ગરબો કોણે રે કોરાવ્યો કે નંદજીના લાલજી રે લોલ
ગરબો ઈશ્વરે કોરાવ્યો કે નંદજીના લાલજી રે લોલ
ગરબે હાલક હૂલક હીરા કે નંદજીના લાલજી રે લોલ
ગરબે રમે સુભદ્રાના વીરા કે નંદજીના લાલજી રે લોલ
ગરબે રૂપાનાં માદળિયાં કે નંદજીના લાલજી રે લોલ
ગરબે સોનાનાં સાંકળિયાં કે નંદજીના લાલજી રે લોલ
ગરબો... ભાઇએ કોરાવ્યો કે નંદજીના લાલજી રે લોલ
ગરબે રમે ... બેનના વીરા કે નંદજીના લાલજી રે લોલ
આ દ્યશકિતનાં ગુણગાન ગાતા ગરબા ને એવાં અનેક ભાવગીતોની આપણાં ભકતકવિઓએ રચના કરી છે. વલ્લભ ભટ્ટ કે વલ્લભ મેવાડાના ગરબા વિખ્યાત છે તો દયારામની ગરબી ખૂબ જાણીતી છે પણ અસંખ્ય રચનાઓ એવી મળે છે જેના સર્જક અજ્ઞાાત છે એટલે કે એ લોકગીત જેવી કૃતિઓ છે, જે કોઇકનું તો સર્જન છે જ પણ કોનું? કયારનું? એની કોઇ જ વિગતો આપણી પાસે નથી હોતી.
'ગરબો કોણે રે કોરાવ્યો...' આવી જ લોકરચના છે, જેમાં ઈશ્વરે કોરાવેલા ગરબાની વાત છે. ગરબો શોભાયમાન છે કેમ કે તેમાં ઠેરઠેર હીરા જડેલા છે, સોનાનાં સાંકળિયાંથી સજજ ધજજ છે. આમ તો નવરાત્રિ દરમિયાન આપણે માટીનો ગરબો પધરાવીએ છીએ, કોઇ વળી ધાતુનો ગરબો મુકે છે પણ અહીં જેનો ઉલ્લેખ છે એવા હીરા અને સોને મઢેલા ગરબા વાસ્તવમાં કોઇ સ્થાપિત કરતું હશે ખરું? આ ગીતમાં હીરા અને સોને જડેલા ગરબાનો ઉલ્લેખ વાજબી જ છે કેમ કે આ ગરબો ઇશ્વરે કોરાવ્યો છે, પછી એમાં શું ઘટે? ગરબે રમવા સુભદ્રાના વીર શ્રીકૃષ્ણ ખુદ આવવાના હોય તો ગરબો પણ એને અનુરૂપ હોય ને...!
બાલિકાઓ, કિશોરીઓ કે યુવતીઓ આ ગરબો ગાય એમાં પ્રારંભે કૃષ્ણને ગરમે રમવા નોતરું આપે પણ પછીના દરેક અંતરામાં જે તે ઘરની દીકરીનું કે પોતાની સખીનું નામ લઇ એના ભાઇને ગરબે રમવા આમંત્રિત કરે છે ને એમ ગરબો ચગાવાય છે. અહીં દરેક બેનને સુભદ્રા અને વીરાને શ્રીકૃષ્ણ માનીને એક સામાન્ય ગીતનાં ગાનને ઉપાસના બનાવી દેવામાં આવે છે.
અર્વાચીન રાસગરબાના હજારો વોટના અવાજમાં આવા એકલદોકલ પ્રાચીન ગરબા-ભાવગીતો ઝઝુમી રહયાં છે. આ બધાં એ ગીતો છે જે માથે ગરબો લઇને ઘરે ઘરે ઘૂમતી બાલિકાઓ ગાય છે અથવા પ્રાચીન ગરબીમાં ગવાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35oMSvW
ConversionConversion EmoticonEmoticon