અ ર્વાચિન ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં અગણિત યોદ્ધાઓનું નામ થતાં જ આપણે ગૌરવ અનુભવીએ છીએ. આ પૈકી મહાત્મા ગાંધીએ સૂતેલા દેશને ઢંઢોળીને જાગ્રત કર્યોે. મહાત્મા ગાંધીની સફળતામાં તેમના અનેક સાથીદારોનો ફાળો મહત્વનો રહ્યો છે. આ સાથીદારોમાં સરદાર વલ્લભભાઇ પટેલનું સ્થાન અજોડ છે. સરદારની પ્રશંસા કરતાં મહાત્મા ગાંધી કહે કે, 'મને સરદાર ન મળ્યા હોત તો હું જે કાર્ય કરી શક્યો છું તે ન કરી શક્યો હોત.
' સરદાર આવી પ્રશંસાનો વિનમ્રતાથી જવાબ આપતાં કહેતા કે, 'મહાત્માજી તો રાજવૈદ છે. તેમણે દેશની બિમારી દૂર કરવા માટે દવા લખી આપી છે. હું તો તેનો ઓસડિયો છું. તેમણે આપેલી જડીબુટ્ટીઓ ઘસીને તમને પાઉં છું. '૧૯૫૦માં અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા નાગરિક સન્માન આપવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા લખવામાં આવ્યું કે, 'યત્ર યોગેશ્વરો ગાંધી, વલ્લભ ધનુર્ધર: તત્ર શ્રી વિજયો ભૂતિ: ધુ્રવા નીતિમતિર્મમ.' ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ છે ત્યારે તેમણે આપેલા વક્તવ્ય-લેખોમાંથી કેટલાક અંશ.
હિન્દુસ્તાન સેંકડો વરસથી અસાધ્ય રોગથી પીડાય છે. એ રોગની ચિકિત્સા કરનાર હજુ સુી કોઇ વૈધ મળ્યો નથી, અને જે મળ્યા છે તે મીઠી દવા આપનારા છે. મીઠી દવાથી કોઇ અસાધ્ય રોગ જાય નહીં. કેટલાકને તો લાગશે કે સરકારની સામે લડનાર આમ સલાહ આપે એ શું? પરંતુ તમે ખૂબ યાદ રાખજો કે તમારા રોગની ચિકિત્સા કરનાર અને તમને દવા આપનારના હૃદયના રગે રગે પ્રજાસેવા રહેલી છે. તમને એ લેવા જેવી લાગે તો લેજો.
- ખેડા સત્યાગ્રહની પૂર્ણાહૂતિ વખતે (૨૯ જૂન ૧૯૧૮)
સત્તાધિશોની સત્તા તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે જ્યારે મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી જ ખરો અમલ ચલાવે છે... ઇશ્વરના અસ્તિત્વ કરતાં બ્રિટિશ ન્યાયમાં વધારે આસ્થા રાખનાર આ દેશમાં પડેલા છે. કોઇ માણસ પથ્થરને હીરો માની લાંબા કાળ સુધી સાચવી રાખી ભીડને પ્રસંગે વટાવવા જાય અને પસ્તાય તેમાં પથ્થરનો શો દોષ? બ્રિટિશ ન્યાયમાં શ્રદ્ધા રાખવાથી અત્યારે આપણી આ દશા થઇ છે.
-ચોથી ગુજરાત રાજકીય પરિષદ (ઓગસ્ટ ૧૯૨૦)
એક વાત ધ્યાનમાં રાખવાની છે કે મરવાનું એક જ વખત છે. દરેકને માટે કાથી ને વાંસ સિવાય બીજું કંઇ છે જ નહીં. તમે કેમ ડરો છો?તમે એ વાત ભૂલી જાવ છો કે તમને અને મને પેદા કરનાર એક છે. તમે પવિત્ર થાઓ, એબ કાઢી નાખો તો તમારે કોઇથી ડરવાનું નથી. જે વખતે તમે નીડર થયા, તે જ વખતે તમે સ્વતંત્ર છો. જેમ જેમ લોકોમાંથી ડર જાય છે તેમ સરકારમાં ડર દાખલ થાય છે. જ્યારે લોકો નીડર થશે ત્યારે દેશ સ્વતંત્ર થઇ જશે. આપણે ડર કાઢીને બીજાને ડરાવીએ તેના જેવું એકે બીજું પાપ નથી, માટે તમે ઇશ્વરનો ડર રાખો. જેમના પગમાં જંજીર છે, તેનાથી કેવી રીતે પોતાના ધર્મનું રક્ષણ થઇ શકે?
