
પોતાની જાત પર હસવું, પોતાની મજાક ઉડાવવામાં આવતી હોય તેને હસી કાઢવું બહુ કપરું છે. ગણ્યા ગાંઠયા લોકો માંડ પોતાના ઉપર હસી શકતા હોય છે. જાણીતી અભિનેત્રી રૂપલ પટેલ દત્તા તેમાંની એક છે. 'સાથ નિભાના સાથિયા'નું તેનું 'કોકિલાબેન'નું પાત્ર મીમ્સ બનાવનારાઓમાં ખાસ્સું પ્રિય છે. આમ છતાં રૂપલ પટેલ દત્તાને ક્યારેય આ વાતનું ખોટું નથી લાગ્યું. બલ્કે તે આવી મજાકને એકદમ હળવાશથી લે છે. ઈન્ટરનેટ પર હમણાં ચાલી રહેલું 'ગોપી બહુ' મેશઅપ શરૂ કરનાર યશરાજ મુખાટેનો પણ તેણે સંપર્ક કર્યો હતો.
અભિનેત્રીએ કહ્યું હતું કે તમારી આજીવન કારકિર્દીમાં તમને આવી ભૂમિકા ભજવવાની તક ભાગ્યે જ મળે. મારા માટે આ પાત્ર જીવનભરનું સંભારણું છે. ખરેખર તો મને આ ભૂમિકા ભજવવાનો મોકો આપવા બદલ હું આ શોના સર્જકો અને ચેનલની ઋણી છું. દર્શકોને 'કોકિલાબેન'નું કિરદાર તેના સતાવાહી સ્વર, સચ્ચાઈ જેવા વિવિધ કારણોસર પસંદ છે. તે તેની ઉત્તર- દક્ષિણ ધુ્રવ જેવી બે વહુઓ વચ્ચે પણ કેટલું સરસ સંતુલન સાધે છે. વળી આ શોમાં રહેલી સાદગી પણ દર્શકોના હૃદયને સ્પર્શે છે.
આજની તારીખમાં ભાગ્યે જ કોઈ કલાકાર એવા હશે જે સોશ્યલ મીડિયા પર જોવા ન મળે. પરંતુ રૂપલે હજી આ પ્લેટફોર્મ પર પદાર્પણ નથી કર્યું. તે કહે છે કે હું મારું ચિત્ત કામ પરથી સોશ્યલ મીડિયા પર મળતી સારી- નરસી કમેન્ટ્સ પર સ્થિત કરવા નથી ઈચ્છતી. પરંતુ મારા કેટલાંક મિત્રો અને આપ્તજનો મને ફોટા અને વિડિયો મોકલતા ંરહે છે. મારી સહઅભિનેત્રી રિયા શર્માએ મને એક વિડિયો મોકલ્યો હતો. તેમાં મને ગાતી બતાવવામાં આવી હતી તે જોઈને મને અચંબો થયો હતો. મારા શોમાં મેં ક્યારેય ગાયું નહોતું પણ પરત જ મને ધ્યાનમાં આવ્યું તેમાં મારા ડાયલોગ્સનો વિડિયો જોઈને મેં મારાં કેટલાંક મિત્રોને યશરાજનો નંબર મેળવી આપવાની વિનંતી કરી હતી અને પછી મેં તેને ફોન કરીને આભાર વ્યક્ત કર્યો હતો.
અભિનેત્રીએ કહ્યું હતું કે મારા આ પાત્ર પર મીમ્સ બનાવવામાં આવ્યાં તેમાં મને કાંઈ ખોટું નહોતું લાગ્યું. દર્શકો વિવિધ રીતે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતાં હોય છે. તેથી મને તેમાં માઠું લગાડવાનો પ્રશ્ન જ નહોતો આવતો. મને તો એ વાતની ખુશી છે કે લોકોએ હજી મારી આ ભૂમિકાને યાદ રાખી છે અને મીમ્સ બનાવવામાં કોઈને ઉતારી પાડવાનો ઈરાદો નહતો.
