
તાજેતરમાં જ મહાન સાહિત્યકાર, નોબેલ પ્રાઈઝ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની ૭૯મી પૂણ્યતિથિ ગઈ. પરંતુ આજે પણ તેમના સાહિત્યમાંથી પ્રેરણા લઈને ફિલ્મો, નાટકો ઈત્યાદિ બનાવવાનો સિલસિલો જારી છે. આનું કારણ એ છે કે રવિન્દ્રનાથ ટાગોર સમયની પેલે પાર જોઈ શકતા. તેમની કૃતિઓ દરેક સમયમાં પ્રસ્તુત ગણાતી અને ગણાય છે. હિન્દી ફિલ્મોદ્યોગે પણ તેમની રચનાઓ પરથી ફિલ્મો બનાવી છે. કેટલીક ફિલ્મોને તેમની કૃતિમાં કોઈપણ જાતનો ફેરફાર કર્યા વિના બનાવવામાં આવી છે. જ્યારે કેટલીક રચનાઓમાં કમર્શિયલ દ્રષ્ટિકોણથી ફેરફાર કરવામાં આવ્યો છે. અલબત્ત, તેનું હાર્દ એ જ રહ્યું છે. આજે આપણે રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્ય પરથી બનાવવામાં આવેલી કેટલીક ફિલ્મો પર નજર નાંખીએ.
* બલિદાન (૧૯૨૭):
ટાગોરના સાહિત્ય પરથી બનેલી સૌપ્રથમ ફિલ્મ 'બલિદાન' મુંગી ફિલ્મ હતી. વિઠલ, સુલોચના (રૂબી માયેર્સ), ઝુબૈદા, સુલતાના, જાલ ખંભાતા અને જાની બાબુને રજૂ કરતી આ ફિલ્મનું દિગ્દર્શન નવલ ગાંધીએ કર્યું હતું. ૧૮૯૦ના નાટક 'વિસર્જન' પરથી બનાવવામાં આવેલી આ મૂવીમાં કાલ્પનિક રાજ્ય 'ટિપેરા'માં પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા રાજા અને પરંપરાગત વિચારો ધરાવતા ધર્મગુરુઓના કહાણી વણી લેવામાં આવી છે.
* મિલન :૧૯૪૬):
રવિન્દ્રનાથ ટાગોરની રચના પરથી બનેલી આ સૌથી પહેલી હિન્દી ફિલ્મ હતી. બંગાળી કહાણી 'નૌકાડૂબી' પરથી બનાવવામાં આવેલી આ મૂવીમાં દિલીપકુમાર, મીરા મિશ્રા, રંજના, પહારી સાન્યાલ, મોની ચેટરજી જેવા કલાકારોને લેવામાં આવ્યાં હતા. સમગ્ર કહાણી કાયદાનું શિક્ષણ લેતા એવા યુવાનને વર્ણવતી હતી જે કોઈક યુવતીના પ્રેમમાં હોવા છતાં તેના લગ્ન પરાણે અન્ય કન્યા સાથે કરાવી દેવાય છે. પછીથી ખબર પડે છે કે દુલ્હનને ઓળખવામાં ભૂલ થઈ ગઈ છે. છેવટે તેના પતિની શોધ આદરવામાં આવે છે.
* ઘૂંઘટ (૧૯૬૦):
ફિલ્મ સર્જક રામાનંદ સાગરે રવિન્દ્રનાથ ટાગોરની રચના 'નૌકાડૂબી' પરથી જ આ મૂવી બનાવી હતી. આ સિનેમામાં ભારતભૂષણ, બીલા ચીટણીસ, પ્રદીપકુમાર, બીના રાય, આશા પારેખ, હેલન, રાજેન્દ્રનાથ રહમાન અને આગ્રા જેવા જાણીતા કલાકારોને લેવામાં આવ્યા હતા.
* કાબૂલીવાલા (૧૯૬૧):
આ સિનેમા રવિન્દ્રનાથ ટાગોરની આ નામની જ કૃતિ પરથી બનાવવામાં આવ્યું હતું. બલરાજ સાહની, ઉષાકિરણ, સજ્જન, સોનુ અન ેબેબી ફરીદાને રજૂ કરતી આ મૂવીની કહાણી ડ્રાયફ્રૂટ વેંચતા એક એવા ફેરિયાની મનોદશા વર્ણવે છે જે પેટિયું હળવા ભારત આવે છે. જ્યારે તેની વહાલસોઈ દીકરી અફઘાનમાં રહેતી હોય છે. તેને બેબી ફરીદામાં પોતાની પુત્રી દેખાય છે. આ બાળકી પણ તેની સાથે એટલી જ સરસ રીતે ભળી જાય છે.
* ડાક ઘર (૧૯૬૫):
રવિન્દ્રનાથ ટાગોરના ૧૯૧૨માં લખાયેલા નાટક પરથી બનાવવામાં આવેલી આ ફિલ્મમાં 'અમલ' નામના બાળકની કહાણી વણી લેવામાં આવી છે. ફિલ્મમાં સચિન, મુકરી, એ.કે. હંગલ, સુધા અને સત્યેન કપ્પુ જેવા કલાકારોને લેવામાં આવ્યા હતા. બલરાજ સાહની અને શર્મિલા ટાગોરે તેમાં કેમીઓ કર્યો હતો.
* ઉપહાર (૧૯૭૧):
જયા બચ્ચન, સ્વરૂપ દત્ત અને કામીની કૌશલને ચમકાવતી આ મૂવી ટાગોરની ટૂંકી વાર્તા 'સમાપ્તિ' પરથી બનાવવામાં આવી હતી. તેમાં જયા બચ્ચને બાળકબુધ્ધિ 'મીનૂ'ની ભૂમિકા ભજવી હતી. તેનામાં લગ્ન કોને કહેવાય તેની બિલકુલ ગતાગમ નહોતી કે નહોતી તેનામાં લગીરેય પરિપકવતા, આમ છતાં તેને પરણાવી દેવામાં આવે છે. આ સિનેમાને ૪૫મા 'એકેડમી એવોર્ડસ'ના બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ' માટેની ભારતીય મૂવી તરીકે મોકલવામાં આવી હતી.
* લેકિન (૧૯૯૧):
આ ફિલ્મ 'ક્ષુધિત પાષાણ' પરથી બનાવવામાં આવી હતી. ફિલ્મ સર્જક ગુલઝારે આ રહસ્યમય મૂવીમાં વિનોદ ખન્ના, ડિમ્પલ કાપડિયા, અમજદ ખાન, આલોકનાથ, બીના બેનરજીને લીધાં હતાં. જ્યારે હેમા માલીનીએ તેમાં કેમીઓ કર્યો હતો.
* બાયોસ્કોપવાલા (૨૦૧૮):
'કાબૂલીવાલા' પરથી બનેલી વધુ એક ફિલ્મ એટલે 'બાયોસ્કોપવાલા' ડેની ડેન્ઝોંગ્પાને મુખ્ય પાત્રોમાં રજૂ કરતી આ ફિલ્મમાં પેટિંયુ રળવા ભારત આવેલા અફઘાનીને અગાઉની જેમ ડ્રાયફ્રુટ વેંચતો નહીં, બલ્કે બાળકોને બાયોસ્કોપ બતાવતો દર્શાવવામાં આવ્યો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lP0hVG
ConversionConversion EmoticonEmoticon