ડાર્કેસ્ટ અવર : ચર્ચીલનો યુદ્ધોન્માદ!

- ડિરેક્ટર : જો રાઈટકલાકાર : ગેરી ઑલ્ડમેન, લિલી જેમ્સ, સ્ટિફન ડિલન, બેન મેન્ડલસોન રિલિઝ : નવેમ્બર 2017 લંબાઈ : 125 મિનિટ

- ચર્ચીલની ઈચ્છા હતી કે બ્રિટન ઝૂકશે નહીં. એ ઈચ્છા પૂરી થઈ. પાંચ વર્ષ જંગ પછી બ્રિટન જીતી ગયું. પરંતુ પછીનો સવાલ એ હતો કે જીતી જઈને શું મેળવી લીધું? 


૯ મે, ૧૯૪૦

બ્રિટનમાં લેબર પાર્ટીની સરકાર હતી. વડા પ્રધાન નેવિલ ચેમ્બરલિન બે મોરચે લડત આપી રહ્યા હતા. એમને કેન્સર હતું એટલે એક લડત ત્યાં ચાલતી હતી. બીજી તરફ નવ મહિના પહેલા હિટલરે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી દીધી હતી અને ઘણા યુરોપના દેશો જીતી લીધા હતા. હવે વારો બ્રિટનનો હતો. ચેમ્બરલિન માટે બીજી લડત એ હતી. એ લડતમાં તેઓ નબળા પડી રહ્યા હતા. વિપક્ષના નેતા ક્લેમેન્ટ એટલીએ સંસદમાં ભાષણ કર્યું અને કહ્યુું કે આવા નેતા દેશને બચાવી નહીં શકે. 

લેબર પાર્ટીએ પાસે વડાપ્રધાન બદલવા સિવાય વિકલ્પ ન હતો, કેમ કે સરકાર ગઠબંધનથી ચાલતી હતી. ગોળાકાર ટેબલ પર બેઠેલા સુટબંધ મહાનુભાવોએ નક્કી કર્યું કે હેલિફેક્સના ઉમરાવ (વાયકાઉન્ટ) એડવર્ડ વૂડ (જે વિદેશ મંત્રી હતા)ને પીએમ બનાવી શકાય. સૌ કોઈ એ નામ માટે સહમત હતા, સિવાય કે હેલિફેક્સ. મોટી ટાલ ધરાવતા હેલિફેક્સે કહ્યું કે હું નેતૃત્વ લઈ શકું એ સમય હજુ આવ્યો નથી. માટે કોઈ એવા વ્યક્તિને પસંદ કરવા જોઈએ જે કૂટનીતિમાં માહેર હોય. એ પછી જે નામ બોલાયું એ અંગે કોઈ સહમત ન હતા. એ નામ ચર્ચીલનું હતું. 

પાંચ મણની કદાવર કાયા ધરાવતા ચર્ચીલ એ વખતે નૌકાદળના મંત્રી હતા. એ સામાન્ય રીતે ત્રણ કામ કરતા, કંઈક બબડતા રહેતા, બબડતા ન હોય ત્યારે મોઢામાં સિગાર ખોંસીને ઘૂમાડો ફૂંકતા રહેતા અને એ પણ ન કરતા હોય ત્યારે દારૂ પીતા રહેતા હતા. એમનું નામ આવ્યું કેમ કે વિશ્વયુદ્ધની શરૂઆત થઈ એ પહેલા જ ચર્ચીલે આગાહી કરી હતી કે હિટલર પગ વાળીને બેસવાનો નથી.

તેમને મળેલી નવી સેક્રેટરી એલિઝાબેથ લીટન પાસે એ વિવિધ સરકારી પત્રવ્યહાર લખાવતા રહેતા હતા. સાહિત્યના શોખીન ચર્ચીલ પત્ર ટાઈપ કરાવતા એમાં પણ સેક્રેટરી સાથે શબ્દ પસંદગી મુદ્દે માથાકૂટ કરતા રહેતા હતા. લખાયેલા ભાષણ કે કાગળમાં અનેક ચેક-ચાક પણ કરતા.

એ સમય એવો હતો કે હિટલર બહુ ઝડપથી વિવિધ દેશો પર જીત મેળવી રહ્યો હતો. એટલે ચર્ચીલને કહેવું પડતું હતું કે હિટલર હોલેન્ડ અને બેલ્જિયમ પણ જીતી ગયો છે!? એ વખતે બ્રિટિશ રાજા પંચમ જ્યોર્જ હતા. જ્યોર્જને પણ ચર્ચીલમાં વિશ્વાસ ન હતો. પરંતુ છેવટે કોઈ તૈયાર ન હતું, જે તૈયાર હતા એ વડા પ્રધાન તરીકે ચાલે એમ ન હતા. એટલે ૬૬ વર્ષિય ચર્ચીલ બ્રિટનના વડા પ્રધાન બન્યા.