- મોડાસામાં જાહેરસભા
(માર્ચ ૧૯૨૧)
આપણે એવું સ્વરાજ્ય ઇચ્છીએ છીએ કે જેમાં સૂકા રોટલાના અભાવે સેંકડો માણસો મરતાં નહીં હોય. આપણા વિચારનું અને શિક્ષણનું વહન પરદેશી ભાષા નહીં હોય. મોટા અમલદારોના અને નાના નોકરોના પગારની વચ્ચે આભજમીનનું અંતર નહીં હોય. ઇન્સાફ અતિશય મોંઘો અને અને લગભગ અશક્ય જેવો નહીં હોય.
-પાંચમી ગુજરાત રાજકીય પરિષદ (મે ૧૯૨૧)
કોઇ સુધરેલી સરકાર પ્રજાની સંમતિ સિવાય રાજ કરી શકે નહીં. અત્યારે તો તે આંખે પાટા બાંધી રાજ કરવા માગે છે... ગુજરાતી પ્રજાને હું તેજસ્વી જોવા ઇચ્છું છું. બીજા કોઇ પણ જેટલા બહાદુર થઇ શકે તેટલો ગુજરાતી પણ થઇ શકે. માત્ર તેણે પોતાના માન ખાતર મરતાં શીખવું જોઇએ. હું ગુજરાતીઓને કહું છું કે શરીરે તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘ-સિંહનું રાખો. સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો. કોઇ તમને અંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો.
-બારડોલી સત્યાગ્રહ (૧૯૨૮)
કાઠિયાવાડની રેલવેની સ્થિતિ વેશ્યા જેવી છે. એનો કોઇ ખરો ધણી નથી અને ભોગવટો કરનારા અનેક છે. અજાણ્યો મુસાફર આ દેશમાં રેલવે મુસાફરી કરવા નીકળે તો વગર પૂછયે કાઠિયાવાડ ક્યાંથી શરૂ થાય તે તેની રેલવેમાં પગ મૂકતાં જ ઓળખી શકે એટલી દુર્દશા છે. અંત્યજોને રેલગાડીમાં મુસાફરી કરતાં ભારે ત્રાસ વેઠવો પડે છે. નબળાનું રક્ષણ કરવું રાજ્યનો ધર્મ છે, સબળા તો પોતાનું રક્ષણ જાતે જ કરી શકે છે. હું તો ખેડૂત રહ્યો, એક ઘા એ બે કટકા કરવાની મારી જન્મની ટેવ છે.
-કાઠીયાવાડ રાજકીય પરિષદ (એપ્રિલ ૧૯૨૯)
વકીલ અને કોર્ટની પાસે જવું તેના કરતાં જમરાજાને ત્યાં જવું બહેતર છે. દુનિયામાં ભગવાનને નામે જેટલા જૂઠાણાં અદાલતોમાં બોલાય છે તેટલા બીજે ક્યાંય ન બોલાતા હશે.
-નવજીવન (૨૯-૯-૧૯૨૯)
કમનસિબે આજે એક વર્ગ એવું માનતો થઇ ગયો છે કે છાપામાં લેખ લખવાથી ઝટ નેતા થઇ શકાય, પબ્લિસિટી કર્યાથી આગળ વધી શકાય. પરંતુ એ બધા પડવાના રસ્તા છે. જે માણસ સિપાઇગીરી નથી જાણતો તે સેનાપતિ થઇ શકતો નથી. જે માણસ અદ્ધર ચઢે છે તેને પડવાનો પણ ભય છે પણ જે જમીન પર ચાલે છે એને ભય નથી. તાત્કાલીક નેતા બની જવા માટેનું કોઇ સ્થાન નથી પણ પગથિયે પગથિયે ચાલનાર માટે મોટો અવકાશ છે.
-પ્રજાબંઘુ (ફેબ્આરી ૧૯૩૯)
પોલીસમાં સારા માણસો આવતા નથી એ ગુજરાતની મોટામાં મોટી એબ છે. સારા માણસો પોલીસમાં ભરતી નહીં થાય તો અંધાધૂંધી થવાની છે.
-ખેડા જિલ્લામાં (એપ્રિલ ૧૯૪૭)
કેટલાક અત્યારે ગોરક્ષાની વાત કરવા મંડયા છે. આજો તો બાળકો-સ્ત્રીઓ-વૃદ્ધોનું રક્ષણ થતું નથી ત્યાં ગોરક્ષાની તો વાત જ શી? જે મુલકમાં ગાયોની કતલ કરવાની બાધ નથી ત્યાં જેવી હૃષ્ટપુષ્ટ ગાયો જોવામાં આવે છે એવી અહીં નથી જોવામાં આવતી. ખરેખરી ગોરક્ષા કરવી હોય તો ગાયને બરાબર પાળતા શીખો.
-દિલ્હીના રામલીલા મેદાન ખાતે (ઓગસ્ટ ૧૯૪૭)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e0ACG9
ConversionConversion EmoticonEmoticon