંબઇ કઇ રીતે લઇ જવા તે બન્ને વિચારવા લાગ્યા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3owFis0
Previous
Next Post »