સત્તા સંભાળતાંની સાથે ચર્ચીલે પાંચ સભ્યોની વૉર બનાવી જેમાં કેબિનેટ (યુદ્ધ મંત્રીમંડળ)માં હેલિફેક્સ અને ચેમ્બરલિનને પણ સમાવેશ કર્યો. રમૂજવૃત્તિ ધરાવતા ચર્ચીલને જ્યારે તેમના સાથીદારોએ કહ્યું કે ચિંતા ન કરો, તમારે તો રાજાને અઠવાડિયામાં એક વાર મળવાનું છે. ચર્ચીલે જવાબ વાળ્યો કે એ તો એવી વાત છે કે અઠવાડિયામાં એક જ વખત દાંત ખેંચાવવા જવાનું હોય!

અગાઉ ચર્ચીલે જે કંઈ પદ સંભાળ્યા હતા તેમાં ખાસ ભલીવાર ન હતી. એટલે સંસદમાં તેમની ખાસ પ્રતિષ્ઠા ન હતી. વિપક્ષને પણ એટલે જ એ પસંદ હતા! હેલિફેક્સ અને ચર્ચીલ વચ્ચે સારા સબંધ ન હતા. એટલે ચર્ચીલ હેલિફેક્સને 'હેલીફોક્સ (શિયાળ)' કહેતા હતા. એટલીને તો એ વરૂ તરીકે ઓળખાવતા હતા. મંત્રીમંડળના અને લેબર પાર્ટીના સાથીદારો એવુ માનીને ચાલતા હતા કે ચર્ચીલ સૌ કોઈને સાથે રાખીને ચાલશે અને સૌ કોઈનું માનશે. 

એ વખતે સૌ કોઈની એવી ઈચ્છા હતી કે હિટલર જે રીતે આગળ વધે છે એ જોતા તેમની સાથે સમાધાન કરવા સિવાય છૂટકો નથી. ખાસ તો હેલિફેક્સ શાંતિવાર્તાની એટલી બધી રટ લઈને બેઠો હતો કે એમાં જ અશાંતિ સર્જાતી હતી. સંસદમાં ચર્ચીલે આપેલા પ્રથમ ભાષણમાં જ સ્પષ્ટ કર્યું કે યુદ્ધ એ આપણી નીતિ છે અને વિજય એ લક્ષ્યાંક છે.

એટલે શાંતિવાર્તાની ફાઈલ લઈને આમ-તેમ ફરતા હેલિફેક્સ માટે મૂંઝવણ સર્જાઈ. હેલિફેક્સ અને નેવિલે પાર્ટીના મુખ્ય નેતાઓ હોવાને કારણે નક્કી કર્યું કે આપણે ચર્ચીલને જ હટાવી દઈએ. નેવિલ રાજીનામુ આપે એટલે સરકાર પર કટોકટી આવે, એ સંજોગોમાં ચર્ચીલ પદ છોડે અને હેલિફેક્સ વડાપ્રધાન બની જાય. 

ચર્ચીલે યુદ્ધની વિવિધ સ્થિતિ જાણી એટલે ખબર પડી કે ફ્રાન્સને જર્મની હરાવી દે એ પછી માત્ર ઈંગ્લિશ ચેનલ (સમુદ્રી ખાડી) ઓળંગીને બ્રિટન સુધી પહોંચી જાય. ફ્રાન્સ પાસે વળતા પ્રહારની કોઈ યોજના ન હતી. ચર્ચીલે રેડિયો સંદેશામાં પણ દેશને એવું કહ્યું કે આપણે સૌ (મિત્ર દેશો) જીતી રહ્યા છે, જેવુ હકીકતમાં કંઈ ન હતું. 

માહિતી મળી કે ફ્રાન્સના ડન્કર્ક અને કેલાઈના કાંઠે બ્રિટિશ સેના ફસાયેલી છે. કેલાઈમાં ચાર હજાર સૈનિકો હતા, ડન્કર્કમાં ૩ લાખ હતા. એટલે ચર્ચીલે નક્કી કર્યું કે કેલાઈની ફોજ જર્મનો સામે લડે. જર્મનો વ્યસ્ત રહે એ દરમિયાન ડન્કર્કના કાંઠે ફસાયેલા સૈનિકોને બચાવી લેવાય. કેબિનેટનો મત એવો હતો કે કેલાઈની ફોજ જર્મનો સામે લડશે એટલે તેમનું મોત નક્કી છે. ચર્ચીલનો મત એવો હતો કે એ ચાર હજાર મરશે, પણ ૩ લાખ તો બચી જશે. 