શૈફાલી જરીવાલાને પ્રથમ બાળક દત્તક લેવાની ઈચ્છા
શેેફાલી જરીવાલાએ અગાઉના વર્ષોમાં અને ગયા વર્ષે પણ પ્રાથમિક તબક્કામાં વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બોસ'માં આવવાની ના પાડીને છેવટે વાઈલ્ડ કાર્ડથી આ શોમાં પ્રવેશ લીધો હતો. ત્યારબાદ ૧૭ સપ્તાહ સુધી તેને આ શોમાં રહેવોની તક મળી હતી. ૧૭ અઠવાડિયા પછી તે તેમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. પરંતુ આ સમય દરમિયાન તેની હાજરીની નોંધ લેવાઈ. માત્ર તેના સહસ્પર્ધકો કે સંચાલક સલમાન ખાને જ નહીં, દર્શકોએ પણ આ ડાન્સર- એકટ્રેસની નોંધ લીધી. મહત્ત્વની વાત એ છે કે આટલો સમયસુધી આ શો માટે 'બિગ બોસ'ના ઘરમાં લોક રહેલી શેફાલીને તાજેતરનું લોકડાઉન ઝાઝું આકરું નહોતું લાગ્યું. તેણે કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે તાળાબંધી દરમિયાન હું મારા પરિવારજનો સાથે છું. મારી પાસે ફોન અને ટી.વી. જેવી બધી સુવિધાઓ છે. બાકી શોમાં તો અમને કાગળની એક ચબરખી પણ નહોતી મળતી.
આ રીઆલિટી શો વખતનો અનુભવ શેફાલીને હમણાંના લોકડાઉન દરમિયાન ખપ લાગ્યો, તે કહે છે કે ત્રણ અઠવાડિયા સુધી કેમેરા સામે રાંધવા કે બાથરૂમ સાફ કરવા જેવા કામો કર્યા પછી મને કોઈ કામની શરમ નથી રહી. વળી હું તેમાં ઘરની કેપ્ટન બની ત્યારબાદ અન્યોને કામ સોંપતા પણ શીખી ગઈ. તાજેતરની તાળાબંધી દરમિયાન હું મારા પતિને પણ કેટલાંક કામ સોંપતી.
આ શોમાં શેફાલીએ બાળક દત્તક લેવાની પોતાની ઈચ્છા જાહેર કરી હતી. તે કહે છે કે હું માત્ર ૧૦ વર્ષની હતી ત્યારે મેં એક અનાથાશ્રમની મુલાકાત લીધી હતી. તે વખતથી મેં એક બાળક દત્તક લેવાનું નક્કી કર્યું હતું. મારા અને પરાગ ત્યાગીના લગ્નને પાંચ વર્ષ થયા ત્યારથી બધા જાણે કે બાળકની માગ કરવા લાગ્યા હતાં. તે વખતે મેં મારા પતિ સમક્ષ બાળક દત્તક લેવાની ઈચ્છા પ્રગટ કરી. જોકે પ્રારંભિક તબક્કામાં તેને અને અમારા કુટુંબીજનોને આ વાત સમજાવવામાં મને ઘણી તકલીફ પડી. પણ છેવટે બધા માની ગયા.
જોકે લોકડાઉનને કારણે તેની બાળક દત્તક લેવાની પ્રક્રિયા વિલંબમાં પડી તેથી તે થોડી દુ:ખી છે.પરંતુ તે કહે છે કે હું આ બાબતે હજી સકારાત્મક છું અને જો અમે બીજું સંતાન ઈચ્છીશું તો તે અમારું પોતાનું હશે.
જોકે હમણાં તો શેફાલી મ્યુઝિશિયન મિત્ર મિકા સાથે એક મ્યુઝિક વિડિયો બનાવવામાં વ્યસ્ત છે. તે કહે છે કે મિકાએ મને 'હોંઠોં પે બસ...'નું રીમિક્સ વર્ઝન મોકલ્યું હતું અને મને સાથે કામ કરવાનું કહ્યું હતું. મને તે ગમ્યું. તેથી મિકાએ તાળાબંધીમાં પણ તેનું શૂટિંગ કરવાની વ્યવસ્થા કરી લીધી. મેં તે ગાવનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ વાત જામી નહીં.
શેફાલીને ફિલ્મો અને ટી.વી. પર અભિનય કરવાની ઘણી ઓફરો આવે છે. પરંતુ તે તેમાં રસ નથી લેતી. શેફાલી કહે છે કે આ ક્ષેત્રે મેં ખાસ કામ નથી કર્યું. તેથી હું સ્ટેજ શો જ કરવા માગું છું. બલ્કે તે તેના પિતાના કહેવાથી આગળ ભણવા પણ માગે છે. ડાન્સર કહે છે કે તરૂણ વયની બધી છોકરીઓની જેમ હું પણ ટી.વી. પર દેખાવા માગતી હતી. વળી પોકેટ મની કમાવવાની લાલચ પણ ખરી. પરંતુ શિક્ષિત પરિવારની પુત્રી હોવાને નાતે હું અભ્યાસ ચોડી દેવા નહોતી માગતી. તેથી મેં મારો કમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો કર્યો અને હવે કદાચ એમબીએ પણ કરું. જોકે મને કોમેડી શો કરવાની પણ ઈચ્છા છે. મૂળે મારો સ્વભાવ રમૂજી છે તેથી હું કોમેડી કરવા માગું છું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gXFRWL
ConversionConversion EmoticonEmoticon