જીવનમાં હારી જવાય ત્યારે આપઘાત કરવાની વાત રહેવા દે ભાઈ ! મરવા માટે વધારે હિંમત જોઈએ !

- મૃદુલાએ મનમાંથી આપઘાતનો વિચાર ફેંકી દીધો. તે પીયર ગઈ. ભાઈઓને સમજાવ્યું કે મને ફરીથી ભણાવો. મારું જીવન બચાવવાનો એ જ રસ્તો છે.


રૂ પવતી અને યૌવનની છલકાતી મૃદુલા કોલેજમાંથી ભણીને બહાર આવી ત્યારે અનેક સ્વપ્નોથી ઉભરાતી હતી. પોતાને કેવો યુવાન ગમે છે તેની તેને ખબર હતી. પોતાના બાળકોને કેવા સંસ્કારી બનાવશે તેની તેને સમજ હતી. જે ઘરમાં પોતે ગૃહીણી તરીકે જવાની છે તેને કેવું સજાવશે તેનો તેને ખ્યાલ હતો.

મૃદુલાના માતા-પિતા પણ સંસ્કારથી શ્રીમંત હતા. તેમની આર્થિક પરિસ્થિતિ મધ્યમ વર્ગના માનવી જેવી હતી. પણ તેમના હૃદયની ઊચાઈ શ્રીમંત માનવી કરતા મોટી હતી.

મૃદુલાના લગ્ન તેના સ્વપ્નના રાજકુમાર સાથે થયેલા.

મૃદુલા નવા ઘરમાં પહોંચી ને ખુશ હતી.

ક્યારેક એવું બને છે કે જીવન જ્યારે સરસ રીતે ધપતું હોય ત્યારે જ અચાનક કુદરતનો ફટકો વાગે !

એક સાંજે મૃદુલાના પતિને એકસીડન્ટ થયો અને ત્યાં જ તેમનું અવસાન થયું.

મૃદુલા એકલી પડી ગઈ.

મૃદુલાના કમનસીબની તે સમયે શરૂઆત થઈ. તેના સાસુ-સસરા વગેરે ખરાબ બોલવા માંડયા. કહેવા લાગ્યા કે તે અપશુકનિયાળ છે ! જાતજાતના કડવા વચનો સાંભળીને મૃદુલા રડી રડીને અડધી  થઈ ગઈ. તેની સાથે હવે કોઈ નહોતું. તેની વાત સાંભળનાર કોઈ નહોતું. તેને સહારો આપનાર કોઈ નહોતું.

મૃદુલાના માતા પિતા પણ દુનિયામાં રહ્યા નહોતા. ભાઈઓ-બહેનો તેની સાથે નહોતા.

મૃદુલાને કોઈનો સહારો નહોતો. મૃદુલાની પાસે પૈસા પણ નહોતા. પતિ જે પૈસા મુકીને ગયો હતો તે સાસુ-સસરાએ આપવાની ના પાડી દીધી. મૃદુલાને શું કરવું તે સૂઝતું નહોતું.

મૃદુલા તન-મન-ધનથી એકલી પડી ગઈ હતી.

મૃદુલાને લાગવા માંડયું કે હવે આ સંસારમાં જીવીને કોઈ અર્થ નથી.

તેને થયું કે આ સંજોગોમાં હવે મૃત્યુનો સહારો તેના માટે બચ્યો છે. તેણે આપઘાત કરવો જોઈએ.

મૃદુલાએ વિચાર્યું કે કોઈ પોતાને સલાહ આપે તો સારું. પણ તેવું પણ કોઈ નજરે પડતું નહોતું.

મૃદુલા બજારમાં જઈને સાઈનોમાઈડ નામનો પાવડર લઈને આવી. તેણે ક્યાંકથી જાણેલું કે આ પાવડર પી લેવાથી મરી જવાય છે !

તે પોતાના રૂમમાં જતી રહી. રૂમ અંદરથી બંધ કર્યો. ઈશ્વરનું સ્મરણ કર્યું. તેને પાવડર ભરવા માટે એક કાગળના ટુકડાની જરૂર પડી. કાગળનો ટુકડો દેખાયો નહીં. કબાટ ખોલ્યું. કબાટમાં વર્ષો પહેલા જ્યારે તે ભણતી હતી. ત્યારે  જે નોટમાં પ્રોફેસરોએ લખાવેલું તેનું બંડલ નજરે પડયું.તેને બંડલની સૂતળી તોડી. એક નોટ બહાર ખેંચી કાઢી, તે પ્રો. બી પાઠક સાહેબના લેકચરની નોધની નોટબુક હતી. તે કાગળનો ટુકડો તેમાંથી ફાડવા ગઈ. તે સમયે તેની નજર એક વાકય પર પડી.