કોઈ રસ્તો ખરો?

એક રસ્તો હતો, જે હેલિફેક્સ લઈને બેઠો હતો, શાંતિવાર્તાનો. ચર્ચીલને એ રસ્તો મંજૂર ન હતો, કેમ કે તેની માન્યતા હતી કે હિટલર શાંતિવાર્તા પછી દગો કરશે. એનાથી પણ મોટી ચર્ચીલની માન્યતા એ હતી કે અડધી-પોણી દુનિયા પર ગુલામોની બેડી નાખી ચૂકેલું બ્રિટન પોતે જર્મનો સાથે શાંતિવાર્તા કરે તો ઝૂકી ગયું ગણાય.

બીજી તરફ ડન્કર્કમાંથી સૈનિકોને બચાવી શકાય એટલી સંખ્યામાં જહાજો પણ બ્રિટન પાસે ન હતા. જહાજી મદદ માટે ચર્ચીલે પોતાના મિત્ર અમેરિકાના વડા પ્રધાન રૂઝવેલ્ટ સાથે વાત કરી. રૂઝવેલ્ટે કહ્યું કે એ કેટલીક મદદ કરી શકશે, બાકી તો મારાય હાથ બંધાયેલા છે. ચર્ચીલે સિવિલિયન નૌકાઓનો કાફલો તૈયાર કરવા સૂચના આપી.

વારંવાર બેઠકો થતી, લશ્કરી અધિકારી, કેબિનેટ મંત્રીઓ ચર્ચા કરતા અને છેવટે કોઈ નિર્ણય પર આવી શકતા નહીં. હવે તો ઈટાલી પણ શાંતિવાર્તા માટે મધયસ્થી કરવા તૈયાર હતું. ચર્ચીલ મુંઝાયા. એ દરમિયાન એક દિવસ રાજા જ્યોર્જે ચર્ચીલને મળીને કહ્યું કે તમે લોકોનો મત કેમ નથી લેતા? 

ચર્ચીલ લંડનના ભુગર્ભમાં ચાલતી ટ્રેનમાં પહોંચ્યા, સામાન્ય લોકોને મળ્યા અને મત જાણ્યો. એ પછી તેઓ ફરી સંસદમાં આવ્યા અને જુસ્સાદાર ભાષણ કર્યું, જેનો સ્પષ્ટ સૂર હતો કે લડાઈ સિવાય કોઈ રસ્તે આપણે ચાલવાનું નથી. એ ભાષણ પછી સંસદમાં જે વિરોધીઓ હતા, પક્ષમાં જે વિરોધીઓ હતા એ પૈકીના મોટા ભાગના ચર્ચીલની પડખે ઉભા રહ્યા. હવે આર પારનો જંગ લડવાનો હતો એ વાતમાં કોઈ શંકા રહી ન હતી..

ફિલ્મ ૧૩મેથી લઈને ૨૮ મે સુધીના ગણ્યા-ગાઠયા દિવસનો જ ઘટનાક્રમ રજૂ કરે છે, પરંતુ સમગ્ર ઘટનાક્રમ રસપ્રદ છે. ચર્ચીલની ઈચ્છા હતી કે બ્રિટન ઝૂકશે નહીં. એ ઈચ્છા પૂરી થઈ. પાંચ વર્ષ જંગ પછી બ્રિટન જીતી ગયું. પરંતુ પછીનો સવાલ એ હતો કે જીતી જઈને શું મેળવી લીધું? એ જવાબ તો ઈતિહાસના પાનાં પર વિખરાયેલો પડયો છે. 

ચર્ચીલનો રોલ ખમતીધર એક્ટર ગેરી ઑલ્ડેમેને કર્યો છે, જે રોલ વખતે ૫૮ વર્ષના જ હતા. પરંતુ મેક-અપ એવી રીતે કરવામાં આવ્યો હતો કે ગેરી ઓળખવા મુશ્કેલ થઈ પડે છે. એટલે ફિલ્મ કુલ છ ઑસ્કર માટે નોમિનેટ થઈ હતી, તેમાંથી બે એવૉર્ડ મળ્યો હતો જેમાં એક તો મેક-અપનો હતો જ્યારે  બીજો બેસ્ટ એક્ટરનો હતો. 

આ ફિલ્મ 'ડાર્કેસ્ટ અવર' છે, જ્યારે ૨૦૧૧માં એક 'ધ ડાર્કેસ્ટ અવર' નામે સાયન્સ ફિક્શન ફિલ્મ પણ આવી હતી. એટલે નામની ભેળસેળ થવાની શક્યતા છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34FGWji
Previous
Next Post »