મૃદુલા તે સમયે ભૂતકાળમાં પહોંચી ગઈ. 

પ્રો. પાઠક સાહેબ ખૂબ પ્રેમથી ભણાવતા. વિગતવાર સમજાવતા. બધા જ સ્ટુડન્ટસ્ બરોબર ભણે તેનું ધ્યાન રાખતા. મૃદુલાની નજર નોટબુકના જે પાના ઉપર પડી તેમાં લખેલું હતું - આપઘાત એ કાયરતાનો માર્ગ છે. ડો. પ્રસાદ કવિની 'ધ્રુવ સ્વામી'ની ઉપર જે વિવેચન કરેલું તેની વિગતવાર તે નોંધ હતી.

મૃદુલા ધુ્રજી ગઈ.

તેણે તે વાક્ય વારંવાર વાચ્યું.

મૃદુલાએ મનમાંથી આપઘાતનો વિચાર ફેંકી દીધો. તે પીયર ગઈ. ભાઈઓને સમજાવ્યું કે મને ફરીથી ભણાવો. મારું જીવન બચાવવાનો એ જ રસ્તો છે. ભાઈઓએ તેને ટેકો આપ્યો.

તેણે બી.એ., બી.એડ., એમ.એડ.નો અભ્યાસ કર્યો. તે નાની સ્કૂલમાં શિક્ષિકા બની. આગળ વધીને માધ્યમિક સ્કુલની પ્રિન્સીપાલ થઈ. 

એક દિવસની વાત છે.

તેને થયું કે હવે પોતાની પાસે નાનકડું ઘર છે. પૈસાની થોડી આવક  થઈ છે. તેની બચત પણ ભેગી થઈ છે. ક્યારેક ક્યારેક તીર્થયાત્રાએ જઈએ તો પ્રભુના દર્શન પણ થાય અને મન પ્રસન્ન પણ થાય. તે હિંમત કરીને નીકળી પડી.

સ્ટેશને પહોંચીને તેણે ટિકીટ લીધી. પ્લેટફોર્મમાં દાખલ થઈ ત્યાં પ્રો. પાઠક સાહેબને ઉભેલા જોયા.

મૃદુલાને થયું કે જાણે સાક્ષાત તીર્થનું દર્શન થઈ ગયું. એ દોડતી પાઠક સાહેબ પાસે ગઈ. તેમના ચરણોમાં ઝુકી, જે પાઠક સાહેબે પોતાને ભણાવી હતી અને જે પાઠક સાહેબના વચનથી પોતે જીવતી હતી તેમના દર્શનથી જીવનની આ ક્ષણ પાવન થઈ રહી હતી. પાઠક સાહેબે તેને ન ઓળખી ત્યારે મૃદુલાએ પોતાનો પરિચય આપ્યો અને પોતાના જીવનની ઘટના કહી. પ્રો. પાઠક સાહેબની આંખમાં પણ ઝળઝળીયા આવી ગયા. 

તેમણે કહ્યું, 'બેટા, જીંદગીમાં હારતી નહીં અને તારી જ કથા કહીને નવી પેઢીના યુવાનોને જીવવાની પ્રેરણા આપજે ! કંઈ કામ પડે તો તારા બુઢ્ઢા બાપના ઘરે આવી ચઢજે !'

મૃદુલા તેમના ચરણમાં ઢળી પડી.

પ્રભાવના :

 'કેટલાક માણસનું મન ઘાસ જેવું હોય છે. જે પોતાની જાતને સંભાળી શકતું નથી. બીજાને છાયા પણ આપી શકતું નથી. કેટલાકનું મન ઝાડના ઠુંઠા જેવું હોય, જેમણે વિકાસ સાધી લીધો છે પણ મધુરતાના પાંદડા ખરી પડયા છે. કેટલાકનું મન વાદળ જેવું હોય છે. જે ખારા પાણીને મીઠું બનાવીને ધરતી પર વરસાવી દે છે અને કેટલાક માનવોનાં મન લતામંડપ જેવા હોય છે. જે સ્વયં તાપ સહન કરે છે અને બીજાને ઠંડક આપે છે.' 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jAVJA0
Previous
Next Post »